ઍડવોકેટનો ધારો (1961)

January, 2004

ઍડવોકેટનો ધારો (1961) : કાનૂની વ્યવસાયનું નિયમન કરતો કાયદો. કાનૂની વ્યવસાય અંગેના કાયદાને સુધારવા તથા તેનું એકત્રીકરણ કરવા તેમજ બાર કાઉન્સિલો અને હિન્દના સમગ્ર વકીલસમુદાયની રચના કરવા માટે ઍડવોકેટ્સ ઍક્ટ, 1961 ઘડાયો છે.

આ ધારાના પ્રકરણ 2માં સ્ટેટ બાર કાઉન્સિલ તથા બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના, કાર્યો, રાજ્ય બાર કાઉન્સિલના સભ્યોની મુદત, શિસ્તવિષયક સમિતિ, કાનૂની સહાય સમિતિ તથા અન્ય સમિતિઓની રચના, નિયમો બનાવવાની સત્તા વગેરે જોગવાઈઓનો સમાવેશ થાય છે. કલમ 6માં રાજ્યની બાર કાઉન્સિલનાં કાર્યોની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્ય બાર કાઉન્સિલનાં મુખ્ય કાર્યો આ મુજબ છે : (1) જરૂરી લાયકાત ધરાવતી વ્યક્તિઓને ધારાશાસ્ત્રીઓ તરીકે રાજ્ય બાર કાઉન્સિલની યાદીમાં દાખલ કરવી. (2) ધારાશાસ્ત્રીઓ સામેના ગેરવર્તણૂકના વિવાદો ગ્રહણ કરવા અને તે અંગે નિર્ણયો આપવા. (3) ધારાશાસ્ત્રીઓના હક્કો, વિશેષાધિકારો અને હિતોનું રક્ષણ કરવું. (4) કાયદાની સુધારણાને પ્રોત્સાહન આપવું. (5) અકિંચન લોકો માટે કાનૂની સહાયનું ઠરાવેલી રીતે આયોજન કરવું વગેરે.

આ કાયદાની ક. 9 પ્રમાણે શિસ્તવિષયક સમિતિ, ક. 9-એ મુજબ કાનૂની સહાય સમિતિ તથા ક. 10 મુજબ કારોબારી સમિતિ તથા ધારાશાસ્ત્રીઓની નોંધણીસમિતિની રચના કરવામાં આવે છે. ક. 7માં બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાનાં કાર્યોની જોગવાઈ છે. તેનાં કેટલાંક કાર્યો રાજ્યની બાર કાઉન્સિલનાં કાર્યો જેવાં છે. તે ઉપરાંત તેનાં મુખ્ય કાર્યો આ પ્રમાણે છે : (1) ધારાશાસ્ત્રીઓ માટે વ્યાવસાયિક વર્તણૂક અને શિસ્તનાં ધોરણો નક્કી કરવાં. (2) તેની શિસ્તવિષયક સમિતિએ તથા રાજ્યોની બાર કાઉન્સિલોની શિસ્તવિષયક સમિતિઓએ અનુસરવાની પદ્ધતિ નક્કી કરવી. (3) રાજ્યોની બાર કાઉન્સિલો ઉપર સામાન્ય દેખરેખ અને અંકુશ રાખવાં. (4) કાયદાના શિક્ષણને ઉત્તેજન આપવું અને આવા શિક્ષણ માટેનાં ધોરણો, જે-તે યુનિવર્સિટીઓ તથા રાજ્યો સાથે પરામર્શ કરી નક્કી કરવાં. (5) યુનિવર્સિટીઓની કાયદાની ડિગ્રીઓને ધારાશાસ્ત્રીના વ્યવસાય માટે માન્યતા આપવી. (6) ધારાશાસ્ત્રીની ભારત બહાર મેળવેલી લાયકાતને માન્યતા આપવી વગેરે.

પ્રકરણ 3માં ધારાશાસ્ત્રીઓની યાદીમાં નામ દાખલ કરવાની અને નોંધણી કરવાની જોગવાઈઓ છે. ક. 24માં રાજ્ય બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રીઓની યાદીમાં દાખલ થવા માટેની લાયકાતો દર્શાવેલી છે. તે માટે અરજદાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, તેણે 21 વર્ષની ઉંમર વટાવી હોવી જોઈએ અને માન્ય યુનિવર્સિટીની કાયદાની ઉપાધિ મેળવેલી હોવી જોઈએ. અરજદારે યાદીમાં નામ દાખલ કરાવવા રૂ. 250/-ની નોંધણી ફી ભરવાની હોય છે. આ ફીમાંથી 80 % રાજ્યની બાર કાઉન્સિલને અને 20 % બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાને ફાળવવામાં આવે છે. ક. 24-એમાં નોંધણી માટેની ગેરલાયકાતો દર્શાવેલી છે. જે વ્યક્તિને નૈતિક અધ:પતનવાળા ગુના માટે કે અસ્પૃશ્યતા સંબંધી ગુનાના ધારા 1955ની જોગવાઈ નીચે સજા થઈ હોય તેની ધારાશાસ્ત્રી તરીકે રાજ્યની બાર કાઉન્સિલની યાદીમાં નોંધણી થતી નથી. જોકે તે ગેરલાયકાત, સજામાંથી છૂટ્યાનાં બે વર્ષ બાદ, અસરકારક ગણાતી નથી. વળી જે-તે વ્યક્તિને ઉપરના ગુનાઓ માટે સજા થઈ હોય પરંતુ પ્રોબેશન ઑવ્ ઑફેન્ડર્સ ઍક્ટ, 1958ની જોગવાઈઓનો લાભ મળ્યો હોય તે વ્યક્તિને ક. 24-એમાં દર્શાવેલ પ્રતિબંધ લાગુ પડતો નથી. ક. 26-એમાં ધારાશાસ્ત્રીનું નામ રાજ્યની બાર કાઉન્સિલની યાદીમાંથી કમી કરવા અંગે પ્રબંધ છે.

આ ધારાના પ્રકરણ 4માં ધારાશાસ્ત્રીના વકીલાત કરવાના હક અંગે જોગવાઈઓ છે. ક. 29 મુજબ આ કાયદા અને તેની નીચે ઘડવામાં આવેલ નિયમોને આધીન, નિયત દિવસ પછી ફક્ત નોંધાયેલ ધારાશાસ્ત્રીઓને જ કાનૂની વ્યવસાય કરવાનો હક રહેશે. ક. 30 મુજબ રાજ્ય બાર કાઉન્સિલની યાદીમાં સમાવેશ પામેલ પ્રત્યેક ધારાશાસ્ત્રીને મજકૂર કાયદો લાગુ પડતા તમામ પ્રદેશોમાં એટલે કે સુપ્રીમ કૉર્ટ સહિત તમામ કૉર્ટો, દરેક ટ્રિબ્યૂનલ અને અન્ય સત્તાધિકારી સમક્ષ વકીલાત કરવાનો અધિકાર હોય છે. પરંતુ આ અધિકાર અબાધિત નથી. ઘણાં વર્ષોથી બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા તથા જુદી જુદી સ્ટેટ બાર કાઉન્સિલોએ ક. 30ને અબાધિત રીતે અમલમાં લાવવા જાહેરનામું બહાર પાડવા કેન્દ્ર સરકારને આગ્રહભરી વિનંતીઓ કરવા છતાં તેનું હજુ સુધી કોઈ પરિણામ આવેલું નથી. ક. 33 મુજબ ઉક્ત ધારાની જોગવાઈઓમાં જે-તે સમયે અમલમાં હોય તે ધારાની જોગવાઈઓમાં અન્યથા જણાવેલ હોય તે સિવાય, નિયત દિવસ પછી આ ધારા નીચે ધારાશાસ્ત્રી તરીકે નોંધાયેલ ન હોય તેવી કોઈ વ્યક્તિ કોઈ કૉર્ટ યા સત્તાધિકારી સમક્ષ વકીલાત કરી શકતી નથી.

આ ધારાની ક. 35માં ધારાશાસ્ત્રીઓની ગેરવર્તણૂક અંગેની જોગવાઈઓ છે; જ્યારે રાજ્યની બાર કાઉન્સિલને કોઈની ફરિયાદ ઉપરથી કે અન્યથા કોઈ ધારાશાસ્ત્રીએ ગેરવર્તણૂક કર્યાંનું માનવાને કારણ હોય ત્યારે તે બાબત તે શિસ્તવિષયક સમિતિને સોંપે છે. મજકૂર સમિતિ તેની સુનાવણી માટેની ખબર જે-તે ધારાશાસ્ત્રી તેમજ રાજ્યના ઍડવોકેટ જનરલને આપે છે. ધારાશાસ્ત્રીને સાંભળવાની તક આપ્યા બાદ શિસ્તવિષયક સમિતિ નીચેનામાંથી કોઈ પણ નિર્ણય કરે છે : (ક) ફરિયાદ રદ કરે. જો બાર કાઉન્સિલ પોતે ફરિયાદી હોય તો તે ફરિયાદ દફતરે કરે. (ખ) ધારાશાસ્ત્રીને ઠપકો આપે. (ગ) સમિતિને યોગ્ય લાગે તેટલા સમય માટે ધારાશાસ્ત્રીને વકીલાત કરતા અટકાવે. (ઘ) રાજ્યની બાર કાઉન્સિલની ધારાશાસ્ત્રીઓની યાદીમાંથી કસૂરવાર ધારાશાસ્ત્રીઓનું નામ દૂર કરે. ક. 36 મુજબ આવી જ સત્તાઓ બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાને પણ છે. ક. 37 મુજબ રાજ્યની બાર કાઉન્સિલની શિસ્તવિષયક સમિતિના નિર્ણય સામે બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાને 60 દિવસમાં અપીલ કરી શકાય છે. ક. 38 અન્વયે બાર કાઉન્સિલની શિસ્તવિષયક સમિતિના હુકમ સામે તે હુકમ મળ્યાની તારીખથી 60 દિવસમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ અપીલ થઈ શકે છે. ક. 39 મુજબ લિમિટેશન ઍક્ટની કલમો 5 તથા 12 ઉપરની ક. 37 તથા ક. 38 હેઠળની અપીલોને લાગુ પડે છે. ક. 40 અનુસાર બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાની શિસ્તવિષયક સમિતિ કે સર્વોચ્ચ અદાલત પૂરતાં કારણોસર યોગ્ય શરતોએ અપીલ હેઠળના આદેશનો અમલ અટકાવવા હુકમ કરી શકે છે.

પ્રકરણ 5 મુજબ કોઈ ધારાશાસ્ત્રીને ઠપકો આપવામાં આવે કે તેને વકીલાત કરતો અટકાવવામાં આવે ત્યારે જે બાર કાઉન્સિલની યાદીમાં તેનું નામ હોય તેમાં તેના નામની સામે તેને કરેલી શિક્ષાની નોંધ કરવામાં આવે છે. નામ રદ કરવાનો આદેશ થતાં જે-તે બાર કાઉન્સિલની યાદીમાંથી તેનું નામ કમી થાય છે. જ્યારે ધારાશાસ્ત્રીને વકીલાત કરતો અટકાવવામાં આવે ત્યારે તેનું નોંધણી-સર્ટિફિકેટ પાછું મંગાવી લેવામાં આવે છે. પ્રકરણ 5 હેઠળ કરેલા આદેશનું રાજ્યની બાર કાઉન્સિલની શિસ્તવિષયક સમિતિ આપમેળે અથવા અન્યથા પુનર્નિરીક્ષણ કરી શકે છે. પરંતુ જ્યાં સુધી બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા દ્વારા તે મંજૂર થાય નહિ ત્યાં સુધી તેવો પુનર્નિરીક્ષણનો આદેશ અમલી બનતો નથી.

ગિરીશ ભટ્ટ