ઐલ વંશ : વૈવસ્વત મનુની પુત્રી ઇલામાંથી ઉદભવેલો રાજવંશ. ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ આ વંશ આગળ જતાં ચંદ્રવંશ તરીકે ઓળખાયો. બુધ-ઇલાનો પુત્ર પુરુરવા પ્રતિષ્ઠાનપુરમાં રાજ્ય કરતો હતો. એના બીજા પુત્ર અપાવસુથી કાન્યકુબ્જ શાખા નીકળી. પુરુરવાના મોટા પુત્ર આયુના પુત્ર નહુષે હજાર યજ્ઞ કરી ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું. નહુષના નાના ભાઈ સત્રવૃદ્ધે કાશીમાં અલગ રાજ્ય સ્થાપ્યું. નહુષનો જ્યેષ્ઠ પુત્ર યતિ મુનિ બન્યો. એનો નાનો ભાઈ યયાતિ રાજા થયો. એને ભાર્ગવ ઋષિ ઉશનસની પુત્રી દેવયાનીથી યદુ અને તુર્વસુ નામે બે પુત્ર અને અસુરરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાથી અનુ, દ્રુહ્યુ અને પુરુ નામે ત્રણ પુત્ર થયા. ભારતના પ્રાચીન રાજવંશોમાં યદુ અને પુરુના વંશ સુપ્રસિદ્ધ છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી