કરણઘેલો (1866) : લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે.

પાટણનો રાજા કરણ વાઘેલો એના પ્રધાન માધવની પત્ની રૂપસુંદરીને જોઈ એની પર મુગ્ધ થાય છે અને માધવને કોઈ બહાને પરગામ મોકલી એના ઘર પર હલ્લો કરીને રૂપસુંદરીનું હરણ કરે છે. એમાં માધવનો ભાઈ કેશવ લડતાં માર્યો જાય છે અને કેશવની પત્ની ગુણસુંદરી સતી થાય છે. સતી થતી વખતે તે કરણને શાપ આપે છે કે એનો સર્વનાશ થશે. માધવ એનું વેર લેવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ પર ચઢાઈ કરવા પ્રેરે છે. કરણ પાટણ છોડીને ભાગે છે. અલાઉદ્દીન એની પત્નીને લઈ જાય છે. પાછળથી એની પત્ની એની છોકરીને પણ તેડાવે છે. કરણનું અપમૃત્યુ થાય છે. આ ઐતિહાસિક ઘટનાઓમાં લેખકે સમકાલીન વાતાવરણને વણ્યું છે અને પ્રસંગો અને પાત્રોનું ઉમેરણ કર્યું છે. એ પ્રથમ નવલકથા હોવાથી એમાં થોડી કચાશ છે. છતાં પ્રસંગવર્ણન તથા પાત્રનિરૂપણમાં લેખકની વૈયક્તિક શક્તિઓ દેખાય છે. આ નવલકથા લખવાનો હેતુ ‘વ્યભિચારની હાર અને મગરૂબીનો માર, પાપનો ક્ષય અને ધર્મનો જય’ આલેખવાનો છે. એમાં એમને થોડેવત્તે અંશે સફળતા મળી છે એમ કહી શકાય. ગુજરાતી ગદ્ય કથન અને વર્ણનમાં અહીં ઘડાતું જાય છે. નવલકથાલેખનના પ્રથમ પ્રયાસ તરીકે એનું સાહિત્ય ઇતિહાસમાં સ્થાન છે.

મણિલાલ હ. પટેલ