ઍકેન્થસ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ શુષ્કતારાગી (xerophilous) શાકીય કે ક્ષુપીય જાતિઓની બનેલી છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, દક્ષિણ અમેરિકા, ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયા અને મલેશિયામાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની 7 જાતિઓ થાય છે. તેનાં સહસભ્યોમાં પીળો કાંટાશેળિયો, હરણચરો, શેલિયો, અરડૂસી અને ગજકરણીનો સમાવેશ થાય છે.

તેની એક જાતિ A. ilicifolius Linn. syn. dolorius, Blanco, Dilivaria ilicifolia Nees. (સં. હરિકુશ; હિં., બં., હરગોઝા, હરકત; મ. મરાન્ડી, મેંડલી; અં. સીહોલી) નીવગુર બોરડીની ખાડીમાં અને ક્વચિત્ ખંભાત અને ઘોઘાની ખાડીઓમાં, ભારતના પૂર્વ અને પશ્ચિમના દરિયાકિનારે અને મેઘાલય અને આંદામાનની ખાડીઓની દલદલ ભૂમિ ઉપર થાય છે. તે યૂથી (gregarious), અલ્પશાખિત, સદાહરિત, 0.6 મી.થી 1.5 મી.ની ઊંચાઈ ધરાવતી જાતિ છે. ભરતી-ઓટ સમયે દરિયાના કીચડમાં તે દેખાય છે. તેનાં પર્ણો લંબચોરસ કે ઉપવલયી, પક્ષવત્ (pinnately) દંતુર, તીક્ષ્ણ અથવા છિન્નત (truncate), અરોમિલ અને કંટમય હોય છે. તે પર્ણદંડના તલ ઉપર બે ઉપપર્ણો જેવા કાંટા ધરાવે છે. પુષ્પનિર્માણ એપ્રિલ-મે માસમાં થાય છે. પુષ્પો વાદળી રંગનાં, અદંડી, સંમુખ-યુગ્મોમાં 10 સેમી.થી 40 સેમી. લાંબી શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પો નિપત્ર અને નિપત્રિકાઓની હારમાળાથી ઘેરાયેલાં હોય છે. વજ્રપત્રો 4, બહારનાં બે વજ્રપત્રો ઉપવલયી ગોળાકાર અને અંદરનાં બે વજ્રપત્રો પહોળાં ભાલાકાર હોય છે. દલપત્રો 5, વાદળી રંગનાં અને દ્વિઓષ્ઠીય હોય છે. પુંકેસરો 4 અને દ્વિદીર્ઘક (didynamous) હોય છે. દ્વિયુક્તસ્ત્રીકેસરી બીજાશય દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં બે અંડકો હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, લંબચોરસ, 2.5 સેમી. જેટલું લાંબું અને બદામી રંગનું હોય છે. બીજ પહોળાં  અંડાકાર, ચપટાં, 0.6 સેમી. વ્યાસ ધરાવતાં અને શિથિલ બીજાવરણવાળાં હોય છે. નદી અને સરોવરના ભરતીવાળા પ્રદેશના કિનારાઓ ઉપર રેતી-બંધક (sand-binder) તરીકે તેનો ઉપયોગ થાય છે.

ઍકેન્થસ ઇલિસિફોલિયસ : (1) પુષ્પ ધરાવતી શાખા, (2) બીજાશયનો ઊભો છેદ, (3) બીજાશયનો આડો છેદ, (4) પુંકેસર, (5) પુષ્પ.

ખાંડનો મુરબ્બો અને જીરું સહિતનો આ વનસ્પતિનો આસવ ખાટા ઓડકારોવાળા અજીર્ણમાં ઉપયોગી છે. તે મૂત્રલ (diuretic) ગણાય છે અને જલોદર (dropsy) અને પૈત્તિક (bilious) સોજાઓમાં વપરાય છે. ગોવામાં પર્ણો સંધિવા અને તંત્રિકાર્તિ(neuralgia)માં પ્રશામક શેક માટે ઉપયોગમાં લેવાય છે. પર્ણોને કચરીને પાણીમાં ડુબાડી રાખી તેનો બાહ્ય અનુપ્રયોગ (application) કરવામાં આવે છે. તેનો કફોત્સારક (expectorant) તરીકે પણ ઉપયોગ થાય છે. પુષ્પનિર્માણ પહેલાં તેના છોડને કાપી, કાંટા કાઢી નાખીને ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઊંચું ઉષ્મીય (calorific) મૂલ્ય હોવાથી તે પ્રાણીઓના પોષણ માટેનો સ્રોત ગણાય છે. જલસંવર્ધનમાં માછલીઓ અને પ્રૉનના ખોરાક તરીકે તેનાં ચૂર્ણિત પર્ણો આપવામાં આવે છે. તેનાં પર્ણોના રાસાયણિક બંધારણમાં કોબાલ્ટ, તાંબું, મગેનીઝ, મોલિબ્ડેનમ અને જસત જેવાં ખનિજ-તત્વોની હાજરી હોય છે. તેનાં મૂળ હૃદ્-ક્ષીણકારી (cardial-attenuant) છે અને લકવો, શ્વેત પ્રદર, દુર્બળતા અને દમમાં ઉપયોગી છે. મૂળનો કાઢો દાંતના દુખાવામાં અને મોંના સોજામાં કોગળા કરવામાં વપરાય છે. પર્ણો અને તરુણ પ્રરોહનો સર્પદંશમાં ઉપયોગ થાય છે.

નવું ઍલ્કેલૉઇડ, એકેન્થિસિફોલિન(C10H12O2N2, 1-મિથાઇલ-1, 2, 3, 4-ટેટ્રાહાઇડ્રો-5-મિથૉક્સિ-2, 7-નૅપ્થિરિડીન-3-ઓન)નું વાયુ-શુષ્ક વનસ્પતિમાંથી અલગીકરણ કરવામાં આવ્યું છે. તે એક ફ્લેવોન, 4’, 7-ડાઇમિથાઇલ સ્કુટેલેરીન પણ ધરાવે છે. આ ઉપરાંત તે ઓલિયેલોનિક ઍસિડ, β-સિટોસ્ટેરોલ, લ્યુપિયોલ, ક્વિર્સેટિન અને તેના ગ્લુકોપાયરેનોસાઇડ અને ટ્રાઇગોનેલિન ધરાવે છે. તેના મૂળમાં સેપોનિન, β-OH-લ્યુપ્-20(29)-ઇનનો ગ્લાયકોસાઇડ હોય છે. ફિલિપાઇન્સમાં આ છોડનો સાબુ બનાવવામાં ઉપયોગ થાય છે.

સરોજા કોલાપ્પન