ઉરાંગઉટાંગ (orangutan) મેરુદંડી સમુદાયનું પૃષ્ઠવંશી વર્ગનું સસ્તન પ્રાણી વંશ : અંગુષ્ઠધારી; અને કુળ : પાગિડેના. આ પ્રાણીનું શાસ્ત્રીય નામ Pongo pygmius છે.

ઉરાંગઉટાંગ

ઉરાંગઉટાંગ કદમાં ગોરીલા કરતાં સહેજ નાનું હોય છે. આજે તેનો વાસ સુમાત્રા અને બૉર્નિયોના વાયવ્ય પ્રદેશમાં આવેલાં અરણ્યો પૂરતો મર્યાદિત છે. નરની ઊંચાઈ આશરે 1.40 મીટર જેટલી અને તેનું વજન આશરે 70 કિગ્રા. જેટલું હોય છે. માદા સહેજ નીચી અને વજનમાં આશરે 40 કિગ્રા. જેટલી હોય છે. તેનું શરીર જાડું, હાથ લાંબા અને પગ પ્રમાણમાં ટૂંકા હોય છે. તેના વાળ લાંબા, જાડા, બરછટ અને સહેજ લાલાશ પડતા રંગના હોય છે. ચહેરા પર વાળ હોતા નથી; જ્યારે નરને દાઢી-મૂછ હોય છે. તેની ખોપરી અન્ય અંગુષ્ઠધારીઓના પ્રમાણમાં સહેજ જુદા પ્રકારની હોય છે. કાન નાના, માનવી જેવા અને આંખ એકબીજીની નજદીક આવેલી હોય છે. નરના ગાલની સપાટી પહોળી અને ચરબીયુક્ત હોય છે; જ્યારે તેના કંઠમાં એક વાયુકોથળી ખૂલે છે. આ કોથળી ગળામાંથી ઊપસેલી જોવા મળે છે.

નર ઉરાંગઉટાંગ આશરે દસ વર્ષ બાદ અને માદા આઠ વર્ષ બાદ પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. તેનું સામાન્ય આયુષ્ય 30થી 40 વર્ષનું હોય છે. તે એકલાં, સજોડે અથવા તો કુટુંબ સાથે સમૂહમાં રહી જીવન પસાર કરે છે. તે સામાન્યપણે ટટ્ટાર ઊભું રહે છે અને પોતાના લાંબા હાથની મદદથી એક ડાળી પરથી બીજી ડાળી પર લટકતાં લટકતાં જાય છે. તે વૃક્ષનિવાસી છે અને મોટેભાગે ફળ, પાંદડાં અને બીજ ખોરાક તરીકે લે છે. ક્વચિત્ તે ઈંડાં અને પક્ષીઓનું ભક્ષણ પણ કરે છે. ઊંઘવા માટે તે ઝાડ પર રાત્રી પસાર કરે છે. તે એક સૌમ્ય, બુદ્ધિમાન, અંગુષ્ઠધારી સસ્તન પ્રાણી છે. બંદી (captive) અવસ્થામાં તે યાંત્રિક ઓજારોને ચાલાકીથી વાપરી શકે છે.

આ પ્રાણીઓના વસવાટવાળા પ્રદેશો પર વિવિધ પ્રકારે માનવીનું આક્રમણ થયાં કરે છે. તેથી આ પ્રાણીનો સમૂળો નાશ થવાનો ભય ઊભો થયેલ છે. આ કારણે ઇંડોનેશિયા તેમજ મલેશિયા દેશોએ ઉરાંગઉટાંગને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યું છે.

મ. શિ. દૂબળે