કંઠમાળનો રોગ (ગૉઇટર)

January, 2006

કંઠમાળનો રોગ (ગૉઇટર) : ગળાના વિસ્તારમાં થાઇરૉઇડ ગ્રંથિના અનિચ્છનીય સોજાથી થતો રોગ. કંઠમાળ થવાનું મુખ્ય કારણ ખોરાકમાં આયોડિનની ઊણપ છે. માનવશરીરમાં આયોડિન એ ફક્ત થાઇરૉઇડ ગ્રંથિના અંત:સ્રાવનું સંશ્લેષણ કરવામાં નિર્ણાયક ફાળો આપે છે. આથી આયોડિનની ઊણપને લીધે અંત:સ્રાવના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. પુખ્ત માનવના દૈનિક ખોરાકમાં આયોડિનની માત્રા 100-150 ug / પ્રતિદિન જેટલી અંદાજવામાં આવી છે, જ્યારે 10 વર્ષથી નાના બાળકના દૈનિક ખોરાકમાં તેની માત્રા 60-100 ug / પ્રતિદિન હોવી જરૂરી છે.

જો માનવ-વસ્તીમાં ઉપર્યુક્ત માત્રામાં આયોડિનની જરૂરિયાત પૂરી પાડવામાં ન આવે, તો તેના વિકાસ અને કાર્યમાં શ્રેણીબદ્ધ અનિયમિતતાને કારણે કંઠમાળનો રોગ થાય છે. આયોડિનની સખત ઊણપ હોય ત્યારે તે વિસ્તારના લોકોમાં કંઠમાળનો રોગ જોવા મળે છે. ખોરાકમાં આયોડિન ઓછો લેવાથી થાઇરૉક્સિન અંત:સ્રાવ ઓછો સંશ્લેષિત થાય છે, જેના કારણે થાઇરૉઇડ ગ્રંથિને આયોડિન મેળવવા વધુ કાર્ય કરવાને લીધે તેના કદમાં વધારો થતાં કંઠમાળનો રોગ થાય છે. આયોડિનની ઊણપવાળા ભૌગોલિક વિસ્તારોમાં પર્વતો અને હિમક્ષેત્રોનો સમાવેશ થાય છે. હિમક્ષેત્રમાં સતત બરફ પીગળવાને લીધે જમીનમાં રહેલા આયોડિનનું સતત ધોવાણ થતું રહે છે. ભૌગોલિક રીતે ભારતનો આખો હિમાલય-વિસ્તાર અને ઉત્તરનાં મેદાનો આયોડિનની ઊણપવાળા વિસ્તારો છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પર્વતીય વિસ્તારો અને નર્મદાનદીના ખીણના વિસ્તારો પણ આયોડિનની ઊણપવાળા છે. દિલ્હી અને મુંબઈ શહેરની માનવવસ્તી આયોડિનના ઊણપવાળી છે.

ત્રણ દાયકા અગાઉ ભારત સરકારે નૅશનલ ગૉઇટર નિયંત્રણ કાર્યક્રમ યોજના હેઠળ આયોડિનની ઊણપવાળા વિસ્તારમાં તેની પૂર્તિ કરવાના કાર્યક્રમોની શરૂઆત કરી હતી, પરંતુ તેના અમલમાં ખાસ સફળતા ન મળતાં 1986માં સરકારી અને બિનસરકારી સંસ્થાઓએ યુનિવર્સલ આયોડિશન કાર્યક્રમ હેઠળ આયોડિનયુક્ત મીઠાના ઉપયોગ દ્વારા તેની ઊણપની પૂર્તિ કરી છે. આમ આયોડિનની ઊણપને રસોઈમાં વપરાતું મીઠું, ખાદ્યતેલ અને પીવાના પાણીની મારફતે ટાળી શકાય છે.

યોગેશ મણિલાલ દલાલ