ઉપનિષદ

વેદવિદ્યાની ચરમ સીમા જેમાં જોવા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. વેદનાં પ્રથમ ચરણોમાં એટલે કે સંહિતામાં પ્રાર્થનામંત્રો કે ઉપાસના છે. દ્વિતીય ચરણોમાં એટલે કે બ્રાહ્મણોમાં યજ્ઞવિધિ છે. આરણ્યકોરૂપી તૃતીય ચરણોમાં વાનપ્રસ્થ જીવનને લગતી વિગતો છે અને અંતિમ ચરણરૂપ ઉપનિષદોમાં જ્ઞાન કે મોક્ષની વિચારણા છે. આમ જીવનના ચતુર્થ આશ્રમ સંન્યાસ સાથે ઉપનિષદોને સંબંધ છે. જીવનનું અંતિમ લક્ષ્ય જ્ઞાન એટલે મોક્ષ હોવાની ર્દષ્ટિએ પણ ઉપનિષદોને વેદાંત ગણવાં યોગ્ય છે. અધ્યાત્મની વિવિધ ઉપાસનાપદ્ધતિને ઉપનિષદો વરેલાં જણાય છે. તેથી તેમાં સુસંકલિત વિચારધારા શોધવાનો પ્રયત્ન બહુ સફળ થાય તેમ નથી. તેમાં માત્ર બૌદ્ધિક વિચારણાને બદલે જીવનવિકાસને સ્પર્શતા ચિંતનની ર્દષ્ટિથી જોઈએ તો અધ્યાત્મવિદ્યાનું આલેખન પ્રાપ્ત થાય છે. શ્રુતિના કર્મકાંડનો અંતિમ ભાગ એટલે જ્ઞાનકાંડ હોવાથી તે વેદાંત પણ કહેવાય છે.

વૈદિક ધર્મના આધારરૂપ પ્રસ્થાનત્રયીમાં ઉપનિષદ, બ્રહ્મસૂત્રો અને ગીતાનો સમાવેશ થાય છે.

‘ઉપનિષદ’ શબ્દનો અર્થ વિભિન્ન રીતે કરવામાં આવે છે.

વ્યુત્પત્તિની ર્દષ્ટિએ જોતાં તેમાં उप અને नि એ બે ઉપસર્ગો છે અને सद् ધાતુ છે. सद् ધાતુનો બીજો અર્થ ગતિ થાય છે. શ્રદ્ધાભક્તિપૂર્વક બ્રહ્મ તરફ લઈ જાય તે વિદ્યા. આ વિદ્યા બ્રહ્મ સમીપ લઈ જનાર હોવાથી તેમાં પરમશ્રેય છે એટલે તેને લઈ જનાર હોવાથી તેને ઉપનિષદ કહે છે. सद् ધાતુનો ત્રીજો અર્થ અવસાદન : ગર્ભ, જન્મ, જરા આદિનું નિશાતન (ઉચ્છેદ) કે અવસાદન (નાશ) કરે તેવી વિદ્યા. આ જ્ઞાનથી સંસારનો નાશ થાય છે અને જીવભાવમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત सद् ધાતુનો એક અર્થ વિશરણ એટલે શિથિલીકરણ એવો પણ થાય છે. આ વિદ્યાથી સંસારના શોક-મોહ શિથિલ બને છે. ઉપનિષદનું જ્ઞાન અનાસક્તિની કેળવણી આપે છે. ઉપનિષદોમાં જ્યાં આ શબ્દ આવ્યો છે ત્યાં પણ તેનો અર્થ રહસ્યવિદ્યા એવો થાય છે. રહસ્યમય અધ્યાત્મવિદ્યાનો સમસ્ત માનવજાતિ અર્થે વિચાર કરતાં હોવાથી ઉપનિષદો ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં. આ કારણે વૈદિક યુગના અંત પછી પણ નવાં નવાં ઉપનિષદો રચાતાં જ રહ્યાં. આથી સમગ્ર ઉપનિષદસાહિત્યમાં 108 કે 111 ઉપનિષદો છે; પરંતુ અગાઉ દર્શાવેલી પ્રાચીન પરંપરા સાથે સંકળાયેલાં તો માત્ર 10 ઉપનિષદો જ છે : ઈશ, કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક. કેટલાંક તેમાં મૈત્રી, કોષીતકિ અને શ્વેતાશ્વતરને પણ ઉમેરે છે. ષડ્દર્શનો અને વિશેષતયા વેદાંત તત્વજ્ઞાનનું મૂળ આ ઉપનિષદો છે.

રચનાકાળની ર્દષ્ટિએ ગદ્યાત્મક ઉપનિષદો પ્રાચીન અને પદ્યાત્મક ઓછાં પ્રાચીન તેવું પણ કેટલાક વિદ્વાનો માને છે. બીજા વિદ્વાનો ઉપનિષદોની રચનાના સમયની નીચલી મર્યાદા નીચે પ્રમાણે દર્શાવે છે :

1. 700 ઈ. પૂ. : (1) ઈશ (2) છાંદોગ્ય (3) બૃહદારણ્યક

2. 600થી 500 ઈ. પૂ. : (4) ઐતરેય (5) તૈત્તિરીય

3. 500થી 400 ઈ. પૂ. : (6) પ્રશ્ન (7) કેન (8) કઠ (9) મુંડક (10) માંડૂક્ય

4. 200થી 100 ઈ. પૂ. (11) કૌષીતકિ (12) મૈત્રી (13) શ્વેતાશ્વતર

પણ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય પહેલાંના વૈદિક અને અનુવૈદિક સાહિત્યના સમય વિશેની આવી માન્યતાઓ મોટેભાગે અસ્વીકાર્ય ઠરતી જાય છે.

ઉપનિષદોના રચયિતાનાં નામો અજ્ઞાત છે. ઉપનિષદોમાં મળતાં વિવિધ ઋષિઓનાં નામો તપસ્વીઓ કે મંત્રદ્રષ્ટાઓનાં છે. તેમાંના કોઈ ઉપનિષદોના રચયિતા નથી. મંત્રો રૂપે આ જ્ઞાન તેમણે સાંભળેલું હોવાથી તે શ્રુતિ તરીકે પણ ઓળખાય છે.

કેટલાંક ઉપનિષદો ગદ્યમાં પણ મળે છે; છતાં ઉપનિષદોની શૈલી મહદંશે કાવ્યાત્મક છે. આ કારણે રૂપકો, ઉપમાઓ, ર્દષ્ટાંતકથાઓ તથા છૂટક પ્રેરણાદાયી પ્રસંગો સર્વત્ર જોવા મળે છે.

ઉપનિષદોના તાત્વિક વિચારો તપાસતાં એવું જણાય છે કે વ્યક્તિગત ચેતનાના હાર્દ રૂપે ‘આત્મતતત્વ’ અને સમષ્ટિગત સત્તા રૂપે ‘બ્રહ્મતત્વ’નો ઉલ્લેખ છે; પરંતુ ઉપનિષદોની ખરી મહત્તા આત્મા અને બ્રહ્મનું ઐક્ય દર્શાવવામાં રહેલી છે. આ અદ્વૈતની અનુભૂતિ અને જગતમાં જોવા મળતા વિવિધ સાંત પદાર્થો વચ્ચે કઈ રીતે મેળ બેસે ? નિત્ય અને અનંતની ઉપલબ્ધિ અર્થે અનિત્ય અને સાંત એવા જગતના પદાર્થો પ્રત્યે અનાસક્તિ કે ઉપેક્ષાનો ભાવ કેળવવો પડે.

કઠોપનિષદના સુપ્રસિદ્ધ કથાનકમાં બાળક નચિકેતા અને યમરાજના સંવાદમાં આત્માનું અમરત્વ દર્શાવાયું છે. તેમાં આત્મા એક રીતે માત્ર દ્રષ્ટા કે સાક્ષી છે અને જીવભાવે કર્તા અને ભોક્તા પણ છે. દ્રષ્ટા રૂપે આત્માનું હોવું તે ર્દશ્ય પદાર્થ કે જ્ઞાનનો વિષય નથી પણ તે સ્વયં જ્ઞાતા છે. તે સચ્ચિદાનંદરૂપ છે. જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એવી તેની ચાર અવસ્થાઓ એક જ ચૈતન્યની હોવાનું માંડૂક્ય ઉપનિષદ દર્શાવે છે.

બ્રહ્મ એ અત્યંત વ્યાપક (બૃહત્) એવી વસ્તુગત સત્તા છે. તે પારમાર્થિક સત્તા છે. સ્થળ, કાળ અને કારણભાવથી પર એવું એ નિરપેક્ષ તત્વ છે. નિરાકાર, નિર્ગુણ બ્રહ્મ સર્વોપરી હોવા છતાં ઉપનિષદો નિર્ગુણ અને સગુણ એટલે નિષ્પ્રપંચ અને સપ્રપંચ એમ બે રીતે તેનું નિરૂપણ કરે છે. બ્રહ્મ બુદ્ધિગ્રાહ્ય નથી. બુદ્ધિથી પર એવી અપરોક્ષાનુભૂતિ વડે તે ગ્રહણ કરાય છે.

વ્યષ્ટિ-સમષ્ટિની એકતા કે અદ્વૈતનો ચરમ અનુભવ એ ઉપનિષદોના ચિંતનનું સૌથી વધારે આકર્ષક અને દિવ્ય પાસું છે. આત્મા અને બ્રહ્મનું ઐક્ય અનુભવવું એ જ ઉપનિષદો અનુસાર જીવનનું પરમ લક્ષ્ય છે. ‘આ આત્મા બ્રહ્મ છે’; ‘તે તું છે’; ‘હું બ્રહ્મ છું’ અને ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ એ મહાવાક્યો દ્વારા આ એકત્વ ભારપૂર્વક પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉપરનાં મહાવાક્યોને આધારે કરવામાં આવતી સાધનાઓમાં ‘सोडहम्’(તે હું છું)ની પ્રાણસાધના વિશેષ પ્રચલિત છે.

જગત માયારૂપ છે, મિથ્યા છે એટલે પારમાર્થિક ર્દષ્ટિએ સ્વપ્ન જેવું મિથ્યા છે. વાસ્તવિક ર્દષ્ટિએ જગતનો નિષેધ ન થઈ શકે. જગતના નામરૂપ સ્વરૂપથી ભેદર્દષ્ટિને પુષ્ટિ મળે છે અને સંસારચક્ર ચાલ્યા કરે છે. આ ભેદર્દષ્ટિનો ત્યાગ કરાવે તે જ જ્ઞાન કે બ્રહ્મવિદ્યા. ઈશાવાસ્ય ઉપનિષદ જણાવે છે કે આ મર્ત્યલોકમાં જે નાનાત્વ(ભેદર્દષ્ટિ)થી જુએ છે તે મૃત્યુને વરે છે.

અભેદાનુભવ એ જ ઉપનિષદોના સમગ્ર ચિંતનનું કેન્દ્ર છે. તેમાં નિરૂપાયેલ નૈતિકતા અને ધર્મ અંગેના વિચારો પણ આ કેન્દ્રરૂપ સત્યની પ્રાપ્તિના ઉપાયોની ચર્ચા કરે છે. અભેદ એ તો જીવનસાધનાનું લક્ષ્ય છે. એની પ્રાપ્તિ માટે નીતિમય જીવન, સદાચાર, સંયમ, સદગુણોની ખિલવણી આદિ આવશ્યક ગણાયાં છે. આથી ઉપનિષદમાં નીતિ, ધર્મને કોઈ સ્થાન નથી એ વિચાર ગેરરજૂઆત સમો છે. ઉપનિષદો જ્ઞાનને જ જીવનના લક્ષ્ય રૂપે વર્ણવે છે. આ જ્ઞાન એ માત્ર બૌદ્ધિક સ્તરનું નથી. ખરેખર જે છે તેને સમજવાનું છે. કંઈ નવું પ્રાપ્ત કરવાનું નથી. સૂર્ય છે જ, પણ વાદળથી ઢંકાયેલો હોવાથી નથી એમ પ્રતીત થાય છે. એ અજ્ઞાનરૂપી વાદળ જતાં સૂર્યની પ્રતીતિ થાય છે. જ્ઞાનપ્રાપ્તિ પહેલાં નીતિમય જીવન અંત:કરણની શુદ્ધિ કરે છે. તેનાથી બુદ્ધિ સૂક્ષ્મ થાય છે અને પરમતત્વ સૂક્ષ્મ રીતે ગ્રાહ્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જ્ઞાનપ્રાપ્તિ વ્યક્તિને નિર્બાધ સ્વાતંત્ર્યનો અનુભવ કરાવે છે. એટલે આ વ્યષ્ટિ-જીવનમાં અનાયાસ નીતિમત્તાનું મહત્વ સ્વીકારાયું છે. આશ્રમવ્યવસ્થા, જીવનના ચતુર્વિધ પુરુષાર્થ, મરણોત્તર સ્થિતિ ઇત્યાદિ અંગે પણ ઉપનિષદો અત્યંત તાજગીપૂર્ણ અને સ્ફૂર્તિદાયક વિચારો રજૂ કરે છે. ૐકાર કે પ્રણવની ઉપાસના પણ બ્રહ્મ-સાક્ષાત્કારની ચાવી છે.

ઈશાવાસ્યોપનિષદ : શુક્લ યજુર્વેદસંહિતાનો છેલ્લો ચાલીસમો અધ્યાય. તેમાં માત્ર 18 મંત્ર છે. તેના પ્રારંભિક શબ્દ પરથી આ ઉપનિષદ ઈશ કે ઈશાવાસ્યોપનિષદ કહેવાય છે. વાજસનેયી સંહિતા ઉપનિષદ કે મંત્રોપનિષદ પણ કહે છે. પ્રમાણમાં નાનું અને છંદોબદ્ધ આ ઉપનિષદ ઘણું જાણીતું છે. તેનો પ્રથમ શ્લોક એવો અર્થસભર છે કે ગાંધીજીએ એના વિશે લખેલું : ‘બધાં ઉપનિષદો ને બધાં શાસ્ત્રો બળીને નાશ પામે ને એકમાત્ર ઉપનિષદનો પ્રથમ શ્લોક હિંદુસ્તાનની સ્મૃતિમાં સંગ્રહાયેલો રહે તોપણ હિંદુ ધર્મ કાયમ માટે જીવતો રહે’ (યંગ ઇન્ડિયા, 11 ઑક્ટો. 1923). જગત અને માનવ વચ્ચેના સંબંધો, અંતિમ સત્ય તથા સત્ય-અસત્ય, જ્ઞાન-અજ્ઞાન વગેરેનું માર્મિક વિશ્લેષણ તેમાં ઉપલબ્ધ છે.

ઈશનો વાસ છે આ…. ત્યાગીને ભોગવ. અન્યના ધનની ઇચ્છા ન કર. કામ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઇચ્છા રાખો. (આમ) મનુષ્યને કર્મ લિપ્ત કરતાં નથી. કર્મના મહત્વ પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. આ મત જ્ઞાન-કર્મ-સમુચ્ચયવાદ તરીકે ઓળખાયો.

તેમાં જ્ઞાનીની સ્થિતિ દર્શાવાઈ છે. તે સર્વ પ્રાણીમાત્રને પોતાનામાં અને પોતાને સર્વમાં જુએ છે. આમ એકતાનું જેને દર્શન લાધ્યું છે તેને શોક કે મોહ કેમ સંભવે ?

પછી આત્માનું સ્વરૂપ બતાવાયું છે. ત્યારબાદ વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને અસંભૂતિનું આલેખન કરતાં કહેવાયું છે કે અવિદ્યાથી મૃત્યુને તરી વિદ્યાથી અમૃત ભોગવે છે. એ જ રીતે અસંભૂતિ(વિનાશ)થી મૃત્યુને તરી સંભૂતિથી અમૃત ભોગવે છે.

પંદરમા મંત્રમાં દેવ પૂષાને ઉદ્દેશી પ્રાર્થના કરવામાં આવી છે. સત્યના હિરણ્યમય પાત્રથી ઢંકાયેલા મુખને ખોલી નાખે અને જાણે દર્શન પ્રાપ્ત થતું હોય તેમ મંત્રદ્રષ્ટા ઋષિ લખે છે : योयोडसा सावसौ पुरुषः सोडहमस्मि – તે જે પુરુષ છે તે હું છું. અહીં બ્રહ્મવિદ્યાને સંક્ષેપમાં પણ પ્રભાવશાળી રીતે રજૂ કરાઈ છે.

કેનોપનિષદ : સામવેદના તલવકાર બ્રાહ્મણનો અંશ છે. તલવકાર ઉપનિષદનું બીજું નામ જૈમિનીય ઉપનિષદ કે બ્રહ્મોપનિષદ પણ છે. ‘કેન’ શબ્દથી પ્રારંભ પામતું હોઈ તેનું નામ કેનોપનિષદ જાણીતું બન્યું છે.

ઉપનિષદના પ્રારંભમાં જ ચાર પ્રશ્નો પ્રસ્તુત કરાયા છે. વેદમાં આવા પ્રશ્નો ઊઠતા તે પરંપરા અહીં આગળ વધે છે. ‘મન, પ્રાણ, વાક્, ચક્ષુ, શ્રોત્રને કયો દેવ તેના કાર્યમાં જોડે છે ?’ તેના ઉત્તરમાં આ સર્વના નિયામક બ્રહ્મને દર્શાવેલ છે. બ્રહ્મનો મહિમા સમજાવતાં અહીં એક રોચક ર્દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. બ્રહ્મે દેવો માટે વિજય મેળવ્યો. બ્રહ્મના વિજયથી દેવોને લાગ્યું કે આ તેમનો પોતાનો વિજય છે ત્યારે બ્રહ્મ દેવો સમક્ષ યક્ષ રૂપે પ્રાદુર્ભાવ પામ્યું. દેવો એ જાણી શક્યા નહિ કે એ યક્ષ કોણ છે. દેવોએ અગ્નિને પ્રથમ મોકલ્યા. અગ્નિ યક્ષની પાસે ગયા અને જણાવ્યું : ‘હું અગ્નિ-જાતવેદ છું. પૃથ્વી પર જે કાંઈ છે તેને બાળી શકું છું.’ અગ્નિ આગળ યક્ષે તણખલું મૂક્યું ને કહ્યું : ‘બાળો.’ અગ્નિ તેને ન બાળી શક્યા.

પછી વાયુને મોકલ્યા. વાયુ પણ યક્ષે મૂકેલું તણખલું ઉડાડી શક્યા નહિ. ત્યારબાદ ઇન્દ્ર ગયા તો યક્ષ તિરોધાન થઈ ગયા અને ત્યાં ઉમા હૈમવતી પ્રગટ થયાં. એમણે સમજાવ્યું કે ‘યક્ષ’ તે બ્રહ્મ છે.

આ રીતે અગ્નિ, વાયુ અને ઇન્દ્રે પાસે રહેલા બ્રહ્મને સૌપ્રથમ જાણ્યું અને તેથી તેઓ દેવોમાં મોટા ગણાયા.

બ્રહ્મનું તદ્વન નામ અહીં આપવામાં આવ્યું છે. શંકરાચાર્ય તેને સમજાવતાં જણાવે છે કે તે વનનીય ભજનીય છે તેથી તેનું નામ ‘તદ્વન’ છે.

કેનોપનિષદમાં ચાર ખંડ છે. તેમાં પહેલા બે પદ્યમાં અને છેલ્લા બે ગદ્યમાં છે. તેના પર શંકરાચાર્યના બે ભાષ્ય મળે છે : 1. પદભાષ્ય, 2. વાક્યભાષ્ય.

કઠોપનિષદ : કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનું આ ઉપનિષદ છે. તેમાં યમ અને નચિકેતાના સંવાદ રૂપે બ્રહ્મવિદ્યાનું આલેખન થયું છે. ગીતામાં તેના અનેક મંત્રોની છાયા જોવા મળે છે. તેમાં બે અધ્યાય અને પ્રત્યેક અધ્યાયમાં ત્રણ વલ્લી એટલે કુલ છ વલ્લી છે.

આ ઉપનિષદમાં આવતું નચિકેતાનું પાત્ર મનુષ્ય માત્રની મૃત્યુ પછીની સ્થિતિ અંગેની જિજ્ઞાસા વ્યક્ત કરે છે. અહીં પ્રસંગ એવો કલ્પવામાં આવ્યો છે કે નચિકેતાના પિતા વાજશ્રવા વિશ્વજિત યજ્ઞને અંતે બ્રાહ્મણોને દક્ષિણામાં ઘરડી ગાયો આપે છે. તે જોતાં નચિકેતા પિતાને પૂછે છે : ‘મને કોને આપો છો ?’

આમ ત્રણ વાર પુછાતાં વાજશ્રવાએ કહ્યું : ‘તને મૃત્યુને (યમને) આપું છું.’

નચિકેતા યમ પાસે જાય છે. ત્યાં પહોંચીને ત્રણ દિવસ સુધી યમ સાથે મુલાકાત થતી નથી. તેટલો સમય નચિકેતા અન્નજળ ગ્રહણ કરતો નથી. આથી યમ તેને પણ વરદાન આપે છે.

તેમાં પહેલું વરદાન પિતાનો પરિતોષ છે. બીજા વરદાન રૂપે તેણે અગ્નિવિજ્ઞાન માગ્યું. સ્વર્ગના સાધનરૂપ તે અગ્નિનું જ્ઞાન આપી યમે તે અગ્નિ નચિકેતાના નામે ઓળખાશે તેમ કહી ત્રીજું વરદાન માગવા કહ્યું.

ત્રીજા વરદાન તરીકે નચિકેતાએ મરણ પામેલા મનુષ્યની સ્થિતિ વિશે પ્રશ્ન કર્યો. આ જ્ઞાનને બદલે યમે નચિકેતાને અનેકવિધ ભૌતિક સંપત્તિનું પ્રલોભન આપ્યું, પણ નચિકેતા મનુષ્યની જિજ્ઞાસાનું પ્રતિરૂપ હોય તેમ તેનાથી લોભાતો નથી અને પોતાના પ્રશ્ન પર અટલ રહે છે.

આના ઉત્તર રૂપે યમ બીજી વલ્લીથી શ્રેય અને પ્રેયનું કથન આરંભે છે. અવિદ્યાના માર્ગમાં ભટકતા લોકોને યમ ‘અંધથી દોરવાતા અંધ’ જેવા ગણાવે છે. પરલોક છે તેવું પ્રતિપાદિત કરી યમ અક્ષરબ્રહ્મરૂપ ઓમકારનો ઉપદેશ કરે છે, ‘તું આત્માને રથી, શરીરને રથ, બુદ્ધિને સારથિ અને મનને લગામ સમજ.’

શરીરને અગિયાર દરવાજાવાળા નગર તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ગીતાના અશ્વત્થ વૃક્ષના રૂપકનું મૂળ અહીં છે. યમે આત્માનું સ્વરૂપ સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું તેનું ગીતાના બીજા અધ્યાયમાં નિરૂપણ છે. તેની પ્રાપ્તિનું સાધન કૃપા બતાવવામાં આવ્યું છે. ‘ઊઠો, જાગો અને શ્રેષ્ઠ(પુરુષો)ની પાસે જઈ જ્ઞાન મેળવો. જેવી રીતે અસ્ત્રાની ધાર તીક્ષ્ણ અને દુસ્તર હોય છે તેવી રીતે આ માર્ગને કવિઓ તેવો જ દુર્ગમ બતાવે છે.’

જ્ઞાનને સરળ ભાષામાં ને રોચક શૈલીમાં રજૂ કરતું હોઈ આ ઉપનિષદ મહત્વપૂર્ણ બન્યું છે.

છાંદોગ્ય ઉપનિષદ : સામવેદની તલવકાર શાખાના છાંદોગ્ય બ્રાહ્મણના અંતિમ ભાગમાં આ ઉપનિષદ આવે છે. તે આઠ અધ્યાયોમાં વિભક્ત મોટું ઉપનિષદ છે.

તેના પ્રથમ અધ્યાયના આરંભમાં જ ઓમ્કારની ઉપાસના કરવા જણાવ્યું છે.

છાંદોગ્ય એક પ્રાચીન ઉપનિષદ છે તેથી તેમાં કર્મકાંડની પ્રશંસા પણ જોવા મળે છે.

પ્રથમ અધ્યાયના 10-11 ખંડમાં ઉશસ્તિનું આખ્યાન મળે છે. બીજા અધ્યાયમાં વિભિન્ન રૂપોમાં સામની ઉપાસનાનો ઉપદેશ છે. સામવેદનું આ ઉપનિષદ હોઈ તે સ્વાભાવિક છે. ત્રીજા અધ્યાયમાં આદિત્યની મધુનાડી, પંચપ્રાણ તથા બ્રહ્મની ઉપાસનાનું વર્ણન છે. ચોથા અધ્યાયમાં ગાડીવાળા રૈક્વ, સત્યકામ જાબાલ અને સત્યકામના શિષ્ય ઉપકોસલની કથા તેમજ ઉપદેશ મળે છે. પાંચમા અધ્યાયમાં પ્રાણની ઉપાસના તથા અશ્વપતિની સાથે જનક વગેરેનો સંવાદ છે. છઠ્ઠા અધ્યાયમાં ઉપનિષદના મુખ્ય ઋષિ આરુણિનો ઉપદેશ છે. આ અધ્યાય આખા ઉપનિષદનો મુખ્ય ભાગ છે. સાતમા અધ્યાયમાં સનતકુમારની પાસે જઈ નારદ બ્રહ્મજ્ઞાન મેળવે છે તે 15 ખંડોમાં કહેવાયું છે. આઠમા અંતિમ અધ્યાયમાં આત્માના સાક્ષાત્કારનો ઉપાય બતાવાયો છે. તેમાં ઇન્દ્ર અને વિરોચનને પ્રજાપતિનો ઉપદેશ જાણીતો છે.

આ ઉપનિષદના ઘણા મંત્રો પછીનાં દર્શનોમાં પ્રમાણ રૂપે ઉદ્ધૃત થયા છે. ‘મૃત્તિકા જ સત્ય છે, બીજા વિકાર નામ માત્ર છે;’ ‘तत्वमसि’ – તે તું છે, ‘સૌમ્ય ! પહેલાં એક અદ્વિતીય સત્ હતું. તેણે ઇચ્છા કરી – હું બહુ થઈ પ્રકટું…..’ વગેરે જાણીતાં છે.

બૃહદારણ્યકોપનિષદ : તે શુક્લ યજુર્વેદ સાથે સંકળાયેલું છે. એનું નામ સૂચવે છે તેમ, એ કદમાં સૌથી મોટું ઉપનિષદ છે. તેમાં છ અધ્યાય છે. આ ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યના દાર્શનિક વિચારો મળે છે.

તેના પ્રથમ અધ્યાયમાં યજ્ઞની એક અશ્વના રૂપમાં કલ્પના કરાઈ છે. બીજા અધ્યાયમાં તત્વજ્ઞાની કાશિરાજ અજાતશત્રુ અને ગાર્ગ્યના સંવાદ છે. ત્રીજા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્યનાં દર્શન થાય છે. જનક રાજાના દરબારમાં બીજા દાર્શનિકો જેવા કે જારત્કારવ આર્તભાગ, ભુજ્યુ, ઉષસ્તિ ચાક્રાયણ, શાકલ્ય, કહોલ કૌષીતકેય, ગાર્ગી અને વાચકનવી સાથેનો તેમનો શાસ્ત્રાર્થ આપ્યો છે.

ચોથા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય જનકરાજાને ઉપદેશ આપે છે. તેમાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનો સંવાદ આવે છે, જેમાં કહેવાયું છે : ‘મૈત્રેયિ ! પતિના પ્રયોજનને માટે પતિ પ્રિય નથી હોતો પરંતુ પોતાના પ્રયોજનને માટે પતિ પ્રિય હોય છે.’ એ જ રીતે અંતમાં કહ્યું છે : ‘આત્માનું દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું. તેના જ્ઞાનથી આ બધાનું જ્ઞાન થાય છે.’ પાંચમા અધ્યાયમાં ધર્મ વિશે કહેવાયું છે. તેમાં પ્રજાપતિએ દેવ, મનુષ્ય તથા અસુરોને દ-દ-દ એ વર્ણોથી દમ, દાન અને દયાનો ઉપદેશ આપ્યો છે તે કથા છે. છઠ્ઠા અધ્યાયમાં પ્રણવની શ્રેષ્ઠતા બતાવી છે. તેમાં સંતાનોત્પત્તિનું વિજ્ઞાન પણ વર્ણવ્યું છે.

બ્રહ્મના અભાવાત્મક ગુણ બૃહદારણ્યકમાં મળે છે. ‘તે નથી સ્થૂળ, નથી સૂક્ષ્મ, નથી હ્રસ્વ, નથી દીર્ઘ….’ (3-8-8). બ્રહ્મના ગુણોનો અંત નથી. ‘नेति नेति(2-3-6)નો પ્રયોગ અહીં સાંપડે છે.

છાંદોગ્ય અને બૃહદારણ્યક ઉપનિષદો કદમાં જ મોટાં છે એમ નહિ, પણ બ્રહ્મવિદ્યાના નિરૂપણમાં પણ અગ્રસ્થાને છે.

ઐતરેય ઉપનિષદ : ઐતરેય ઉપનિષદ તે ઋગ્વેદના ઐતરેય આરણ્યકના બીજા આરણ્યકના 4, 5, 6 અધ્યાય છે. બ્રાહ્મણ તેમજ આરણ્યક બંનેના રચયિતા મહિદાસ ઐતરેય છે.

તેના પ્રથમ અધ્યાયમાં વિશ્વની રચના બતાવાઈ છે. સૃષ્ટિના આરંભમાં કેવળ એક આત્મા જ હતો, બીજું કાંઈ ન હતું. તેણે ઈક્ષણ (વિચાર) કર્યું : ‘લોકોનું સર્જન કરું.’ તેના સંકલ્પથી અમ્ભ, મરીચિ અને મર આ ત્રણ લોકની રચના થઈ. આમ જલ, તેજ અને મર્ત્યલોકની રચના કર્યા પછી તેમાંથી એક પુરુષની (બ્રહ્માની) રચના કરી. તેના અવયવો બનાવ્યા. પછી આ પિંડને ભૂખતરસવાળો કર્યો, ત્યારે દેવોએ આયતન(શરીર)ની માગણી કરી. પહેલાં ગાયના શરીરનું નિર્માણ કર્યું. ‘આ અમારે માટે પર્યાપ્ત નથી’ તેમ દેવોએ કહ્યું. પછી ઘોડાનો દેહ બનાવ્યો તે પણ ન રુચ્યો. પછી ઇન્દ્રિયો સાથે મનુષ્યનો દેહ સર્જ્યો. તેને દેવતાઓએ સ્વીકાર્યો. પછી તેને માટે અન્નની રચના કરાઈ. અન્ન તેને જોઈને ભાગ્યું. તેણે વાણીથી, પ્રાણથી, ચક્ષુથી, શ્રોત્રથી, ત્વચાથી, મનથી, શિશ્નથી ગ્રહણ કરવા ઇચ્છ્યું પણ તેમ કરવામાં શક્તિમાન ન થયા. તેને અપાનથી ગ્રહણ કરી શકાયું. અપાન જ અન્ન ગ્રહણ કરવાવાળો છે. ‘આ પિંડ મારા વિના શી રીતે રહેશે ?’ એમ વિચારી તે મૂર્ધાને (બ્રહ્મરંધ્રને) વિદારી તેમાં પ્રવેશ્યો. આમ જીવ સાથે તેનું તાદાત્મ્ય થાય છે. ઈક્ષણથી આરંભી પરમાત્માના પ્રવેશ પર્યંતનો સૃષ્ટિક્રમ તે ઈશ્વરસૃષ્ટિ. સર્જન અંગેની આ એક પ્રાચીન માન્યતા છે.

બીજા-ત્રીજા અધ્યાયમાં આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરાયું છે. ‘બધું પ્રજ્ઞાનને વશ છે. બધું તેમાં સમાય છે. પ્રજ્ઞાન તે બ્રહ્મ છે.’

તૈત્તિરીયોપનિષદ : કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીય આરણ્યકના 7, 8, 9 પ્રપાઠક તે તૈત્તિરીયોપનિષદ. તેના પ્રથમ અધ્યાયને શિક્ષાવલ્લી કહે છે. તેમાં બાર અનુવાક્ છે, જેમાં અનેક પ્રકારની ઉપાસના તથા આચાર્ય અને શિષ્યના શિષ્ટાચાર વર્ણવાયા છે.

‘સાથે અમને યશ પ્રાપ્ત થાય; સાથે અમને બ્રહ્મતેજ પ્રાપ્ત થાય.’

પાંચમા અનુવાક્માં ચાર વ્યાહૃતિઓ भूः भुवः स्वः महःનું રહસ્ય પ્રકટ કરાયું છે. આઠમામાં ઓમકારનું સ્વરૂપ દર્શાવ્યું છે  (ओमिति ब्रह्म). અગિયારમા અનુવાકમાં વેદાધ્યયન કરાવ્યા પછી આચાર્ય અંતેવાસીને જે અનુશાસન કરે છે તે આપ્યું છે : सत्यं वद। धर्मं चर। स्वाध्यायान्मा प्रमदः। मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव । વગેરે પ્રસિદ્ધ વાક્યો આ સ્થાને આવેલાં છે.

‘સ્વાધ્યાયમાં પ્રમાદ ન કર, આચાર્યને માટે પ્રિયધન લાવ, પ્રજાતંતુનો ઉચ્છેદ ન થવા દે, ધર્મમાં પ્રમાદ ન કર, કુશળ(કર્મ)માં પ્રમાદ ન કર, ભૂતિ(ઉત્કર્ષ)માં પ્રમાદ ન કર’ વગેરે જીવનમાં ઉપયોગી થાય તેવો ઉપદેશ છે.

બીજા અધ્યાય – બ્રહ્માનંદવલ્લીમાં બ્રહ્મના અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષોનું વર્ણન કર્યું છે. તેમાં બ્રહ્મની શક્તિ દર્શાવાઈ છે. ‘તેના ભયથી વાયુ વાય છે; સૂર્ય ઊગે છે; અગ્નિ, ઇન્દ્ર અને પાંચમું મૃત્યુ તેના ભયથી જ કાર્યરત રહે છે. ત્રીજા અધ્યાયમાં ભૃગુ અને વરુણના સંવાદ રૂપે બ્રહ્મવિદ્યા આપવામાં આવી છે. આ કારણે તેને ભૃગુવલ્લી કહે છે. ‘જેનાથી આ સર્વ ભૂતો જન્મે છે, જેનાથી જન્મેલાં જીવે છે અને અંતે જેનામાં લીન થઈ જાય છે તેને જાણવાની ઇચ્છા કર. તે બ્રહ્મ છે.’ (3-1)

પ્રશ્નોપનિષદ : આ અથર્વવેદના બ્રાહ્મણભાગમાં આવે છે. તેનું નામ સૂચવે છે તેમ છ પ્રશ્નોના પિપ્પલાદ ઋષિએ આપેલા ઉત્તરોનો આ સંગ્રહ છે. શંકરાચાર્ય તેને મુંડકોપનિષદના અર્થનો વિસ્તાર કરનાર સમજે છે.

આ ઉપનિષદ છ ખંડમાં વહેંચાયેલું છે. આરંભમાં ભરદ્વાજનો પુત્ર સુકેશા; શિબિકુમાર સત્યકામ; ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલ સૌર્યાયણિ (સૂર્યનો પુત્ર ગાર્ગ્ય); કૌસલ્ય આશ્વલાયન; વિદર્ભ દેશનો ભાર્ગવ; અને કબન્ધી કાત્યાયન એ છ બ્રહ્મનિષ્ઠો બ્રહ્મવિષયક અન્વેષણ કરવાવાળા છે એમ માનીને ભગવાન પિપ્પલાદ પાસે ગયા કે તેઓ બધું જણાવશે – સમજાવશે.

પિપ્પલાદે પણ તપથી, બ્રહ્મચર્ય અને શ્રદ્ધાથી એક વર્ષ (સંવત્સર) સાથે રહેવા અને પછી પ્રશ્ન કરવા જણાવ્યું. વર્ષ વીતતાં ઊલટા ક્રમે બ્રહ્મનિષ્ઠોએ પ્રશ્ન કર્યા અને ભગવાન પિપ્પલાદે તેના ઉત્તર આપ્યા તે આ ઉપનિષદમાં મળે છે.

‘આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થાય છે ?’ તેવા પ્રથમ પ્રશ્નના ઉત્તર રૂપે પિપ્પલાદે કહ્યું : ‘પ્રજાની કામનાવાળા પ્રજાપતિએ તપ તપીને એક જોડકું ઉત્પન્ન કર્યું તે રથિ અને પ્રાણ – એમ સમજીને કે આ બે મારા માટે અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરશે. આમ વિશ્વને બે બે તત્વોમાં વિભક્ત કરી દર્શાવ્યું છે. બીજો પ્રશ્ન : ‘આ પ્રજાને કેટલા દેવ ધારણ કરે છે ? તેમાંથી કયા તેને પ્રકાશિત કરે છે અને તેમાં કોણ શ્રેષ્ઠ છે ?’ તેના ઉત્તરમાં આકાશ, વાયુ, અગ્નિની સાથે મન અને ચક્ષુ આદિ ઇન્દ્રિયોને દેવ રૂપે બતાવી પિપ્પલાદ પ્રાણને સર્વશ્રેષ્ઠ ગણાવે છે. ત્રીજા પ્રશ્નમાં પ્રાણની ઉત્પત્તિ અને સ્થિતિ સંબંધી વિચાર પ્રસ્તુત કરાયો છે. તેમાં પંચપ્રાણનો ઉલ્લેખ સાંપડે છે. ચોથા પ્રશ્નના ઉત્તરમાં સ્વપ્નાવસ્થાનું વર્ણન છે. તે અવસ્થામાં બધી ઇન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે, માત્ર પ્રાણ જ જાગતો રહે છે તેમ કહેવાયું છે. પાંચમા પ્રશ્નના ઉત્તરમાં ઓમકારનું વર્ણન કરે છે. છઠ્ઠા પ્રશ્નમાં સુકેશા ભારદ્વાજ સોળ કળાઓવાળા પુરુષ વિશે પૂછે છે. પિપ્પલાદ જવાબ આપે છે કે તે પુરુષ શરીરમાં જ છે. રથના ચક્રમાં આરાઓની જેમ બધી કળાઓ જેમાં આશ્રિત છે તે પુરુષને જાણો. આ ગદ્યપ્રધાન ઉપનિષદ બ્રહ્મવિદ્યાનો બોધ આપે છે.

મુંડકોપનિષદ : મુંડકનો અર્થ થાય મુંડન કરાવેલ, ગૃહત્યાગી, પરિવ્રાજક ભિક્ષુ કે સંન્યાસી. આ ઉપનિષદમાં તેમના વિચારો પ્રસ્તુત કરાયા હોય તેમ જણાય છે. અથર્વવેદના આ ઉપનિષદમાં ત્રણ મુંડક છે અને પ્રત્યેકના બે બે ખંડ છે.

આરંભમાં આ વિદ્યાની આચાર્યપરંપરા આપવામાં આવી છે. તેમાં એનો બ્રહ્માથી આરંભ બતાવાયો છે. બ્રહ્માએ આ વિદ્યા જ્યેષ્ઠ પુત્ર અથર્વને કહી તેમનાથી તે વિદ્યા અંગિરાને પ્રાપ્ત થઈ.

અંગિરા અને શૌનક વચ્ચેના સંવાદ રૂપે આ ઉપનિષદ આપવામાં આવ્યું છે. શૌનકનો પ્રશ્ન મનુષ્યજાતિનો પ્રશ્ન બની રહે તેવો છે. ‘શું જાણવાથી આ સર્વે જાણ્યું થાય ?’

તેના ઉત્તરરૂપે અંગિરાએ પરા અને અપરા વિદ્યાનું જ્ઞાન આપ્યું. પરા વિદ્યા તે પરમાત્મવિદ્યા અને અપરાવિદ્યા તે ધર્મ-અધર્મનાં સાધન અને તેનાં ફળ સાથે સંબંધ રાખવાવાળી વિદ્યા.

અહીં એક નવી વિચારધારા જોવા મળે છે. આ ઉપનિષદ સ્પષ્ટ શબ્દોમાં કર્મકાંડનો વિરોધ કરે છે. ‘યજ્ઞરૂપી આ સાધન અસ્થિર અને નાશવંત છે. જે મૂઢ લોકો આ જ શ્રેય છે એમ સમજી એનું અભિવાદન કરે છે તેઓ ફરીથી જરા-મૃત્યુને પામે છે. (1-2-7). વેદ તેમજ વૈદિક કર્મકાંડને આ ઉપનિષદ ઊતરતું સ્થાન આપે છે. ‘બ્રહ્મવેત્તાઓ બે જાણવાયોગ્ય વિદ્યાઓ બતાવે છે  પરા અને અપરા. તેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ તે અપરાવિદ્યા.’

ત્રીજા મુંડકમાં જીવ અને ઈશ્વરને બે પક્ષી રૂપે બતાવ્યાં છે. એક જ વૃક્ષનો આશ્રય કરીને રહેતાં આ બે પંખીઓમાંથી એક (જીવ) કર્મફળનો ભોગ કરે છે (સ્વાદુ પિપ્પલ આરોગે છે), જ્યારે અન્ય (ઈશ્વર) ભોગ ન કરતાં કેવળ તેને જુએ છે.

‘આ આત્મા બળહીન પુરુષને પ્રાપ્ત થતો નથી.’ બીજાં સાધનોથી તે પ્રાપ્ત થતો નથી; પરંતુ વરણ (જીવ તેને પસંદ કરે તો) દ્વારા પ્રાપ્ત થાય છે. જે રીતે નદીઓ પોતાનાં નામરૂપ ત્યજી દઈ સમુદ્રમાં સમાઈ જાય છે તે રીતે વિદ્વાન દિવ્ય પરાત્પર પુરુષને પ્રાપ્ત થાય છે. (3-2-8) જે કોઈ આ પરબ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ થઈ જાય છે. (ब्रह्मविद् ब्रह्मैव भवति ।)

આ ઉપનિષદની રચના તે સમયમાં થઈ જણાય છે જ્યારે કર્મકાંડને ઊતરતી કોટિમાં ગણવામાં આવ્યું હતું.

માંડૂક્યોપનિષદ : મુખ્ય ઉપનિષદોમાં આ સૌથી નાનું ઉપનિષદ છે પરંતુ તેનું મહત્વ ઘણું છે. તેના મહત્વનું એક કારણ તેના પર આચાર્ય ગૌડપાદની કારિકા છે, જેમાં તેમણે અદ્વૈત વેદાન્તનું બીજ રોપ્યું છે.

આરંભમાં જ ઋષિ ૐકાર વિશે કહે છે : ‘ઓમ્ જ બધું છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું ઓમકાર જ છે. જે કાંઈ ત્રિકાલથી પર છે તે પણ ઓમકાર છે.’ બીજા મંત્રમાં કહેવાયું છે : ‘આ બધું બ્રહ્મ જ છે. अयमात्मा ब्रह्म – આ આત્મા બ્રહ્મ છે.’

આ ઉપનિષદમાં ચેતનાની ચાર અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીયનું વિવેચન મળે છે. આત્મા અક્ષરર્દષ્ટિથી ઓમકાર છે. તેની માત્રાઓ અકાર, ઉકાર અને મકાર છે. માત્રારહિત ઓમકાર તુરીય આત્મા જ છે. તે અવ્યવહાર્ય, પ્રપંચોપરામ, શિવ અને અદ્વૈત છે. આમ ઓમકાર આત્મા જ છે. જે આ જાણે છે તે આત્માથી આત્મામાં પ્રવેશ કરે છે તેમ પ્રતિપાદિત કરાયું છે.

મૈત્રી ઉપનિષદ : મૈત્રી ઉપનિષદના સાત અધ્યાય પૈકી પહેલા ચાર દાર્શનિક મહત્વના છે. બાકીના ત્રણમાં યોગ, ફલિત જ્યોતિષ વગેરે છે.

પહેલા અધ્યાયમાં વૈરાગ્ય થતાં રાજા બૃહદ્રથે શાક્યાયન પાસે પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરી. શાક્યાયને પોતાના ગુરુ મૈત્રી પાસેથી શીખેલું હતું તે તેને સમજાવ્યું : ‘હું કૂવામાંના દેડકાની જેમ આ સંસારમાં પડ્યો છું. ભગવન્, તમે બચાવવાવાળા છો.’ (1/1-7)

અહીં વ્યક્ત થયેલી બૃહદ્રથની વૈરાગ્યભાવના બુદ્ધના દુ:ખવર્ણનને મળતી આવે છે. તેમાં કહેવાયું છે : ‘શરીરના એક ભાગમાં અંગૂઠા બરાબર, અણુથી પણ અણુ તે આત્માનું ધ્યાન કરી પરમપદ પ્રાપ્ત થાય છે.’ (6-38)

કૌષીતકિ ઉપનિષદ : ઋગ્વેદના આ જ નામના બ્રાહ્મણનો એક ભાગ આરણ્યક કહેવાય છે. તેના પંદર અધ્યાય છે. આ આરણ્યકના ત્રીજા અને છઠ્ઠા અધ્યાયને કૌષીતકિ ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ કૌષીતકિ બ્રાહ્મણોપનિષદ પણ છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય પછી કદમાં તે ત્રીજું સ્થાન ધરાવે છે.

તેના પ્રથમ અધ્યાયમાં પિતૃયાન અને દેવયાનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. બીજા અધ્યાયમાં કૌષીતકિ, પૈઙ્ગ્ય, પ્રતર્દન વગેરેના વિચારો વ્યક્ત કરાયા છે. ત્રીજા અધ્યાયમાં દિવોદાસના વંશજ પ્રતર્દનને ઇન્દ્રલોકમાં જવાની વાત તથા તેનો ઇન્દ્ર સાથેનો સંવાદ આવે છે.

ચોથા અધ્યાયમાં ગાર્ગ્ય વાલાકિ કાશિરાજ અજાતશત્રુને બ્રહ્મવિદ્યા શીખવવા પ્રયત્ન કરે છે; પણ કાશિરાજના પ્રશ્નોથી અનુત્તર બની, શિષ્ય થઈ તેમની પાસેથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરે છે તે કથા આવે છે.

પ્રાણ અને પ્રજ્ઞાત્મા કૌષીતકિનું વિશિષ્ટ દર્શન છે. ‘પ્રાણની ઉપાસના જ્ઞાનીઓ માટે સોથી મૌટું અગ્નિક્ષેત્ર છે.’ જીવને કૌષીતકિ પ્રજ્ઞાત્મા કહે છે અને તેને તેઓ સમગ્ર શરીર(રુવાંટાં ને નખ સુધ્ધાં)માં વ્યાપીને રહેલો માને છે. ‘જેવી રીતે તલવાર મ્યાનમાં રહે છે તેમ પ્રજ્ઞાત્મા શરીરમાં રહે છે.’ (5-20)

શ્વેતાશ્વતર ઉપનિષદ : કૃષ્ણ યજુર્વેદ સાથે આ ઉપનિષદ સંકળાયેલું છે. ભાષા તથા ભાવની ર્દષ્ટિએ આ ઉપનિષદ તેર ઉપનિષદોમાં સૌથી પાછળનું જણાય છે. તેમાં શૈવ સંપ્રદાય તેમજ સાંખ્યયોગનું નિરૂપણ કરાયું છે. તે છ અધ્યાયોમાં વિભક્ત છે. આ ઉપનિષદનું નામ 6.21માં મળે છે. કેટલાક માને છે કે શ્વેત અને અશ્વતર એવી બે શાખાઓના સંયોજનથી આ નામ બન્યું છે.

તેના પ્રથમ અધ્યાયમાં જીવ, ઈશ્વર અને પ્રકૃતિનું પ્રતિપાદન કરાયું છે. બીજા અધ્યાયમાં યોગનું વર્ણન પ્રાપ્ત થાય છે. ત્રીજા અધ્યાયમાં જીવાત્મા અને પરમાત્મા વિશે કહેવાયું છે. આ અધ્યાયના ઘણા શ્લોકની અસર ગીતા પર જોવા મળે છે.

ચોથા અધ્યાયમાં બ્રહ્મ વિશે જણાવાયું છે. તેને વિશ્વતોમુખ કહેવાયું છે. ‘તે સ્ત્રી છે, પુરુષ છે, કુમાર છે, કુમારી છે……..’ (4-3) પાંચમા અધ્યાયમાં જીવાત્માના સ્વરૂપનું વર્ણન છે. છઠ્ઠા અધ્યાયમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ વગેરેનો નિર્દેશ છે. છેલ્લે પરબ્રહ્મનું શરણ સ્વીકાર્યું છે.

‘જે પૂર્વે બ્રહ્માને ઉત્પન્ન કરે છે ને જે તેમને વેદ આપે છે તે આત્મબુદ્ધિપ્રકાશ દેવનું હું મુમુક્ષુ શરણ ગ્રહું છું.’

આમ અહીં શરણાગતિ – પ્રપત્તિભાવ જણાય છે. ઉપરનાં મુખ્ય તેર ઉપનિષદો સિવાયનાં બીજાં જાણીતાં ઉપનિષદ નીચે મુજબ છે :

 1. અક્ષમાલોપનિષદ 2. અક્ષિ-ઉપનિષદ 3. અથર્વશિખોપનિષદ 4. અથર્વશિર ઉપનિષદ 5. અદ્વયતારકોપનિષદ 6. અદ્વૈતોપનિષદ 7. અદ્વૈતભાવનોપનિષદ 8. અધ્યાત્મોપનિષદ 9. અનુભવસારોપનિષદ 10. અન્નપૂર્ણોપનિષદ 11. અમનસ્કોપનિષદ 12. અમૃતનાદોપનિષદ 13. અમૃતબિન્દૂપનિષદ (બ્રહ્મબિન્દૂપનિષદ) 14. અરુણોપનિષદ 15. અલ્લોપનિષદ 16. અવધૂતોપનિષદ (વાક્યાત્મક અને પદ્યાત્મક) 17. અવધૂતોપનિષદ (પદ્યાત્મક) 18. અવ્યક્તોપનિષદ 19. આચમનોપનિષદ 20. આત્મપૂજોપનિષદ 21. આત્મપ્રબોધોપનિષદ (આત્મબોધોપનિષદ) 22. આત્મોપનિષદ (વાક્યાત્મક) 23. આત્મોપનિષદ (પદ્યાત્મક) 24. આથર્વણદ્વિતીયોપનિષદ (વાક્યાત્મક અને મન્ત્રાત્મક) 25. આયુર્વેદોપનિષદ 26. આરુણિકોપનિષદ (આરુણેય્યુપનિષદ) 27. આર્ષેયોપનિષદ 28. આશ્રમોપનિષદ 29. ઇતિહાસોપનિષદ (વાક્યાત્મક અને પદ્યાત્મક) 30. ઈશાવાસ્યોપનિષદ 31. ઊર્ધ્વપુણ્ડ્રોપનિષદ (વાક્યાત્મક અને પદ્યાત્મક) 32. એકાક્ષરોપનિષદ 33. ઐતરેયો-પનિષદ (અધ્યાયાત્મક) 34. ઐતરેયોપનિષદ (ખંડાત્મક) 35. ઐતરેયોપનિષદ (અધ્યાયાત્મક) 36. કઠરુદ્રોપનિષદ (કઠોપનિષદ) 37. કઠશ્રુત્યુપનિષદ 38. કઠોપનિષદ 39. કલિસંતરણોપનિષદ (હરિનામોપનિષદ) 40. કાત્યાયનોપનિષદ 41. કામરાજકીલિતોદ્વારોપનિષદ 42. કાલાગ્નિરુદ્રોપનિષદ 43. કાલિકોપનિષદ 44. કાલીમેધાદીક્ષિતોપનિષદ 45. કુણ્ડિકોપનિષદ 46. કૃષ્ણોપનિષદ 47. કેનોપનિષદ 48. કૈવલ્યોપનિષદ 49. કૌલોપનિષદ 50. કૌષીત-કિબ્રાહ્મણોપનિષદ 51. ક્ષુરિકોપનિષદ 52. ગણપત્યથર્વશીર્ષોપનિષદ 53. ગણેશપૂર્વતાપિન્યુપનિષદ (વરદપૂર્વતાપિન્યુપનિષદ) 54. ગણે-શોત્તરતાપિન્યુપનિષદ (વરદોત્તરતાપિન્યુપનિષદ) 55. ગર્ભોપનિષદ 56. ગાન્ધર્વોપનિષદ 57. ગાયત્ર્યુપનિષદ 58. ગાયત્રીરહસ્યોપનિષદ 59. ગારુડોપનિષદ (વાક્યાત્મક અને મંત્રાત્મક) 60. ગુહ્ય-કાલ્યુપનિષદ 61. ગુહ્યષોઢાન્યાસોપનિષદ 62. ગોપાલપૂર્વતાપિન્યુપનિષદ 63. ગોપાલોત્તરતાપિન્યુપનિષદ 64. ગોપીચન્દનોપનિષદ 65. ચતુર્વેદોપનિષદ 66. ચાક્ષુષોપનિષદ (ચક્ષુરુપનિષદ, ચક્ષુરોગોપનિષદ, નેત્રોપનિષદ) 67. ચિત્યુપનિષદ 68. છાગલેયોપનિષદ 69. છાન્દોગ્યોપનિષદ 70. જાબાલદર્શનોપનિષદ 71. જાબાલો-પનિષદ 72. જાબાલ્યુપનિષદ 73. તારસારોપનિષદ 74. તારોપનિષદ 75. તુરીયાતીતોપનિષદ 76. તુરીયોપનિષદ 77. તુલસ્યુપનિષદ 78. તેજોબિન્દૂપનિષદ 79. તૈત્તિરીયોપનિષદ 80. ત્રિપાદવિભૂતિ-મહાનારાયણોપનિષદ 81. ત્રિપુરાતાપિન્યુપનિષદ 82. ત્રિપુરોપનિષદ 83. ત્રિપુરામહોપનિષદ 84. ત્રિશિખિબ્રાહ્મણોપનિષદ 85. ત્રિસુપર્ણોપનિષદ 86. દક્ષિણામૂર્ત્યુપનિષદ 87. દત્તાત્રેયોપનિષદ 88. દત્તોપનિષદ 89. દુર્વાસોપનિષદ 90. (1) દેવ્યુપનિષદ (પદ્યાત્મક અને મંત્રાત્મક) (2) દેવ્યુપનિષદ (શિવરહસ્યાન્તર્ગત) 91. દ્વયોપનિષદ 92. ધ્યાનબિન્દૂપનિષદ 93. નાદબિન્દૂપનિષદ 94. નારદપરિવ્રાજકોપનિષદ 95. નારદોપનિષદ 96. નારાયણપૂર્વતાપિન્યુપનિષદ 97. નારાયણોત્તરતાપિન્યુપનિષદ 98. નારાયણોપનિષદ (નારાયણાથર્વશીર્ષ) 99. નિરાલમ્બોપનિષદ 100. નિરુક્તોપનિષદ 101. નિર્વાણોપનિષદ 102. નીલરુદ્રોપનિષદ 103. નૃસિંહપૂર્વ-તાપિન્યુપનિષદ 104. નૃસિંહષટ્ચક્રોપનિષદ 105. નૃસિંહોત્તરતાપિન્યુપનિષદ 106. પંચબ્રહ્મોપનિષદ 107. પરબ્રહ્મોપનિષદ 108. પરમહંસપરિવ્રાજકોપનિષદ 109. પરમહંસોપનિષદ 110. પારમાત્મિકોપનિષદ 111. પારાયણોપનિષદ 112. પાશુપત બ્રહ્મોપનિષદ 113. પિંડોપનિષદ 114. પીતામ્બરોપનિષદ 115. પુરુષસૂક્તોપનિષદ 116. પૈઙગલોપનિષદ 117. પ્રણવોપનિષદ (પદ્યાત્મક) 118. પ્રણવોપનિષદ (વાક્યાત્મક) 119. પ્રશ્નોપનિષદ 120. પ્રાણાગ્નિહોત્રોપનિષદ 121. બટુકોપનિષદ 122. બહવૃચોપનિષદ 123. બાષ્કલમન્ત્રોપનિષદ 124. બિલ્વોપનિષદ (પદ્યાત્મક) 125. બિલ્વોપનિષદ (વાક્યાત્મક) 126. બૃહજ્જાબાલોપનિષદ 127. બૃહદારણ્યકોપનિષદ 128. બ્રહ્મવિદ્યોપનિષદ 129. બ્રહ્મોપનિષદ 130. ભગવદગીતોપનિષદ 131. ભવસંતરણોપનિષદ 132. ભસ્મજાબાલોપનિષદ 133. ભાવનોપનિષદ (કાપિલોપનિષદ) 134. ભિક્ષુકોપનિષદ 135. મઠામ્નાયોપનિષદ 136. મંડલબ્રાહ્મણોપનિષદ 137. મન્ત્રિકોપનિષદ (ચૂલિકોપનિષદ) 138. મલ્લાયુપનિષદ 139. મહાનારાયણોપનિષદ (બૃહન્નારાયણોપનિષદ, ઉત્તરનારાયણોપનિષદ) 140. મહાવાક્યોપનિષદ 141. મહોપનિષદ 142. માંડૂક્યોપનિષદ 143. માંડૂક્યોપનિષત્કારિકા (ક) આગમ (ખ) અલાતશાન્તિ (ગ) વૈતથ્ય (ઘ) અદ્વૈત 144. મુક્તિકોપનિષદ 145. મુંડકોપનિષદ 146. મુદગલોપનિષદ 147. મૃત્યુલાઙગૂલોપનિષદ 148. મૈત્રાયણ્યુપનિષદ 149. મૈત્રેય્યુપનિષદ 150. યજ્ઞોપવીતોપનિષદ 151. યાજ્ઞવલ્કયોપનિષદ 152. યોગકુંડલ્યુપનિષદ 153. યોગચૂડામણ્યુપનિષદ 154. યોગતત્વોપનિષદ 155. યોગતત્વોપનિષદ 156. યોગરાજોપનિષદ 157. યોગશિખોપનિષદ 158. યોગોપનિષદ 159. રાજશ્યામલારહસ્યોપનિષદ 160. રાધિકોપનિષદ (વાક્યાત્મક) 161. રાધોપનિષદ (પ્રપાઠાત્મક) 162. રામપૂર્વતાપિન્યુપનિષદ 163. રામરહસ્યોપનિષદ 164. રામોત્તરતાપિન્યુપનિષદ 165. રુદ્ર-હૃદયોપનિષદ 166. રુદ્રાક્ષજાબાલોપનિષદ 167. રુદ્રોપનિષદ 168. લક્ષ્મ્યુપનિષદ 169. લાઙગૂલોપનિષદ 170. લિઙગોપનિષદ 171. વજ્રપંજરોપનિષદ 172. વજ્રસૂચિકોપનિષદ 173. વનદુર્ગોપનિષદ 174. વરાહોપનિષદ 175. વાસુદેવોપનિષદ 176. વિશ્રામોપનિષદ 177. વિષ્ણુહૃદયોપનિષદ 178. શરભોપનિષદ 179. શાટ્યાયનીયોપનિષદ 180. શાણ્ડિલ્યોપનિષદ 181. શારીરકોપનિષદ 182. શિવસંકલ્પોપનિષદ 183. શિવોપનિષદ 184. શુકરહસ્યોપનિષદ 185. શૌનકોપનિષદ 186. શ્યામોપનિષદ 187. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ સિદ્ધાન્તોપનિષદ 188. શ્રીચક્રોપનિષદ 189. શ્રીવિદ્યાતારકોપનિષદ 190. શ્રીસૂક્તોપનિષદ 191. શ્વેતાશ્વતરો-પનિષદ 192. ષોઢોપનિષદ 193. સઙકર્ષણોપનિષદ 194. સદાનન્દો-પનિષદ 195. સન્ધ્યોપનિષદ 196. સંન્યાસોપનિષદ (અધ્યા-યાત્મક) 197. સંન્યાસોપનિષદ (વાક્યાત્મક) 198. સરસ્વતી-રહસ્યોપનિષદ 199. સર્વસારોપનિષદ 200. સહ વૈ ઉપનિષદ 201. સંહિતોપનિષદ 202. સામરહસ્યોપનિષદ 203. સાવિત્ર્યુપનિષદ 204. સિદ્ધાન્તવિઠ્ઠલોપનિષદ 205. સિદ્ધાન્ત-શિખોપનિષદ 206. સિદ્ધાન્ત-સારોપનિષદ 207. સીતોપનિષદ 208. સુદર્શનોપનિષદ 209. સુબાલોપનિષદ 210. સુમુખ્યુપનિષદ 211. સૂર્યતાપિન્યુપનિષદ 212. સૂર્યોપનિષદ 213. સૌભાગ્ય-લક્ષ્મ્યુપનિષદ 214. સ્કન્દોપનિષદ 215. સ્વસંવેદ્યોપનિષદ 216. હયગ્રીવોપનિષદ 217. હંસષોઢોપનિષદ 218. હંસોપનિષદ 219. હેરમ્બોપનિષદ

પિનાકિન દવે

કિશોર દવે

રમણિકભાઈ જાની