એફીડ્રેલ્સ : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું એક ગોત્ર. ચૅમ્બરલીને નીટમ, એફીડ્રા અને વેલવીશિયા પ્રજાતિઓને એક જ કુળ નીટેસી હેઠળ મૂકી હતી. એ. જે. ઇમ્સે (1952) નીટેસી કુળને તોડીને ત્રણેય પ્રજાતિઓને સ્વતંત્ર ગોત્રનો દરજ્જો આપ્યો. તે માટે તેમણે આપેલાં કારણો આ પ્રમાણે છે : (1) એફીડ્રામાં રંધ્રો હેપ્લોકાઇલિક પ્રકારનાં, જ્યારે નીટમ અને વેલવીશિયામાં સિન્ડેટોકાઇલિક પ્રકારનાં હોય છે. (2) એફીડ્રાનું અંડક ઉદભવની ર્દષ્ટિએ ઉપાંગીય (appendicular), જ્યારે નીટમ અને વેલવીશિયામાં સ્તંભિક (cauline) છે. (3) એફીડ્રામાં નરજન્યુજનક અન્ય અનાવૃત બીજધારીઓ સાથે સામ્ય દર્શાવે છે. નીટમમાં તેનો વિકાસ તદ્દન જુદો છે. (4) એફીડ્રામાં માદા જન્યુજનકનો વિકાસ એકબીજાણુક (monosporic) છે, જ્યારે નીટમમાં ચતુર્બીજાણુક (tetrasporic) છે. (5) એફીડ્રામાં સ્ત્રીધાની અને ભ્રૂણજનન અન્ય અનાવૃત બીજધારીઓ સાથે સામ્ય ધરાવે છે, જ્યારે બાકીની બંને પ્રજાતિઓમાં સ્ત્રીધાનીઓની લુપ્તતા(suppression)ને કારણે તદ્દન ભિન્ન છે. (6) એફીડ્રા અને નીટમના પ્રરોહણ અને પર્ણપ્રદાયોની સંખ્યા જેવાં અંત:સ્થરચનાકીય લક્ષણોમાં પણ તફાવત છે.

એફીડ્રેલ્સ ગોત્રમાં એક જ એફીડ્રા પ્રજાતિ ધરાવતા એક જ એફીડ્રેસી કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં એફીડ્રાની 42 જેટલી જાતિઓ થાય છે, તે પૈકી 18 જેટલી જાતિઓ જૂની દુનિયા (ફ્રાન્સ, કેનેરીના દ્વીપકલ્પો, ભૂમધ્યસમુદ્રીય પ્રદેશો, પૂર્વમાં પર્શિયા, ભારત અને ચીન)માં અને 24 જાતિઓ નવી દુનિયામાં (ઉત્તર અમેરિકામાં 13થી 15 અને દક્ષિણ અમેરિકામાં 9થી 11 જાતિઓ) થાય છે. તે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોના શુષ્ક ભાગોમાં થાય છે. એફીડ્રા સામાન્યત: નીચો બહુશાખિત ક્ષુપ છે. તે સૂકા ખડકો ઉપર, રેતાળ રણોમાં અને લવણયુક્ત માર્ગો ઉપર થાય છે અને મરુદભિદ (xerophytic) સ્વરૂપ ધરાવે છે. ભારતમાં હાલમાં તેની છ જાતિઓ નોંધાઈ છે : (1) પંજાબ અને રાજસ્થાનમાંથી Ephedra foliata Boiss.; (2) કાશ્મીર, પંજાબ, હિમાચલ અને જાઉન્સરમાંથી E. intermedia Schrenk. var. tibetica stapf.; (3) શુષ્ક ઉચ્ચ પર્વતીય અને સમશીતોષ્ણ હિમાલય, કાશ્મીરથી સિક્કિમ સુધીમાંથી E. gerardiana Wall., (4) સિક્કિમમાંથી E. saxatilis Royle var. sikkimensis (Stapf.) Florin., (5) કાશ્મીરમાંથી E. nebrodensis Tin. var. procera stapf. અને (6) લડાખ અને લાહુલમાંથી E. regeliana Florin syn. E. major.

એફીડ્રામાંથી એફીડ્રીન નામનું ઔષધ મળી આવે છે.

બળદેવભાઈ પટેલ