ઐંકુરુનૂરુ : તમિળ ભાષાના સંઘકાલીન ગણાતા આઠ પૈકીનો એક પદ્યસંગ્રહ. આ સંગ્રહમાં 3થી 6 પંક્તિઓનાં 500 પદ સંગૃહીત છે. સંગ્રહના પાંચ વિભાગ છે. આ પદોના ક્રમશ: ઓરમ, પોગિયાર, અમ્મૂવનાર, કપિલર, ઓદલો આંદૈયાર અને વેયનાર છે. મંગલાચરણનાં પદ વેરુમ્દેવનારે રચ્યાં છે. કૂડલૂર કિળાર નામે કવિએ ભિન્ન ભિન્ન કવિઓનાં પદોનો સંગ્રહ કર્યો છે. એમાંનાં ‘અકમ’ કાવ્યોમાં આ સંગ્રહની ગણના થાય છે. આ સંગ્રહના પાંચ ભાગોમાં કુરિંજ, મુલ્લૈ, મરુદમ પાલૈ અને નેયદલ નામના પાંચ પ્રદેશો અને ત્યાંનાં પ્રસિદ્ધ નગરો, સામાજિક રિવાજો, ઉત્સવો, પર્વો, લતાઓ, વૃક્ષો, પુષ્પો, દેવી-દેવતાઓ અને પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન છે. ઐંકુરુનૂરુમાં તે સમયના તમિળ સમાજનું જીવંત ચિત્ર પ્રાપ્ત થાય છે.

કે. એ. જમના