કચ્છ

ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં.

કચ્છ

પ્રાચીન કાળથી એક અને અખંડ રહેલા કચ્છનો સ્કંદ પુરાણમાં ‘કચ્છ મંડલ’, વાયુ પુરાણમાં ‘કચ્છિય’ અને પાણિનિમાં ‘કચ્છક’ તરીકે ઉલ્લેખ છે. આ પ્રદેશ ‘આભીર’ નામે પણ ઓળખાયો છે. ‘કચ્છ મંડલ’માં 1,422 ગામ હોવાનું સ્કંદ પુરાણમાં કહેવાયું છે.

‘કચ્છ’ સંજ્ઞાનું મૂળ કારણ તો એ જલમય પ્રદેશ હોવાનું છે. અમર કોશમાં ‘કચ્છ’ અને ‘અનૂપ’ને પર્યાય માન્યા છે. આ શબ્દ सकक्ष -‘મર્યાદા’ અર્થના શબ્દનો પ્રાકૃત વિકાસ હોઈ શકે જે સંસ્કૃત તરીકે પ્રચારમાં આવ્યો હોય.

આ જિલ્લો 22o 44′ ઉ. અ.થી 24o 41′ ઉ. અ. અને 68o 09′ પૂ. રે.થી 71o 54′ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની સરહદે સીરક્રીક, સિંધ (પાકિસ્તાન) અને રાજસ્થાન રાજ્યો અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા, કચ્છનો અખાત અને અરબી સમુદ્ર આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 45,652 ચોકિમી. છે. તેની લંબાઈ 256 કિમી. અને પહોળાઈ 24થી 72 કિમી. છે. તેના ભુજ, માંડવી, મુંદ્રા, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા અને લખપત એમ નવ તાલુકા છે. ભચાઉ અને રાપર તાલુકા વાગડ તરીકે અને દક્ષિણ કિનારાનું મેદાન કાંઠી કે કંઠી તરીકે ઓળખાય છે.

કચ્છના મધ્ય ભાગમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર તરીકે ઓળખાતી ડુંગરમાળા છે. તેની ચારે બાજુનો અને ખીણનો પ્રદેશ સપાટ છે. કચ્છના રણમાં આવેલ પચ્છમનો કાળો ડુંગર 458 મી. અને મધ્ય ભાગમાં આવેલ ધીણોધર 387 મી. ઊંચો છે. વાગડમાં કંથકોટનો ડુંગર છે. આ ડુંગરો પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છે. કચ્છના રણને મળતી ઉત્તર તરફ વહેતી નદીઓ તથા દક્ષિણે કચ્છના અખાત અને અરબી સમુદ્રને મળતી ત્રીસેક નદીઓ 20 કિમી.થી 55 કિમી. જેટલી લાંબી અને સૂકી છે. કચ્છમાં એકંદરે 97 નદીઓ આવેલી છે. મોટાભાગની નદીઓ હંગામી છે. એમાની કેટલીક નદીઓ ઉપર 27 બંધ બાંધવામાં આવ્યા છે.  કચ્છનો ઉત્તર અને પશ્ચિમ ભાગ વેરાન અને સૂકો છે. વાગડ અને દક્ષિણ કિનારાનો પ્રદેશ ફળદ્રૂપતા, વધુ વરસાદ અને સમૃદ્ધિ બાબતમાં બીજા ભાગો કરતાં અલગ પડી જાય છે. નૈર્ઋત્યના મોસમી પવનના માર્ગથી કચ્છ દૂર હોઈ સરેરાશ 322 મિમી. વરસાદ પડે છે. માંડવીમાં સૌથી વધુ 407 મિમી. અને લખપતમાં સૌથી ઓછો 249 મિમી. વરસાદ પડે છે. પાંચ વરસમાં એકાદ વરસ સારું હોય છે. ભુજનું સરેરાશ તાપમાન 32.8o સે. રહે છે. શિયાળામાં આ તાપમાન 7o સે.થી 15o સે. રહે છે. કચ્છનો શિયાળો આકરો હોય છે. નલિયાનું તાપમાન 0.5o સે. થઈ જાય છે. સતત વાતા પવનો અને દરિયાનું સામીપ્ય ઉનાળામાં મોટાભાગે હવામાનને સમધાત રાખે છે, છતાં ક્યારેક ઉનાળામાં તાપમાન 44o સે. થાય છે. માંડવીમાં પવનચક્કી દ્વારા વીજળી મેળવાય છે. ખેતી તથા ઘરવપરાશ માટે વીજળી મળે છે.

કુલ જમીનના 4% વિસ્તારમાં જંગલો છે. બાવળ, ખેર, બોરડી, ખીજડો, ગોરડ અને ગૂગળનાં છૂટાંછવાયાં વૃક્ષો ઘાસનાં ‘રાખાલ’ તરીકે ઓળખાતાં મેદાનોમાં જોવા મળે છે. આ જંગલોમાંથી ઘાસ ઉપરાંત ગુંદર, મધ, ગૂગળ વગેરે મળે છે. દરિયાકાંઠે ઊગતાં ચેર કે તમ્મર ઊંટનો ચારો અને બળતણ તરીકે તેમજ જમીનનું ધોવાણ અટકાવવા ઉપયોગી છે. કચ્છમાં દીપડા, વરુ, નીલગાય, શિયાળ, હરણો, જંગલી ગધેડાં (ઘુડખર) વગેરે જંગલવાસી પ્રાણીઓ અને ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડો, ઊંટ વગેરે ઉપયોગી પ્રાણીઓ છે. કચ્છી ઘોડા સારી ઓલાદના હોય છે. બન્ની અને કચ્છનો સમગ્ર પ્રદેશ ઘેટાં, બકરાં અને ગાયના ઉછેર માટે અનુકૂળ છે. થરી ઓલાદની ગાય વધુ દૂધ આપે છે. અહીં ઘુડખર અભયારણ્ય, ઘોરાડ પક્ષી અભયારણ્ય અને જલપ્લાવિત વિસ્તાર આવેલા છે.

કચ્છમાં બૉક્સાઇટ, બેન્ટોનાઇટ, લિગ્નાઇટ, કાચ માટેની રેતી, ફટકડીની માટી, ચૂનાના પથ્થરો, બાંધકામ માટેના પથ્થરો, ચિરોડી, રંગીન માટી વગેરે ખનિજો નીકળે છે. દરિયાકાંઠે અને રણવિસ્તારમાં એમ બધું મળીને છ લાખ ટન જેટલું મીઠું થાય છે. કંડલા, મુંદ્રા અને જખૌમાં તેનાં કારખાનાં છે અને આ બંદરોએથી તેની નિકાસ થાય છે. કચ્છના રણ અને અખાતના વિસ્તારમાંથી તેલ અને ગૅસ મળવાનો સંભવ છે. લિગ્નાઇટનું ઉત્પાદન હાલ પાંચ લાખ ટન છે. ભૂતકાળમાં અહીં જંગલો હશે. ટર્શિયરી યુગનો લિગ્નાઇટ કોલસો અહીં મળે છે.

કચ્છનું વિશિષ્ટ વ્યક્તિત્વ

2011ની વસ્તીગણતરી પ્રમાણે કચ્છની કુલ વસ્તી 20,90,313 છે. તે પૈકી 25% લોકો શહેરવાસી અને 75% લોકો ગ્રામવાસી છે. કુલ વસ્તીના 26.08 ટકા શહેરોમાં રહે છે. કચ્છમાં રહેતા કચ્છી લોકો કરતાં અનેકગણા વધુ લોકો મુંબઈ શહેર, ભારતનાં અન્ય રાજ્યો તથા પરદેશોમાં વસે છે. સ્ત્રી-પુરુષોનું સંખ્યા-પ્રમાણ સરખું છે. કિમી. દીઠ વસ્તીની ગીચતા 25 છે. સાક્ષરતાનું કુલ પ્રમાણ 40% છે. તે પૈકી પુરુષોમાં 44.14% અને સ્ત્રીઓમાં 26.68% છે. અહીંના લોકો ગુજરાતી બોલે છે. સ્થાનિક ગ્રામવાસીઓ કચ્છી ભાષા બોલે છે. કચ્છી સિંધી ભાષાની ઉપભાષા છે.

કચ્છનાં આગવાં રબારી રહેઠાણ : ભૂંગા

લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ગૃહઉદ્યોગો સહિત બધા પ્રકારના ઉદ્યોગોમાં અને પરિવહન, વ્યાપાર અને અન્ય સેવાઓમાં લોકો રોકાયેલા છે. વરસાદ અનુકૂળ હોય તો 6 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. બાજરી, કપાસ, કઠોળ, ઘઉં, મગફળી, એરંડા મુખ્ય પાક છે. કચ્છ જિલ્લામાં હવે કેસર કેરી અને ખારેકની ખેતી પણ કરવામાં આવે છે. કચ્કુછ જિલ્લામાં 400 વર્ષથી આરબના માળીઓ દ્વારા મુંદ્રા વિસ્તારમાં ખારેકની ઉત્તમ જાતો વિકસાવાઈ હતી. પરિણામે આજે કચ્છમાં બે કરોડ જેટલાં ખારેકનાં વૃક્ષો જોવા મળે છે. જેમાંથી 17 લાખ જેટલાં દેશી ખારેકનાં વૃક્ષો છે. જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ (GI) ટેગ આ ખારેકને મળ્યો છે. જે કચ્છના ખેડૂતોની એક વિશિષ્ટ વૈશ્વિક ઉપલબ્ધિ છે. આ ખારેકમાં સ્વદથી લઇને રંગની વિવિધતા જોવા મળે છે. આ એક માત્ર એવો પ્રદેશ છે જ્યાં દેશની 85% ખારેકનું ઉત્પાદન થાય છે.  સિંચાઈ પૈકી 82% સિંચાઈ કૂવા અને ટ્યૂબવેલ દ્વારા થાય છે. સિત્તેર જેટલાં તળાવો દ્વારા અને નહેરથી પણ સિંચાઈ થાય છે. સૌથી મોટા રુદ્રમાતા બંધની સિંચાઈક્ષમતા 2,307 હેક્ટર છે. અહીંના ઉદ્યોગોમાં મીઠાનાં કારખાનાં, જિન પ્રેસ, તેલની મિલો અને એક કાપડની મિલ છે. હાથસાળ અને યંત્રસાળ દ્વારા પણ કાપડ તૈયાર થાય છે. ભરતકામ, ચાંદીનું નકશીકામ, કાપડનું છાપકામ અને તેનું રંગાટીકામ, ઉપરાંત સૂડી અને ચપ્પુ બનાવવાના ગૃહઉદ્યોગ વિકસ્યા છે. કેટલાક લોકો લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, બૉક્સાઇટ, ચૂનાના પથ્થરો, ચિરોડી વગેરેના ખાણકામ સાથે સંકળાયેલા છે.

1965થી મુક્ત વ્યાપાર ઝોનના 265 હેક્ટર વિસ્તારમાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, સાબુ, રસાયણો, દવાઓ, તૈયાર કપડાં, રબરની વસ્તુઓ અને વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે. કચ્છના અખાતમાં તથા માંડવી અને જખૌ નજીક મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે. કચ્છી ‘કોટિયું’ (જહાજ) તેની મજબૂત બાંધણી માટે જાણીતું છે. કચ્છી નાવિકો વહાણવટાની જાણકારી અને દરિયાઈ સાહસ માટે જાણીતા છે. વાસ્કો દ ગામાને ભારતનો દરિયાઈ માર્ગ બતાવનાર કાનજી માલમ કચ્છી હતો. માંડવીથી કેપ ઑવ્ ગુડ હોપ થઈને ઇંગ્લૅન્ડ પહોંચી, મલબાર થઈને માંડવી સલામત પાછું આવનાર આ કચ્છી કોટિયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સી-પ્લેનને લખદીવ(લક્ષદ્વીપ)ની સાંકડી નાળમાંથી બહાર કાઢનાર કચ્છી નાવિકો હતા. આ જિલ્લાનું મુખ્ય શહેર ભુજ છે. માધાપુર, મુંદ્રા, માંડવી, નળિયા, રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને કંડલા અન્ય શહેરો છે. નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનો મઢ, ભદ્રેશ્વર, ધીણોધર, હાજીપીર વગેરે અહીંનાં જાણીતાં યાત્રાધામો છે. કંડલા ભારતનાં મુખ્ય અગિયાર બંદરો પૈકીનું એક છે. બિનલોહ ધાતુઓ, ખાતર, ગંધક, સુપરફૉસ્ફેટ, પેટ્રોલિયમ, અનાજ, રસાયણો, યંત્રો, ખજૂર વગેરેની આયાત થાય છે; જ્યારે રૂ, તેલીબિયાં, મીઠું, બેન્ટોનાઇટ, બૉક્સાઇટ, ચોખા, ચા, ચિરોડી, લોખંડનો ભંગાર વગેરેની નિકાસ થાય છે. પાકા રસ્તા અને બ્રોડગેજ રેલ્વે દ્વારા આ વિસ્તારને સાંકળવામાં આવ્યો છે. કરાંચી બંદર પાકિસ્તાનમાં જતાં કંડલાને મહાબેદર તરીકે વિકસાવાયું છે. આ સિવાય જખૌ, મુંદ્રા, માંડવી મધ્યમકક્ષાના બંદરો છે. કચ્છના વિકાસને લક્ષમાં રાખીને કચ્છમાં ખાવડા ખાતે એક મોટા સોલાર પ્લાન્ટનો પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે. જેથી 600 મેગાવોટ વીજ ઉત્પન્ન થઇ શકશે.

1998માં આવેલા ભયંકર વાવાઝોડાથી કચ્છનું કંડલા બંદર તારાજ થયેલું. 2001ના જાન્યુઆરીની 26મીએ સવારે થયેલા ભૂકંપ(રિક્ટર માપ 7.9)ને કારણે કચ્છનાં ભુજ, રાપર, ભચાઉ તેમજ અન્ય ગામોને પારાવાર નુકસાન થયેલું અને જાનમાલની ખુવારી મોટા પાયા પર થયેલી. અહીં અવારનવાર ભૂકંપ અનુભવાય છે.

ઇતિહાસ : 1967માં કચ્છમાં ભૂખી નદીની ભેખડોમાંથી આદ્યપાષાણ યુગની બેસાલ્ટની પતરીઓ જાણીતા પુરાતત્વવિદ ડૉ. હસમુખ સાંકળિયાએ શોધી કાઢી હતી. મધ્યપાષાણ યુગના અવશેષો પણ મળી આવ્યા છે. પ્રાગ્હડપ્પાકાલીન કોટ દીજીમાં મળેલ ઘડાના જેવું વાસણ અને પથ્થરના કોટના અવશેષો દેશલપરમાંથી મળી આવ્યા છે. લાખાપર, દેશલપર, સુરકોટડા અને પાબુમઠમાં વિકસિત હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળે છે. થોડાં વર્ષો પહેલાં ધોળાવીરામાંથી પણ હડપ્પા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. આ અવશેષો પરથી જણાય છે કે મોહેંજો-દડો અને હડપ્પાની જેમ ધોળાવીરા પણ આ સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર હતું. જ્યારે ટોડિયો, કટેસર, લૂણા વગેરે અનુહડપ્પાકાલીન છે. આ સમય ઈ. પૂ. 2000થી 1600 આસપાસનો ગણાય છે. પાણિનિની અષ્ટાધ્યાયી, મહાભારત, વાયુપુરાણ અને જૈન સાહિત્યમાં અને ટૉલેમી અને ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’ના લેખકનાં વર્ણનોમાં કચ્છનો ઉલ્લેખ મળે છે. કચ્છનો ખરો ઇતિહાસ અંધૌના પાંચ પાળિયા ઉપરના લેખોથી આરંભાય છે. ક્ષત્રપોનું શાસન ઈ. સ. 76થી 400 સુધી હતું. ત્યારબાદ ગુપ્ત અને મૈત્રકોનું 400થી 788 સુધી હતું. કચ્છમાં પ્રચલિત ધ્રુ, મેતર, અશ્વર શબ્દો મૈત્રકકાલીન ધ્રુવ, મહત્તર અને અશ્વરોહનું રૂપાંતર જણાય છે. હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર હ્યુ-એન-સંગે કોટેશ્વર અને તેની નજીકનાં બૌદ્ધ વિહાર અને મઠોની સાતમી સદીમાં મુલાકાત લીધી હતી. જુનૈદે આક્રમણ કરેલા દેશોની યાદીમાં કચ્છનો ઉલ્લેખ છે. આઠમી સદી દરમિયાન ચારણો, કાઠી અને સમા જાતિના રજપૂતોનું પહેલું જૂથ આવ્યું હતું. દસમી સદીથી આરબો કચ્છના દક્ષિણ કિનારે વેપાર અર્થે વસ્યા હતા. ભદ્રેશ્વરની ખીમલી મસ્જિદ આ હકીકતની સૂચક છે. ઈ. સ. 1147 અને 1320માં સમા રજપૂતોનાં બે જૂથો આવ્યાં હતાં. જાડાના પુત્ર ઉપરથી જાડેજા અટક પ્રચલિત બની છે. ઈ. સ. 942થી 1304 સુધી ચૌલુક્યોનું શાસન હતું, એ હકીકત ભદ્રેશ્વર, કેરાકોટ, અંજાર, કોટાય વગેરે મંદિરોનાં સ્થાપત્ય પરથી સ્પષ્ટ થાય છે. ભીમદેવ, સિદ્ધરાજ, અર્જુનદેવ અને સારંગદેવનાં કુલ છ તામ્રપત્રો કચ્છમાંથી મળ્યાં છે. મુઝફ્ફરશાહના શાસન દરમિયાન કચ્છ ગુજરાતના સુલતાનોના આધિપત્ય નીચે આવ્યું. 1549માં ખેંગારજી પહેલાએ ભુજની સ્થાપના કરી. 1580થી માંડવી બંદરનો ઉદય થયો. 1617માં જહાંગીરની અમદાવાદમાં મહારાવ ભારમલ પહેલાએ મુલાકાત લીધી હતી અને તેને સો કચ્છી ઘોડાં, હજાર અશરફી અને રૂ. 2000નું નજરાણું કર્યું હતું. જહાંગીરે હાથી, ઘોડો, કટાર, રત્નજડિત તલવાર વગેરેની વળતી ભેટ તેને આપી હતી. રાવને પોતાના નામના કોરી, ઢીંગલા, પાંચિયા, અધિયા જેવા સિક્કા પાડવાની છૂટ મળી હતી. 1578માં મુઝફ્ફરશાહ ત્રીજાએ કચ્છમાં થોડો વખત આશ્રય લીધો. તે પછી ભોજરાજજી (1633-1645) અને ખેંગારજી બીજા (1645-1654) થઈ ગયા. જામ તમાચીના શાસન દરમિયાન શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહે નાસભાગ દરમિયાન 1659માં ભુજમાં આશ્રય લીધો હતો. રાયધણજી પહેલા(1666-1698)ના સમયમાં કચ્છ અનેક જાગીરોમાં વહેંચાઈ ગયું અને નવા કિલ્લા બંધાયા. એમના અવસાન બાદ કાંયાજીએ મોરબીનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પ્રાગમલજી પહેલાએ (1698-1715) હાલારમાંનો બાલંભાનો કિલ્લો જીત્યો તથા પોતે પહેલા મહારાવ કહેવાયા. દેશળજી પહેલાના સમયમાં (1718-41) દીવાન દેવકરણે રાજ્યની આવક અને વેપાર વધાર્યાં હતાં. મુઘલોનાં આક્રમણોને તેમણે ખાળ્યાં હતાં. દેશળજી તેમની ન્યાયપ્રિયતા માટે જાણીતા હતા. અમદાવાદના સૂબા સરબુલંદખાને કચ્છ ઉપર ચઢાઈ કરી હતી પણ તેની હાર થઈ હતી. રાવ લખપતજી(1742-62)ના સમયમાં મહાજનના મહત્વનો સ્વીકાર કરી તે અંગેનું તામ્રપત્ર આપવામાં આવ્યું હતું. રામજી માલમે હોલૅન્ડની મુલાકાત લીધી હતી. ભરતકામ, મીનાકારી, કાચ તથા તોપ ઢાળવાની કલા તથા ચાંદીનું નકશીકામ કચ્છના કારીગરોને તેમણે શીખવ્યું હતું. રાવ લખપત કવિ અને કવિઓના આશ્રયદાતા હતા. વ્રજ ભાષાની કવિતાની પાઠશાળા ભુજમાં શરૂ કરાઈ હતી. આ પ્રકારની આ સર્વપ્રથમ કાવ્યશાળા અનન્ય ગણાય. કવિ દલપતરામ આ શાળામાં કવિતાના પહેલા પાઠ ભણ્યા હતા. રાવ ગોડજી બીજાના સમયમાં (1762-1779) આયના મહેલ રામજી માલમે તૈયાર કરાવ્યો હતો. આ વખતે માંડવીમાં 400 વહાણોનો બેડો અને જહાજવાડો હતો. 1780 પછી કચ્છી વેપારીઓ મસ્કતથી ઝાંઝીબાર ગયા હતા. ક્રમશ: સમગ્ર પૂર્વ આફ્રિકામાં તેમણે તેમનું વ્યાપારી સામ્રાજ્ય જમાવ્યું હતું અને 1870 સુધી ઝાંઝીબારના સુલતાનોના સલાહકાર રહ્યા હતા. રાવના સમયમાં સિંધનો સુલતાન ગુલામશાહ ક્લોરો ચઢી આવ્યો અને ઝારાના યુદ્ધમાં ઘણા કચ્છીઓ કપાઈ મર્યા અને કચ્છની હાર થઈ. કચ્છી રાજકન્યા પરણવાની તેની મુરાદ બર ન આવતાં તેણે સિંધુની શાખાનું પાણી બંધ બાંધી કચ્છમાં આવતું અટકાવ્યું હતું અને લખપત આસપાસનો પ્રદેશ વેરાન બની ગયો હતો. રાવ રાયધણજી બીજાના સમયમાં (1779-1814) તેના જુલમને કારણે કચ્છનું મહાજન, ભાયાતો તથા લશ્કરના જમાદારોએ બળવો પોકાર્યો હતો અને થોડો વખત તેમનો ‘બારભાયા’નો કારભાર ચાલ્યો હતો. આ દરમિયાન કચ્છના ક્રૉમવેલ સમાન ફતેહમહમદ જમાદારનો ઉદય થયો હતો. તેણે બધી સત્તા હાથમાં લઈ કચ્છનું એકીકરણ કર્યું અને તુણા અને લખપત બંદરો વિકસાવ્યાં. આ સમયે સ્વામી સહજાનંદનું આગમન થયું. ભારમલજી બીજાના (1814-1819) સમયમાં અંગ્રેજોએ પગપેસારો કર્યો.

વિજયનિવાસ મહેલ, માંડવી

1816માં ભારમલજી સાથે અને 1819માં રાવ દેશળજી સાથે અંગ્રેજોએ સંધિ કરી અંગ્રેજી સત્તાનું આધિપત્ય સ્વીકારવા રાવને ફરજ પાડી. રાવ તરફથી અંજાર અને બીજાં ગામો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળતાં કૅપ્ટન મૅકમર્ડોએ મૃત્યુ સુધી તેનો વહીવટ સંભાળ્યો હતો. લક્ષ્મીદાસ કામદારે રાજ્યના હિતની રક્ષા કરવામાં અને અંગ્રેજો સાથે મસલત કરવામાં મુખ્ય ભાગ ભજવીને કચ્છની સેવા કરી હતી. 1819માં કચ્છના ભયંકર ધરતીકંપમાં 1543 ઘર પડી ગયાં હતાં. રણ ઊંચું આવ્યું હતું. અલાહજો બંધને કારણે સિંધુનું પાણી મળતું તદ્દન બંધ થયું હતું. દેશળજી બીજાના (1819-1860) સમયમાં સામાજિક દૂષણો જેવાં કે ગુલામોનો વેપાર, સતી, સમાધિ, ત્રાગાં અને કન્યાને દૂધપીતી કરવાના રિવાજો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત બંધારણીય વહીવટનો પ્રારંભ થયો. રાવ પ્રાગમલજી બીજાના સમયમાં (1860-1875) નવા યુગનો ઉદય થયો. શાળાઓ, રસ્તા, દવાખાનાં, તળાવો વગેરે ઘણાં લોકોપયોગી કામો તેમના શાસન દરમિયાન થયાં. ખેંગારજી ત્રીજાએ 1876-1942 સુધી રાજ્ય કર્યું. કલાશાળા, કંડલાનું બંદર તથા તુણા-અંજાર રેલવેનો તેમના શાસન દરમિયાન આરંભ થયો. 1925માં મહાત્મા ગાંધીજીએ કચ્છની મુલાકાત લીધી ત્યારે તેમની અને ખેંગારજી વચ્ચે ભુજમાં મુલાકાત યોજાઈ હતી. આ સમય દરમિયાન કચ્છના નાના રણમાં આવતાં સુરખાબ (flamingo) પક્ષીઓની ભાળ મળી. વિજયરાજજીએ 1942-1948 સુધી શાસન કર્યું. 1947 પછી સિંધમાંથી આવેલા નિર્વાસિતોને વસાવવા ગાંધીધામ નગરનું આયોજન કરાયું. મદનસિંહજી છેલ્લા રાજવી હતા (1948). તેમણે કચ્છને જવાબદાર રાજતંત્ર આપ્યું અને ભારત સાથેનું જોડાણ સ્વીકાર્યું. 1948થી 52 સુધી કચ્છમાં કમિશનરનો વહીવટ રહ્યો અને તેમણે કચ્છને આધુનિક વહીવટી તંત્ર આપ્યું. 1952માં દસમી જાન્યુઆરીના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ મહાબંદર કંડલાનું શિલારોપણ કર્યું. જુલાઈ 1952થી કચ્છ ‘સી’ વર્ગનું રાજ્ય બન્યું અને 1956 સુધી સલાહકારોની મદદથી રાજ્યના વહીવટનું સંચાલન થતું રહ્યું. 1-10-1956થી કચ્છ દ્વિભાષી મુંબઈ રાજ્ય સાથે જોડાયું અને 1-5-60થી ગુજરાત રાજ્યના એક જિલ્લા તરીકે તેનો સમાવેશ કરાયો. એપ્રિલ 1965માં છાડબેટ તથા કચ્છના રણના કેટલાક ભાગ ઉપર દાવો કરી પાકિસ્તાને કચ્છ ઉપર આક્રમણ કર્યું. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા સરહદી પ્રદેશનું વિમાન દ્વારા નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તે વિમાન તોડી પડાતાં સુથરી નજીક તેમનું અવસાન થયું હતું. ટ્રિબ્યુનલ દ્વારા સરહદી વિવાદ મિટાવવા નિર્ણય લેવાયો. સ્વીડન, યુગોસ્લાવિયા અને ઈરાનના ન્યાયાધીશોની બનેલી ટ્રિબ્યુનલે 19-2-68ના રોજ આપેલા ચુકાદા મુજબ છાડબેટ સહિત કચ્છના રણનો 10 ટકા ભાગ પાકિસ્તાનને ફાળે ગયો. 1971ના યુદ્ધ વખતે કચ્છનો મોરચો મહદંશે શાંત હતો. 1960 પછી કચ્છે શિક્ષણ, વ્યાપાર, માર્ગોનું બાંધકામ તથા બંદરો વગેરે અનેક બાબતોમાં ઝડપી વિકાસ સાધ્યો છે. 1956માં ધરતીકંપને કારણે અંજારનો ઘણો ભાગ નષ્ટ થયો અને નવું અંજાર વસાવવામાં આવ્યું હતું.

કચ્છના ક્ષત્રપ શિલાલેખો : પશ્ચિમી ક્ષત્રપો તરીકે જાણીતા ગુજરાતના શક જાતિના રાજાઓના આશરે ત્રીસેક શિલાલેખોમાંથી નવ તો માત્ર કચ્છ જિલ્લામાંથી હાથ લાગ્યા છે : છ અન્ધૌમાંથી તથા ખાવડા, મેવાસા અને વાંઢમાંથી એક-એક. અન્ધૌના છમાંથી ચાર લેખો શક સંવત 52(ઈ. સ. 130)ના છે, જે ચાષ્ટન-રુદ્રદામાના સંયુક્ત શાસનકાલના છે. અહીંનો પાંચમો લેખ શક સંવત 114નો રુદ્રસિંહ પહેલાના સમયનો છે. છઠ્ઠો લેખ વર્ષ 11નો અને ચાષ્ટનનો છે અને તેથી પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાલની પૂર્વમર્યાદા માટે ઘણો મહત્વનો છે. વાંઢમાંથી હાથ લાગેલો આશરે વર્ષ 110નો સ્તંભલેખ રુદ્રસિંહ પહેલાના સમયનો છે. ખાવડાનો રુદ્રદામાનો લેખ આશરે વર્ષ 62નો છે. મેવાસાનો લેખ સંભવત: રુદ્રસિંહ પહેલાના સમયનો અને વર્ષ 103નો હોવાનું જણાય છે.

પ્રાગમલજીની છત્રી : કચ્છની સ્થાપત્યકલાનું દર્શન

પશ્ચિમી ક્ષત્રપોનાં ઇતિહાસ અને સંસ્કૃતિના આલેખન માટે આ નવ લેખો મહત્વના છે. ભુજના કચ્છ સંગ્રહાલયમાં સુરક્ષિત આ બધા લેખો બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત-પ્રાકૃત મિશ્રિતભાષામાં તથા ગદ્યમાં છે. આ લેખો (1) સ્મૃતિસ્તંભોની (લષ્ટિ, યષ્ટિ, પાળિયા) શરૂઆત, (2) રાજબિરુદો (રાજા, ક્ષત્રપ, મહાક્ષત્રપ, સ્વામી), (3) સંયુક્ત શાસનનો પ્રશ્ન, (4) આભીરોનો નિર્દેશ (અન્ધૌ અને મેવાસાના લેખોમાં), (5) મેવાસા લેખની ગૂંચવણ, (6) કચ્છનું ઐતિહાસિક મહત્વ, (7) શક સંવતના પ્રારંભક જેવા મુદ્દા વિશે પ્રકાશ પાડે છે.

ભારતમાં સ્મૃતિસ્તંભો ખોડવાના રિવાજના આ પહેલપ્રથમ નમૂના છે. અન્ધૌના વર્ષ 52ના ચાર લેખોમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપનાં બિરુદો એકસાથે પ્રયોજાયાં હોઈ સંયુક્ત શાસનની પ્રથાનું સૂચન કરે છે. આ લેખોથી રાજ્યાધિકારનો આવો નિયમ સૂચિત થાય છે : રાજવારસો મહાક્ષત્રપના અનુજને મળતો અને અનુજ પછી અનુજનો ક્રમ પૂરો થતાં રાજવારસાનો અધિકાર અગ્રજના અગ્રજપુત્રને મળતો, જે અનુજક્રમે આગળ વધતો. યુદ્ધકાળમાં ક્યારેક આમાં અપવાદ થતો. આભીરોનો નિર્દેશ સેનાપતિ તરીકે થયો છે. આથી ક્ષત્રપ શાસનમાં આ લોકોનું લશ્કરના હેતુસર ઘણું મહત્વ સ્વીકારાયું હતું.

આ નવ લેખોએ કચ્છ વિસ્તારનું ઐતિહાસિક મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. જોકે અન્ધૌ, ખાવડા, મેવાસા અને વાંઢ હાલ રાજકીય, વાણિજ્યકીય કે આર્થિક મહત્વ ધરાવતાં ગામો ન હોવા છતાં પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાલ દરમિયાન લગભગ એક સૈકા સુધી એમનું આગવું રાજકીય મહત્વ હતું, કેમ કે અન્ધૌનો એક લેખ વર્ષ 11નો અને બીજો લેખ વર્ષ 114નો છે. આથી આ ચારેય ગામો ત્યારે તાલુકાના કે જિલ્લાના મથક તરીકે સ્થાન ભોગવતાં હોય.

કચ્છ જિલ્લાનાં આ ચાર ગામોથી પ્રાપ્ત ક્ષત્રપલેખોથી એવું સૂચવાય છે કે ચાષ્ટન કુળના ક્ષત્રપ રાજાઓ મધ્ય એશિયા અથવા ઈરાનથી સીધા ગુજરાત આવ્યા હોય અને પહેલપ્રથમ કચ્છ વિસ્તારમાં સ્થાયી થયા હોય. આથી આ ગામોમાં અને આસપાસમાં પુરાવસ્તુકીય ઉત્ખનન કરવામાં આવે તો સંભવત: પશ્ચિમી ક્ષત્રપોના ઇતિહાસ માટે ઉપયોગી માહિતી હાથવગી થાય.

અન્ધૌના વર્ષ 11ના લેખથી હવે તો પ્રતિપાદિત થયું છે કે શક સંવતનો પ્રારંભ પશ્ચિમ ક્ષત્રપના કાર્દમક વંશના રાજા ચાષ્ટને કર્યો હતો, કુષાણ રાજા કનિષ્કે નહિ.

કચ્છના કૂબા : કચ્છના રણવિસ્તારમાં રહેઠાણ માટે મોટેભાગે માટીની દીવાલો અને ઘાસ અથવા પૂળાનું છાપરું બનાવવામાં આવે છે. તેને ‘કૂબા’ અથવા ‘ભૂંગા’ કહેવાય છે. એક મોટા ઓટલા ઉપર માટીથી ઓરડા બનાવવામાં આવે છે. તે ગોળાકારમાં હોય છે.

માણસોની સંખ્યા પ્રમાણે કૂબા બનાવવામાં આવતા. એક કુટુંબમાં છથી આઠ કૂબા પણ હોઈ શકે. ઉપરાંત રસોડું તથા બેઠકની જગા અલગ રહેતાં. માટીથી બનેલી આ દીવાલોની મજબૂતાઈ ગોળાકારને લીધે ઘણી વધી જાય છે. ઉપરાંત કચ્છના રણમાં ફૂંકાતા પવનોથી બચવા માટે પણ આ ગોળ આકારની દીવાલો ઘણી યોગ્ય લાગે છે.

શિયાળામાં કડકડતી ઠંડીમાં રાત્રે અને ઉનાળાની લૂ ઝરતી બપોરે આ કૂબાનો ખાસ ઉપયોગ થતો અને ચોમાસામાં ત્યાં વરસાદ વધારે ન હોવાથી માટીની દીવાલોને કોઈ તકલીફ થતી નથી. બાકી આમ તો મોટાભાગનો સમય લોકો ઓટલા પર જ વિતાવે છે. ઓટલા અને કૂબાની વચ્ચે અર્ધખુલ્લી એક ચોકી હોય છે. આ ચોકીમાં જ સ્ત્રીઓ બેસી જગતભરમાં મશહૂર એવું ભરતકામ કરે છે. કૂબામાં વર્ષમાં એક વખત દિવાળીમાં તેની ઉપર લીંપણ કરવામાં આવે છે અને તે દેશવિદેશમાં પ્રખ્યાત છે. તેની ઉપર ચિત્રો દોરવાં તથા અંદરના કોઠારને અરીસાથી સજાવવા એ ત્યાંના લોકોનો આનંદ તથા શોખ છે. આ સજાવટમાં અહીંના લોકો પ્રવીણ છે. શાંતિના સમયમાં બનાવેલ આ આકૃતિઓ મોટેભાગે તો ભૌમિતિક હોય છે અને તેમાં કુદરતી રંગો પૂરેલા હોય છે.

કૂબાના દરવાજા પાસે એક ઓસરી જેવી જગ્યા હોય છે, જેને છાપરું જ હોય છે, દીવાલો હોતી નથી. કૂબાને બારી ખૂબ જ નાની હોય છે. ઘરકામ તો મોટેભાગે ઓસરીમાં જ થાય છે. અરીસાનાં ભીંતચિત્રોથી પણ પ્રકાશનું પ્રમાણ વધે છે. કૂબાનાં ગોળ છાપરાં શંકુ આકારનાં હોય છે. વચ્ચેથી તે ઊંચાં હોય છે અને દીવાલ પર ઢળતાં હોય છે. ઘણી વખત ટેકા માટે કૂબાની વચ્ચે જ એક લાકડું નાખવામાં આવે છે. શંકુ આકારનાં છાપરાં સાથે માટીનાં આ ઘરો આબોહવાને અનુકૂળ બને છે. તેના દરવાજા પાસે ખાસ સફેદ રંગની આકૃતિઓ દોરવામાં આવે છે.

સરસામાનમાં માત્ર દાણા ભરવાની કોઠીઓ, બેસવા માટે ચારપાઈ અને ગાદલાં મૂકવા માટેનો ડામચિયો હોય છે. ઉપરાંત સ્ત્રીને પિયરમાંથી મળેલાં પિત્તળનાં વાસણો અને કપડાંની પેટી ખાસ જોવામાં આવે છે.

કચ્છનાં ભીંતચિત્રો : કચ્છમાં રબારી ઘરોમાં અને કેટલાક લોકાવાસોમાં લીંપણશિલ્પની સાથે સાથે લીંપણની થાપ ઉપર ખાલી ખાંચાઓમાં લોકકળાની ધાટીનાં ચિત્રો પાડવાનો રિવાજ પ્રચલિત છે. ગારમાટીના લીંપણને બદલે ચૂનાના લેપ વડે દીવાલ ધોળવાની પ્રથા જ્યારથી અપનાવાઈ ત્યારથી કચ્છમાં કડિયા-કમાંગરી શૈલીનાં ભિત્તિચિત્રો દોરવાની પ્રથા ચાલુ થઈ. આમ, આ સલાટી શૈલીનાં દીવાલચિત્રોનું મૂળ કચ્છના લીંપણશિલ્પની લોકકળામાંથી પાંગર્યું છે.

અઢારમી અને ઓગણીસમી સદીમાં ભીંતચિત્રોની આ કળા લોકચાહના પામી લોકહૃદયમાં એટલી હદે ઊતરી ગયેલી કે ભીંત ઉપર પ્લાસ્ટર સાથે જ્યાં લગી ચિતરામણ ન થાય ત્યાં લગી એનું ચણતરકામ અપૂર્ણ લેખાતું. આ રીતે કડિયા કમાંગર (ચિતારા) બનીને કે કમાંગર કડિયા બનીને ભીંતચિત્રો કરતા. મકાનનું ચણતર થયે ભીંત ઉપર ચૂનાનો ખરડ લસોટીને તેને લીસી બનાવી લે; પછી એના ઉપર એ લેપ સુકાય તે પહેલાં મુખ્યત્વે લાલ કે ક્વચિત્ કાળી રેખાઓથી કમાંગરો સાદાં રેખાચિત્રો આલેખતા. ગેરુ કે કાથાના મટોડિયા રંગોને ગૂગળના પાણીમાં ઉકાળી તેનું રંગમેળવણ બનાવતા. બીજા તૈયાર રંગો પણ ઉપયોગમાં લેતા. સહજસુલભ સાધનોથી મુલામય રેખાઓમાં તે કુશળતાપૂર્વક ચિત્રો દોરી દેતા. એને વધુ ભભકદાર બનાવવા માટે ઘણી વાર વચ્ચે વિવિધ મૂળ રંગો ભરતા. લાલ, પીળા, લીલા અને ભૂરા રંગની ઉચિત પૂરણીથી સચોટ રંગવિધાન કરતા. આત્મવિશ્વાસથી સાદી પણ ચોકસાઈભરી હથોટીએ તે શીઘ્રાલેખી આકૃતિઓ ઉપસાવતા. આ સાદાં ઝડપી રેખાંકનોમાં લયબદ્ધ રેખાઓથી આ કારીગરો ઘણુંખરું એકચશ્મી તસવીરો દોરતા. આ કામ વિશેષ રોનકદાર બનાવવાનું હોય ત્યાં ચૂનાના પ્લાસ્ટરમાં ચિરોડી ઉમેરી ભીંતને લગાડતા. આવી આરસ જેવી ચમકદાર અને લીસી સપાટી ઉપર આલેખેલાં ચિત્રો તેના અસલ રૂપમાં સુશોભિત અને આકર્ષક લાગતાં અને શુકનસંપન્ન રૂડો ઘરશણગાર બની રહેતાં.

ભીંતચિત્રોના સુશોભનની ભાતગૂંથણીમાં લોકકલ્પનાના તળપદા રૂપની છાંટ વર્તાય છે. સમકાલીન લોકજીવનરીતિના રિવાજ, વસ્ત્રાભૂષણો અને ગૃહોપસ્કરોના ખયાલ સાથે સામાજિક રૂઢિઓનું નિદર્શન આ ચિત્રો કરાવે છે. રામાયણ, મહાભારત, કૃષ્ણલીલા અને દેવદેવીઓની પૌરાણિક કથાઓનાં નાટ્યાત્મક ચિતરામણનું કુશળ રેખાંકન આ ભીંતચિત્રોમાં મનોહર લાગે છે. વિવિધ જાતનાં વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓના તળપદા રૂપને ભાતગૂંથણીમાં સુશોભનથી ગોઠવી લેવાતું કસીદાની કલમકારી ઢબે આ કામ શોભનસમૃદ્ધ થતું. પરંપરાગત ચિત્રશૈલીમાં આલેખેલાં હાથી, ઘોડા, ઊંટ-અસવાર, ઘોડેસવાર, દરબારનો ડાયરો, ગોવાલણી, રાસલીલાનાં કૂંડાળાં, ફૂલપત્તીની વેલો વગેરેનાં સુંદર સ્વરૂપોનું આ ભીંતચિત્રોમાંનું નિરૂપણ તેની ભાત અને તેના ઘાટમાં રળિયામણું દેખાય છે. કોઈ સંપ્રદાયનું સ્થાનક હોય કે દરબારડેલી હોય તો તેમાં જે તે દેવની, રાજાની કે મહંતની સવારી અને તેના રસાલાના ર્દશ્યની શોભનપટ્ટી અવશ્ય મુકાતી. આ કડિયાકમાંગરોને નિજી પસંદગીનાં ચિત્રો દોરવાની પણ પૂરી છૂટ રહેતી. ચિત્રસમુચ્ચયમાં મોળું કાંઈ ન દેખાય એ રીતે ભીંતની સમગ્ર સપાટીને ફૂલપત્તીનાં પ્રકીર્ણ આલેખનોથી ભરી દેતા. કચ્છનાં ભીંતચિત્રોની આ આગવી ખાસિયત ગણાવી શકાય.

કચ્છના બંદરપ્રદેશોમાં મીઠાના વિશાળ અગરો

કાળક્રમે આલેખાયેલાં કચ્છનાં આ ભીંતચિત્રો, અંજારનો મૅકમર્ડોનો બંગલો, ભુજમાં જૂનો દરબાર, દ્વારકાનાથ જાગીર, સ્વામીનારાયણ મંદિર, ભારાપરમાં સુજાબાનાં દરબાર અને ડેલી, બિબ્બરનાં દેવમંદિર, રાયણમાં ધોરમનાથનો ભંડારો, નારાયણસર ધર્મશાળાની ડેલી, મુંદ્રામાં વૈદ્યની મેડી ઉપર, બેલાના રામમંદિર અને જૈનમંદિરમાં, વિંઝાણની હવેલી અને અબડાસામાં ઘણે સ્થળે તથા ખાસ કરીને કોઠારા, નલિયા અને સુથરીનાં મકાનોમાં, સીનુગ્રાખંભરામાં અને કચ્છને કોઈ કોઈ ગામડે છૂટાંછવાયાં જોવા મળી રહે. આ બધામાં તેરા દરબારગઢમાં ‘રામરાંધ’ની સંપૂર્ણ લોકરામાયણની અખંડ ચિત્રાવલી જોરદાર શૈલીમાં બનાવેલી છે. ભીંતચિત્રોની આ ઉત્તમ કૃતિને ભારતીય લોકકલાનો એક ઉત્તમ નમૂનો ગણાવી શકાય. કચ્છનાં ભીંતચિત્રોની આ લોકકળાએ એના સમકાલીન સમાજની રસવૃત્તિને પોષી છે અને એનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. પ્રાદેશિક લોકકળાના અભ્યાસમાં કચ્છનાં ભીંતચિત્રોની આ મૌલિક લોકશૈલી સદા રસભરી રહેશે.

કચ્છ મ્યુઝિયમ : રાવશ્રી ખેંગારજી ત્રીજાએ જયપુરની કળાશાળાના નમૂના પર ભુજમાં 1-7-1877માં કળાશાળા શરૂ કરી. મ્યુઝિયમ તેના ભાગરૂપે હતું. 1884માં રાવશ્રીનાં લગ્ન પ્રસંગે ભુજમાં યોજાયેલ કળા-પ્રદર્શનમાંથી ઘણા નમૂના મ્યુઝિયમ માટે ખરીદાતાં તેનું 1887માં અલગ મકાન થયું. આઝાદી પહેલાં કચ્છ મ્યુઝિયમ ફર્ગ્યુસન મ્યુઝિયમના નામે ઓળખાતું અને રાજ્યના મહેમાનો જ તે જોઈ શકતા. જાહેર જનતા તે દિવાળીના પર્વે જ જોઈ શકતી.

મ્યુઝિયમના પુરાતત્ત્વ વિભાગમાં પથ્થર યુગનાં ઓજારો તથા ધોળાવીરા અને ખીરસરા ગામોએથી પ્રાપ્ત સિન્ધુ સંસ્કૃતિની મુદ્રાઓ છે. કચ્છ નજીકના લખપતના ખાટિયામા પડદાબેટમાંથી હડપ્પાકાલીન આશરે 5200 વર્ષ જૂના અવશેષો શોધી કાઢવામાં આવ્યા છે.અહીંથી તેઓને માનવકંકાલ પશુઓના હાડકા, માટીના મણકા, મોતી, શંખ, છીપલાં વગેરે પ્રાપ્ત થયાં છે. 18 ક્ષત્રપ શિલાલેખો સાથે તે ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ ધરાવે છે. તે પૈકી શકસંવત 11(ઈ. સ. 89)નો સૌથી જૂનો છે. ગુજરાતનો એકમાત્ર આભીર લેખ શકસંવત 254(ઈ. સ. 332)નો પણ છે. ઉપરાંત વિવિધ પ્રકારના પાળિયા છે. સિક્કાસંગ્રહમાં પ્રાચીન ભારત, કચ્છ રાજ્ય, દેશી રાજ્યો તથા દુનિયાના ઘણાખરા દેશોના સિક્કા છે. આર્કોયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પૂર્વ નિયામક રવીન્દ્રસિંહ બીસ્ટના માર્ગદર્શ હેઠળ ધોળાવીરાનું ઉત્ખનન થયું હતું. યુનેસ્કોએ 2021ના જુલાઇની 27 તારીખે ધોળાવીરાને વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરેલ છે. અહીં 5000 હજાર વર્ષ જૂનું ‘હડપ્પા’ને પુનર્જીવિત કરવાનું વિચારવામાં આવ્યું  છે.

શિલ્પ વિભાગમાં સોલંકી યુગનાં (10-12 સદીનાં) કચ્છનાં વિરલ મંદિરોના અવશેષો છે. એમાં કેરાનું હલ્લીસક નૃત્ય, અંજારના ઘટપલ્લવસ્તંભ વગેરે નોંધપાત્ર છે. કાંસ્ય શિલ્પમાં છઠ્ઠી સદીની બ્રાહ્મી લિપિના લેખવાળી બુદ્ધપ્રતિમા અત્યંત સુંદર છે.

ચિત્ર વિભાગમાં નાગપાંચમ સવારી (1905) અને મોહરમ(1925)નાં સરઘસોનાં અનુક્રમે 50 અને 60 ફૂટ લાંબાં ઓળિયાં (scrolls) પર જલરંગી ચિત્રોમાં માનવપાત્રો, પશુઓ, વાજિંત્રો, હથિયારો વગેરે જોઈ કલાગુરુ સ્વ. રવિશંકરભાઈ રાવળે તેની પ્રતિકૃતિઓ તૈયાર કરવા સૂચવ્યું હતું.

ચાંદી વિભાગમાં યુરોપિયન રુચિને અનુરૂપ ફ્રૂટ સ્ટૅન્ડ, ચાંદીની સિગારેટ-બૉક્સ વગેરે છે.

વસ્ત્રકલા વિભાગમાં યુરોપિયનોએ પ્રોત્સાહિત કરેલ મોચીભરતના સુરેખ નમૂના તથા બાંધણીઓ છે. વહાણવટા વિભાગમાં કચ્છી હોડીઓ તથા વહાણના નાના નમૂના છે.

શસ્ત્રાસ્ત્ર વિભાગમાં 1795માં ટીપુ સુલતાને કચ્છના રાવને ભેટ આપેલ અરબી લખાણવાળી હૈદરી તોપ છે. પ્રતિસ્પર્ધીની તલવારને ફસાવી દે, તેવી કરવતની ધારવાળી તલવાર પણ છે.

કાષ્ઠકળા વિભાગમાં સાત સૂંઢવાળો ઐરાવત હાથી છે. તેના પરથી 1978માં મ્યુઝિયમ શતાબ્દી પ્રસંગે 25 પૈસાવાળી ટપાલટિકિટ બહાર પડાઈ હતી. ઉપરાંત, અહીં નાજુક નકશીકામવાળાં કમાડ પણ છે.

કે. કા. શાસ્ત્રી

રામસિંહજી રાઠોડ

શિવપ્રસાદ રાજગોર

રસેશ જમીનદાર

મીનાક્ષી જૈન

દિલીપ કે. વૈદ્ય