એડા : પ્રાચીન આઇસલૅન્ડના પુરાકથાસાહિત્યનો સમુચ્ચય. આ પ્રકારની પુરાકથા વિશેની અધિકૃત જાણકારી આપનારી વધુમાં વધુ પરિપૂર્ણ અને વિગતસભર આધારસામગ્રી બે ગ્રંથોરૂપે સચવાયેલી છે. એક ગ્રંથ તે ‘પ્રોઝ ઑર યન્ગર એડા’ એટલે કે ગદ્ય અથવા લઘુ એડા અને બીજો ગ્રંથ તે ‘પોએટિક ઑર એલ્ડર એડા’ અથવા પદ્ય અથવા બૃહદ્ એડા.

ગદ્ય એડા આશરે 1222-23માં રચાયો હોવાનું મનાય છે. આઇસલૅન્ડના સાહસિક સામંત કવિ અને ઇતિહાસકાર સ્નોરી સ્ટુર્લુસને આ ગ્રંથ રચ્યો છે. કાવ્યશાસ્ત્રના પાઠ્યપુસ્તકની રીતે તે પ્રયોજાયેલો છે. આરંભકાળના આઇસલૅન્ડ-સ્થિત ‘સ્કલ્ડ્ઝ’ એટલે કે રાજકવિઓના અઘરા છંદોલય વિશે તરુણ કવિઓને પ્રશિક્ષણ આપવું તથા પુરાકથાસમુચ્ચય વિશે ખ્રિસ્તી યુગને યોગ્ય સમજ આપવી એ બે હેતુઓને અહીં નજર સમક્ષ રાખવામાં આવ્યા છે.

પદ્ય એડા સમયની ર્દષ્ટિએ પાછળથી એટલે કે તેરમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલો મનાય છે. આ હસ્તપ્રતમાં વધુ જૂની સામગ્રી સમાવાયેલી છે. આથી તેને બૃહદ્ એડા તરીકે ઓળખવામાં આવે છે. આમાંની તમામ 34 કાવ્યરચનાઓ અનામી કવિઓની છે અને તેનો રચનાકાળ નવમીથી બારમી સદીનો છે. 1642માં એક પાદરીએ આ કાવ્યો શોધી કાઢ્યાં હોવાનું મનાય છે. આ સંગ્રહમાં આરંભે દેવો, માનવો અને વામનોનો સૃષ્ટિની ઉત્પત્તિથી માંડી દેવોના મૃત્યુ તથા અંતિમ પ્રલય સુધીનો સમગ્ર વૃત્તાંત ઝડપી તેજસ્વી ર્દશ્યાવલિ રૂપે રજૂ કરાયો છે. બીજા વિભાગમાં ચમત્કારો સર્જનાર શૂરવીર દેવ ઓડિનના શાણપણને લગતી ત્રૂટક અને ઉપદેશાત્મક કાવ્યકંડિકાઓ છે. ઉત્તરાર્ધમાં જર્મન શૂરવીરો તથા પરાક્રમી પુરુષોના કાવ્યપ્રબંધો છે. આમાંનું સિર્ગુડ (એટલે કે સિગફ્રીડ) વિશેનું વૃત્તાંત મધ્યકાલીન જર્મન મહાકાવ્ય નિબેલુ-ગેનલિયડના અંતરંગ ભાગ તરીકે જળવાઈ રહેલું છે. એડાનાં આ કાવ્યોમાં ક્રૂર અને ભીષણ પ્રસંગોને સીધી અને કર્કશ રીતે નિરૂપવામાં આવ્યા છે.

દિગીશ મહેતા