ઉરુગ્વે : દક્ષિણ અમેરિકા ભૂમિખંડના પૂર્વ (ઍટલૅંટિક) કિનારે આશરે 30o 0¢થી 35o 0′ દ. અક્ષાંશવૃત્તો અને 53o 0¢થી 58o 25′ પ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું રાજ્ય. સુસંબદ્ધ (compact) આકારનો આ દેશ 1,77,508 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. દેશને ઉત્તરમાં બ્રાઝિલ અને દક્ષિણમાં આર્જેન્ટિનાની સરહદો સ્પર્શે છે, તેથી અંતરિયાળ રાજ્ય (buffer state) તરીકેનું તેનું ભૂરાજકીય મહત્વ છે. વળી આ દેશને પૂર્વમાં અને દક્ષિણમાં અનુક્રમે 192 કિમી. લંબાઈનો આટલાંટિક તટ અને 376 કિમી. લંબાઈનો પ્લેટ નદીનાળ (રિયો દ લા પ્લાટા) પરનો તટ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તેની 435 કિમી. લંબાઈની પશ્ચિમની સીમા ઉરુગ્વે નદી દ્વારા નિશ્ચિત થયેલી છે. દેશની મુખ્ય નદીઓમાં ઉરુગ્વે અને નેગ્રોનો સમાવેશ થાય છે. દેશનું પાટનગર અને મુખ્ય બંદર મૉન્ટિવિડિયો, રિયો દ લા પ્લાટા પર આવેલું છે.

દેશના પૂર્વ ભાગમાં આવેલાં સપાટ અને ટૂંકું ઘાસ ધરાવતાં મેદાનો એ આર્જેન્ટિનાનાં પમ્પાઝનાં મેદાનો સાથે અનુસંધાન સાધે છે. પણ દક્ષિણ ભાગમાં આવેલાં મેદાનો થોડાંક અસમતલ છે. બ્રાઝિલની સીમા તરફના સહેજ ઊંચા ડુંગરો ઉપરાંત દેશના પૂર્વ મધ્ય ભાગમાં ‘કુચિલ્લા ગ્રાન્ડ’ (Cuchilla Grande) નામે ઓળખાતી નીચી અને લાંબી ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓ સર્પાકારે અને ધીમા વેગથી વહેતી નદીઓએ બનાવેલી ખીણોથી અલગ પડે છે. ઉત્તરનો ડુંગરાળ પ્રદેશ ખરું જોતાં 600 મીટરથી અધિક ઊંચાઈ ધરાવતા બ્રાઝિલના પહાડી પ્રદેશનું અનુસંધાન છે. દેશની પશ્ચિમ સીમા રચતી ઉરુગ્વે નદી નીચા કિનારા ધરાવતી હોવાથી કોઈ કોઈ વાર તેનાં પાણી આસપાસના વિશાળ વિસ્તારો પર ફરી વળે છે. દેશના પૂર્વ બાજુના આટલાંટિક તટ પર ભરતીથી બનેલાં ખારા પાણીનાં સરોવર (lagoons) તેમજ દરિયાઈ રેતપટ્ટ (beaches) જેવા કેટલાક વિસ્તારો પર્યટકો માટે આકર્ષક છે, તેથી અહીં ઘણાં વિહારધામો સ્થપાયાં છે.

ઉરુગ્વેની સબ-ટ્રૉપિકલ આબોહવા, પૂર્વ આર્જેન્ટિનાનાં પમ્પાઝનાં મેદાનોની આબોહવાને મળતી આવે છે. સમુદ્રની સમીપતાને લીધે અહીંની આબોહવા સમધાત છે. અહીંના હૂંફાળા ઉનાળાના જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 21o સે. તેમજ ટૂંકા અને ઠંડા શિયાળામાં જુલાઈ માસનું સરેરાશ તાપમાન, 10o સે. જેટલું રહે છે. ઉનાળાનું દૈનિક તાપમાન, બપોરે ઊંચું થવા જાય, પણ દરિયાઈ લહેરો તેને નીચે લાવે છે. કોઈક વાર જૂનથી ઑગસ્ટ માસ દરમિયાન ઍન્ટાર્ક્ટિકા ભૂમિખંડ તરફથી સખત ઠંડીનું મોજું ફરી વળે છે, ત્યારે તાપમાન છેક નીચે ઊતરી જાય છે. પવનો અને ચક્રવાત આ દેશનાં હવામાનમાં ફેરફાર લાવનારાં વિશિષ્ટ પરિબળો છે. સામાન્ય રીતે અહીંની આબોહવા ભેજવાળી છે અને અહીં કોઈ સ્પષ્ટ સૂકી ઋતુ જોવા મળતી નથી. આ દેશમાં વરસાદ વર્ષભર સપ્રમાણ પડે સરેરાશ 1,000 મિમી. જેટલો પડે છે; તેમ છતાં એકંદરે પાનખરના મહિનાઓમાં વધુ વરસાદ હોય છે. અહીં શુષ્ક આબોહવા પ્રવર્તતી નથી.

ઉરુગ્વે

દક્ષિણ-પૂર્વનાં મેદાનો વચ્ચે આવતી નદીખીણોની આસપાસના ભાગોમાં વૃક્ષો અને ઝાડીઝાંખરાં તેમજ બ્રાઝિલની સીમા તરફના ઉત્તરના ડુંગરાળ ભાગોમાં જંગલો છવાયેલાં છે.

ખેતી તથા થોડીક ડેરીપ્રવૃત્તિ ખાસ કરીને પ્લેટ નદીનાળનાં કાંઠાનાં આધુનિક યુગનાં કાંપનિર્મિત મેદાનોમાં તથા ઘર્ષિત મેદાનોમાં કેન્દ્રિત થયેલી છે. અહીં ઘઉં, મકાઈ અને અળશી જેવા પરંપરાગત પાકો સારા પ્રમાણમાં થાય છે. ઘઉં મુખ્ય પાક છે અને દેશની જરૂરિયાત ઉપરાંતના જથ્થાની નિકાસ કરવામાં આવે છે. સૂર્યમુખી, જુવાર, ઓટ, જવ, શેરડી, બટાટા, ડાંગર,શુગરબીટ, ફળો (દ્રાક્ષ, નારંગી અને સફરજન), શાકભાજી વગેરે બીજા અગત્યના પાકો છે.

આ દેશમાં ખનનપ્રવૃત્તિ આરસ તથા ગ્રૅનાઇટ પથ્થરો પૂરતી મર્યાદિત છે. નેગ્રો અને ઉરુગ્વે નદીઓ પરની મોટી જળવિદ્યુત યોજનાઓ દ્વારા ઊર્જા મળી રહે છે. હાલમાં રિયો નેગ્રો સરોવર પરનું વિદ્યુતમથક પાટનગર મૉન્ટિવિડિયો તથા તેની આસપાસના વિસ્તારોની વિદ્યુત જરૂરિયાતો પૂરી પાડે છે.

ઉરુગ્વે મૂળભૂત રીતે પશુપાલન પર અને અમુક પ્રમાણમાં ખેતી પર નિર્ભર છે. અહીં પશુસંવર્ધન ઉદ્યોગ મુખ્ય છે. દેશના 68 % ભૂમિવિસ્તાર(લગભગ 135 લાખ હેક્ટર)માં ઢોરઉછેર થાય છે; જ્યારે 12 % ભૂમિવિસ્તારમાં ખેતીના પાકો અને ફળાઉ વૃક્ષો ઉગાડવામાં આવે છે. વળી આ દેશના 2.7 % જમીનવિસ્તારમાં જંગલો અને વગડા છે, જ્યારે બાકીની 17.23 % ભૂમિ પડતર તથા બાંધકામ માટેની છે.

ઢોરઉછેરપ્રવૃત્તિ દેશના ઉત્તરના ટેકરીઓવાળા ભાગોમાં તથા મેદાનોમાં કેન્દ્રિત થયેલી છે. માંસ, ઊન તથા ચામડાં જેવી પશુપેદાશો મેળવવા માટે આ પ્રદેશમાં ઘણા દાયકાઓથી ઉત્તમ ઓલાદોનાં ઢોર, ઘેટાં અને ડુક્કરનો ઉછેર થતો આવ્યો છે. અહીં પશુસુધારણા અને પશુસંવર્ધનકાર્ય સતત વિકસતું રહ્યું છે, પણ પશુપેદાશોના ભાવો નીચા રહેતા હોવાથી આ પ્રવૃત્તિને ઓછું પ્રોત્સાહન મળ્યું છે. હવામાન અને આબોહવા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા આ ઉદ્યોગને ભૂતકાળમાં ઘણું સહન કરવું પડેલું છે; તેમ છતાં દેશની કુલ નિકાસમાં પશુપેદાશો લગભગ 3/4 ભાગનો ફાળો આપે છે. આમાં મેરીનો અને તેની મિશ્ર ઓલાદોનાં ઘેટાં ઉત્તમ પ્રકારનું ઊન પ્રદાન કરે છે. દેશની કુલ ઊનઊપજના અર્ધા ભાગનું અશુદ્ધ ઊન નિકાસ કરવામાં આવે છે. દેશના કુલ નિકાસમૂલ્યમાં ઊનનો ફાળો 1/3 ભાગ જેટલો થવા જાય છે.

ઉરુગ્વેના માંસ-પૅકિંગ ઉદ્યોગનો પાયો પશુસંવર્ધનપ્રવૃત્તિ પર રચાયેલો છે. આજે મૉન્ટિવિડિયોમાં ત્રણ અને ફ્રે બેન્ટોસમાં એક એમ દેશમાં માંસ ઠારવાના કુલ ચાર મોટા પ્લાન્ટ સહિતનાં કતલખાનાં (frigorificos) આવેલાં છે. આ સિવાય પાયસાન્દુ, સાલ્ટો અને આર્ટિગસ ખાતે પણ માંસ-પૅકિંગ પ્લાન્ટ અને માંસની કૅનિંગ ફૅક્ટરીઓ આવેલી છે. આમ છતાં શિયાળા કે વસંતઋતુમાં કતલ માટેનાં યોગ્ય ઢોરોના અભાવે તથા માંસના નીચા ભાવોને લીધે તેમજ અન્ય કારણોસર કેટલીક વાર કતલખાનાં બંધ રાખવાની ફરજ પડે છે.

ઉદ્યોગોને જરૂરી ખનિજસંપત્તિ તથા કાચા માલના અભાવે ઔદ્યોગિક વિકાસ રૂંધાયો છે. તેમ છતાં છેલ્લાં ચાલીસ વર્ષથી આલ્કોહૉલની પેદાશો, પેટ્રોલિયમ શુદ્ધીકરણ અને સિમેન્ટને લગતા ઉદ્યોગોનો વિકાસ સધાયો છે. મોટાભાગનું ઔદ્યોગિક ઉત્પાદન કૃષિ અને પશુપેદાશોને લગતું છે. ખાસ કરીને સિગારેટ, ખાંડ, અનાજ દળવું, માંસ-પૅકિંગ, ઊન-પ્રક્રમણ, ઊનવસ્ત્રવણાટ, ચામડાની બનાવટો, ડેરીપેદાશો તથા વનસ્પતિજ તેલને લગતા ઉદ્યોગો અગત્યના છે. આયાતી કાચા માલ ઉપર આધારિત હળવા ઇજનેરી- ઉદ્યોગો, રસાયણ-ઉદ્યોગ અને કાગળ-ઉદ્યોગનો પણ અહીં વિકાસ થયો છે. દેશના 75 % ઉદ્યોગો દેશના પાટનગર મૉન્ટિવિડિયો અને તેની આસપાસના પ્રદેશોમાં કેન્દ્રિત થયેલા છે. આ સિવાય ઉરુગ્વે પ્રવાસન-ઉદ્યોગ દ્વારા લગભગ 17 % જેટલું વિદેશી હૂંડિયામણ મેળવે છે.

આ દેશમાં રેલવે અને સડકમાર્ગીય પરિવહન-સેવાઓનો ઉત્તમ વિકાસ સધાયો છે. પાન અમેરિકન ધોરી માર્ગના ફાંટા સહિતના મૉન્ટિવિડિયોને કેન્દ્રાભિમુખ થતા લગભગ 8,983 કિમી. લંબાઈના ધોરી માર્ગો તથા બારમાસી સડકમાર્ગો દેશનાં બીજાં મથકોને સાંકળે છે. રેલમાર્ગોની કુલ લંબાઈ 2,073 કિમી. જેટલી છે. મુખ્ય રેલવે-કેન્દ્ર મૉન્ટિવિડિયોથી જુદી જુદી દિશામાં નીકળતા રેલવેના મુખ્ય ચાર ફાંટાઓ દેશનાં વિવિધ કેન્દ્રોને સાંકળે છે. ફ્રે બેન્ટોસ, પાયસાન્દુ અને સાલ્ટો અગત્યનાં બંદરો છે. રાષ્ટ્રીય હવાઈ માર્ગ સ્થાનિક મથકો ઉપરાંત દક્ષિણ અમેરિકાના બીજા દેશોને પણ સાંકળે છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મૉન્ટિવિડિયો ખાતે આવેલું છે. આંતરિક જળમાર્ગોની લંબાઈ 1,270 કિમી. છે.

ઉરુગ્વે મુખ્યત્વે લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA), પૂર્વ તથા પશ્ચિમ યુરોપના દેશો, યુ.એસ. વગેરે સાથે આયાત-નિકાસના વ્યાપારી સંબંધો ધરાવે છે. તેના વિદેશવ્યાપારમાં ઊન, માંસ, ચામડાં તથા ખાલ (skin) – એ ચાર મુખ્ય વસ્તુઓ આશરે 3/4 ભાગનો નિકાસફાળો આપે છે. તેની આયાતોમાં મુખ્યત્વે ઉદ્યોગો માટેનો કાચો માલ, પેટ્રોલિયમ, યંત્રસામગ્રી, મોટરકાર અને તૈયાર માલનો સમાવેશ થાય છે.

ઉરુગ્વેના પાટનગર મૉન્ટિવિડિયોનો હાર્દભાગ

અહીં ગોરા લોકોનો વસવાટ થયા પછી મુખ્યત્વે તેમની સાથેના યુદ્ધમાં તથા ચેપી રોગોના ફેલાવાથી મોટાભાગની ઇન્ડિયન વસ્તી ઘટી ગઈ. ઇન્ડિયન લોકો નાનાં અને છૂટાંછવાયાં જૂથોમાં વસવાટ કરે છે. મૂળભૂત રીતે સ્પૅનિશ રહેણીકરણી ધરાવતા આ દેશમાં ઓગણીસમી સદીમાં ઇટાલિયન, ફ્રેન્ચ તથા અંગ્રેજ લોકોનો ભારે ધસારો થયો હતો. આ દેશના લોકોની સામાન્ય ભાષા સ્પૅનિશ છે અને મોટાભાગના લોકો રોમન કૅથલિક ચર્ચને અનુસરે છે.

આ દેશની કુલ વસ્તી 32.7 લાખ (2000 મુજબ) જેટલી છે. તેમાં મેસ્ટીઝો લોકોની આશરે 10 % વસ્તી બાદ કરતાં બાકીના લગભગ બધા લોકો ગોરા છે, જે મુખ્યત્વે સ્પૅનિશ કે ઇટાલિયન કુળમાંથી ઊતરી આવેલા છે. આ દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ 84 % છે, પણ મૉન્ટિવિડિયો સિવાયનાં અન્ય શહેરો નાનાં છે. દેશની લગભગ  ભાગની વસ્તી પાટનગર મૉન્ટિવિડિયોમાં કેન્દ્રિત થયેલી છે. આ સિવાય ડ્યુરાઝનો અને રીવેરા બીજાં અગત્યનાં પ્રાદેશિક કેન્દ્રો છે.

ઇતિહાસ : ઉરુગ્વેનો પ્રદેશ શરૂઆતમાં પોર્ટુગલને તાબે હતો. 1680માં તેમણે બુએનૉસ આઇરિસના હરીફ તરીકે કૉલોનિયા શહેર વસાવ્યું. સ્પેને આ પ્રદેશ કબજે કરી મૉન્ટિવિડિયો શહેર 1726માં સ્થાપી તેને ઉરુગ્વેની રાજધાની બનાવી. 1777 સુધી અવારનવાર સત્તાપલટો થતાં દેશમાં અસ્થિરતા અને અશાંતિ હતાં. 1808માં સ્પેન સામેની લડાઈમાં નેપોલિયનની જીત થતાં બુએનૉસ આઇરિસ સ્વતંત્ર થયું, પણ ઉરુગ્વે સ્પેન નીચે રહ્યું. 1810-20 દરમિયાન ઉરુગ્વેના રાષ્ટ્રવીર જોસ ગરવેસિયા આર્ટીગસે સ્વાતંત્ર્ય માટે મથામણ કરી, પણ આર્જેન્ટિના અને બ્રાઝિલનો સામનો અશક્ય જણાતાં 1823માં તે નાસી ગયો અને 1824 સુધી ઉરુગ્વે પોર્ટુગીઝ શાસન તળે રહ્યું. 1823માં 33 દેશભક્તોએ આગેવાની લઈ બળવો પોકાર્યો. આર્જેન્ટિના તથા બ્રાઝિલે ઉરુગ્વેની સ્વતંત્રતા 1829માં માન્ય કરી. 1830માં પ્રથમ બંધારણ ઘડાયું. આ વખતે ઉરુગ્વેમાં કૉલોરાડો અને બ્લેન્કી નામના બે પક્ષો હતા. 1872 સુધી બંને વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું, પણ અંતે થાકીને તેમણે સમજૂતી કરી. આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિને કારણે ઉરુગ્વેના આંતરિક પ્રદેશ અને ખેતીનો વિકાસ થઈ શક્યો ન હતો. 1880 પછી યુરોપમાંથી સ્થળાંતર કરી ઘણા લોકો અહીં આવ્યા હતા. કૉલોરાડો પક્ષનો જોસ બેટલે ઓરડેનોઝ પત્રકાર હતો અને સિદ્ધાંતનિષ્ઠ રાજકારણનો પુરસ્કર્તા હતો. 1903માં તે પ્રમુખ થતાં બ્લેન્કો પક્ષે તેનો વિરોધ કરતાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. લડાઈમાં બ્લેન્કો પક્ષની હાર પછી બેટલેએ સામાજિક, રાજકીય અને આર્થિક સુધારણાનો કાર્યક્રમ અપનાવ્યો. તેણે નવ માણસોની કાઉન્સિલની 1918માં રચના કરી. 1919માં નવું બંધારણ અમલમાં આવ્યું. સ્વિટ્ઝર્લૅન્ડના જેવી બહુત્વવાદી કારોબારીની રચના થઈ. આંતરિક બાબતો કારોબારી સંભાળે અને રાષ્ટ્રીય રક્ષણ, પરદેશ નીતિ અને આંતરિક શાંતિનો હવાલો પ્રમુખ સંભાળે તેમ નક્કી થયું. સરકારે કેટલીક વસ્તુઓનો વેપાર પોતાના હસ્તક લીધો. મફત શિક્ષણ, નિવૃત્તિ-સહાય, વૈદકીય સહાય, મજૂરકલ્યાણના કાયદા જેવાં કામો બેટલેએ અને તેના અનુગામીઓએ હાથ ધર્યાં. 1903-1923 સુધી ઉરુગ્વેએ શાંતિનો અનુભવ કર્યો. ખેતીવિષયક સુધારાઓ જમીનદારોના વિરોધને કારણે થઈ શક્યા નહિ.

1929માં વિશ્વવ્યાપી મંદીને કારણે છટણી તથા પગારકાપ જેવાં પગલાં ભરવાં પડ્યાં. બેટલેના મૃત્યુ પછી તેની અસર નષ્ટ થઈ અને લાગવગશાહીનું જોર વધી ગયું. 1933માં રક્તહીન ક્રાંતિ થઈ. 1938માં ઉદારમતવાદી સરકાર સ્થપાઈ. 1942માં નવું બંધારણ ઘડાયું. પક્ષના મોવડીઓનો વિશિષ્ટ મોભો રદ કરાયો અને 1946માં મુક્ત સ્વાતંત્ર્યને સ્થાન મળ્યું. કૉલોરાડો પક્ષે 1947-1951 દરમિયાન રૂઢિચુસ્ત નીતિ અપનાવી હતી, પણ અગાઉ દાખલ થયેલા સુધારાને ર્દઢીભૂત કરવાનું કામ તેણે કર્યું. 1951થી સામૂહિક નેતૃત્વવાળી પ્રથા ફરી અમલી બની. લોકોમાંના વ્યાપક અસંતોષને વાચા આપી બ્લેન્કો પક્ષ 1958માં સત્તારૂઢ થયો અને 1966 સુધી તે ટકી શક્યો. 1966ની ચૂંટણીમાં કૉલોરાડો પક્ષ જીત્યો. તેણે પ્રમુખશાહીની ફરી સ્થાપના કરી. પ્રમુખ પચેહોએ પગાર અને ભાવનિયંત્રણનાં પગલાં લેતાં તે અપ્રિય બન્યા. મજૂરોમાં અશાંતિ ફેલાઈ અને હડતાળોનો પવન ફૂંકાયો. 1969માં ક્રાંતિકારી વિદ્યાર્થીઓએ ‘ટુવામરોસ’ મંડળ સ્થાપ્યું અને સરકાર સામેના દેખાવોની આગેવાની લીધી. સરકારે ખૂબ દમન ગુજાર્યું. 1971માં આર્થિક સુધારણાના મુદ્દાને અનુલક્ષીને ચૂંટણી થઈ. ચિલીમાં સાલ્વાડોર એલન્ડેની સમાજવાદી સરકાર સ્થપાતાં આ લોકો જોરમાં આવ્યા અને બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવા અને ખેતીસુધારણા હાથ ધરવા માગણી કરી. બધા ડાબેરી, સામ્યવાદી, ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક વગેરે પક્ષોએ સાથે મળીને ચૂંટણીમાં ભાગ લીધો, પણ તેમને 20 % જ મત મળતાં હાર થઈ. જમણેરી પક્ષના બોરડોબેરી પ્રમુખ થયા. હડતાળો ને ગેરીલા યુદ્ધનો પ્રારંભ થયો. પ્રમુખે ‘આંતરિક યુદ્ધની સ્થિતિ’ જાહેર કરી, બંધારણીય ખાતરીઓ રદ કરી અને ટવામરોસ પક્ષ સામે પગલાં લેવા લશ્કરને આદેશ આપ્યો. ફેબ્રુઆરી, 1973માં લશ્કરે ‘નૅશનલ સિક્યુરિટી કાઉન્સિલ’ સ્થાપી તેને દેશનો વહીવટ સોંપવા માગણી કરી. પ્રમુખે સંમતિ આપતાં લેજિસ્લેટિવ કાઉન્સિલ રદ થઈ. 1976માં પ્રમુખને પણ લશ્કરે દૂર કરી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. અવારેસિયો મેન્ડેઝ લશ્કરની સંમતિથી પ્રમુખ થયા. બધા રાજકીય પક્ષોના અગ્રણીઓના હક્કો રદ કરાયા અને લશ્કરે દમનકારી પગલાં લીધાં. 1980માં લશ્કરે પ્રમુખની સત્તા કાયમ રહે તેવું બંધારણ ઘડવા લોકમત લીધો, પણ તેમાં તેની હાર થઈ. 1981માં જનરલ ગ્રેગારિયો અલ્વારીસને લશ્કરે પ્રમુખ બનાવ્યા. લોકોના અને રાજકીય પક્ષોના અમુક હકો તેણે સ્વીકાર્યા, પણ રાષ્ટ્રીય નેતાઓ ઉપરના પ્રતિબંધો ચાલુ રહ્યા હતા. નવેમ્બર, 1983માં દમનનો સામનો કરવા ચાર લાખ લોકોએ પાટનગરમાં દેખાવો યોજ્યા. જાન્યુઆરી, 1984માં લશ્કરી શાસન ખખડી ગયું અને તેને લોકોના પ્રતિનિધિઓને સત્તા સોંપવી પડી. માર્ચ, 1985માં કૉલોરાડો પક્ષનો મધ્યમમાર્ગી નરમ પ્રમુખ ચૂંટાતાં બધા રાજકીય કેદીઓને મુક્ત કરાયા અને લોકશાહી પુન: સ્થાપિત થઈ.

તેની ધારાસભા ‘કૉંગ્રેસ’ નામથી ઓળખાય છે, જેના ઉપલા ગૃહ તરીકે સેનેટ અને નીચલા ગૃહ તરીકે ‘ચેમ્બર ઑવ્ ડેપ્યુટિઝ’ કામ કરે છે. આ બંને ગૃહોની મુદત પાંચ વર્ષની હોય છે. સેનેટ 31 સભ્યોની અને ચેમ્બર ઑવ્ ડેપ્યુટિઝ 99 સભ્યોથી રચાય છે. સંસદમાં બહુમતી ધરાવનાર પક્ષનો સભ્ય પ્રમુખ બને છે. ચેમ્બર ઑવ્ ડેપ્યુટિઝ લોકો દ્વારા ચૂંટાતું ગૃહ છે. 10,000 નાગરિકોની સહીથી નાગરિકો રેફરન્ડમ-પ્રજામતની માગ કરી શકે તેવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. 8 ડિસેમ્બર, 1996ના રોજ એક મહત્વના પ્રજામત દ્વારા એમ ઠરાવવામાં આવેલું કે પ્રત્યેક રાજકીય પક્ષ માત્ર એક જ વ્યક્તિને પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભી રાખી શકે. વધુમાં જો પ્રથમ મતગણતરીમાં કોઈ પણ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી ન મળે તો બંધારણ દ્વારા નિર્ધારિત પદ્ધતિ દ્વારા બીજી વારની મતગણતરી યોજાય છે.

છેલ્લી ચૂંટણી ઑક્ટોબર, 1999માં યોજાઈ હતી. પ્રમુખ જૉર્ગ બૅટલે (Jorge Battle) છે. ઉરુગ્વે યુનોનું સભ્યપદ ધરાવે છે.

તેની કૉંગ્રેસ દ્વારા સર્વોચ્ચ અદાલતના સભ્યોની ચૂંટણી થાય છે, જેઓ અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. ચાર અદાલતો ‘કૉર્ટ ઑવ્ અપીલ’ તરીકેની કામગીરી કરે છે, આ પ્રત્યેક અદાલત ત્રણ ન્યાયાધીશોની બનેલી હોય છે. નાગરિકી (civil) અદાલતો અને ફોજદારી અદાલતો – એમ બે મુખ્ય શાખાઓમાં અદાલતો કાર્ય કરે છે. નીચલી અદાલતોની કુલ સંખ્યા 224ની છે.

બીજલ પરમાર

શિવપ્રસાદ  રાજગોર

રક્ષા મ. વ્યાસ