ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ

January, 2004

ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ (Miguel Angel Asturias) (જ. 19 ઑક્ટોબર 1899, ગ્વાટેમાલા શહેર, નૉર્થ સેન્ટ્રલ અમેરિકા; અ. 9 જૂન 1974, મેડ્રિડ, સ્પેન) : સાહિત્ય માટેનો 1967નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભાષાના નામાંકિત નવલકથાકાર અને કવિ.

મિગલ એંજલ ઍસ્તૂરિયાસ

ગ્વાટેમાલા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. 1923માં ‘ધ સોશિયલ પ્રોબ્લેમ ઑવ્ ધ ઇન્ડિયન’ એ વિષય પર મહાનિબંધ લખીને તેમણે સાન કાર્લો યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.

1923થી 1932ના ગાળામાં તેઓ યુરોપમાં અન્યત્ર વસેલા. ગ્વાટેમાલાના રાજકારણમાં પ્રથમથી જ તેમને રસ હતો. અને સરમુખત્યાર એસ્ત્રાદા કાબ્રેશ(1898–1920)ના વિરોધી હતા. તેથી માતૃભૂમિમાંથી હદપાર કરાયેલા. તેમણે યુરોપના દેશો, ઇજિપ્ત વગેરેની મુલાકાત લીધી હતી અને વૃત્તપત્રો માટે સંવાદદાતા તરીકે સેવાઓ બજાવી હતી. તેમણે દેશવટો મળતાં ઘણાં વર્ષો ખાસ કરીને પૅરિસમાં ગાળ્યાં. પૅરિસમાં તેમણે માનવવંશ-વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમની ઘણી ખરી નવલકથાઓમાં ત્યાંની માયાસંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. 1932થી તેઓ અમેરિકામાં વસ્યા હતા.

તારુણ્યથી તેમણે કવિતાલેખનનો પ્રારંભ કર્યો હતો. તેમનો કાવ્યસંગ્રહ ‘પોએટ્રી : પલ્સ ઑવ્ ધ સ્કાયલાર્ક’ 1948માં પ્રગટ થયો હતો.

તેમની સાહિત્યિક ખ્યાતિ ‘ગ્વાટેમાલન લિજન્ડ્ઝ’ (1930)થી સ્થપાઈ હતી. 1933માં એમને પુનઃ સ્વદેશ પાછા ફરવાની રજા મળી હતી. તેમની પ્રખ્યાત નવલકથા ‘ધ પ્રેસિડન્ટ’ (1947, અં. ભા. 1964)નો પ્રારંભ 1923–24માં થયો હતો. તેના 16 ભાષાઓમાં અનુવાદ થયા અને ઍસ્તૂરિયાસને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. આ કૃતિમાં રાજકારણના સ્વાનુભવને કલાઘાટ આપી લેખકે સરમુખત્યારના અમાનુષી અત્યાચારો સામે વિદ્રોહ પ્રગટ કર્યો છે. તેમની બીજી ઉત્કૃષ્ટ કૃતિ ‘મૅન ઑવ્ મેઇઝ’ (1949, અં.ભા. 1975) છે. આ બે નવલકથા ઉપરાંત ત્યાંના કેળા-ઉદ્યોગ વિશેની પરદેશી શોષણખોરીને લગતા વિષયની કૃતિ તેમની નવલત્રયી છે.

1950માં પૂર્ણપણે સત્તાનાં સૂત્રો હાથ ધરનાર સામ્યવાદી સરમુખત્યાર યાકોબો ગુઝમાનને તેમણે ટેકો આપ્યો. ત્યાર પછી વિવિધ દેશોમાં તેઓ રાજદૂત તરીકે નિયુક્ત થયેલા. 1966થી 1970 સુધી પૅરિસમાં ગ્વાટેમાલાના રાજદૂત બનેલા.

ઍસ્તૂરિયાની નવલયત્રી ‘ધ સાઇક્લોન’ (1950, અં. ભા. 1967), ‘ધ ગ્રીન પોપ’ (1954, અં.ભા. 1971) અને ‘ધ આયઝ ઑવ્ ધ ઇન્ટર્ન્ડ’ (1960, અં.ભા. 1973)માં શાહીવાદવિરોધી વલણ દર્શાવી મધ્ય  અમેરિકાના પરદેશી વ્યાપારી શોષણ પર પ્રહારો કરેલા છે. એમની બીજી બે કૃતિઓ ‘મુલાતા’ (1963, અં.ભા. 1967) અને ‘બ્રાઇટ વિજિલ ઑવ્ સ્પ્રિંગ’ (1967) છે.

ઍસ્તૂરિયાસને અનેક પુરસ્કારો એનાયત થયા હતા : 1931માં સીલા મોંસેગર પુરસ્કાર, 1952માં પૅરિસનું મિલ્યુર રોમાં ઍસ્ટ્રેન્જર પુરસ્કાર, 1960માં લેનિન શાંતિ પુરસ્કાર.  આ ઉપરાંત વિલિયમ ફૉકનર લૅટિન અમેરિકન ઍવૉર્ડ પણ એનાયત થયો હતો. પુરસ્કારોની આ શૃંખલા એમની ઉચ્ચ સાહિત્યિક સિદ્ધિઓની દ્યોતક છે.

સમગ્ર સાહિત્યપ્રવૃત્તિ અને ‘ધ પ્રેસિડેન્ટ’ નવલકથાને અનુલક્ષીને તેમને નોબેલ પુરસ્કાર મળેલો. આ કૃતિને કારણે ગ્વાલેમાટાના સાહિત્યમાં અને વિશ્વસાહિત્યમાં ઍસ્તૂરિયાસને મહત્વનું સ્થાન મળેલું છે.

મહેશ ચોકસી

ધીરુ પરીખ