એઝૉર્ઝ : પોર્ટુગલની પશ્ચિમે 1,190 કિમી.ના અંતરે, ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા નવ ટાપુઓનું જૂથ. તે ‘વેસ્ટર્ન આઇલૅન્ડ’ના નામથી પણ ઓળખાય છે. પોર્ટુગલના દરિયાઈ સાહસિક ડિયાગો ડી સેનિલે 1427માં તેની શોધ કરી હતી. તેના સાન્તા મારિયા ટાપુ પર 1432માં સર્વપ્રથમ વસવાટ શરૂ થયો હતો. 1480માં આ ટાપુઓનો ઔપચારિક રીતે પોર્ટુગલે કબજો લીધો હતો. 1580-1640 દરમિયાન તેના પર સ્પેનનો કબજો હતો.

આ ટાપુઓનો કુલ વિસ્તાર 2,335 ચો.કિમી. અને વસ્તી 2,44,400 (1999) છે. મોટાભાગની વસ્તી પોર્ટુગીઝ છે. પોર્ટુગીઝ ત્યાંની મુખ્ય ભાષા છે. 95 ટકા લોકો રોમન કૅથલિક ધર્મના અનુયાયી છે.

સાઓ માઇગેલ તેમાંનો સૌથી મોટો તથા ગીચ વસ્તીવાળો ટાપુ છે. (વિસ્તાર : 770 ચોકિમી.) 1444માં ત્યાં વસવાટ શરૂ થયો હતો. સાન્ટા મારિયાને બાદ કરતાં બાકીના આઠ ટાપુઓ જ્વાળામુખી પ્રકારના છે, તેથી પ્રસ્ફોટન તથા ધરતીકંપનો સતત ભય ત્યાં રહ્યા કરે છે. 1958માં ફાયલ ટાપુ પર થયેલ વિસ્ફોટમાં આશરે 2,500 નાગરિકોએ ઘરબાર ગુમાવ્યાં હતાં.

આ ટાપુઓની આબોહવા સમશીતોષ્ણ અને સમધાત છે. મોસમી પવનની દિશાના વિસ્તારોમાં વાર્ષિક સરેરાશ 760-1525 મિમી. વરસાદ પડે છે. કેવળ પીકો ટાપુનાં શિખરો પર હિમવર્ષા થાય છે. ગ્રામીણ પ્રદેશ ખરબચડો તથા પર્વતાળ, તો દરિયાકાંઠો કેટલીક જગ્યાએ આકરા ઢાળવાળો હોઈ દુરારુહ્ય છે.

કૃષિ મુખ્ય વ્યવસાય છે. કુદરતી ઢોળાવ ધરાવતી જમીન પર મોટાભાગની ખેતી થાય છે. ધાન્ય, શેરડી, કૉફી, મીઠાં કંદમૂળ, ચા તથા તમાકુ મુખ્ય પેદાશો છે. ફળફળાદિમાં કેળાં, અનેનાસ, નારંગી સારા પ્રમાણમાં થાય છે. ચા તથા અનેનાસની નિકાસ થાય છે. પહાડોના ઢોળાવ પર ઢોર તથા ઘેટાં-બકરાંનો ઉછેર થાય છે.

1881-1920 દરમિયાન 35,000 તથા 1960-70 દરમિયાન 40,000 જેટલી વસ્તીએ ત્યાંથી સ્થળાંતર કર્યું હતું. મોટા પાયા પર થયેલા આ સ્થળાંતરને લીધે ખેતીના વિકાસ પર વિપરીત અસર થઈ છે.

પોર્ટુગલની સત્તા નીચેના આ ટાપુઓના વહીવટ માટે તેનાં ત્રણ મુખ્ય બંદરોના નામ પરથી ત્રણ જિલ્લાઓ આંગ્રા દો હેરાઇસ્મો, પોન્ટા ડેલગાદા તથા હોર્ટો રચવામાં આવ્યા છે. 1832માં આ ટાપુઓ માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું હતું તથા 1895માં તેને મર્યાદિત સ્વાયત્તતા બક્ષવામાં આવી હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટાપુઓનો ઉપયોગ લશ્કરી કામગીરી માટે થયો હતો અને તેના સંદર્ભમાં અમેરિકાના વિમાની દળે લાજેસ તથા સાન્ટા મારિયા પર પોતાનાં મથકો ઊભાં કર્યાં હતાં. 1973ના અરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ‘નાટો’ સંગઠન વતી અમેરિકાએ ઇઝરાયલને લશ્કરી કુમક પૂરી પાડવા માટે આ ટાપુઓનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે આંતરરાષ્ટ્રીય વિવાદ સર્જાયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે