ઍકેન્થેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર  પર્સોનેલિસ, કુળ – ઍકેન્થેસી. આ કુળમાં 256 પ્રજાતિઓ અને લગભગ 2,765 જાતિઓનો સમાવેશ થયેલો છે. તેઓ મોટેભાગે ઉષ્ણ-પ્રદેશોમાં થતી હોવા છતાં, કેટલીક જાતિઓ સમશીતોષ્ણ પ્રદેશ સુધી વિતરણ પામેલી છે. આ કુળ ઇન્ડો-મલેશિયા, આફ્રિકા, બ્રાઝિલ અને મધ્ય અમેરિકા – એમ ચાર કેન્દ્રોમાં વ્યાપેલું છે. ભારતમાં તેની 68 પ્રજાતિઓ અને 337 જેટલી જાતિઓ મોટેભાગે દક્ષિણ અને પશ્ચિમ ભારતના પહાડી પ્રદેશોમાં અને કેટલીક ઉષ્ણ અને અધોષ્ણ હિમાલયમાં થાય છે. તેની જાણીતી જાતિઓમાં Thunbergia grandiflora Roxb. (મોહન), Blepharis molluginifolia Pers. (ઝીણું ઉટીગણ), Asteracantha longifolia Nees. (એખરો), Strobilanthes callosus Nees. (કારવી), Andrographis paniculata Nees. (લીલું કરિયાતું), Barleria prionitis L. (પીળો કાંટાળો અશેળિયો), Adhatoda vasica Nees. (અરડૂસી), Peristropbe bicalyculata Nees.(કાળી અંઘેડી)નો સમાવેશ થાય છે.

આ કુળની વનસ્પતિઓ મોટેભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય હોય છે. કેટલીક વખત ઉપક્ષુપ, ક્ષુપ કે આરોહી (દા. ત., Mendonica, Thunbergia) સ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિઓ મરુદભિદ (દા.ત., હરણચરો, પીળો કાંટાળો અશેળિયો) હોય છે. નીવગુર (Acanthus ilicifolius L.) દરિયાકિનારે કાદવકીચડમાં થાય છે. આરોહી જાતિઓના પ્રકાંડ અસાધારણ દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે. પ્રકાંડ અને પર્ણના અધિસ્તરીય કોષોમાં કૅલ્શિયમ કાર્બોનેટના દ્રાક્ષના ઝૂમખા જેવા કોશિકાશ્મ (cystolith) જોવા મળે છે. પર્ણો સાદાં, સંમુખ-ચતુષ્ક (opposite decussate), અનુપપર્ણીય (exstipulate) અને અખંડિત હોય છે. પર્ણો ક્વચિત જ છેદન પામેલાં જોવા મળે છે.

પુષ્પવિન્યાસ સામાન્યત: દ્વિશાખી (dichasial) પરિમિત હોય છે. તેની અંતિમ શાખાઓ એકશાખી (monochasial) પરિમિત પુષ્પવિન્યાસમાં પરિણમે છે. નિર્મૂળી Hygrophilaમાં કક્ષીય ભ્રમિરૂપ (whorled), પરિમિત કે Daedalacanthusમાં સઘન શૂકી (spike) અને Thunbergiaમાં કક્ષીય એકાકી પરિમિત પ્રકારનો હોય છે. નિપત્ર (bract) અને નિપત્રિકાઓ (bracteoles) કંટકીય હોય છે. કેટલીક વાર નિપત્રિકાઓ સમગ્ર પુષ્પને આવરી વજ્રનું કાર્ય કરે છે. પુષ્પ સંપૂર્ણ, અનિયમિત, દ્વિઓષ્ઠી, દ્વિલિંગી, અધોજાયી (hypogynous) અને નિપત્રી હોય છે. પુષ્પદંડ બે નિપત્રિકાઓ ધરાવે છે.

વજ્ર 4 કે 5 વજ્રપત્રોનું બનેલું, મુક્ત કે યુક્ત અને કલિકા-અવસ્થામાં ધારાસ્પર્શી (valvate) કે કોરછાદી (imbricate) હોય છે. Thunbergiaમાં તે સાંકડા વલય-સ્વરૂપે અવશિષ્ટ સ્થિતિમાં જોવા મળે છે. દલપુંજ અસમાન પાંચ યુક્ત દલપત્રોનું બનેલું અને સામાન્યત: દ્વિઓષ્ઠી હોય છે. દલપુંજ-નલિકા ટૂંકી કે લાંબી હોય છે. Thunbergia અને Ruellia(બંદૂકડી)માં દલપત્રો લગભગ સમાન હોય છે. દ્વિઓષ્ઠી દલપુંજમાં ઉપરનો ઓષ્ઠ ટટ્ટાર અને દ્વિશાખી અને નીચેનો ઓષ્ઠ સમક્ષિતિજ અને ત્રિશાખિત હોય છે. Acanthusમાં ઉપરના ઓષ્ઠનો સંપૂર્ણ અભાવ હોય છે. કલિકાન્તરવિન્યાસ (aestivation) વ્યાવૃત (contorted) કે કોરછાદી હોય છે.

આકૃતિ 1 : ઍકેન્થેસી. અરડૂસી (Adhatoda vascia) : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) પુંકેસરો, (ઈ) સ્ત્રીકેસરચક્ર, (ઉ) બીજાશયનો આડો છેદ, (ઊ) પુષ્પીય આરેખ.

પુંકેસરચક્ર ઘણે ભાગે ચાર, દ્વિદીર્ઘક (didynamous) પુંકેસરોનું બનેલું હોય છે. Adhatoda, Blepharis, Acanthus અને Justicia જેવી પ્રજાતિઓમાં બે પુંકેસરો હોય છે. સામાન્યત: એકથી ત્રણ પુંકેસરો વંધ્ય પુંકેસરોમાં રૂપાંતરિત થાય છે. Pentste-monacanthusમાં પાંચેય પુંકેસરો ફળાઉ હોય છે. પુંકેસરો દલલગ્ન અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. પરાગાશયો દ્વિખંડી કે એકખંડી હોય છે. Blepharisમાં બીજો ખંડ અવશિષ્ટ હોય છે. દ્વિખંડી પરાગાશયના બંને ખંડો સમાન અને એક જ સમતલમાં ગોઠવાયેલા હોય છે; દા. ત., Strobilanthes; અથવા યોજી(connective)ની વૃદ્ધિથી પરાગાશયના બંને ખંડો જુદા પડે છે. Justiciaમાં બંને ખંડો અસમાન હોય છે અને નીચેનો ખંડ દલપુટ (spur) ધરાવે છે. પરાગાશયનું સ્ફોટન લંબવર્તી હોય છે.

સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. બીજાશયના તલસ્થ-ભાગે મધુગ્રંથિમય બિંબ જોવા મળે છે. તે દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક કે તેથી વધારે અધોમુખી (anatropous) અંડકો હોય છે. પરાગવાહિની એક, લાંબી અને સાંકડી હોય છે. પરાગાસન દ્વિશાખી હોય છે. તેનો પશ્ચખંડ ઘણી વાર નાનો હોય છે.

ફળ વિવરીય (loculicidal) પ્રાવર પ્રકારનું હોય છે. તેનું સ્ફોટન બે કપાટો (valves) દ્વારા થાય છે. આ કપાટો સ્થિતિસ્થાપક બની મુખ્ય અક્ષની વિરુદ્ધ વળી જાય છે. અષ્ઠિલ (drupe) પ્રકારનું ફળ ભાગ્યે જ જોવા મળે છે. બીજ અંડાકાર કે ચપટાં અને અભ્રૂણપોષી હોય છે. ભ્રૂણ મોટો હોય છે. તેઓ સામાન્યત: બીજદંડ ઉપરથી ઉદભવતા વક્ર પ્રક્ષેપો કે અંકુશો ધરાવે છે અને લિગ્નિનયુક્ત બની સખત રચનામાં પરિણમે છે. તેમને ઉત્ક્ષેપકો (getincula or jaculators) કહે છે. તેઓ આડા વળાંક પામી ફલાવરણ ઉપર બહારની દિશામાં દબાણ આપે છે, જેથી ફળ એક આંચકા સાથે સ્ફોટન પામી બીજને દૂર ફેંકી દે છે. Ruellia અને અન્ય પ્રજાતિઓમાં બીજ ઉપર આર્દ્રતાગ્રાહી રોમ આવેલા હોય છે. તેઓ બીજાંકુરણના સ્થાન પર બીજને સ્થાપિત કરે છે.

બેન્થામ અને હુકરે આ સમરૂપ (homogenous) કુળને પર્સોનેલિસ ગોત્રમાં, ઍન્ગ્લરે ટ્યૂબીફ્લોરીમાં અને ક્રૉન્ક્વિટ અને તખ્તજાને સ્ક્રોફ્યુલારિયેલ્સ ગોત્રમાં મૂક્યું છે. હચિન્સને તેને પર્સોનેલિસ ગોત્રનું સૌથી ઉદવિકસિત ગોત્ર ગણ્યું છે.

કેટલીક વાર Mendonica અને Gilletiellaને મેન્ડેન્સિયેસીમાં અને Thunbergia, Pseudocalyx, Meyenia અને Pounguiaને થુન્બર્જિયેસી કુળમાં મૂકવામાં આવે છે. આ કુળનો ઉદભવ સ્ક્રૉફ્યુલારિયેસી અથવા તેના પૂર્વજમાંથી થયો હોવાનું મનાય છે.

તેમનાં ચમકીલાં રંગીન પુષ્પોને કારણે આ કુળની કેટલીક પ્રજાતિઓ હરિતગૃહ (green house) અને ઉષ્ણ-ગૃહ(hot house)માં શોભન-વનસ્પતિઓ તરીકે જાણીતી છે. તેમના મોટા પુષ્પવિન્યાસો, નિપત્રો અને વિવિધવર્ણી કંટકીય પર્ણો પણ કેટલીક વાર આકર્ષક હોય છે. આ શોભન-પ્રજાતિઓમાં Barleria, Ruellia, Justicia, Thunbergia, Strobilanthes વગેરેનો સમાવેશ થાય છે. અરડૂસી કફના ઔષધ તરીકે અને લીલું કરિયાતું યકૃતની તકલીફોમાં ઉપયોગી છે.

જિજ્ઞા ત્રિવેદી

બળદેવભાઈ પટેલ