કપૂર (camphor) (રસાયણ) : સંતૃપ્ત ટર્પિન વર્ગનું કિટોન સમૂહ ધરાવતું સ્ફટિકમય સંયોજન. અણુસૂત્ર C10H16O, ગ.બિં. 178o-179o સે. ગરમ કરતાં ઊર્ધ્વીકરણ (sublimation). તેનું બંધારણીય સૂત્ર નીચે દર્શાવ્યું છે :

વિશિષ્ટ વાસ, પાણીમાં અલ્પદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. તાઇવાનમાં મોટા પાયે વવાતા cinnamomum camphora નામના વૃક્ષના કાષ્ઠના બાષ્પનિસ્યંદનથી તે મેળવાય છે. આ કપૂર દક્ષિણાવર્તી ઘૂર્ણન (dextro-rotatory) ધરાવે છે. વામાવર્તી (laevo) અને રેસેમિક સમઘટકો પણ જાણીતા છે. ટર્પેન્ટાઇનમાંથી મળતાં a પાઇનીનમાંથી તેનું મોટા પાયે સંશ્લેષણ કરાય છે. આ કપૂર રેસેમિક હોય છે.

પ્રાચીન સમયથી તે સુગંધીદાર ઔષધીય ગુણો ધરાવતા પદાર્થ તરીકે જાણીતું છે. તે પીડાશામક (analgesic) અને ખંજવાળનાશક (antipruritic) ગુણો ધરાવે છે. જકડાઈ ગયેલાં અંગો ઉપર માલિસ કરાતાં પ્રવાહી ઔષધો(liniment)માં તે અગત્યનો ઘટક છે. સેલ્યુલૉઇડની બનાવટમાં તે સુઘટ્યકારક (plasticiser) તરીકે ઉમેરાય છે. કેટલાંક આયુર્વેદિક ઔષધોમાં તે અગત્યનો ઘટક છે.

પ્રવીણસાગર સત્યપંથી