કપૂરકાચલી (કપૂરકાચરી) : વનૌષધિ. તેનાં વિવિધ નામો આ પ્રમાણે છે : સં. शटी, गंधपलाशी, गंधमूलिका; હિં. कपूरकचरी, शोदूरी, सितरूती; મ. कपूर काचरी, गंधशटी; બં. કર્પૂર કચરી, કપૂર કચરી; અં. Spiked ginger lily; લે. Hedychium spicatium Ham.; કાશ્મીરી નામ : સેંદૂરી.

હળદરના કુળની (ઝિંજર-બરેસી કુળ) આ બહુવર્ષાયુ છોડ જેવી જ પરંતુ લતાકાર વનસ્પતિ ખાસ હિમાલયના કુમાઉં, નેપાલ, ભુતાન, ચીન, પંજાબ અને કાશ્મીરમાં થાય છે. તેના છોડ 0.9થી 1.5 મીટર ઊંચા; પાન 30 સેમી. લાંબાં, અનિયમિત પહોળાઈનાં, ચીકણાં; પુષ્પધ્વજ (દંડ) 30 સેમી. ઊંચો, જેની ઉપર મૃદુ રુવાંટીનાં સફેદ રંગનાં સુગંધિત પુષ્પ થાય છે. પુંકેસરના દોરા હળવા લાલ રંગના હોય છે. ફળ ગોળાકાર, લાંબાં-પહોળાં, ચમકતાં, અંદરથી પીતાભ, જરા સિંદૂરી રંગનાં હોય છે. તેનાં મૂળ કંદ રૂપે જમીનમાં ગાંઠ જેવાં થાય છે. તેમાં કપૂર જેવી સુગંધી અને સ્વાદે કડવાં તથા તીખાં હોય છે. આ કંદને પાણીમાં ઉકાળી, તેના ગોળ નાના ટુકડા કરી સૂકવી દેવામાં આવે છે. બજારમાં તેના સફેદ રંગના અને કપૂર જેવી ગંધવાળા ગોળાકાર, નાના ટુકડા વેચાય છે. તે ટુકડાની ફરતે ભૂખરા રંગની છાલ હોય છે. તેની બે જાતો છે : દેશી – ભારતીય અને ચીની. ચીની કપૂરકાચલી ઉપર્યુક્ત ભારતીય જાત કરતાં વધુ મોટી અને વધુ સફેદ, પણ તીખી ઓછી હોય છે.

ગુણધર્મો : કપૂરકાચલી(રી); રસમાં કડવી, મધુર-તીખી ને તૂરી; ગુણમાં હળવી, તીક્ષ્ણ; વિપાકે કટુ તથા વીર્યમાં ઉષ્ણ હોય છે. પરંતુ આયુર્વેદે તેને શીતવીર્ય માની છે. તે નિજ પ્રભાવથી જ દીપન, કફવાતશામક, વાતાનુલોમક, બલ્ય, રુચિકર્તા, ગ્રાહી, બલ્ય, અલ્પ પિત્તકર; શૂલ-પ્રશમનકારી, ઉત્તેજક અને રક્તશોધક હોય છે. તે દુર્ગંધનાશક, મુખશોધક, ત્રિદોષ-શામક અને અરુચિ, ઊલટી, ઊબકા, મૉળ, મંદાગ્નિ, ઉદરશૂળ, ખાંસી, તાવ, શૂળ, હેડકી, ગુલ્મ, રક્તવિકાર, વાયુ, દુર્ગંધ, વ્રણ, આમદોષ, ઝાડા, હૃદયની નબળાઈ, શ્વાસ અને ઇંદ્રિયની શિથિલતાનાં દર્દોમાં લાભપ્રદ છે. ગુજરાતમાં તે વૈદ્યો અને લોકો દ્વારા બાળદવા તરીકે તે સગર્ભાની ઊલટી-ઊબકા બંધ કરવા ખાસ વપરાતી ઘરગથ્થુ જાણીતી દવા છે. કેશતેલમાં ખોડો દૂર કરવા તથા સુગંધ લાવવા અને સૌંદર્યવર્ધક લેપોમાં તે ખાસ વપરાય છે. રેશમી અને કીમતી વસ્ત્રોની જાળવણી માટે કપૂરકાચલી કપડાંની બેવડમાં મુકાય છે. ઘરની દુર્ગંધ તથા ગ્રહ-બાધાના નિવારણ માટે તેનો ધૂપ કરાય છે. સંધિવામાં તેનો લેપ રૂપે અને દંતમંજનમાં તે દંતશૂળ-કૃમિનાશક દ્રવ્ય તરીકે ખાસ વપરાય છે. દવા રૂપે વનસ્પતિનાં મૂળ જ વપરાય છે.

રાસાયણિક સંઘટન : કપૂરકાચલીમાં શ્વેતસાર (સ્ટાર્ચ), સેલ્યુલોઝ, મ્યુસિલેજ, આલ્બ્યુમિન, સેકેરિન (શર્કરા), રાળ, સુગંધિત દ્રવ્ય, સ્થિર તેલ તથા Methyl Paracumarin Acetate જેવાં દ્રવ્યો હોય છે. તેમાં સ્ટાર્ચ 52 ટકા, સુગંધિત તેલ 4 ટકા, ભસ્મ (Ashe), કાર્બોનિક ઍસિડ તથા ગ્લાઇકોસાઇડ 4.6 ટકા હોય છે.

માત્રા : આ ઔષધ 6 રતી(730 મિગ્રા.)થી 1 ગ્રામ જેટલું મધ કે પાણી સાથે લેવામાં આવે છે.

ઔષધિ પ્રયોગો : (1) બાળકો કે સગર્ભાની ઊલટી-ઊબકા ઉપર કપૂરકાચલીનું ચૂર્ણ બાળકોને 1 રતીથી 3 રતી (122થી 365 મિગ્રા.) અને મોટાંને 750 મિગ્રા.થી 1 ગ્રામ મધ કે પાણી સાથે દિનમાં 2થી 4 વાર અપાય છે. તેની ગોળી કે ટૅબ્લેટ પણ બને છે ને વપરાય છે. કફ-વાયુદોષની ઊલટીમાં પણ તે અકસીર ઘરાળુ દવા છે.

(2) વાત-કફજન્ય ખાંસી, શ્વાસ અને હેડકીમાં કપૂરકાચલીની ધુમાડી દર્દીને અપાય છે. દારૂહળદર, કપૂરકાચલી, હીમજ, સૂંઠ તથા મરીનું ચૂર્ણ બનાવી 1થી 2 ગ્રામ દવા મધમાં 2-3 વાર લેવામાં આવે છે.

(3) હેડકીમાં કપૂરકાચલીનું ચૂર્ણ 10 ગ્રામ, મયૂરપિચ્છ-ભસ્મ 500 મિગ્રા. મિશ્ર કરીને, 1 ગ્રામ દવા મધ સાથે જરૂરત મુજબ વારંવાર ચટાડવામાં આવે છે.

(3) દંતશૂળ-દંતકૃમિમાં કપૂરકાચલી તથા વાવડિંગનું ચૂર્ણ કરી પોલી દાઢમાં ભરી દેવાય છે કે તેની ધુમાડી અપાય છે અથવા મંજન રૂપે તે વપરાય છે.

(4) સંધિશોથ-આફરામાં કપૂરકાચલીના ચૂર્ણમાં પાણી નાંખી, પાતળું પ્રવાહી બનાવી સાંધાના સોજા કે પેટના આફરા ઉપર તેનો ગરમ લેપ કરાય છે.

(5) અર્જીણ-અરુચિ-મંદાગ્નિમાં કપૂરકાચલીનું ચૂર્ણ 1થી 3 ગ્રામ જેટલું પાણી સાથે લેવાય છે કે તેનો ઉકાળો (ફાંટ) કરી, મધ મેળવી પિવાય છે.

(6) ઝાડા-ઉદરશૂળમાં કપૂરકાચલીનું ચૂર્ણ 3થી 5 ગ્રામ જેટલું ખાંડ નાંખેલી છાશમાં કે પાણી સાથે આપવામાં આવે છે.

(7) શરદી-પાર્શ્વશૂલ, હૃદયશૂલ અને મૂત્રાશય શૂલમાં ભોંય-આમળા તથા ત્રિકટુ (સૂંઠ, મરી, પીપર) સમભાગે લઈ ચૂર્ણ બનાવી 1થી 2 ગ્રામ દવા ઘી અને ગોળ અથવા મધ સાથે દિનમાં 2-3 વાર લેવાથી લાભ થાય છે.

(8) માથાના વ્રણ, ખૂજલી, કૃમિ (જૂ) અને ખોડામાં કપૂરકાચલી, હળદર અને લીમડાનાં પાન તલના તેલમાં ઉકાળી, તે તેલ ગાળીને માથામાં રોજ લગાવાય છે અથવા કપૂરકાચલીની ભસ્મ સરસિયાના તેલમાં કે લીંબોળીના તેલમાં ઘૂંટીને માથે ચોપડવામાં આવે છે.

બળદેવપ્રસાદ પનારા