ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોમાં તેણે આપેલા યોગદાનને કારણે પ્રાચીન વિશ્વના સર્વશ્રેષ્ઠ સર્વવિદ્યાવિશારદ (encyclopaedist) તરીકે તેની ગણના થાય છે.

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલના પિતા નિકૉમૅક્સ ત્યાંના રાજા એમિન્ટાસ બીજાના મિત્ર અને રાજવૈદ્ય હતા. તેથી કુલીન કુટુંબના વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. પિતાના અવસાન બાદ તેમની સત્તર વર્ષની વયે તેઓ પ્લેટોની અકાદમીમાં વધુ અભ્યાસ માટે દાખલ થયા. ત્યાં તેમણે વીસ વર્ષ અભ્યાસ કર્યો અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામના મેળવી. પ્લેટોના મૃત્યુ બાદ તેમની અકાદમીના પ્રમુખ બનવાની સઘળી લાયકાત હોવા છતાં એક પરદેશી હોવાને કારણે તેમને તે પદથી વંચિત રાખવામાં આવ્યા હતા. ઍથેન્સ છોડવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેમના પૂર્વ સહાધ્યાયી અને એશિયામાઇનોરના એક મોટા જાગીરદાર હેર્મિયાસનું તેમને આમંત્રણ મળ્યું. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને મેસેડોનિયાના રાજા ફિલિપે પોતાના રાજકુમાર સિકંદર(Alexander)ના શિક્ષક તરીકે તેમને નિયુકત કર્યા. ઉદ્દંડ મિજાજના સિકંદર સાથે ઍરિસ્ટોટલને ઝાઝો મેળ ન હોવાથી તેઓ ઍથેન્સ પાછા ગયા. પોતાની અંગત મૂડી અને ફિલિપ પાસેથી મળેલા 800 ટેલેન્ટ્સના રોકાણથી તેમણે પોતાની સ્વતંત્ર વિદ્યાપીઠ ‘લિસિયમ’ની સ્થાપના કરી. પોતાના વિશાળ વનસ્પતિ-ઉદ્યાનમાં વહેલી સવારની લટાર મારતાં મારતાં પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષણ આપવાની તેમને ટેવ હતી. તેથી તેમની સંસ્થા ‘ફરતા ફિલસૂફોની વિદ્યાપીઠ’ તરીકે જાણીતી બનેલી. ઈ. પૂ. 323માં સિકંદરનું મૃત્યુ થતાં તેઓ વિકટ પરિસ્થિતિમાં મુકાયા. ઍથેન્સમાં પોતે પરદેશી હોવાથી તેમને પોતાના મોસાળ ચાલ્કિસમાં સ્થળાંતર કરવું પડ્યું.

પ્રથમ તત્વજ્ઞાન : ઍરિસ્ટોટલે વિજ્ઞાનોથી ભિન્ન એવા તત્વજ્ઞાનને ‘પ્રથમ તત્વજ્ઞાન’ (first philosophy) તરીકે ઓળખાવ્યું, જેને પાછળથી ‘metaphysics’ તરીકે ઓળખવામાં આવ્યું. પ્રથમ તત્વજ્ઞાન સતનો સત્ તરીકે(being qua being)નો અભ્યાસ કરે છે. તે તમામ વિજ્ઞાનોનો આધાર છે; કેમ કે તેમાં તમામ સદવસ્તુઓ(beings)ના પ્રથમ કારણની તેમજ પ્રથમ આધારતત્વ(principle)ની શોધ થાય છે. આ પ્રકારના જ્ઞાનને ઍરિસ્ટોટલ ‘sophia’ કહે છે.

પ્રાકૃતિક વિજ્ઞાનો અનિત્ય સદવસ્તુઓનો પરિવર્તનશીલ ભૌતિક વસ્તુઓ તરીકે અભ્યાસ કરે છે. ગણતરી કરી શકાય તે ર્દષ્ટિએ વસ્તુઓનો અભ્યાસ ગણિતમાં થાય છે; પણ વસ્તુઓના હોવાપણાની ર્દષ્ટિએ (qua being) તેનો અભ્યાસ પ્રથમ તત્વજ્ઞાનમાં જ શક્ય છે.

તમામ વસ્તુઓના સત્ તરીકે પ્રવર્તવાનાં કારણો અને આધારતત્ત્વોનો અભ્યાસ અંતે તો દ્રવ્ય(substance)નો જ અભ્યાસ છે. ‘કૅટિગરિઝ’ – એ કૃતિમાં ઍરિસ્ટોટલે દ્રવ્ય, ગુણ, સંખ્યા, સંબંધ, એવી વસ્તુવિચારની દસ કોટિઓ દર્શાવી છે. તેમાં દ્રવ્ય જ મુખ્ય છે. ગુણ (quality) દ્રવ્યમાં જ હોય, સંખ્યા પણ દ્રવ્યની જ હોય અને સંબંધો પણ દ્રવ્યો વચ્ચે જ હોય; દા. ત., સફેદાઈ સફેદ વસ્તુમાં જ હોય, સફેદાઈ તરીકે તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. સંબંધ, ગુણ વગેરે દ્રવ્યોમાં જ સમવાય સંબંધ(inherence)થી રહે છે. દ્રવ્ય, ગુણ, આદિમાં પણ વધુ વ્યાપક અને ઓછું વ્યાપક એમ ભેદ પાડી શકાય; દા. ત., સૉક્રેટિસ વિશે ‘તે માણસ છે’ એમ કહી શકાય અને માણસ વિશે ‘તે પ્રાણી છે’ એમ કહી શકાય; તેથી જ સૉક્રેટિસ વિશે પણ તે ‘તે પ્રાણી છે’ એમ કહી શકાય.

આમ વિશેષ વ્યક્તિ ‘સૉક્રેટિસ’ વિશે તેની ઉપજાતિ (species) ‘માણસ’ અને તેની વ્યાપક જાતિ (genus) ‘પ્રાણી’ એમ દર્શાવી શકાય છે. તેવી જ રીતે, લાલ એ ઉપજાતિ છે, રંગ એ વ્યાપક જાતિ છે અને કોઈ વિશેષ લાલ વસ્તુને તે બંને લાગુ પડે છે. ઍરિસ્ટોટલની મુખ્ય રજૂઆત એ છે કોઈ વિશેષ મૂર્ત વ્યક્તિ (individual) જ મુખ્ય અર્થમાં દ્રવ્ય છે; તેની જાતિ કે ઉપજાતિ એ ગૌણ અર્થમાં જ દ્રવ્ય છે. કોઈ પણ વસ્તુનો અહેવાલ આપવા માટે જે મુખ્ય અર્થમાં વ્યક્તિરૂપ દ્રવ્ય છે તેનો જ સંદર્ભ આપવો પડે. ‘આ માણસ’, ‘આ અશ્વ’ – એ મૂળભૂત અર્થમાં દ્રવ્ય (Ousia – ગ્રીક શબ્દ) છે. ગુણ, સંખ્યા, સંબંધ, સ્થાન, કાળ વગેરે ‘કૅટિગરિઝ’ને દ્રવ્ય વિશે કહી શકાય છે. સત્ એટલે મૂળભૂત વ્યક્તિરૂપ દ્રવ્ય તરીકેનું વસ્તુનું હોવાપણું. અન્ય રીતના હોવાપણાનો તે આધાર છે.

હવે પ્રશ્ન એ છે કે આ દ્રવ્ય શું છે ? આ અંગે ઉપાદાન વસ્તુ (matter) અને રૂપ(form)નો ઍરિસ્ટોટલનો મત સમજવો જરૂરી છે, કારણ કે ઍરિસ્ટોટલ મુજબ છોડ, પ્રાણી, મનુષ્ય જેવી કુદરતી વસ્તુઓ અને ટેબલ, ઘટ, મૂર્તિ જેવી માનવસર્જિત એ તમામ વિશેષ વસ્તુઓ ઉપાદાન વસ્તુ અને રૂપનું સંયોજન ધરાવે છે. સોનાની બંગડીમાં સોનું ઉપાદાન છે અને બંગડીનો ઘાટ તે તેનું રૂપ છે. પ્લેટોની જેમ ઍરિસ્ટોટલ પણ ઉપાદાન વસ્તુ કરતાં રૂપને અને તેથી સત્ત્વ(essence)ને વધુ મહત્વ આપે છે; પરન્તુ તેમ છતાં બંનેના મતમાં મૂળભૂત તફાવત એ છે પ્લેટોના મતે મનુષ્યત્વ, સફેદાઈ, વૃક્ષત્વ વગેરે [રૂપો (ideas, forms) સત્વો કે સામાન્યો (universals) તરીકે] વ્યક્તિ કે વિશેષ મૂર્ત વસ્તુથી અત્યન્ત ભિન્ન છે અને તેની અલગ સત્તા (being) છે, જ્યારે ઍરિસ્ટોટલ પ્લેટોનો આ મત સ્વીકારતા નથી. ઍરિસ્ટોટલ પ્રમાણે વસ્તુઓનાં પરિવર્તનો અને વસ્તુની ઉત્પત્તિ તેમ જ તેના નાશનો ખુલાસો પ્લેટોના રૂપતત્વો (ideas, forms)ના સિદ્ધાંતમાં થતો નથી. ઇન્દ્રિયગમ્ય વસ્તુઓમાં પરિવર્તનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં સાર્વત્રિક રૂપતત્વો (જેમ કે, વૃક્ષત્વ, મનુષ્યત્વ વગેરે) ધારવાથી સમજાવી શકાય તેમ નથી. બીજું, વિશેષો(particulars)નું જ્ઞાન આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ તેનું સ્પષ્ટીકરણ પણ પ્લેટોના સિદ્ધાન્તમાં નથી, કારણ કે વિશેષોનું જ્ઞાન એટલે વિશેષોમાં રહેલા દ્રવ્યનું જ્ઞાન પણ પ્લેટોનાં રૂપતત્ત્વો તો ઇન્દ્રિયગમ્ય વિશેષોથી બહાર છે. ઍરિસ્ટોટલ મુજબ રૂપતત્વો કે સામાન્યો કે સત્વોનું વિશેષ વ્યક્તિઓથી સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી અને વિશેષ વસ્તુઓનાં પરિવર્તનનો કે તેમનાં અસ્તિત્વનો ખુલાસો પ્લેટોના નિત્ય અને સ્વતંત્ર રૂપતત્વોના સિદ્ધાન્તથી મળતો નથી. તેથી રૂપતત્વો અને વસ્તુઓની દુનિયાનો સંબંધ સમજાવવાની કોઈ ક્ષમતા પ્લેટોના સિદ્ધાન્તમાં નથી.

ઍરિસ્ટોટલ પ્રમાણે કોઈ વસ્તુનું રૂપ (form) તે વસ્તુની બહાર રહેતું નથી, પરન્તુ તે તો તે વસ્તુની અંદર જ હોય છે. અસલી દ્રવ્ય કે ખરેખરું સત્ (true being) અમૂર્ત રૂપમાં નહીં, પણ મૂર્ત વ્યક્તિરૂપ વસ્તુ(individual)માં જ હોય છે.

ઍરિસ્ટોટલે ‘form’ અને ‘matter’ શબ્દ તેમના ખાસ અર્થમાં પ્રયોજ્યા છે : ‘matter’ એટલે જેમાં પરિવર્તન થાય છે તે ઉપાદાન; matter એટલે જેમાં કશુંક બનવાની, કશુંક રૂપ પ્રાપ્ત કરવાની સુપ્તતા (potentiality) છે તે બાબત. અહીં ગ્રીક શબ્દ ‘hyle’ છે, જેનો અર્થ છે – જેમાંથી કશુંક બને છે તે. hyle(matter, ઉપાદાન વસ્તુ)ને ‘જેમાંથી કશુંક બને છે તે’ અને ‘જેને કોઈક રૂપ હોય છે તે’ – એમ બંને અર્થમાં ઍરિસ્ટોટલ સમજાવે છે. ‘hyle’ને ઍરિસ્ટોટલ ક્યારેક સુપ્ત શક્તિ, કશાકમાં વિકસવાની શક્તિ, કશુંક રૂપ પ્રાપ્ત કરવાની ક્ષમતા એ અર્થમાં પણ સમજે છે.

મૂર્ત વિશેષ વસ્તુઓ રૂપ અને ઉપાદાનનું સંયોજન છે તે ઍરિસ્ટોટલનો સિદ્ધાન્ત hylomorphism – ઉપાદાનરૂપ-સંયોજનવાદ તરીકે ઓળખાય છે. જોકે ઍરિસ્ટોટલે પાછળથી તેમના ચિન્તનમાં કોઈ વિશેષ મૂર્ત વસ્તુને તેમાં રહેલા રૂપ(form)ને કારણે દ્રવ્ય તરીકે સમજવી જોઈએ તેવું સ્પષ્ટ કરે છે. અહીં form-રૂપ-નો અર્થ વસ્તુનું હાર્દરૂપ તત્વ (essence) છે અને એ રીતે પ્રાથમિક કે મૂળભૂત દ્રવ્ય તેના હાર્દરૂપ તત્વને લીધે જ દ્રવ્ય બને છે. કેવળ ઉપાદાન તો દ્રવ્ય હોય જ નહીં.

આ સંદર્ભમાં ઍરિસ્ટોટલનો કારણ-વિચાર સમજવો જરૂરી છે. જેમાંથી વસ્તુ બને તે વસ્તુનું ઉપાદાન કારણ છે. વસ્તુ જે પ્રકારની બને તે તેનું રૂપનિષ્ઠ (formal) કારણ છે. જેને લીધે વસ્તુ જે કંઈ બને તે તેનું નિમિત્ત કારણ છે અને જેને માટે વસ્તુ કંઈક બને છે તે તેનું અંતિમ (final  – ધ્યેયરૂપ) કારણ છે; દા. ત., આરસની મૂર્તિમાં આરસ ઉપાદાન (material) કારણ છે, મૂર્તિ રૂપનિષ્ઠ કારણ છે, મૂર્તિ ઘડનારનું કાર્ય તેનું નિમિત્ત કારણ છે અને જેને માટે મૂર્તિનું નિર્માણ થયું છે તે તેનું અંતિમ કે લક્ષ્યરૂપ કારણ છે. લક્ષ્યને ધ્યાનમાં લઈએ તો લક્ષ્ય કે પ્રયોજન માટે કશુંક બને છે. તેથી લક્ષ્યને કારણ ગણાય, પરન્તુ કશુંક કરવાથી લક્ષ્ય-પ્રાપ્તિ થાય છે માટે તે ક્રિયાને નિમિત્ત કારણ ગણાય; જેમ કે, સ્વાસ્થ્ય એ કસરત કરવાનું અંતિમ કારણ છે, કારણ કે સ્વાસ્થ્ય માટે કસરત કરવામાં આવે છે. જોકે કસરત એ સ્વાસ્થ્યનું નિમિત્ત કારણ છે, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય મળે છે.

ઈશ્વરવિચાર : પ્રથમ કારણ અને પ્રથમ તત્વનો અભ્યાસ એ દ્રવ્યનો અભ્યાસ તો છે જ, પણ ઍરિસ્ટોટલ મુજબ અંતે તો તે ઈશ્વરનો જ અભ્યાસ છે. સદવસ્તુના વિચાર (ontology) તરીકે પ્રથમ તત્વજ્ઞાન અંતે તો સત્-વિષયક ઈશ્વરવિચાર (ontotheology) બની જાય છે. વિશ્વમાં જે કંઈ નિત્ય ગતિ છે તેનું અંતિમ કારણ, પ્રથમ કારણ, ઈશ્વર છે. તમામ વસ્તુઓનો અંતિમ ચાલક હોવા છતાં ઈશ્વર પોતે અચલ ચાલક (unmoved mover) છે. ઈશ્વર નિત્ય છે અને તેના પોતાનામાં અસ્તિત્વ ધરાવે છે (exists in itself). ઍરિસ્ટોટલે ત્રણ પ્રકારનાં દ્રવ્યો ગણાવ્યાં છે : (1) ઇન્દ્રિયગમ્ય અને અનિત્ય દ્રવ્યો; જેમ કે, વૃક્ષો, પ્રાણીઓ કે મનુષ્યો; જેનો ભૌતિકશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. (2) ઇન્દ્રિયગમ્ય અને નિત્ય દ્રવ્યો; જેમ કે, ગ્રહો, જેનો અભ્યાસ ખગોળવિદ્યામાં થાય છે અને (3) ઇન્દ્રિયગમ્ય ન હોય અને નિત્ય હોય તેવું દ્રવ્ય; એટલે કે ઈશ્વર, જેનો અભ્યાસ ઈશ્વરવિચાર(theology)માં થાય છે. ઍરિસ્ટોટલની ર્દષ્ટિએ કાળ નિત્ય છે, કાળ દ્રવ્ય સિવાય અસ્તિત્વમાં નથી, માટે નિત્ય દ્રવ્ય હોવું જ જોઈએ. ઍરિસ્ટોટલનો ઈશ્વર સૃષ્ટિસર્જક નથી. તેને મનુષ્યોના વ્યવહારો સાથે નિસબત નથી. તે કોઈ ગૂઢાનુભવ કે અપરોક્ષાનુભૂતિનો વિષય નથી. ઍરિસ્ટોટલે કાળ અને ગતિના માર્ગે ઈશ્વરનો વિચાર રજૂ કર્યો છે; મનુષ્ય માટેના જ્ઞાન અને ભક્તિના માર્ગે નહીં. ઍરિસ્ટોટલનો ઈશ્વર મનુષ્યના ધાર્મિક અનુભવથી સ્વતંત્ર એવો ઈશ્વર છે. સતના જુદા જુદા અર્થોને દ્રવ્ય તરીકેના સતના વિચારમાં ઍરિસ્ટોટલે વિગલિત (reduce) કર્યા છે અને દ્રવ્યના વિચારને અંતે ઈશ્વરના વિચારમાં તેમણે વિગલિત કર્યો છે. ઈશ્વરને કોઈ ઇચ્છા પ્રયોજન કે સંકલ્પ હોતા નથી. તેને કશું કરવાનું હોતું નથી.

ઍરિસ્ટોટલના પ્રથમ તત્વચિંતનને ટૂંકમાં નીચે મુજબ રજૂ કરી શકાય છે :

(1) પ્રથમ તત્વચિન્તનનો વિષય છે – સત્ (સદવસ્તુઓ). વસ્તુઓ જેટલે અંશે beings – સદ્વસ્તુઓ છે, તેટલે અંશે તેનો અભ્યાસ એટલે કે સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ તત્ત્વજ્ઞાન.

(2) સતને ઘણી રીતે કહી શકાય છે – દ્રવ્ય તરીકે, ગુણ તરીકે વગેરે; એટલે કે દસ કોટિઓમાં તેને સમજી શકાય છે. તેમાંથી દ્રવ્યની કોટિ જ સર્વોપરી છે; કારણ કે ગુણ, સંબંધ, સંખ્યા, સ્થળ, કાળ વગેરે તો દ્રવ્યને વિશે જ દર્શાવી શકાય છે. જે કોઈને વિશે વિધેય તરીકે આવી શકે નહીં અને જે કોઈ વસ્તુની અંદર રહેતું ન હોય તે દ્રવ્ય છે; જેમ કે, ‘સૉક્રેટિસ’ અને ‘આ અશ્વ’ એ દ્રવ્ય છે. પરિવર્તનો દરમિયાન દ્રવ્ય તેનું તે જ (self-ideatical) રહે છે; વિશેષ વ્યક્તિઓ જ મુખ્ય અર્થમાં દ્રવ્ય છે. જાતિ, ઉપજાતિ વગેરે ગૌણ અર્થમાં દ્રવ્યો છે.

(3) સર્વસામાન્ય અર્થમાં સતનાં કારણોનો અને આધારતત્વોનો અભ્યાસ અંતે તો પ્રાથમિક દ્રવ્યનાં કારણોનો અભ્યાસ જ છે અને નિત્ય દ્રવ્યના અભ્યાસ તરીકે પ્રથમ તત્વજ્ઞાન ઈશ્વરવિચાર (theology) બને છે.

(4) ઍરિસ્ટોટલ પ્રમાણે, પ્રાથમિક દ્રવ્ય શાને લીધે દ્રવ્ય છે તે પ્રશ્નનો ઉત્તર એ છે કે તેમાં રૂપ અને ઉપાદાનનું સંયોજન છે. પાછળથી ઍરિસ્ટોટલ સત્વના અર્થમાં રૂપને જ વસ્તુઓના દ્રવ્ય તરીકે ઘટાવે છે.

તર્કશાસ્ત્ર : તર્કની પ્રતિષ્ઠા અને વિચારશક્તિનું ગૌરવ વધારનારા ઍરિસ્ટોટલ તર્કશાસ્ત્ર – સંવિધાનાત્મક નિગમનલક્ષી તર્કશાસ્ત્ર-ના આદ્ય સ્થાપક તરીકે વિશ્વના વિદ્યાજગતમાં છેલ્લા બે હજાર વર્ષથી પ્રભાવક રહ્યા છે. તેમણે નિગમનાત્મક (deductive) અનુમાન ઉપરાંત વ્યાપ્તિલક્ષી (inductive) અનુમાનનો પણ વિચાર સ્પષ્ટ કર્યો છે. પદવિચાર, વિધાનવિચાર અને સંવિધાનવિચાર ઍરિસ્ટોટલના તર્કશાસ્ત્રના મહત્વના વિભાગો છે.

‘કૅટિગરિઝ’ કૃતિમાં દસ વિચારકોટિઓ રજૂ કરવામાં આવી છે; જેમ કે, દ્રવ્ય, ગુણ, સંબંધ, સંખ્યા, કાળ, સ્થળ, ક્રિયા વગેરે. દા.ત., ‘શ્વેત’ એ ગુણ છે, ‘પાંચ ફૂટની ઊંચાઈ’ એ સંખ્યા છે વગેરે. આવું દરેક અસંયુક્ત સ્વતન્ત્ર પદ આ દસ કોટિઓમાંથી કોઈક વસ્તુનો નિર્દેશ કરે છે; જેમ કે, ‘સૉક્રેટિસ’ એ વ્યક્તિને સૂચવે છે જ્યારે ‘શ્વેત’ એ શબ્દ ગુણને સૂચવે છે. ઍરિસ્ટોટલ મુજબ દ્રવ્ય ન હોય તેવી તમામ બાબતો દ્રવ્યમાં જ રહે છે અને દ્રવ્યોના પણ પ્રથમ કક્ષાનું (primary) દ્રવ્ય અને દ્વિતીય કક્ષાનું (secondary) દ્રવ્ય એવા ભેદ પડે છે. (જેમ કે, ‘સૉક્રેટિસ’ અને ‘માણસ’.)

‘ઑન ઇન્ટરપ્રિટેશન’ – એ કૃતિમાં ઍરિસ્ટોટલે વિધાનવિચાર રજૂ કર્યો છે. અસંયુક્ત (uncombined) પદો એકસાથે સંયોજાઈને સત્ય અથવા અસત્ય હોય તેવાં સાદાં વિધાનો કેવી રીતે બનાવે છે તેની રજૂઆત ઍરિસ્ટોટલ અહીં કરે છે. વિધાનમાં વિધેયનો ઉદ્દેશ્ય વિશે કાં તો નકાર કરવામાં આવે અથવા તો સ્વીકાર કરવામાં આવે. જો વિધેયનો નકાર કરવામાં આવે તો વિધાન નિષેધક અને જો વિધેયનો ઉદ્દેશ્ય વિશે સ્વીકાર કરવામાં આવે તો વિધાન વિધાયક હોય છે. આ ઉપરાન્ત સર્વદેશી અને એકદેશી (particular) એવાં વિધાનોના બીજા ભેદને ધ્યાનમાં લેતાં ચાર પ્રકારનાં વિધાનો મળે છે :

1. બધા મનુષ્યો મરણશીલ છે. – સર્વદેશી વિધાયક વિધાન –   ‘હા’

2. કોઈ મનુષ્ય પૂર્ણ નથી. – સર્વદેશી નિષેધક વિધાન-   ‘ના’

3. કેટલાક માણસ પ્રમાણિક છે. – એકદેશી વિધાયક વિધાન-   ‘હા’

4. કેટલાક માણસ અજ્ઞાની નથી. – એકદેશી નિષેધક વિધાન-   ‘ના’

ઍરિસ્ટોટલે અહીં નિરુપાધિક (categorical) સાદાં (અસંયુક્ત) વિધાનોની ચર્ચા કરી છે. આવાં વિધાનોનાં ઉદ્દેશ્ય (subject) અને વિધેય(predicate)ને પદો (terms) કહેવાય છે. ઉદ્દેશ્યપદ વ્યક્તિવાચક અથવા સર્વદેશી હોઈ શકે; જેમ કે, ‘સૉક્રેટિસ માણસ છે’. અથવા ‘ઘોડાઓ પ્રાણીઓ છે’; પરન્તુ વિધેયો કેવળ સર્વદેશી (universal) જ હોઈ શકે. વ્યાકરણની ર્દષ્ટિએ, ‘સૉક્રેટિસ’ને વિધેયપદ તરીકે મૂકી શકાય છે; જેમ કે, ‘સામે ઊભેલો માણસ સૉક્રેટિસ છે’. પરન્તુ ઍરિસ્ટોટલ તેને સાચું વિધેયપ્રદાન (predication) ગણતા નથી. ‘સૉક્રેટિસ સામે ઊભેલો છે’ તે જ સાચું વિધેયપ્રદાન કહેવાય.

ઍરિસ્ટોટલ પ્રમાણે હકારાત્મક વિધાનમાં જે વિધેય ઉદ્દેશ્યપદ વિશે સ્વીકારાયું છે તે જ વિધેયને તે જ ઉદ્દેશ્યપદને માટે નકારીને નિષેધક વિધાન બનાવવામાં આવે તો આવાં વિધાનોની તે જોડી વ્યાઘાત (contradiction) સર્જે છે. આવાં વ્યાઘાતી વિધાનોની જોડીમાં જો કોઈ પણ એક સાચું હોય તો બીજું અવશ્ય ખોટું હોય. એટલે કે બંને સાચાં હોઈ શકે નહીં. તેવી જ રીતે, તેવાં બંને વિધાનો ખોટાં પણ હોઈ શકે નહીં. તેથી, જો તેમાંથી કોઈ એક ખોટું હોય તો બીજું અવશ્ય સાચું હોય જ. દા. ત., ‘બધા માણસ જ્ઞાની છે’ અને ‘કેટલાક માણસ જ્ઞાની નથી’ – એ વિધાન-જોડી વ્યાઘાતી છે. બન્ને વિધાનો તેમાં સાચાં ન હોઈ શકે; તેમજ બંને ખોટાં પણ ન હોઈ શકે. વ્યાઘાત એ ‘લૉજિક’ની પાયાની વિભાવના છે. ઍરિસ્ટોટલના તર્કશાસ્ત્ર માટે જ નહીં, પણ તેમની અને અન્ય તમામ તત્વમીમાંસા માટે પણ વ્યાઘાતનો નિયમ મૂળભૂત છે. બે વ્યાઘાતી વિધાનો સત્ય માનતાં તાર્કિક રીતે યથાર્થ બધી વિચારણાનો અંત આવે છે.

‘પ્રાયર ઍનાલિટિક્સ’ – એ કૃતિમાં ઍરિસ્ટોટલે સંવિધાન-(syllogism)ની વિચારણા રજૂ કરી છે. નીચેની દલીલ નિગમનાત્મક વ્યવહિત (mediate) નિરુપાધિક સંવિધાન છે :

1. બધા માણસો મરણશીલ છે.

2. બધા રાજાઓ માણસો છે.

3. બધા રાજાઓ મરણશીલ છે.

વિધાન, (1) અને (2), અહીં આધારવિધાનો (premises) છે. (3) વિધાન એ તેમાંથી અનિવાર્ય રીતે (necessarily) ફલિત થતું (ફલિત) વિધાન (conclusion) છે. (1) અને (2)માં એક સમાન પદ છે – ‘માણસો’ – જે મધ્યપદ છે. બાકીનાં બે પદોમાં (3)નું ઉદ્દેશ્યપદ એ પક્ષપદ છે અને (3)નું વિધેયપદ તે સાધ્યપદ છે. સંવિધાનમાં દરેક પદ બે વાર આવે છે; તેથી એક તો, સંવિધાનમાં ત્રણ અને માત્ર ત્રણ જ પદો હોય છે અને બીજું, તેમાં ત્રણ અને માત્ર ત્રણ જ વિધાનો હોય છે. યથાર્થ (valid) સંવિધાનના બીજા કેટલાક નિયમો આ પ્રમાણે છે :

– તેમાં બે નિષેધક કે બે એકદેશી આધારવિધાનો ન હોઈ શકે.

– જો કોઈ સંવિધાનનું ફલિતવિધાન હકારાત્મક હોય તો તેમાં બંને આધારવાક્યો અવશ્ય હકારાત્મક હોય.

– જો સંવિધાનમાં ઓછામાં ઓછું એક નિષેધક આધારવિધાન હોય તો જ સંવિધાનનું ફલિતવિધાન નિષેધક હોય છે.

‘પૉસ્ટિરિયર ઍનાલિટિક્સ’માં ઍરિસ્ટોટલે વૈજ્ઞાનિક જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વૈજ્ઞાનિક જ્ઞાન એટલે વસ્તુઓનાં કારણનું જ્ઞાન. પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનિક જ્ઞાન સાબિતીનિષ્ઠ (demonstrative) જ્ઞાન હોય તો ફલિતવિધાનોને આધારવિધાનોમાંથી નિગમનાત્મક રીતે સાબિત કરવાં પડે તે અને આધારવિધાનોની ફરી પાછાં બીજાં કોઈ આધારવિધાનનાં ફલિતવિધાનો તરીકેની સાબિતી આપવી પડે અને એ રીતે આ પ્રક્રિયાનો કોઈ અંત જ ન આવે. ઍરિસ્ટોટલ આ સમસ્યાનું સમાધાન કરતાં કહે છે કે કેટલાંક આધારવિધાનો અન્તર્દષ્ટિ કે પ્રજ્ઞાથી સાબિતી વગર જ ગૃહીત સત્ય તરીકે જાણી શકાય તેવાં હોય છે અને તેમાંથી જ વૈજ્ઞાનિક જ્ઞાન તારવી શકાય. વિજ્ઞાનના મૂળભૂત આધારવિધાનોને સીધેસીધાં જાણી શકવાની મનુષ્યના મનની ક્ષમતા છે તેવું ઍરિસ્ટોટલ માને છે.

સંવિધાનવિચાર, વ્યાઘાત-વિચાર અને લક્ષણ (definition) વિચાર – એ ઍરિસ્ટોટલનો તર્કશાસ્ત્રના વિચાર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન છે.

નીતિશાસ્ત્ર : પોતાના ગ્રંથ ‘એથિક્સ’માં તેઓ ‘આનંદ’ અથવા ‘સુખ’નું તત્વજ્ઞાન રજૂ કરે છે. અમુક પ્રવૃત્તિ શ્રેયસ્કારક છે માટે તે આનંદદાયી છે. નીતિપૂર્ણ આચારનું પરિણામ આનંદ છે. ઍરિસ્ટોટલની ર્દષ્ટિએ જીવનનું સર્વોચ્ચ શ્રેય (highest good) સુખ છે. દરેક કક્ષાના સતતત્વને માટે પોતાનું ધ્યેય હાંસલ કરવું એ જ ઇષ્ટ છે. બુદ્ધિમય જીવન જીવવામાં જ મનુષ્યજીવનની ઇષ્ટતા છે. મનુષ્યના સર્જનનો હેતુ શ્રેયની પ્રાપ્તિ હોવાથી તેનો સાક્ષાત્કાર એ જ મનુષ્યજીવનનું અંતિમ લક્ષ્ય બને છે. શ્રેય એટલે ‘પોતાના સદગુણ મુજબની આત્માની પ્રવૃત્તિ’ એવી સ્પષ્ટતા ઍરિસ્ટોટલ કરે છે. મનુષ્યનું સર્વોચ્ચ ધ્યેય શ્રેય છે અને તે સુખ અથવા પ્રસાદની અવસ્થા છે. આ બાબતમાં ઍરિસ્ટોટલ સૉક્રેટિસ સાથે સહમત છે. સૉક્રેટિસની ર્દષ્ટિએ સદગુણ એ જ્ઞાન છે અને સદગુણી જીવન એ સુખી જીવન છે અર્થાત્ જ્ઞાનમય જીવન એ જ સુખમય જીવન છે; પરંતુ બંને વચ્ચે ભેદ એ છે કે સૉક્રેટિસની ર્દષ્ટિએ સદગુણ એ જ્ઞાન છે અર્થાત્ મનુષ્યને જ્ઞાન થાય ત્યારે ‘સદ્’ આચર્યા વિના રહી શકતો નથી અથવા ‘અસદ્’નું કારણ તેનું અજ્ઞાન છે. આમાં મનુષ્યની ‘સદ્-અસદ્’ આચરવાની કોઈ સ્વતંત્ર ઇચ્છાશક્તિનો સૉક્રેટિસ સ્વીકાર કરતો નથી. ઍરિસ્ટોટલ માને છે કે માણસ સદ્-અસદ્ વચ્ચે પસંદગી કરી શકે છે. તેની ર્દષ્ટિએ પ્રવૃત્તિ અથવા કર્મણ્યતા એ સુખ અથવા આનંદ પ્રાપ્ત કરવાની પૂર્વશરત છે. શારીરિક પ્રવૃત્તિઓ નિમ્ન પ્રકારનો આનંદ આપે છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતો આનંદ મધ્યમ છે અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થતો આનંદ શ્રેષ્ઠ છે. બૌદ્ધિકતાનો તેની વૈજ્ઞાનિક શક્તિઓમાં તેમજ કલા, સાહિત્ય જેવી સર્જકતામાં પૂર્ણ વિકાસ પામે ત્યારે મનુષ્ય સર્વશ્રેષ્ઠ આનંદ અથવા સુખ પ્રાપ્ત કરે છે. તેની ર્દષ્ટિએ ઈશ્વરનું ચિંતન કરતું જીવન એ સૌથી સુખપ્રદ જીવન છે.

મનુષ્યની વિશિષ્ટ લાક્ષણિકતા એટલે સ્વભાવ તે બુદ્ધિ (reason) છે. એક બાજુ તે સૌંદર્યાનુભૂતિ કરાવે છે અને બીજી બાજુ શારીરિક અને ભાવનાત્મક જીવનનું નિયમન કરે છે. વ્યવહારુ બુદ્ધિ નૈતિક સદગુણો(moral virtues)નું નિયમન કરે છે, જ્યારે વિવેકબુદ્ધિ બૌદ્ધિક સદગુણો(dianoetic virtues)નું. જીવનનું સર્વોત્તમ સુખ આ બંને સદગુણોના સમન્વયમાં રહેલું છે; તેથી બૌદ્ધિક સદગુણો નૈતિક સદગુણો કરતાં ચઢિયાતા છે. બંનેનો સમન્વય કરતું જીવન શ્રેષ્ઠ છે. મધ્યમમાર્ગી વર્તનને જ સદગુણ કહી શકાય. આમ ઍરિસ્ટોટલના નીતિશાસ્ત્રનો પ્રધાન સૂર मितत्व(mean or moderation)નો છે.

રાજ્યશાસ્ત્ર : ‘પૉલિટિક્સ’ ઍરિસ્ટોટલનો પ્રશિષ્ટ ગ્રંથ છે. તેઓ રાજ્યશાસ્ત્રને નીતિશાસ્ત્રના ભાગ તરીકે નિહાળે છે. મનુષ્યની નીતિમત્તા તત્વત: સામાજિક છે. સમાજ કે રાજ્યની બહાર રહીને નૈતિક થવું તેમને માટે શક્ય નથી. ‘મનુષ્ય સ્વભાવથી જ રાજકીય પ્રાણી છે.’ એવા ઍરિસ્ટોટલના મંતવ્યનો અર્થ એ છે કે રાજ્યનું અસ્તિત્વ મનુષ્યો સારું જીવન ગાળે તે માટે છે. તેમની તત્વમીમાંસા પ્રમાણે રાજ્ય એ રૂપ અથવા વિચારતત્ત્વ છે અને વ્યક્તિ ‘ઉપાદાન’ છે. રૂપમાં ઉપાદાનનો સમાવેશ થઈ જાય છે, તેમ રાજ્યમાં વ્યક્તિ પૂર્ણતાને પામે છે. સ્ત્રી-પુરુષ સંબંધ અને માલિક-ગુલામ સંબંધથી કુટુંબ ઉદભવે છે પણ તે સ્વાવલંબી નથી. તેમાંથી ગ્રામ સમાજ રચાય છે અને લોકોની કેટલીક વિશેષ જરૂરિયાતો સંતોષાય છે. જ્યારે પૂર્ણ સ્વાવલંબી વિશાળ સમુદાય વડે જ રાજ્ય અસ્તિત્વમાં આવે છે. સ્વાવલંબન એ અંતિમ ધ્યેય હોવાથી કુટુંબ, રાજ્ય વગેરે સંસ્થાઓ ઊભી થાય છે. વ્યક્તિ મિથ્યા છે અને રાજ્ય જ સર્વસ્વ છે એવી પ્લેટોની માન્યતા ઍરિસ્ટોટલ સ્વીકારતા નથી. સૈદ્ધાંતિક અને વ્યવહારુ કારણોસર તેમણે ગુલામી અને ખાનગી મિલકતનો બચાવ કર્યો છે. તેમની ર્દષ્ટિએ સ્વતંત્ર વિચાર અને નિર્ણયશક્તિ ધરાવનાર ‘માલિકો’ છે અને જેમની પાસે કુદરતી રીતે એવી શક્તિ નથી તે ‘ગુલામો’ છે. જરૂરિયાતનો નિયમ કહે છે કે જે સ્વભાવથી ચઢિયાતો છે, તેણે શાસન કરવું. બુદ્ધિપ્રધાન મનુષ્યો બુદ્ધિનો ઉપયોગ તત્વચિંતન અથવા જાહેરજીવનના પ્રશ્નોના નિરાકરણમાં ગાળે એ સર્વથા ઉચિત છે. તેનો લાભ ગુલામ સહિત સમગ્ર સમાજને મળે છે. આમ ઍરિસ્ટોટલની ર્દષ્ટિએ માલિક અને ગુલામ પરસ્પરાવલંબી અને એકબીજાના પૂરક છે; છતાં બળજબરીથી માણસોને ગુલામ બનાવવાની પ્રથાની હિમાયત તે કરતા નથી.

ઍરિસ્ટોટલ મિલકતને પણ કુદરતી ગણે છે. મિલકત નિર્વાહ માટેનું જરૂરી સાધન છે. નૈતિક જીવનનો હેતુ પાર પડે તેટલી જ મિલકત હોવી જોઈએ, ન તો અતિશય વધારે, ન તો અત્યંત ઓછી. પર્યાપ્તતા મિલકતનો માપદંડ બને છે. ખાનગી મિલકત અનેક દૂષણોની જનની છે માટે તેની નાબૂદીની જોરદાર હિમાયત કરનાર પ્લેટોની વિચારસરણીની ઍરિસ્ટોટલ ટીકા કરતાં જણાવે છે કે દૂષણો અને અનિષ્ટો માટે મનુષ્યસ્વભાવ જવાબદાર છે. ખાનગી મિલકત નાબૂદ કરવાથી મનુષ્યસ્વભાવની દુષ્ટતા દૂર થઈ જવાની નથી. તેણે ખાનગી મિલકતના લાભ ગણાવતાં કહ્યું કે તેનાથી માણસમાં જવાબદારી વધે છે અને ઔદાર્ય જેવા કેટલાક ગુણોનો વિકાસ થાય છે. મિત્રો, સાથીદારો અને મહેમાનો પ્રત્યે ઔદાર્ય દાખવવામાં એક પ્રકારનો આનંદ મળે છે. દૂષણો ઓછાં અને લાભ વધુ તે માટે ‘ઉપયોગ’ની બાબતમાં મિલકત સહિયારી હોવાનો મધ્યમ માર્ગ તે સ્વીકારે છે. માલિકી વૈયક્તિક પણ ઉપયોગ સહિયારો. રાજ્ય કુદરતી તત્ત્વ (entity) છે અને કુદરતની જેમ રાજ્ય પણ હેતુલક્ષી તંત્ર છે. રાજાશાહી (monarchy) ઉમરાવશાહી (aristocrasy) અને બંધારણીય લોકશાહી (constitutional democracy) – એ ત્રણ પ્રકારની રાજ્યવ્યવસ્થાની પણ ઍરિસ્ટોટલે ચર્ચા કરી છે. તેમણે દર્શાવેલી રાજ્યવ્યવસ્થામાં બહુ જ મર્યાદિત વર્ગના લોકોને નાગરિકત્વના અધિકારો મળે છે.

પોતાના સમયનાં દોઢસો જેટલાં બંધારણોનો તુલનાત્મક અભ્યાસ કરીને ઍરિસ્ટોટલ એવા તારણ પર આવ્યા હતા કે રાજ્ય અને નાગરિક એ સાપેક્ષ પદો છે. સારો માણસ અને સારો નાગરિક બંને એક જ હોય તે આદર્શ રાજ્ય સિવાય શક્ય નથી. એક તરફ મિલકત ધરાવનારાઓ અને બીજી તરફ સદગુણ અને જ્ઞાન ધરાવનારા તત્વચિંતકો વચ્ચે સિદ્ધાંતમાં ઍરિસ્ટોટલ સમાધાન અને સમન્વય સાધવાનો પ્રયત્ન કરે છે. લોકશાહી અને અલ્પજનશાહીની આત્યંતિકતાઓ ટાળીને વિવેકપૂર્ણ સમન્વયની એટલે ‘મિશ્ર રાજ્યતંત્ર’ની તેઓ હિમાયત કરે છે.

રાજ્યનું બંધારણ એ નાગરિકો માટેની એક પ્રકારની જીવનવ્યવસ્થા છે અને સરકારનું સ્વરૂપ એ નાગરિકો કેવા પ્રકારનું જીવન જીવે એની અભિવ્યક્તિ છે. આમ ઍરિસ્ટોટલની ર્દષ્ટિએ રાજ્ય એક નૈતિક સંસ્થા બની રહે છે. તેનું આ નૈતિક સ્વરૂપ તેના રાજકીય અને કાનૂની સ્વરૂપને ઢાંકી દે છે. કાયદાની સર્વોપરિતાને સ્વીકારીને સૌના ભલામાં શાસન કરતાં રાજાશાહી, કુલીનશાહી અને બંધારણીય લોકશાહી – એ ત્રણ સ્વરૂપોને તે સરકારનાં સાચાં સ્વરૂપો ગણે છે. એથી ઊલટું, આપખુદીથી ચાલતાં અને માત્ર શાસકવર્ગના હિતમાં જ શાસન કરતાં જુલ્મગારશાહી, અલ્પજનશાહી અને આત્યંતિક લોકશાહી અથવા ટોળાશાહી એ ત્રણ સ્વરૂપોને તેઓ વિકૃત અથવા અશુદ્ધ સ્વરૂપો ગણે છે.

સત્તામાં સંપત્તિ અને સંખ્યા અને સંખ્યાના દાવાની સમીક્ષા કરતાં ઍરિસ્ટોટલ જણાવે છે કે રાજકીય સત્તાનો અખત્યાર કાયદાને હસ્તક રહેવો જોઈએ; પણ તેનો અર્થ એવો નથી કે રાજકીય સત્તા માટેનો કાયદાનો દાવો સંપૂર્ણપણે વાંધારહિત અને નિરપેક્ષ છે. કાયદાનું શાસન બળજબરી અથવા અંગત મનસ્વી સત્તા કરતાં સારા શાસન માટેની સાપેક્ષ બાંયધરી છે, એટલું જ; કારણ કે કાયદો પણ આખરે તો બંધારણસાપેક્ષ જ છે ને ! સારું રાજ્ય કાયદા દ્વારા શાસિત થતું હોય એમ બને, પણ કાયદાથી ચાલતું રાજ્ય હંમેશાં સારું જ હશે એમ ખાતરીપૂર્વક કહી શકાશે નહિ. તેથી ‘મિશ્ર રાજ્યતંત્ર’માં રાજ્યના વિશાળ પ્રશ્નોની ચર્ચાવિચારણા કરવાના કાર્યમાં અને સત્તાધારકો પર નિયંત્રણ રાખવાના કાર્યમાં સૌને સંમિલિત કરી શકાશે. તે માટે કોઈ ખાસ લાયકાત ન રખાય અથવા મામૂલી લાયકાત રખાય; પરંતુ રાજ્યના જવાબદાર હોદ્દાઓ માટે ખાસ જરૂરી લાયકાતની, દા.ત., ધનસંપત્તિ, શિક્ષણ, જ્ઞાન, તાલીમ વગેરેની અપેક્ષા રાખવામાં આવે. આમાં સંખ્યા તથા ગુણવત્તા અને લોકમત તથા કાર્યક્ષમતાનો સમન્વય સાધી શકાશે. અતિશય ધનિક નહિ અને અતિશય ગરીબ નહિ એવો વિશાળ મધ્યમ વર્ગ આવા રાજ્યનો સામાજિક પાયો રચતો હશે. સંતુષ્ટ વિશાળ મધ્યમ વર્ગ ધનિકો અને ગરીબો વચ્ચે ડફેરા (buffer) જેવું કાર્ય કરશે. તેમાં આર્થિક અને સામાજિક વિષમતાઓની માત્રા ઓછી હશે. આથી, આવા રાજ્યમાં ક્રાંતિ થવાની સંભાવના પણ ઓછી રહેશે.

ઍરિસ્ટોટલની ર્દષ્ટિએ રાજ્યમાં થતા સંઘર્ષ અને ક્રાંતિનું મુખ્ય કારણ અસમાનતા છે. સરકારોનું જતન કરવાના ઉપાય તરીકે તે કાયદાપાલનની ભાવનાના વિકાસ પર સૌથી વિશેષ ભાર મૂકે છે. સ્થાપિત બંધારણ પ્રત્યે વફાદારી, ઉચ્ચ કોટિની વહીવટી કાર્યક્ષમતા અને સરકારના જે તે સ્વરૂપને અનુકૂળ સદગુણ અને ન્યાય – એ ત્રણ લાયકાતોનો તેઓ ખાસ આગ્રહ રાખે છે. આ ઉપરાંત તેમણે રાજ્યનું શ્રેષ્ઠ સ્વરૂપ, તેનું કદ, તેની વસ્તી અને રચના વગેરેની પણ વિગતે ચર્ચા કરી છે. પ્રથમ તેઓ વ્યક્તિ કે નગરો માટે સદગુણી જીવન એ જ શ્રેષ્ઠ જીવન છે અને એમાં જ જીવનનું સાચું સુખ સમાયેલું છે તેવું પ્રતિપાદિત કરે છે. પછી વ્યવહારમાં તેને ચરિતાર્થ કરવા માટેની વિગતો જણાવે છે.

‘પૉલિટિક્સ’નો છેલ્લો ખંડ (આઠમો) શિક્ષણની ચર્ચા માટે ફાળવવામાં આવ્યો છે. મનુષ્યના સદગુણી જીવનનું ધ્યેય કેમ સિદ્ધ કરવું તેની ચર્ચા કરવામાં આવી છે. તેમની ર્દષ્ટિએ બંધારણકારે નાગરિકોના શિક્ષણ અંગે વિશેષ ધ્યાન આપવું જોઈએ.

ઍરિસ્ટોટલની આધુનિક સમયમાં પ્રસ્તુતતા મુખ્યત્વે ત્રણ બાબતોમાં છે : (1) તેમણે જીવનને અખિલાઈમાં જોયું છે અને રાજકીય પ્રક્રિયાને સમાજધારણની ખૂબ જ અગત્યની પ્રક્રિયા ગણી છે. (2) રાજકારણના અભ્યાસમાં તેમણે ઐતિહાસિક, અવલોકનવાદી, તુલનાત્મક અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓ પ્રયોજી છે. (3) અનુભવાશ્રિત પદ્ધતિઓ સ્વીકાર્યા છતાં ચિંતનાત્મક પરિમાણોની તેમણે જરાય ઉપેક્ષા કરી નથી. ઍરિસ્ટોટલના રાજકીય ચિંતનનાં અનેક તેજબિંદુઓ આજે પણ એટલાં જ ઉપયોગી અને પ્રસ્તુત છે. ઍરિસ્ટોટલે રાજ્યશાસ્ત્રનાં મૂળ તત્વોની ખોજમાં ભૌતિકશાસ્ત્રો અને વિવિધ સમાજવિદ્યાઓને સાંકળી લીધાં છે. તેનાં મહત્વ અને પ્રસ્તુતતાના સાચા સ્રોત તેની અભ્યાસપદ્ધતિ અને તેનો આંતરવિદ્યાકીય અભિગમ છે. આથી તેમનો ગ્રંથ ‘પૉલિટિક્સ’ રાજ્યશાસ્ત્રના વિષયવસ્તુના પરિશીલન, રાજકીય ચિંતન અને વિશ્લેષણ વગેરે બાબતોને લીધે રાજનીતિશાસ્ત્ર સંબંધી ગ્રંથોમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. તે સાથે સમાજજીવનના અભ્યાસ પરત્વે તદ્દન અદ્યતન કહેવાય એવા ચિંતનપ્રવાહો અને અભ્યાસ-પ્રણાલીઓનું ઊગમસ્થાન હોવાથી તે આજે લગભગ ત્રેવીસ સદીઓ પછી પણ એટલી જ પ્રસ્તુતતા ધરાવે છે.

પોએટિક્સ : મહાન તત્વજ્ઞાની હોવા ઉપરાંત ઍરિસ્ટોટલ મોટા સૌંદર્યમીમાંસક અને કળાપારખુ હતા. ‘પોએટિક્સ’નાં નાનાં નાનાં છવ્વીસ પ્રકરણોનું લખાણ એવું તો સત્વશાળી છે કે તેઓ પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રના આદિ વિવેચકનું માન મેળવે છે અને તેમનો ગ્રંથ સાહિત્યવિવેચનનું બાઇબલ બની જાય છે. કળાનું સ્વરૂપ સમજાવતાં તેઓ કહે છે કે કળા અને નીતિમત્તા વચ્ચે તફાવત છે. નીતિ ક્રિયામાં સમાવિષ્ટ છે જ્યારે કળાને સર્જન સાથે સંબંધ છે. ક્રિયા જેનું સર્જન કરે છે તેની સાથે કળાને સંબંધ છે. નીતિ ક્રિયા સાથે સંબંધિત હોવાથી ક્રિયા કરનાર વ્યક્તિ તેમાં મહત્વનો ઘટક છે. વ્યક્તિની મન:સ્થિતિ – તેની ઇચ્છાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ વગેરે તેની ક્રિયાને પ્રભાવિત કરતાં હોવાથી નીતિશાસ્ત્ર તેમને ગણતરીમાં લે છે. કળાકારની મન:સ્થિતિ એટલી મહત્વની નથી. ક્રિયાને અંતે નીપજતી કળાકૃતિ સુંદર છે કે કેમ, તેની સાથે કળાના શાસ્ત્ર કે સૌંદર્યશાસ્ત્રને લેવા-દેવા છે.

કળા અને પ્રકૃતિ વચ્ચે પણ ભેદ છે. કળાકાર પોતાનાથી તદ્દન ભિન્ન પ્રકારની વસ્તુઓનું પણ સર્જન કરે છે. કાવ્ય, નાટક, ચિત્ર, મૂર્તિ, સ્થાપત્ય વગેરેનું તે સર્જન કરે છે.

ઍરિસ્ટોટલ કળાના બે પ્રકાર પાડે છે : (1) જેમાં પ્રકૃતિના કાર્યની ઊણપ કે અધૂરપ પૂર્ણ કરવામાં આવતી હોય; દા.ત., વ્યાયામવિદ્યા, તબીબી વિદ્યા. (2) કળાકાર પોતાની કલ્પનાશક્તિથી કશુંક નવું સર્જતો હોય. તેમાં લલિતકળાઓ (fine arts) અથવા અનુકરણાત્મક (imitative) કળાઓનો સમાવેશ થાય છે; દા. ત., ચિત્રકળા, શિલ્પકળા વગેરે.

પ્લેટો કળાને અનુકરણનું અનુકરણ કહે છે. ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો એ વિચારોનું અનુકરણ છે અને કળા એ તો એ વિષયોનું અનુકરણ છે માટે કળા અંતિમ સત્ તત્વની વિકૃતિની પણ વિકૃતિ છે; તેથી પ્લેટો પોતાના આદર્શ રાજ્યમાંથી કળાને દેશવટો આપે છે. ઍરિસ્ટોટલની ર્દષ્ટિએ કળા મૂળ વસ્તુની અનુકૃતિ છે. વિશિષ્ટ વસ્તુઓમાં અભિવ્યક્ત થતા સાર્વત્રિક(universal)ની અનુકૃતિ દ્વારા અભિવ્યક્તિ કળામાં થતી હોય છે. પ્રતિનિધાન (representation) એ કળાનું સ્વરૂપ છે. આ અર્થમાં કળા ઇતિહાસ કરતાં સત્યની વધુ નજીક છે અને તેથી તે વધુ ફિલોસૉફિકલ છે. ઇતિહાસ વિશેષને વિશેષ તરીકે જ જુએ છે, કળા વિશેષ પાછળ રહેલા સાર્વત્રિકને રજૂ કરવાનો પ્રયાસ કરે છે અને વિચારનું ચિંતન તત્વજ્ઞાન કરે છે. આ રીતે તત્વજ્ઞાનનું સ્થાન પહેલું, પછી કળાનું બીજું અને છેલ્લે ઇતિહાસ આવે છે. એ ત્રણેય પોતપોતાની રીતે ઉપયોગી છે.

ટ્રૅજેડીની ઍરિસ્ટોટલે કરેલી ચર્ચા સાહિત્યવિવેચનક્ષેત્રે મહત્વની બની રહી છે. તેણે વિષયવસ્તુ(plot)ને વધુ મહત્વ આપ્યું છે. તેની ર્દષ્ટિએ કરુણ કૃતિનો હેતુ ભાવવિરેચન કે લાગણીઓની પરિશુદ્ધિ (catharsis) કરવાનો છે. આ કારણે સમાજજીવનમાં ટ્રૅજેડીનું સ્થાન મહત્વનું છે. મહાન પુરુષોની યાતનાઓનું નિરૂપણ ભાવકના હૃદયમાં દયા અને ભયની લાગણીઓ ઉત્તેજિત કરે છે. તેનાથી આપણો આત્મા શુદ્ધ થતાં એક પ્રકારની ગાઢ શાંતિની અનુભૂતિ થાય છે. ‘રહેટૉરિક’ નામના ગ્રંથમાં ઍરિસ્ટોટલ જણાવે છે કે વાગ્મિતા એ અન્યની સહમતી સાધવાની કળા છે. એ રાજ્યશાસ્ત્રની કળાનું સાધન છે. વાગ્મિતાનાં બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપો છે : (1) માત્ર સૈદ્ધાંતિક બાબતોની ચર્ચામાં રસ ધરાવનાર શ્રોતા સમક્ષ કરેલું સંભાષણ – તેમાં દલીલો રજૂ કરવામાં આવે છે. (2) મંતવ્ય જાણવાના આશયથી શ્રોતા સમક્ષ કરેલી રજૂઆત. ભૂતકાળમાં બની ગયેલ ઘટના ઉપર અભિપ્રાય કે નિર્ણય લેવાનો હોય છે અથવા ભવિષ્યમાં બનનારી ઘટના અંગે રાજકીય ર્દષ્ટિએ ચર્ચા કરવામાં આવતી હોય છે. આ બંને પ્રકારની પરિસ્થિતિઓમાં વાગ્મિતા સૌથી મોટું અસરકારક પરિબળ બને છે.

જીવનનાં અનેક ક્ષેત્રોમાં ઍરિસ્ટોટલનું યોગદાન મૌલિક અને મહત્વનું બન્યું છે. રૂપ અને ઉપાદાનના સિદ્ધાંતથી તત્વમીમાંસામાં, સંવિધાનવિચારથી તર્કશાસ્ત્રમાં, ભાવવિરેચનના મતથી કાવ્યશાસ્ત્રમાં એમ ઘણાં ક્ષેત્રોમાં છેલ્લાં બે હજાર વર્ષનાં પશ્ચિમી ચિંતન અને વિજ્ઞાનક્ષેત્રે ઍરિસ્ટોટલના સિદ્ધાંતોનું અધ્યયન અને અધ્યાપન થતું રહ્યું છે. અત્યારના સંશોધનને ધોરણે ઍરિસ્ટોટલના ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો નિરર્થક કે અપ્રસ્તુત બન્યા હોય તોપણ તેનો પદ્ધતિવિચાર ખૂબ જ તાત્વિક મહત્વ ધરાવે છે. અમુક બનાવનું અમુક કારણ છે એવું ઍરિસ્ટોટલનું વિધાન ખોટું હોય તોય બનાવનાં કારણોના અમુક પ્રકાર છે તેવું તેનું વિધાન ઉપયોગી હોઈ શકે છે. અત્યારે પણ કારણોનું વર્ગીકરણ ખોટું છે તેમ કોઈ કહી શકે એવું નથી, પછી ભલે કુદરતમાં અંતિમ કારણોનું આરોપણ આજે અસ્વીકાર્ય હોય. કારણ કે પ્રશ્ન હકીકતોની શોધનો નથી, પણ તાત્વિક વિવેચનનો છે. તત્વવિવેચનની ઍરિસ્ટોટલે પ્રયોજેલી કેટલીક સંકલ્પનાઓ કે પરિભાષા આજે પણ પ્રયોજવી પડે તેમ છે.

મધુસૂદન બક્ષી

દિનેશ શુક્લ

દિનેશ કોઠારી

છોટુભાઈ સુથાર