કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ

January, 2006

કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ (જ. 1 નવેમ્બર 1880, વડોદરા; અ. 15 નવેમ્બર 1933) : જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરગોવિંદદાસના સુપુત્ર. પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં લીધેલું. ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા.

મિલ-એજન્ટનો વ્યવસાય હોવા છતાં સાહિત્યિક સંસ્કારવારસાને કારણે કિશોરાવસ્થાથી સાહિત્યપ્રીતિ. તેમણે ‘સાહિત્ય’ (1914) નામનું માસિક આશરે વીસ વર્ષ સુધી ચલાવ્યું. તે દ્વારા ગ્રંથાવલોકનની ઉત્તમ પરંપરા ઊભી કરી, ચર્ચાપત્રો છાપવાની એક કેડી કંડારી આપી તથા વિવિધ વિષયો પરના મુદ્દાસર, સ્પષ્ટ, તટસ્થ, સર્વગ્રાહી તંત્રીલેખો દ્વારા સાહિત્યિક ઊહાપોહ માટેનું વાતાવરણ સર્જી આપ્યું.

તેમણે ‘વીતકવાતો’ (1920) અને ‘સંસારલીલા’ (1932) વાર્તાસંગ્રહોમાં જીવનનાં વિલક્ષણ ચિત્રો આકર્ષક શૈલીમાં આલેખ્યાં છે. ‘નારદ’ ઉપનામથી લખાયેલી તેમની વાર્તાઓએ ટૂંકી વાર્તાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. નરસિંહરાવે પ્રેમાનંદનાં નાટકો વિશે ‘વસન્ત’માં જે વિવાદ જગાવેલો તેનો અસ્તિપક્ષે આપેલો સુદીર્ઘ પ્રત્યુત્તર એટલે મટુભાઈનું ‘પ્રેમાનંદનાં જ નાટકો’ (1928) નામનું પુસ્તક. તેમનું સરળ છતાં સ્પષ્ટ વક્તૃત્વવાળું અર્થવાહક અને લોકભોગ્ય ગદ્ય નોંધપાત્ર છે.

લવકુમાર દેસાઈ