ઔરંગઝેબ – આલમગીર [જ. 3 નવેમ્બર 1618, દાહોદ, ગુજરાત; અ. 3 માર્ચ 1707, અહમદનગર (શાસનકાળ 1658-1707)] : વિશાળ મુઘલ સામ્રાજ્યના અસ્ત સમયનો છઠ્ઠો અને છેલ્લો મહાન સમ્રાટ. આખું નામ મુહીયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ. આ સામ્રાજ્યની પડતીની સાથે ભારતમાં બ્રિટિશ સત્તાની શરૂઆત થઈ.

ઔરંગઝેબ – આલમગીર

ઔરંગઝેબ કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા, ર્દઢ મનોબળ સાથે શંકાશીલ માનસ ધરાવતો, ધર્મપરાયણ પણ ધર્માંધ રાજવી હતો. તે શાહજહાં અને મુમતાજ બેગમનાં 14 સંતાનોમાંનું છઠ્ઠું સંતાન હતો. કટ્ટર સુન્નીઓ – સાદુલ્લાખાં તથા મુહમ્મદ હાસીમ પાસે ઔરંગઝેબને પ્રારંભિક શિક્ષણ મળ્યું. આથી બાલ્યવયથી જ તે કટ્ટર રૂઢિચુસ્ત બન્યો. તેણે કિશોર વયમાં જ કુરાન તથા શરિયત(કુરાની મુસ્લિમ કાનૂન)નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઔરંગઝેબ અરબી, ફારસી, ઉર્દૂ તથા હિન્દી ભાષાઓ સારી રીતે લખી-વાંચી અને બોલી શકતો. ઊગતી વયમાં ઔરંગઝેબે દક્ષિણ, ગુજરાત વગેરેની સુબાગીરી કરી તથા ત્યાં કુશળ સૈનિક, સફળ વહીવટકર્તા અને કૂટનીતિજ્ઞ તરીકેની કુશળતા દાખવી.

શાહજહાં 1658ના પ્રારંભમાં બીમાર પડતાં તેના પુત્રો દારા, શુજા, ઔરંગઝેબ અને મુરાદ વચ્ચે ગાદીપ્રાપ્તિ માટે વિગ્રહ શરૂ થયો; એમાં આગ્રાથી આશરે 13 કિલોમીટર દૂર સામુગઢ પાસેની અંતિમ લડાઈ(મે 1658)માં ઔરંગઝેબ તથા મુરાદનાં સંયુક્ત લશ્કરોને હાથે દારાનો પરાજય થયો અને ઔરંગઝેબે આગ્રાનો કબજો લઈને જુલાઈ 1658માં પોતાની જાતને સમ્રાટ (પાદશાહ) તરીકે જાહેર કરીને મુહીયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ-આલમગીર પાદશાહનું બિરુદ ધારણ કરીને ગાદીનશીન થયો. તેણે પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કર્યો. ત્યાં શાહજહાંનું જાન્યુઆરી 1666માં કેદી અવસ્થામાં જ અવસાન થયું. શુજા પરાજિત થઈને બંગાળ તરફ નાસી ગયો ઢાકા થઈને આરાકાન ગયો. તેની બંગાળ જીતવાની યોજના જાહેર થઈ જતાં ફેબ્રુ. 1661માં મારી નાખવામાં આવ્યો. ઔરંગઝેબે ગાદી માટે હક-દાવો કરી શકે તેવા દારા, મુરાદ, તેમના પુત્રો, વગેરે તમામની હત્યા કરાવી. પોતાનાં આવાં ઘાતકી કૃત્યો પ્રત્યે અમીરો, અમલદારો તથા લોકોમાં અસંતોષ ન ફેલાય અને તેઓ પોતાને વફાદાર રહે તે માટે ઔરંગઝેબે તેમને છૂટે હાથે સોનામહોરોની લહાણી કરી હોવાનું કહેવાય છે.

ત્યારબાદ મહત્વાકાંક્ષી-સામ્રાજ્યવાદી ઔરંગઝેબે મુઘલ સામ્રાજ્ય તથા ઇસ્લામ ભારતભરમાં ફેલાવવાના આશયથી અનેક યુદ્ધો ખેલ્યાં. તેણે આસામ અને બંગાળ, અફઘાનિસ્તાન અને સરહદી વિસ્તારો, રાજપૂતાના અને પશ્ચિમી પ્રદેશો તથા દખ્ખણનાં રાજ્યો અને મરાઠાઓ સામે મેળવેલા વિજયો તેની ધર્માંધ નીતિને લીધે છેવટે નિષ્ફળતામાં પરિણમ્યા. આથી ઔરંગઝેબના જીવનવૃત્તાન્તકાર જદુનાથ સરકાર યોગ્ય રીતે નોંધે છે તેમ, ઔરંગઝેબનો અર્ધી સદી ઉપરાંતનો શાસનકાળ એકંદરે સંઘર્ષો, વિજયો તથા નિષ્ફળતાઓનો ઇતિહાસ કહી શકાય અને તેની આવી ધર્માંધ નીતિ મુઘલ સત્તાના પતનનું મુખ્ય કારણ ગણાયું છે.

આસામને મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવા તેની આહોમ જાતિ અને તેના રાજાઓ સામે ઔરંગઝેબે આશરે વીસ વર્ષ (1661-1681) સુધી યુદ્ધો કર્યાં; તેમાંથી ઔરંગઝેબને પુષ્કળ સોનું, ચાંદી અને અન્ય સામગ્રી મળી. પરંતુ આખરે તે નિષ્ફળતામાં જ પરિણમ્યાં. બંગાળના માનવતાવાદી મુઘલ સુબેદાર મીર જુમલાએ મુઘલોના આાસામના શરૂઆતના વિજયોમાં મહત્વનો ભાગ ભજવ્યો. કૂચબિહાર વિજયમાં પણ ઔરંગઝેબને આવી જ નિષ્ફળતા મળી. ઔરંગઝેબે 10 વર્ષ (1667-1677) સુધી અફઘાનિસ્તાન અને સરહદી ટોળીઓ સામે કરેલી લડાઈઓમાં પણ તેને અકંદરે નિષ્ફળતા મળી. તેણે સ્વાતંત્ર્યપ્રિય સરહદી ટોળીઓ આફ્રિદી, ખટક, શિરાની, યુસુફઝાઈ વગેરેને તાબે કરવા ખૂનખાર યુદ્ધો કર્યાં. તેમના નેતાઓને મોટી રકમની લાંચો, હોદ્દાની લાલચો વગેરે આપીને ફોડ્યા, તોપણ સરહદી ટોળીઓનો જુસ્સો અણનમ રહ્યો. આથી મુઘલોએ હજારો સૈનિકો ગુમાવ્યા તથા કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્યું, એટલું જ નહિ પરંતુ આના પરિણામે ઔરંગઝેબે રાજપૂતો, શીખો તથા મરાઠાઓ સામે ખેલેલાં લાંબાં યુદ્ધોમાં સરહદની બહાદુર અફઘાન જાતિઓનો સાથ ગુમાવ્યો. અંગ્રેજોને પણ અફઘાનિસ્તાન અને સરહદી જાતિઓ સામેનાં યુદ્ધોમાં આવો જ અનુભવ થયો હતો.

ઔરંગઝેબના પ્રપિતામહ અકબર અને પિતામહ જહાંગીરે રાજપૂતો પ્રત્યે ઉદાર અને સહિષ્ણુ નીતિ દાખવીને મુઘલ સામ્રાજ્યને સ્થિર અને સલામત બનાવ્યું હતું, પરંતુ ઔરંગઝેબે તે નીતિને ઊલટાવીને મુઘલ સામ્રાજ્યને વેરવિખેર કરી નાખ્યું. તેણે રાજપૂતાનાનાં મુખ્ય રાજ્યો મારવાડ અને મેવાડ સાથે આશરે 28 વર્ષ (1679-1707-પોતાના અવસાન) સુધી યુદ્ધો ખેલીને મુઘલ સત્તાનો અંત નજીક આણ્યો. મારવાડના વફાદાર સરદાર વીર દુર્ગાદાસે સ્વ. જશવંતસિંહના પુત્ર અજિતસિંહને મારવાડની ગાદીએ બેસાડવા આખર સુધી ઔરંગઝેબ સામે સ્વાતંત્ર્યસંગ્રામ ખેલ્યો. દુર્ગાદાસે ઔરંગઝેબ સામે અનેક ખુલ્લી અને ગેરીલા લડાઈઓ લડીને છેવટે 1707માં મારવાડની સ્વતંત્રતા પ્રાપ્ત કરી તથા અજિતસિંહને ગાદીનશીન કર્યો. દુર્ગાદાસે આ દરમિયાન ઔરંગઝેબના બળવાખોર પુત્ર અકબરને પણ આશ્રય આપેલો. ઔરંગઝેબે રાજપૂતોને દુશ્મન બનાવી મરાઠા સામેનાં લાંબાં યુદ્ધોમાં તેમનો સાથ ગુમાવ્યો.

ઔરંગઝેબની અતિવિસ્તારવાદી તથા કટ્ટર ધર્માંધ નીતિને કારણે મેવાડ અને નરનોલના સતનામીઓ, મથુરા પ્રદેશના જાટ, બુંદેલખંડના બુંદેલા, પંજાબના શીખ વગેરે સાથે પણ તેને લડાઈઓ કરવી પડી (1661-1705). મુઘલો સાથેના સંઘર્ષમાં હજારો સતનામીઓએ ધર્મ ખાતર પોતાના પ્રાણ ખોયા. જાટ લોકોએ ઔરંગઝેબના રાજકીય તથા ધાર્મિક અત્યાચારો સામે પોતાના નેતાઓ ગોકલ, રાજારામ વગેરેના નેતૃત્વ નીચે ઔરંગઝેબ સામે છેક તેના મૃત્યુ સુધી જંગ જારી રાખ્યો હતો (1707). બુંદેલખંડના રાજા છત્રસાલે ઔરંગઝેબ સામે છેક સુધી લડીને પોતાની સ્વતંત્રતા જાળવી રાખી. ઔરંગઝેબના સમકાલીન ઇતિહાસકાર ખાફીખાનના કથન મુજબ ઔરંગઝેબની નીતિ હિન્દુઓ વિરુદ્ધની હતી. શીખોનાં અમુક મંદિરો તોડી પડાવ્યાંની નીતિની શીખગુરુ તેગબહાદુરે ટીકા કરતાં, ઔરંગઝેબે તેને મુસ્લિમધર્મ સ્વીકારવા કહ્યું પણ તેગબહાદુરે તેનો ઇન્કાર કરતાં ઔરંગઝેબે ગુરુનો વધ કરાવ્યો (1675). આથી તેગબહાદુરના પુત્ર ગુરુ ગોવિંદસિંહે ખાલસા નામે શીખ લશ્કરી દળ સ્થાપીને ઔરંગઝેબ સામે આજીવન લડાઈ ચાલુ રાખી હતી. કેદ પકડાયેલા તેના બે બાળપુત્રોએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કરતાં ઔરંગઝેબે તેમનો ક્રૂર રીતે વધ કરાવ્યો. પરિણામે ગુરુ ગોવિંદસિંહનું મુઘલો સામેનું યુદ્ધ ઔરંગઝેબના અવસાન (1707) સુધી ચાલુ રહ્યું. પછીથી મુઘલ સામ્રાજ્યના પતનમાં શીખોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો.

ઔરંગઝેબે દખ્ખણનાં શિયા રાજ્યો બિજાપુર તથા ગોલકોંડાને મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવા અને શિવાજી તથા મરાઠાની વધતી જતી સત્તાને નાબૂદ કરવા પોતાના જીવનનાં અંતિમ 25 વર્ષો (1682-1707) દખ્ખણમાં ગાળ્યાં. ઔરંગઝેબે ભારે જહેમતથી છેવટે બિજાપુરના સુલતાન સિકંદર આદિલશાહને પરાજય આપીને બિજાપુરને મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દીધું (1686). ઔરંગઝેબ ગોલકોંડાને લશ્કરી તાકાતથી જીતી શક્યો નહિ, એટલે કિલ્લાના કિલ્લેદારને મોટી રકમની લાંચ આપીને ફોડ્યો અને સુલતાન અબુલ હસનને કેદી બનાવીને ગોલકોંડાનો કબજો લીધો (1687). તેને પણ મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યું. ખાફીખાનના જણાવ્યા પ્રમાણે ગોલકોંડાની જીતથી તેને કરોડો રૂપિયાનો માલસામાન લૂંટવા મળ્યો હતો. અબુલ હસનના બહાદુર અને વફાદાર સરદાર અબુદુર રઝાકે મુઘલો સામે બતાવેલી શૂરવીરતા ગોલકોંડાના ઇતિહાસ તથા લોકગીતોમાં વણાયેલી છે. જદુનાથ સરકારના મત મુજબ, ઔરંગઝેબે મેળવેલી બિજાપુર તથા ગોલકોંડાની જીત અને તેમનો મુઘલ સામ્રાજ્યમાં કરેલ સમાવેશ એ તેની મોટી રાજકીય તથા લશ્કરી ભૂલ હતી. એથી મરાઠા સામે ઔરંગઝેબ તેમનો ‘બફર’ રાજ્યો તરીકે ઉપયોગ કરી શક્યો નહિ; પરિણામે મરાઠાને મુઘલો સામે ઝઝૂમવાનું વિશેષ બળ પ્રાપ્ત થયું.

ઔરંગઝેબે શિવાજી તથા મરાઠાને નમાવવા તેમની સામે 44 વર્ષો (1663-1707) સુધી એકંદરે નિષ્ફળ લડાઈઓ કરી. તેમાં 25 વર્ષ (1682-1707) સુધી તો ઔરંગઝેબ પોતે દખ્ખણમાં રહીને મરાઠા સામે લડ્યો, તોપણ તે છેવટે મરાઠાને તાબે કરવામાં નિષ્ફળ ગયો. શિવાજીના અવસાન (1680) બાદ તેના પુત્ર સંભાજીનો ઔરંગઝેબે ક્રૂર રીતે વધ કરાવતાં (1689) રાજારામ, તારાબાઈ વગેરેની નેતાગેરી નીચે એક થઈને મરાઠા મુઘલો સામે ખૂબ ઝનૂનપૂર્વક લડ્યા અને તેમનાં આક્રમણોને નિષ્ફળ બનાવ્યાં. આ સ્થિતિમાં ઔરંગઝેબનું દખ્ખણમાં જ 1707માં મૃત્યુ થયું. આમ ઔરંગઝેબની દખ્ખણનીતિ માત્ર તેની પોતાની જ નહિ, પરંતુ મુઘલ સામ્રાજ્યની પણ કબર બની.

ઔરંગઝેબની દખ્ખણ તથા ધાર્મિક નીતિ મુઘલ સામ્રાજ્યના પતનનું મુખ્ય કારણ ગણી શકાય. સ્પેનના ચાંદા(ulcer)એ નેપોલિયનને પાયમાલ કર્યો હતો તે જ રીતે દખ્ખણના ચાંદાએ ઔરંગઝેબનો વિનાશ કર્યો. દખ્ખણની લાંબી લડાઈઓમાં ઔરંગઝેબે 1,70,000 ઉપરાંત સૈનિકો ગુમાવ્યા તથા લાખો રૂપિયાનું ખર્ચ કરીને શાહી તિજોરી ખાલી કરી નાખી. મુઘલ અને મરાઠા સૈન્યોની સતત હેરફેરને લીધે દખ્ખણમાં લાખો રૂપિયાના પાકને નુકસાન થયું, જંગલો નાશ પામ્યાં. વેપાર-વાણિજ્યને ભારે હાનિ થઈ તથા દખ્ખણમાં શાંતિ અને સલામતી જોખમાઈ તથા લૂંટફાટ વધી. ગ્રામીણ ઉદ્યોગો નાશ પામ્યા અને ખેડૂતો તથા કારીગરોની સ્થિતિ કંગાલ બની. મુઘલ સામ્રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી તથા સૂબેદારો અને સામંતો સ્વતંત્ર શાસકોની જેમ વર્તવા લાગ્યા. ઔરંગઝેબનાં અંતિમ વર્ષોમાં સામ્રાજ્યના અનેક પ્રદેશોમાં બંડ થયાં; રાજ્યાશ્રયને અભાવે શિક્ષણ, સાહિત્ય તેમજ કલાનો હ્રાસ થયો તથા ઔરંગઝેબના પુત્રોએ બળવો પોકારતાં ઔરંગઝેબ ભાંગી પડેલી સ્થિતિમાં અવસાન પામ્યો. પોતાના અંતિમ દિવસોમાં ઔરંગઝેબે તેના બંડખોર પુત્રો પર લખેલા પત્રો પ્રાયશ્ર્ચિત્ત તથા ભૂલોના એકરારથી ભરપૂર છે.

ઔરંગઝેબની હિન્દુઓ તથા રાજપૂતો વિરુદ્ધની નીતિએ પણ મુઘલ સામ્રાજ્યના પતનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઔરંગઝેબે હિન્દુઓને મહેસૂલી ખાતા તથા ઉચ્ચ હોદ્દા પરથી દૂર કર્યા. આથી મહેસૂલી ખાતામાં અવ્યવસ્થા ઊભી થતાં, હિન્દુઓને ફરી આ ખાતામાં નિયુક્ત કરવા પડ્યા. તેણે હિન્દુઓને મેળા, ઉત્સવો, ધાર્મિક તહેવારો વગેરે જાહેરમાં ઉજવવાની મનાઈ કરી. તેમના પર તેણે ફરી જજિયાવેરો નાંખ્યો. તેણે મુસ્લિમો કરતાં હિન્દુઓ પાસેથી વધારે કરવેરા વસૂલ કર્યા. પોતાના શાસનકાળ દરમિયાન બંધાયેલ ઘણાંખરાં હિન્દુ મંદિરો ઔરંગઝેબે તોડાવી નંખાવ્યાં. આથી તેણે હિન્દુ પ્રજાને ખૂબ નારાજ કરીને તેમનો સાથ ગુમાવ્યો. વળી ઔરંગઝેબે મારવાડ-મેવાડનાં રાજપૂત રાજ્યો સામે પણ સતત લડાઈઓ કરીને તેમને રાજ્યના શત્રુઓ બનાવ્યા. આમ અકબરે સ્થાપેલી રાજકીય એકતાને ઔરંગઝેબે છિન્નભિન્ન કરી નાંખી.

આમ છતાં, ઔરંગઝેબમાં કેટલાક ઉત્તમ માનવોચિત ગુણો હતા. વિદેશી મુસાફરો ટેવેર્નિયર તથા મનુકીના વિવરણ મુજબ ઔરંગઝેબ ફકીર જેવું સાદું અને પવિત્ર જીવન જીવતો. તેને ચાર કરતાં ઓછી પત્નીઓ હતી. તેને માંસ, કેફી પદાર્થો તથા મદિરા અને જુગારખાનાં તેમજ વેશ્યાગૃહો પ્રત્યે સખત નફરત હતી. આ બદીઓ અટકાવવા તેણે મુહતાસીબ નામે ખાસ અધિકારીની નિમણૂક કરી હતી. વિશેષમાં તેની ફરજો લોકોને નાસ્તિક થતાં રોકવાની તથા ઇસ્લામી કાનૂનોનું ચુસ્તપણે પાલન કરાવવાની હતી. ખાફીખાનના જણાવ્યા પ્રમાણે રોજા તેમજ ઉપવાસ તે ભાગ્યે જ ચૂકતો. રાજ્યના ધનને તે થાપણ ગણતો અને ટોપીઓ ગૂંથીને પોતાનું ગુજરાન ચલાવતો. તેના અક્ષરો સુંદર હતા. તેણે ઇસ્લામી કાનૂનના જાણીતા ગ્રંથ ફતવા-ઇ-આલમગીરની રચના પોતાની જાતદેખરેખ નીચે કરાવી હતી. તે કુરાનની નકલો કરીને પણ અંગત આવક મેળવતો. તે ખૂબ મહેનતુ અને મિતાહારી હતો તથા ચારેક કલાકની ઊંઘ લેતો. તેણે સંગીત અને નૃત્યો બંધ કરાવી દરબારી સંગીતકારો અને નૃત્યકારોને વિદાય આપી. તેણે ફરજિયાત સતીપ્રથાને બંધ કરાવવા પ્રયત્નો કર્યાં.

આવા ગુણો ધરાવનાર ઔરંગઝેબ સ્વભાવે ખૂબ શંકાશીલ હતો. તે અધિકારીઓ તેમજ પોતાના પુત્રોનો પણ વિશ્વાસ કરતો નહિ અને બધા જ વહીવટી નિર્ણયો જાતે જ લેતો. તેથી તેના પુત્રો વહીવટી તાલીમથી વંચિત રહ્યા અને અધિકારીઓની વહીવટી કુનેહ કુંઠિત થઈ. તેની ધાર્મિક કટ્ટરતા તથા ફરજના સંકુચિત ખ્યાલોએ અને દાર-અલ-હર્બી(નાસ્તિકોની ભૂમિ)ને દાર-અલ-ઇસ્લામ(ઇસ્લામની ભૂમિ)માં પરિવર્તિત કરવાની તેની અસહિષ્ણુ નીતિએ મુઘલ સામ્રાજ્યના વિનાશમાં મોટો ભાગ ભજવ્યો. જદુનાથ સરકારના મંતવ્ય પ્રમાણે ઔરંગઝેબમાં ઉમદા ચારિત્ર્ય, તીવ્ર બુદ્ધિમત્તા, અખૂટ ધીરજ, ભારે સાહસિકતા વગેરે હોવા છતાં એ અર્ધી સદી ઉપરાંતનો તેનો શાસનકાળ નિરાશા અને નિષ્ફળતાનો તેમજ મુઘલ સામ્રાજ્યના પતનની ઝડપી પ્રક્રિયાનો સમય ગણાય.

રમણલાલ ક. ધારૈયા