કંડલા : ગુજરાતમાં આવેલું મહાબંદર. ભારતનાં અગિયાર પ્રમુખ બંદરો પૈકીનું એક. તે કચ્છના અખાતના શીર્ષ ભાગ પર, 22o 58′ ઉ. અ. અને 70o 13′ પૂ. રે. ઉપર આવેલું છે. 1947માં ભારતના ભાગલા પડતાં કરાંચી બંદર પાકિસ્તાનમાં જતાં, તેની ખોટ પૂરવા, ભારતના પશ્ચિમ કિનારે બંદર વિકસાવવાની જરૂર જણાતાં, કસ્તૂરભાઈ સમિતિની ભલામણ મુજબ પ્રમુખ બંદર તરીકે વિકસાવવા કંડલાની પસંદગી થઈ હતી. બ્રીચ ચેનલ તરીકે ઓળખાતી કંડલાની નાળ(channel)નું 1851 અને 1922માં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તેને વિકસાવવા મહારાવ ખેંગારજી ત્રીજાએ 1930માં નિર્ણય લીધો હતો અને 1931માં 90 મીટર લાંબો ધક્કો બાંધવામાં આવ્યો હતો. કંડલાનું નવું બંદર જૂના બંદરથી ત્રણ કિમી. હેઠવાસ કંડલાની નાળના મુખથી 15 દરિયાઈ માઈલ દૂર બાંધવામાં આવ્યું છે. અત્યારે વચ્ચેની નાળનો ઉપયોગ થાય છે. વમળ વિનાના પ્રવાહવાળી ઊંડી નાળ ચોમાસાનાં અને દરિયાનાં તોફાનોથી સંપૂર્ણ મુક્ત હોઈ તેનું બારું કુદરતી છે. તેને પુસ્તા(break water)ના રક્ષણની જરૂર નથી. લંગરસ્થાન 22 કિમી. દૂર છે. નાળના પ્રવેશદ્વાર પાસે પાણીની ઊંડાઈ 3.7 મી. રહે છે અને મુખની પહોળાઈ 150 મી. છે. પૂનમ કે અમાસની ભરતી વખતે અહીં પાણી 6.9થી 8.3 મી. રહે છે. કઠણ કીચડના બનેલા આ નાળના કાંઠા ચેરિયાથી છવાયેલા અને મજબૂત છે. મુખ પાસે ‘કારધડા’ નામનું  રેતીનું ભાઠું (sand bar) છે અને તેને કારણે અહીં કીચડનો જમાવ થતાં કાંપ ઉલેચવાની જરૂર પડે છે. નાળમાં કાયમ આઠ મીટર પાણી રહે છે. આ બંદર ખાતે એકસાથે ચાર સ્ટીમરો લાંગરી શકે છે.

આબોહવા : અહીંનું ઉનાળાનું તાપમાન સરેરાશ 35o સે. અને શિયાળાનું તાપમાન સરેરાશ 25o સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 250 મિમી. પડે છે. અહીં ક્યારેક હળવા દબાણને કારણે નાના-મોટા ચક્રવાતો ફૂંકાતા રહે છે. 1998ના જૂનના પ્રારંભમાં પ્રચંડ વાવાઝોડું ફૂંકાયેલું તેનાથી સમગ્ર કંડલા બંદર તારાજ થઈ ગયેલું.

ઉત્તર ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનો 10 લાખ ચોકિમી.નો તથા દસ કરોડ આસપાસ વસ્તીવાળો વિશાળ પ્રદેશ કંડલાનો પીઠપ્રદેશ છે. અગાઉ કંડલા-ભૂજ મીટરગેજ રેલવે હતી. 1950-52 દરમિયાન કંડલા-ડીસા 278.40 કિમી. લાંબી મીટરગેજ રેલવે બંધાતાં કંડલાને દિલ્હી સાથે જોડાણ મળ્યું છે. આ કારણે કંડલાથી ઉત્તર ભારતનાં મુખ્ય શહેરોનું રેલવે અંતર મુંબઈ કરતાં 250થી 300 કિમી. ઘટ્યું છે ને તેથી વેપારીઓને નૂરમાં બચત થાય છે. બનાસકાંઠાના ભીલડીથી રાજસ્થાનના રાણીવાડા સુધી એક ફાંટો જાય છે. 1964-69 દરમિયાન ઝુંડ-કંડલા બ્રૉડગેજ રેલવે થતાં કંડલાનું અમદાવાદ અને મુંબઈ સાથે સીધું જોડાણ થયું છે. 1968માં બંધાયેલો કંડલા-અમદાવાદને જોડતો 8A રાષ્ટ્રીય ધોરી માર્ગ બામણબોર પાસે અમદાવાદ-પોરબંદર રાષ્ટ્રીય ધોરી માર્ગને મળે છે. વિમાનમાર્ગે પણ કંડલા, કંડલા-રાજકોટ-મુંબઈ વિમાની સેવા દ્વારા જોડાયેલું છે.

કંડલા મહાબંદરે ચાલતી વિવિધ વાણિજ્યિક કામગીરી

કંડલા બંદરે સૂકા માલને ચડાવવા-ઉતારવા માટેની વધુ જેટીનું નિર્માણ કરાયું છે અને તેની લંબાઈ 1,369 મી. છે. અહીં 9.14થી 9.75 મી. ડૂબ (draught) ધરાવતી સ્ટીમરો ધક્કા સુધી આવે છે; જૂના બંદરે પેટ્રોલિયમ અને પ્રવાહી રસાયણો માટેની અનુક્રમે 171 અને 213 મી. લાંબી બે જેટી છે. 9.14 અને 10.36 મી. ડૂબ ધરાવતાં તેલવાહક જહાજો અહીં આવે છે. લંગરસ્થાન 22 કિમી. દૂર છે અને 11 મી. ડૂબ ધરાવતી સ્ટીમરો અહીં  આવે છે. અહીં પાંચ લંગરગાહ (mooring) અને ત્રણ ધક્કા (wharf) છે. અહીં રડાર તથા અન્ય જરૂરી આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

આઝાદી પૂર્વે કચ્છ રાજ્ય ભારતના કસ્ટમ યુનિયન સાથે જોડાયું ન હોવાથી કંડલાથી ભારતના અન્ય ભાગમાં જતા માલ ઉપર ભારે જકાત નખાઈ હતી; આ કારણે મીઠું અને રૂ સિવાય અન્ય નિકાસ નહિવત્ હતી. ભારતમાંથી ચોરીછૂપીથી ચાંદીની નિકાસ થતી હતી, જ્યારે ખજૂર, મસાલા, દવા, કાપડ, કટલરી, નાળિયેર, ઇમારતી લાકડું વગેરેની આયાત થતી હતી. કંડલાનું નવું બંદર થતાં આયાત-નિકાસ ખૂબ વધ્યાં છે. હાલ મીઠું, રૂ, બેન્ટોનાઇટ, મોલાસીઝ, તેલ, આલ્કોહૉલ, ઘઉં, ચોખા, ખાંડ, ગુવારગમ, હાડકાંનો ભૂકો, રિવેટ, બૉક્સાઇટ, ચિરોડી, ચા, ખાતર, સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, દવાઓ, રંગ, રસાયણો, પોશાકો, પ્લાસ્ટિક પાઇપ, વીજળીનાં સાધનો, રબરની વસ્તુઓ વગેરેની નિકાસ થાય છે. આયાતમાં અનાજ, ક્રૂડ ઑઇલ, ખાદ્ય તેલ, ખાતર, ગંધક, રૉક ફૉસ્ફેટ, ઝિંક સલ્ફેટ, તાંબાના ગઠ્ઠા, પોટૅશિયમ ક્લોરાઇડ, સિમેન્ટ, ન્યૂઝપ્રિન્ટ, સોડાઍશ, કોક, મ્યુરિયેટ ઑવ્ પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ વગેરેની આયાત થાય છે. કંડલામાં નિકાસ કરતાં આયાતનું પ્રમાણ દસગણું છે.

સારું ચોમાસું હોય તો અનાજની આયાત ઓછી થાય છે પણ ખાતરનો વપરાશ વધે છે. ખાતરનાં કારખાનાં ભારતમાં વધ્યાં છે અને તેને લગતો કાચો માલ – રૉક ફૉસ્ફેટ – નું સ્થાનિક ઉત્પાદન રાજસ્થાનમાં શરૂ થયું હોવાથી ખાતરની આયાતમાં ઘટાડો થયો છે. સ્થાનિક ઉત્પાદન વધ્યા છતાં માગ વધવાને કારણે ક્રૂડ ઑઇલની આયાત વધારે થાય છે. આ સિવાય કોક અને યંત્રોની પણ આયાત થાય છે. કુલ આયાતમાં અનાજ, ક્રૂડ ઑઇલ, કેરોસીન, ખાતર, રસાયણો, ખાતર માટેનો કાચો માલ, ગંધક, રૉક ફૉસ્ફેટ વગેરેનો હિસ્સો 90 %થી પણ વધુ છે. અહીંથી આશરે 30 લાખ ટનથી વધુ માલસામાનની હેરફેર થઈ શકે છે. તે પૈકી મોટાભાગનો માલસામાન આયાતી હોય છે. આયાતી માલ અહીંથી તેની માંગ પ્રમાણે દેશના જુદા જુદા ભાગોમાં મોકલાય છે. આયાતી માલમાં યંત્રસામગ્રી, ખનિજતેલ, લોખંડ-પોલાદ, અનાજ, ખાતર તેમજ અન્ય ચીજોનો સમાવેશ થાય છે. નિકાસી ચીજોમાં કપાસ, ઊન, હાડકાં અને બૉક્સાઇટનો સમાવેશ થાય છે.

ઉદ્યોગોનો વિકાસ તથા નિકાસ વધારવા માટે 1965માં ‘મુક્ત વ્યાપાર ઝોન’ની રચના કરવામાં આવી છે. નિકાસ માટેનો માલ તૈયાર કરવા માટે જરૂરી યંત્રો, છૂટક ભાગો તથા કાચા માલની આયાતને જકાતમુક્તિ અપાઈ છે. દેશના અન્ય ભાગોમાંથી પણ અવરોધ વિના તે લાવી શકાય છે. પુન:નિકાસ માટેના માલને આયાત કરવાની પણ છૂટ અપાઈ છે. વીજળી તથા પાણીના દરમાં પણ રાહત અપાઈ છે. તેમ છતાં કેટલાંક ભૌગોલિક પરિબળો અને મુશ્કેલીઓને કારણે અહીં ઔદ્યોગિક વિકાસ થઈ શક્યો નથી. આમ કંડલાનો ઔદ્યોગિક વિકાસ ઝડપી થવા લાગ્યો છે.

શિવપ્રસાદ રાજગોર