કાંટા ઓ ફૂલ (1958) : (કાંટા અને ફૂલ) ગોદાવરીશ મહાપાત્રનો અર્વાચીન ઊડિયા કાવ્યસંગ્રહ. આ સંગ્રહની કવિતા રંગદર્શી હોવા છતાં એમાં કવિનો ઉત્કટ રાષ્ટ્રપ્રેમ સુચારુ રીતે વ્યક્ત થયો છે. એમણે મોટેભાગે બોલાતી ભાષાનો અને લોકબોલીનો ઉપયોગ કર્યો છે. જોકે, એમાંની મોટાભાગની કવિતા વ્યંગપૂર્ણ છે. વ્યંગોક્તિઓ દ્વારા કવિએ માનવની સામાજિક નિર્બળતા, નેતૃત્વવિહીનતા તથા વ્યક્તિની નિ:સહાયતાનું અસરકારક રીતે નિરૂપણ કર્યું છે. એમાં વ્યક્તિગત જીવનનો ઉલ્લેખ તો છે જ, પરંતુ સાથે સાથે સામાજિક સ્થિતિનો સંકેત પણ છે.

સાંપ્રતકાલીન જીવનમાં કરુણતા કે વ્યથા જ છે એવું નથી; તેની ઊજળી બાજુઓ પણ તેમણે એમાં દર્શાવી છે. સાંપ્રતકાલીન જીવનનાં આ બંને પાસાંનું ઇંગિત એમણે કાવ્યના શીર્ષક ‘કાંટા ઓ ફૂલ’ દ્વારા કર્યું છે. એમાં કાંટા છે, તો સુરભિત કુસુમો પણ છે. તે હસતાં હસતાં અનેક સત્યો કહી દે છે.

એમની રાષ્ટ્રપ્રેમની કવિતામાં એમનું વીરરસ પરનું પ્રભુત્વ ર્દષ્ટિએ પડે છે. તે કાવ્ય દ્વારા યુવાપેઢીમાં વિદ્રોહના સૂર જગાડે છે. એમાં ગીતો છે તથા છંદોબદ્ધ કાવ્યો પણ છે. ઊડિયા હાસ્યવ્યંગની કવિતામાં ‘કાંટા ઓ ફૂલ’નું સ્થાન ઊંચું ગણાય છે.

જાનકીવલ્લભ મોહન્તી