કરણ : આયુર્વેદ અનુસાર જે સાધનો વડે વૈદ્ય ચિકિત્સા કરે તે. વ્યાકરણની ર્દષ્ટિએ ક્રિયાવ્યાપારમાં ઉપકારક સાધન તે કરણ. ‘क्रियते अनेन इति करणम्’ એ વ્યુત્પત્તિપરક વ્યાખ્યા કરણ સામાન્યના અર્થમાં છે. વસ્તુત: ક્રિયાપ્રક્રમનું જે અસાધારણ કારણ તે ‘કરણ’ છે. ચિકિત્સાનો આરંભ કરતા પહેલાં વૈદ્યને જે જ્ઞાન હોવું જોઈએ તેમાં પ્રથમ ‘કારણ’ એટલે કે રોગની ઉત્પત્તિનું કારણ અને બીજું ‘કરણ’ – જે સાધનો વડે વૈદ્ય ચિકિત્સા કરે તે, એમ કહી કારણ અને કરણનો ભેદ આયુર્વેદમાં બતાવાયો છે. ચરકે કરણની સમજૂતી આપતાં કહ્યું છે : ‘કાર્યની સિદ્ધિ માટે પ્રયત્ન કરતાં વૈદ્યને જે ઉપકરણ કે સાધન ઉપકારક થાય તે કારણ કે માધ્યમ.’

રોગશાંતિ માટે વપરાતાં અચેતન – જડ દ્રવ્યો ચિકિત્સામાં ઉપકરણ તરીકે વપરાય છે. ભિષગ્ (વૈદ્ય), દ્રવ્ય (ઔષધ), ઉપસ્થાતા (પરિચારક કે કંપાઉન્ડર) અને રોગી – એ ચાર જો ગુણવાન હોય તો તે રોગશમનનાં કારણ બને છે. તેમાં ઔષધ એ ‘કરણ’ છે. અર્થાત્ વિશિષ્ટ પ્રકારની ક્રિયા દ્વારા કાર્ય સિદ્ધ કરવામાં જે અનિવાર્યપણે સાધક કારણ હોય તે ‘કરણ’ કહેવાય. આથી જ ચરકે કહ્યું છે કે આયુર્વેદ અનુસાર ભેષજ એ જ કરણ છે. જ્ઞાનોત્પત્તિ જે આત્માનું કર્મ છે, તે માટેનાં સાધનો મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે પણ ‘કરણો’ છે.

કરણ અથવા ભેષજના (1) દેવવ્યપાશ્રય એટલે દેવ પર આધારિત અને (2) યુક્તિવ્યપાશ્રય એટલે યુક્તિ પર આધારિત એમ બે પ્રકાર છે. મંગલક્રિયા, બલિદાન, ઉપહાર (ભેટ), હોમ, નિયમ, પ્રાયશ્ચિત્ત, ઉપવાસ, દાન, સ્વસ્તિવાચન, પ્રણિપાત (પ્રણામ) વગેરે દેવવ્યપાશ્રય ભેષજ એટલે કે દૈવ – અષ્ટના વ્યપાશ્રયે – આધારે જે ધાતુસામ્યરૂપ ઉપચાર કરે તે દેવવ્યપાશ્રય ઔષધ કહેવાય અને સંશોધન (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય અને રક્તમોક્ષણ) દ્વારા દોષ-સંશમન થાય તે યુક્તિવ્યપાશ્રય ભેષજ કહેવાય. અદ્રવ્યભૂત – સમજાવટ, ભય, વિસ્મય વગેરે અને દ્રવ્યભૂત દ્રવ્યો-ઔષધો દ્વારા ઉપચાર થાય છે તેમાં અમુક પ્રકૃતિવાળું, અમુક ગુણોવાળું, અમુક પ્રભાવવાળું, અમુક દેશમાં ઉત્પન્ન થયેલું, અમુક ઋતુમાં ગ્રહણ કરેલું, અમુક રીતે સાચવી રાખેલું, અમુક રીતે તૈયાર કરેલું, અમુક માત્રા કે પ્રમાણવાળું, અમુક વ્યાધિમાં, અમુક રોગીના અમુક દોષોને દૂર કરે તેવું દ્રવ્ય તે ‘કરણ’. આવું ઔષધ વધારે પ્રમાણમાં ન લેવાય, અમુક રોગમાં જ લેવાય, વિવિધ કલ્પોમાં ચૂર્ણ, ક્વાથ વગેરે સ્વરૂપે મળે તેવું હોવું જોઈએ અને ગુણસંપન્ન હોવું જોઈએ.

ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે