ઍઝો રંગકો (azo dyes) : રંગમૂલક (chromophore) તરીકે ઍઝો (−N = N−) સમૂહ ધરાવતા રંગકો. તેમાં રંગવર્ધક (auxochrome) તરીકે −NO2, −NH2, −NHR, −NR2, −OH, −SO3H વગેરે સમૂહો હોય છે. સંશ્લેષિત રંગકોમાં આ મોટામાં મોટો સમૂહ ગણાય છે. ઍરોમૅટિક એમીનની નાઇટ્રસ ઍસિડ સાથેની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ડાયેઝોનિયમ ક્ષારના ફીનૉલ કે એમીન સાથે યુગ્મન(coupling)થી આ રંગકો મળે છે. યુગ્મીકરણ ફિનોલિક કે એમીનો સમૂહના ‘પેરા’ સ્થાનમાં થાય છે. આ ખાલી ન હોય તો યુગ્મીકરણ ‘ઑર્થો’ સ્થાનમાં થાય છે. આમાંનું એક પણ સ્થાન ખાલી ન હોય તો યુગ્મીકરણ થતું નથી. એઝો રંગકોનું વર્ગીકરણ કાપડના રેસાઓની રંગ શોષવાની લાક્ષણિકતા કે કાપડ રંગવાની પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

(1) ઍસિડ ઍઝો રંગકો : આ રંગકોમાં −OH, −SO3H, −COOH જેવા એસિડિક સમૂહો હોય છે. દા.ત., ટાર્ટ્રેઝાઇન. તે ઊન, રેશમ વગેરે માટે ઉપયોગી છે.

(2) બેઝિક ઍઝો રંગકો : આ રંગકોમાં −NH2, −NHR, −NR2 વગેરે સમૂહો હોય છે. દા.ત., બિસ્માર્ક બ્રાઉન. ઊન, રેશમ વગેરે માટે આ ઉપયોગી છે.

(3) સ્વત: રંગકો (direct/substantive dyes) : આ રંગકો જલદ્રાવ્ય સમૂહો ધરાવતા હોઈ સરળતાથી પાણીમાં દ્રાવ્ય થાય છે. કાગો રેડ આ વર્ગનો સૌપ્રથમ સંશ્લેષિત રંગક છે. સુતરાઉ કાપડ રંગવામાં આ ઉપયોગી છે.

(4) અંતર્જનિત (ingrain), વ્યક્ત (developed) કે એઝોઇક રંગકો : રેસાઓ ઉપર જ યુગ્મીકરણ કરીને આ પ્રકારના રંગકો તૈયાર કરાય છે. દા.ત., ડાએઝોબ્લૅક − B. રેસાઓ પર બેન્ઝિડિન અને 1−નેપ્થીલ ઍમીન−5−સલ્ફોનિક ઍસિડ ડાયેઝોટાઇઝ કરી, તેને રેસાઓ પર લગાડી અને આલ્કેલાઇન β-નેપ્થોલથી ઉપસાવવામાં આવતાં વાદળી ઝાંયવાળો કાળો રંગ કાપડ પર મળે છે.

કેટલાક ઍઝો રંગકો કૉપર કે ક્રોમિયમ જેવી ધાતુઓના સંકીર્ણ ક્ષારરૂપ હોય છે. કેટલીક વાર રેસાઓમાં ધાતુના ઑક્સાઇડ અવક્ષિપ્ત કરીને રંગકાર્ય કરવામાં આવે છે. આ રંગકો સહેલાઈથી ધોવાઈ જતા નથી અને વિવિધ ધાતુઓના ઉપયોગથી રંગની વિવિધ છાયાઓ (shades) મેળવી શકાય છે. અભિક્રિયાશીલ (reactive) રંગો માટે ઍઝો રંગકો મધ્યસ્થી તરીકે વપરાય છે.

પ્રહલાદ બે. પટેલ