કપૂર, કરીના (જ. 21 સપ્ટેમ્બર 1980, મુંબઈ, મહારાષ્ટ્ર) : જાણીતાં અભિનેત્રી.

ભારતીય સિનેમાના પહેલા કુટુંબ તરીકે કપૂર પરિવાર ઓળખાય છે. પિતા રણધીર કપૂર અને માતા બબીતા કપૂર બંને ફિલ્મોનાં અદાકારો. કરીનાનો જન્મ એવા પરિવારમાં થયો છે જ્યાં કુટુંબના બધા સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા હતા. દાદા રાજ કપૂર અને પરદાદા પૃથ્વીરાજ કપૂર અને કાકાદાદા શશી કપૂર એમ ત્રણેયને ફિલ્મજગતના સર્વોચ્ચ પારિતોષિક દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે. તો માતૃ પક્ષે તેના નાના હરિ શિવદાસીની પણ ફિલ્મોમાં અભિનય કરતા હતા. આ ઉપરાંત બંને કાકા ઋષિ કપૂર અને રાજીવ કપૂર અભિનેતાઓ હતા. તો રણવીર કપૂર તેનો પિતરાઈ ભાઈ થાય છે. મોટી બહેન કરિશ્મા કપૂર પણ ફિલ્મમાં અભિનય કરતી હતી. બબીતા તેની બીજી ગર્ભાવસ્થા સમયે લિયો ટૉલ્સ્ટૉયની નવલકથા ‘અન્ના કેરીનીના’ વાંચતી હતી. અને પુત્રીનો જન્મ થતાં તેનું નામ આ નવલકથા પરથી કરીના રાખવામાં આવેલું. કરીનાનું હુલામણું નામ ‘બેબો’ છે.

કરીના કપૂર

કરીનાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં થયો. ત્યાર બાદ દહેરાદૂનની વેલહામ ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરવામાં આવેલ. વેલહામના અભ્યાસ બાદ મુંબઈ પરત ફરી કૉમર્સનો અભ્યાસ કરવા મીઠીબાઈ કૉલેજમાં દાખલ થાય છે. સ્નાતક થયા બાદ કાયદાનો અભ્યાસ કરવા ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં દાખલ થાય છે. પણ અભિનયમાં કારકિર્દી કરવાની ઇચ્છાથી એક વર્ષ બાદ અભ્યાસ છોડી દે છે. અભિનયની તાલીમ લેવા માટે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના કિશોર નમીત કપૂરની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થાય છે.

કરીનાને  અભિનયની તાલીમ દરમિયાન જ રાકેશ રોશને તેની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’માં તક આપી. આ ફિલ્મનું થોડું શૂટિંગ પણ થયું. પણ રાકેશ રોશન તેના પુત્ર ઋત્વિક રોશનને વધુ મહત્વ આપે છે અને મારા માટે ખાસ કશું કરવાનું નહીં રહે તેવું લાગતાં કરીનાએ તે ફિલ્મ છોડી દીધી. એ સમયમાં તેને જે. પી. દત્તાની ફિલ્મ ‘રેફ્યૂજી’(2000)માં અભિષેક બચ્ચન સાથે અભિનય કર્યો અને  એમ બંનેની આ પહેલી ફિલ્મ બને છે. ‘રેફ્યૂજી’માં 1971ની ભારત-પાકિસ્તાન યુદ્ધના સમયની વાત રજૂ થઈ છે. ફિલ્મ ‘રેફ્યૂજી’ના અભિનય માટે કરીનાને ‘ફિલ્મફેર ઍવૉર્ડ ફોર બેસ્ટ ડેબ્યુ ફિમેલ’ (Filmfare award for best female debut) મળે છે.

કરીના કપૂરે અત્યાર સુધીમાં 63 જેટલી ફિલ્મોમાં અભિનય કરેલો છે. તેમાંની કેટલીક મહત્વની ફિલ્મોમાં ‘અશોકા’ (2001), ‘કભી ખુશી કભી ગમ’ (2001), ‘ચમેલી’ અને ‘દેવ’ (બંને 2004), ‘ઓમકારા’ (2006) ‘જબ વી મેટ’ (2007), ‘કુરબાન’ (2009), ‘થ્રી ઇડિયટ્સ’ (2009), ‘વી આર ફૅમિલી’ (2010), ‘ગોલમાલ’ (2010), ‘હીરોઇન’ (2012), ‘ઊડતા પંજાબ’ (2016), ‘ગુડ ન્યૂઝ’ (2019) અને ‘લાલસિંહ ચડ્ડા’ (2022) ઉલ્લેખનીય છે. અભિનયની આ યાત્રામાં 10 વખત ફિલ્મફેર ઍવૉર્ડ્સ માટેનાં નોમિનેશન મળ્યાં છે. તો છ વખત ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા છે. કેટલીક ફિલ્મોમાં કરીનાએ પાર્શ્વગાન પણ કર્યું છે.

કરીનાએ પોતે કરેલી ફૅશન  ડિઝાઇનનાં કપડાંની  શ્રેણી બજારમાં રજૂ કરી હતી. તો કૉસ્મેટિક્સની રેન્જ સાથે પણ સંકળાયેલી છે. આ ઉપરાંત 2009માં ન્યુટ્રિશિયન ઋજુતા દિવાકર સાથે મળીને ‘ડોન્ટ લોસ યોર માઇન્ડ, લોસ યોર વેઇટ’ (Don’t Lose Your Mind, Lose Your Weight) જેવું પુસ્તક પણ લખ્યું છે. જેનું રેન્ડમ હાઉસે પ્રકાશન કર્યું છે. આ પુસ્તકની 10,000 જેટલી  કૉપીઓ પહેલા વીસ દિવસમાં  જ વેચાઈ ગઈ હતી. તો અન્ય એક શ્રાવ્ય પુસ્તક ‘વુમન ઍન્ડ ધ વેઇટ લોસ તમાશા’(Women and The Weight Loss Tamasha)માં વૉઇસ ઓવર કરેલું છે. કરીનાએ તેની આત્મકથા ‘ધ સ્ટાઇલ ડાયરી ઑફ અ બોલિવુડ દીવા’ (The Style Diary of a Bollywood Diva) લખી છે, જેમાં તેણે તેના બોલિવુડના અનુભવોને વર્ણવ્યા છે.

કરીના કપૂરે શાહીદ કપૂર સાથેના સંબંધોનું બ્રેક અપ થયા બાદ જાણીતા અભિનેતા સૈફ અલીખાન સાથે 16 ઑક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યાં છે. સૈફ અલીખાન જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભારતીય  ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મન્સૂર અલીખાન પટોડીનો પુત્ર છે. કરીનાને બે પુત્રો તૈમુર અલીખાન પટોડી અને જહાંગીર અલીખાન પટોડી છે.

અભિજિત વ્યાસ