એફોર : પ્રાચીન ગ્રીસના સ્પાર્ટા નગરરાજ્યની વહીવટી નિરીક્ષક સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ક્યારે થઈ તે અંગે મતભેદ છે. ઈ. પૂ. આઠમી સદીની આસપાસ લાયકરગસના સમયમાં રાજાને વહીવટમાં મદદ કરવાના હેતુથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હશે તેમ મનાય છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં એફોરના સભ્યોની સંખ્યા પાંચની હતી. એફોર લોકોના પ્રતિનિધિ હતા અને તેમની પસંદગી દર વર્ષે આમસભા (એપેલા) કરતી. સ્પાર્ટાના બે રાજા સહિત વહીવટી અધિકારીઓ ઉપર એફોર દેખરેખ રાખતા. એફોર તેમની સામે કામ ચલાવી શકતા અને રાજ્યમાં કાયદાનું પાલન થાય તે જોતા. રાજાની સાથે યુદ્ધસંચાલનમાં પણ બે એફોર જતા હતા. વડીલોની સભા (જેરુસિયા) અને આમસભાના અધ્યક્ષ તરીકેની ફરજ પણ એફોર બજાવતા હતા. પરદેશનીતિમાં તેમનો અવાજ મહત્વનો ગણાતો. વધુ સત્તાશીલ હોવાને કારણે આ સંસ્થાને પ્લેટો સરમુખત્યાર તરીકે ઓળખાવે છે. સ્પાર્ટન સંસ્કૃતિના અંત સુધી તે અસ્તિત્વમાં હતી.

જ. જ. જોશી