કચ્છનું રણ : ભારતની પશ્ચિમે અને પાકિસ્તાનની દક્ષિણ અને પૂર્વ સરહદે આવેલું મોટું અને નાનું રણ. કચ્છનું રણ 22o 55′ ઉ. અ. અને 24o 43′ ઉ. અ. 68o 45′ પૂ. રે. અને 71o 46′ પૂ. રે. વચ્ચે આવેલું છે. બંને રણનું ક્ષેત્રફળ 27,300 ચોકિમી. છે. મોટું રણ પૂર્વ-પશ્ચિમ 256 કિમી. લાંબું અને ઉત્તર-દક્ષિણ 128 કિમી. પહોળું છે. તેનું ક્ષેત્રફળ 18,122 ચોકિમી. છે. નાનું રણ 128 કિમી. લાંબું અને 16થી 64 કિમી. પહોળું છે. તેનું ક્ષેત્રફળ 5,178 ચોકિમી. છે. કચ્છના રણમાં લૂણી, બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ચોમાસામાં પૂર સાથે કાદવ તાણી લાવે છે. કચ્છના રણમાં ખાસ કરીને રેતી જોવા મળતી નથી. પહેલાં આ જગ્યાએ ‘ટેથીઝ’ના ભાગરૂપ સાંભર સરોવર સુધી વિસ્તરેલ સમુદ્ર હતો. ભૂકંપને કારણે સમુદ્રનું પેટાળ ઊપસી આવતાં આ ભૂમિ બની છે. એટલે આ ખારો પાટ છે. મોટા રણમાં મળી આવતી માટીનું પડ 90 સેમી. જાડું છે. નાના રણમાં કેટલીક ખેડાતી જમીન પણ છે. તે સામાન્ય તળથી થોડી ઊંચી છે અને માટી ઉપર કાંપનો થર છે. આ માટીની ચોંટી રહેવાની ક્ષમતા ઓછી છે. તે ‘ખેપત’ તરીકે ઓળખાય છે. અહીં ક્ષાર પવનથી ઊડીને બહુ ફેલાતો નથી. સીમા ઉપરના ઊંચા ભાગ પર ક્ષારની અસર થતી નથી. એની પાછળના વિસ્તારને ક્ષારની અસર થઈ છે. રણ કે ખેપતમાં ક્ષાર કરતાં સૂરોખારનો ભાગ વધારે છે. ચોમાસામાં નદીની રેલ અને ભરતીનું પાણી પવનથી વધુ વિસ્તારમાં ફેલાઈને જમીનને ખારી કરે છે ભૂતળનું પાણી પંપ દ્વારા ખેંચી લેવાથી ભૂગર્ભ જળની સપાટી નીચી જતાં ઉપરના સ્તરની ખારાશ ઓછી થાય છે. રણની આજુબાજુની જમીનમાં પાણી ભેગું થઈ ભરાઈ રહેતું હોવાથી જમીનમાંનો ક્ષાર ઊભરાઈ આવે છે, એટલે પાણીનો ભરાવો રોકાવો જોઈએ. આ પ્રક્રિયાનો આધાર ભૂમિની ઊંચાઈ, તેની જાત અને બંધિયાર પાણી ભરાઈ રહેવાના સમય ઉપર હોય છે.

રણના પગપેસારાની અસર ધીમી હોય છે. પાકના ઉતાર ઉપર પણ તેની અસર પડે છે, પણ રણના સરહદી વિસ્તારમાં બાજરીનો પાક લેવાતો હોય છે, તેથી આ અસર બહુ દેખાતી નથી. રણને આગળ વધતું અટકાવવા માટે સૂચનો કરવા સારુ ગુજરાત યુનિવર્સિટીએ નીમેલી રામનાથન સમિતિએ રણને અટકાવવા રામબાવળ અને ક્ષારનિરોધક વનસ્પતિ ઉગાડવા અંગે ભલામણ કરી હતી, કારણ કે આ પ્રકારનું બાવળનું વૃક્ષ ઝડપથી ફેલાય છે અને તે જમીનનો ક્ષાર ચૂસી લઈને તેને મીઠી બનાવે છે. બન્ની સહિત કચ્છના રણના સરહદી વિસ્તારમાં આનો સફળ પ્રયોગ થયેલો છે.

જૂનથી નવેમ્બર દરમિયાન રણ જળબંબાકાર બની જાય છે. છેક ફેબ્રુઆરી સુધી તેમાં કાદવકીચડ રહે છે. નાનું રણ મોટા રણ કરતાં વહેલું સુકાઈ જાય છે. શિયાળામાં સાઇબીરિયામાંથી સુરખાબ પક્ષીઓ આવીને તેમના માળા બાંધે છે. નાના રણમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેના વિસ્તારમાં ઘુડખર (જંગલી ગધેડા) જોવા મળે છે. વિશ્વમાં આ એકમાત્ર સ્થળ છે જે ઘુડખરના અભયારણ્ય તરીકે જાહેર થયેલું છે. રણની કાંટાવાળી વનસ્પતિ અને સરહદી વિસ્તારમાંનાં ખેતરોમાંના પાક ઉપર આ પ્રાણીઓ નભે છે. નાના રણમાં સમુદ્રનું પાણી ન પ્રવેશે તે માટે બંધ ને પુલની ગરજ સારે તેવો પુલ સૂરજબારી પાસે બંધાયો છે. મોટા રણના ઊંચાણવાળા ભાગ ચોમાસામાં બેટ બની જાય છે. પચ્છમ, ખદીર, ખાવડા અને બેલા રણમાં આવેલા આ પ્રકારના બેટ છે. પચ્છમમાં આવેલો કાળો ડુંગર 458 મી. ઊંચો છે.

કચ્છનો રણપ્રદેશ

1965માં પાકિસ્તાને કચ્છના રણની ઉત્તર સરહદના કેટલાક ભાગ ઉપર દાવો કરી આક્રમણ કર્યું હતું. પાકિસ્તાન વેસ્ટર્ન બાઉન્ડરી કેસ ટ્રિબ્યુનલના ફેબ્રુઆરી 1968ના ચુકાદા મુજબ રણનો 90 ટકા વિસ્તાર ભારતના ભાગે આવેલો છે, જ્યારે તેનો 10 ટકા હિસ્સો પાકિસ્તાનને મળેલો છે. મોટા રણ અને નાના રણમાં સિંધમાં જવાના પગરસ્તા છે. સોમનાથ ઉપર આક્રમણ કરીને મહમદ ગઝની ઈ. સ. 1024માં આ રસ્તે પાછા ફરતાં રણમાં ફસાઈ ગયો હતો. આ રણનો ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’ના અનામી લેખકે ‘ઇરીનોન્’ તરીકે ઉલ્લેખ કરેલો હતો. આ શબ્દ સંસ્કૃત ‘ઇરીણ’ ઉપરથી ઊતરી આવેલો મનાય છે. સિકંદરની ભારતની ચઢાઈ પછી તેનું સૈન્ય પાછું ફર્યું ત્યારે તેણે રણસમુદ્રને જોયેલો હોવાનું કહેવાય છે. તેણે વહાણના ભગ્ન અવશેષો પણ જોયા હોવાનું કહેવાય છે. કચ્છના રણના ભૂતળમાંથી પેટ્રોલિયમ અને ગૅસ મળવાનો સંભવ છે. ચોમાસામાં રણમાં મુસાફરી થઈ શકતી નથી. પાણી સુકાયા પછી જમીન ખૂબ સખત બની જાય છે. રણને નવસાધ્ય કરવાના પ્રયત્નો સરકાર તરફથી થાય છે. કચ્છનું રણ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આગળ ન વધે તે માટે કાંટાળા બાવળ અને તેના જેવી વનસ્પતિ વાવીને તેને અટકાવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છના નાના રણમાં ચોમાસા દરમિયાન ત્રણથી ચાર માસ ઝીંગાની મચ્છીમારી થાય છે.

રણનું ભૂપૃષ્ઠ : ગુજરાતના ભૂપૃષ્ઠ સ્વરૂપે આજે જોવા મળતા ભાલ અને નળકાંઠાના પ્રદેશો તેમજ કચ્છનું રણ બે હજાર વર્ષ પૂર્વે અરબી સમુદ્રની દરિયાઈ પાંખ હેઠળ હતાં. વેદાદિ સાહિત્યમાં ઉલ્લેખાયેલી અને પછીથી સુકાઈ ગયેલી સરસ્વતી નદી અરબી સમુદ્રની આ પૂર્વીય પાંખને મળતી હતી. કોરીનાળથી ઉમરગામ સુધીનો આજનો 1600 કિમી.નો સાગરકાંઠો તે કાળે 2200 કિમી.નો હતો. કચ્છ એ વખતે બેટ સ્વરૂપે હતું. ઉત્તરે લૂણી (લવણિકા) નદીના મુખ આગળથી કચ્છના રણની કિનારી પરના બનાસકાંઠાના વાવ, મહેસાણાના સમી અને સાંતલપુર તેમજ ઝાલાવાડના દસાડા તાલુકાના વિસ્તારો તત્કાલીન દરિયાઈ પાંખ પર હતા અને ત્યાં બંદરો પણ હતાં. ‘સરસ્વતીપુરાણ’માં પણ અહીં સમુદ્ર હોવાનું સમર્થન મળી રહે છે. આ દરિયાઈ પાંખમાંથી સમુદ્ર સુકાયાની દંતકથાઓ હજી આજે પણ અહીંના લોકોમાં પ્રચલિત છે.

નદીઓએ ઠાલવેલા કાંપના વિપુલ જથ્થાથી થયેલા પુરણને કારણે આ દરિયાઈ પાંખ સુકાતી ગઈ અને આબોહવાના ફેરફારોને કારણે તે ધીમે ધીમે રણમાં ફેરવાઈ ગઈ. ક્વચિત્ થતી અતિવૃષ્ટિને કારણે લગભગ સમુદ્રસપાટીની લગોલગ રહેલું તેનું ભૂમિતલ આજે પણ ભરાઈ જાય છે. 1927ની રેલ વખતે આ પરિસ્થિતિ સર્જાયેલી અને 1860ના સમય અગાઉ તો આ ભાગ એટલાં ઊંડાં પાણી હેઠળ રહેતો કે હોડીઓ દ્વારા ધોલેરાથી વઢિયારના જળમાર્ગે કપાસની હેરફેર થતી તે બાબતની ઇતિહાસ (મુંબઈ ગેઝેટિયર) સાક્ષી પૂરે છે.

સમુદ્રસપાટીથી ભાગ્યે જ થોડી વધુ ઊંચાઈએ અને ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે આવેલો કચ્છના રણ તરીકે જાણીતો આ પ્રદેશ ભારતીય ઉપખંડમાં જોવા મળતો અજોડ, અનન્ય લાક્ષણિક ભૂમિભાગ છે. આજે જોવા મળતી રણની આ શુષ્કતા તો હજી હમણાં વીતી ચૂકેલા ભૂસ્તરીય કાળની ઘટના ગણાવી શકાય. મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા કેટલાક સ્તરભંગોને કારણે હોર્સ્ટ અને ગ્રેબન જેવાં રચનાત્મક લક્ષણોવાળા એના ભૂપૃષ્ઠના સપાટીસ્તરો ચતુર્થ જીવયુગ (જુઓ કેનોઝોઇક યુગ) દરમિયાન બનેલા છે, જેની ઉત્પત્તિ દરિયાઈ, નદીનાળજન્ય કે નદીજન્ય છે; જ્યારે તેની નીચે રહેલા તળખડકો ક્યાંક સ્ફટિકમય, ક્યાંક મધ્ય જીવયુગના તો ક્યાંક તૃતીય જીવયુગના પણ છે. કચ્છના રણની ઉત્પત્તિની પરિસ્થિતિ માટે બહોળી ર્દષ્ટિથી તૃતીય જીવયુગથી બદલાતા ગયેલા પ્રાદેશિક પર્યાવરણને તેમજ વિશેષત: પ્લાયસ્ટોસીન કાળમાંની પ્રવર્તમાન ભૂસ્તરીય ક્રિયાઓને જવાબદાર લેખી શકાય.

કચ્છના રણનું પ્રાણીવિશેષ : ઘુડખર

ભૂસ્તરીય ભૂતકાળની ઘટનાઓ પરથી કહી શકાય છે કે દક્ષિણે નર્મદાની ફાટખીણ સુધી અને ઉત્તરે સિંધને સાંકળી લેતો, એક કાળના અફાટ મહાસાગર(જુઓ ટેથીઝ)નો એક નાનો સમુદ્રી ફાંટો કચ્છના આ રણપ્રદેશની જગામાં થઈને પસાર થતો હતો, જેને પરિણામે કચ્છનો ભૂમિભાગ ગુજરાત-સિંધના ભૂમિભાગથી અલગ પડી જતો હતો. કાળબળે આ સમુદ્રી ફાંટામાં ઉત્તર, ઈશાન અને પૂર્વ તરફથી આવીને મળતી નદીઓએ ઠાલવેલા કાંપના વિપુલ જથ્થાથી એનું તળ ભરાતું ગયું અને ક્રમે ક્રમે એ ફાંટો નામશેષ થઈ ગયો. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ઈ. પૂ. 323માં જ્યારે સિકંદરે ભારત પર ચઢાઈ કરેલી તે સમયે આ પ્રદેશ વિશાળ જળરાશિ ધરાવતો હતો અને વહાણોની અવરજવરને લાયક સરોવર જેવો હતો અને કાંઠે ધીકતાં બંદરો પણ હતાં !

1819માં અહીં ભૂકંપથી થયેલા ભૂસંચલનની રચનાત્મક અસરને કારણે રણનો કેટલોક ઉત્તરતરફી ભાગ ઊંચકાઈ આવેલો જે પાછળથી ‘અલ્લાહ બંધ’ તરીકે ઓળખાતો થયો. પરિણામે રણના બે ભાગ પડી ગયા. પશ્ચિમનો વિસ્તાર મોટા રણ તરીકે અને પૂર્વનો વિસ્તાર નાના રણ તરીકે જાણીતો થયો.

કચ્છના રણનું આ થાળું ખરેખર તો સિંધુગંગાના વિશાળ કાંપમય મેદાની વિસ્તારના નૈર્ઋત્યકોણીય છેડા તરીકે લેખાવી શકાય. આજે તો તે સમુદ્રસપાટીથી ભાગ્યે જ વધુ ઊંચાઈએ રહેલું, ખારા પટથી પથરાયેલું રહેતું, મુખ્યત્વે પંકભૂમિથી રચાયેલું થાળું માત્ર છે, જે વર્ષના અમુક ગાળા દરમિયાન શુષ્ક રહે છે, તો બાકીના સમયગાળા દરમિયાન પાણીથી છવાઈ જાય છે. આ જ કારણે તે પ્રાગૈતિહાસિક કાળ સુધી અરબી સમુદ્રનું પ્રવેશદ્વાર કહેવાતું હતું. નવેમ્બરથી માર્ચ સુધીના પાછા વળતા ઈશાની મોસમી પવનોના ગાળા દરમિયાન, અગાઉના ચોમાસામાં ભરાયેલાં પાણી સુકાઈ જવાથી, આ થાળું ક્ષારની પોપડીઓવાળો વેરાન પંકભૂમિપટ બની રહે છે. ઉનાળામાં સૂર્યની પ્રચંડ ગરમીથી તપ્ત થયેલી તેની પંકસપાટી પરની ચળકતી ક્ષારમય પોપડીઓ દૂરથી પસાર થનારાઓની આંખ આંજી દે છે, તો ક્યારેક તેનો કેટલોક ભાગ મૃગજળનો આભાસ ઊભો કરે છે. એની પ્રગાઢ, સ્મશાનવત્ ઉજ્જડતા હૃદયવિદારક બની રહે છે. ક્વચિત્ પસાર થતી રહેતી ઊંટોની વણજાર કે અહીંતહીં ભટકતાં રહેતાં અહીંનાં ઘુડખરનાં ટોળાં આ વેરાન વિસ્તારમાં જીવનના અસ્તિત્વનો અણસાર આપી જાય છે. આ ખારા પટમાં જડાઈ ગયેલાં જોવા મળતાં, અકાળે મૃત થયેલાં કોઈક પ્રાણીનાં હાડપિંજર કે સમુદ્રજળ સાથે ખેંચાઈ આવેલી અને પછીથી સુકાઈ ગયેલી માછલીઓ તેમજ નાનીમોટી જીવાતના અવશેષો અહીંની સાર્વત્રિક ભેંકાર ઉજ્જડતા અને જીવનની કરુણતા સાથેના દૂરગામી સંબંધોની ઝાંખી કરાવે છે. વર્ષના બાકીના એપ્રિલથી ઑક્ટોબરના ગાળા દરમિયાન, નૈર્ઋત્યના ઉગ્રવાતને કારણે અરબી સમુદ્રનાં પાણીની સપાટી ઊંચી આવે છે, કચ્છનાં અને કોરીનાળનાં પાણી ધસી આવે છે, જેનાથી ઈશાનમાંથી (ઉત્તર-પૂર્વમાંથી) આવતી નદીઓનાં પાણી પાછાં ધકેલાય છે અને આ રીતે આખોયે વિસ્તાર પાણીથી છવાઈ જાય છે.

વર્ષોવર્ષ આ પ્રમાણે ચાલુ રહેતી પરિસ્થિતિ જોતાં આ થાળું જો દરેક પૂર વખતે ખેંચાઈ આવતા કાંપ-કાદવથી ક્રમશ: પુરાતું જાય તો તે ગુજરાતના અન્ય કાંપમય વિસ્તારો જેવો ખેડવાલાયક ફળદ્રૂપ પ્રદેશ બની રહે. આથી ઊલટું, જો તે પુરાય નહિ અને કોઈ વિશિષ્ટ કારણસર તે ઊંડું બનતું જાય તો કચ્છનો આ ભૂમિભાગ ટાપુ જેવો બની રહે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા