કચ્છનું સંસ્કૃતિદર્શન (1959) : કચ્છની સંસ્કૃતિનું સર્વગ્રાહી દર્શન કરાવતો ગ્રંથ. લેખક રામસિંહજી કા. રાઠોડ. તેનાં 278 જેટલાં પૃષ્ઠોમાં અને 31 પ્રકરણોમાં કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રમાણમાં શ્રદ્ધેય કહી શકાય તેવું ચિત્ર મળે છે. એ માટે લેખકે પ્રાચીન ગ્રંથો, વિદેશીઓના લેખો, તામ્રપત્રો, સિક્કા, શિલાલેખો, લોકગાથાઓ, પાળિયા, મંદિરો, કળાના નમૂના વગેરેનો અહીં સમુચિત આધાર લીધો છે. પરિણામે ઇતિહાસ, પુરાતત્વ, કળા, સમાજ, વિજ્ઞાન ઉપરાંત કચ્છની ભૂ-સંપત્તિ, પ્રકૃતિ, રણ, પ્રાણીઓ, ભાષાબોલી, પેદાશ, ઉદ્યોગો એ સર્વ વિશે જાણવા યોગ્ય માહિતી અહીં મળી રહે છે.

ગુજરાતના એક ભૂભાગરૂપ આ પ્રદેશની સંસ્કૃતિને એની આગવી વિશિષ્ટતાઓ અને દેશ તેમજ ગુજરાતમાં આ પ્રદેશનાં કેવાં આગવાં સ્થાન-માન છે તે પણ અહીં વિગતે દર્શાવાયું છે. આ સંદર્ભમાં કચ્છ પ્રદેશના સંગીતની, ભાષાલાવણ્યની, દેહાતી લોકોની દિનચર્યાની, કચ્છી દુહા-ભજન-કાફીઓની, ‘લંગા’ જાતિની, ‘કમાંગરી’ ને ભિત્તિચિત્રની, મણિમેખલા નામની તમિલ કથા સૂચવે છે તેમ કચ્છના સ્થપતિઓ છેક દેશના દક્ષિણમાં મંદિરો બાંધવા જતા તેની  એ વિગતો કચ્છ વિશે નવો પ્રકાશ પાડે છે.

લેખકે કચ્છના ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વેપારવણજમાં અગ્રસ્થાને રહેલા સ્થળવિશેષનો પણ અહીં વિગતે ખ્યાલ આપ્યો છે. નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનો મઢ, ગેડી, ભદ્રેશ્વર, ભૂઅડ, ગુંતરી, કંથકોટ, કેરાકોટ, પુંઅરા’નો ગઢ, ધીણોધર, રિયાણ, અંજાર, ભુજ, કંડલા જેવાં પ્રકરણો એ પ્રકારની માહિતીથી સભર છે. કચ્છની સંસ્કૃતિના કેટલાક પ્રણેતાઓ અને ઐતિહાસિક પાત્રો વિશે પણ પરિચય મળી રહે છે. 54 જેટલાં પરિશિષ્ટ-પૃષ્ઠો ઉપરાંત ચિત્રો, નકશા, ફોટોગ્રાફ વગેરે ગ્રંથની ઉપયોગિતા અને પ્રમાણભૂતતા વધારે છે.

પ્રવીણ દરજી