ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ (metalloids or semi-metals)

January, 2004

ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ (metalloids or semi-metals) : આવર્ત-કોષ્ટકમાં ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના અંતરિયાળ ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો ધરાવતાં તત્વો. બોરોન, સિલિકન, જર્મેનિયમ, આર્સેનિક, ઍન્ટિમની, સેલેનિયમ અને ટેલુરિયમ વગેરે આ પ્રકારમાં આવે. તે આમ તો ચકચકિત અને ધાતુ જેવાં દેખાય છે, પણ બરડ હોય છે. તે ધાતુ અને અધાતુ વચ્ચેના વિદ્યુત ગુણધર્મો ધરાવે છે તેથી તેમને અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ કરતાં ભિન્ન રીતે અર્ધવાહકો ઊંચા તાપમાને વધુ વિદ્યુતવાહકતા દર્શાવે છે. થોડા પ્રમાણમાં પણ અશુદ્ધિઓ તેમની અર્ધવાહકતામાં આમૂલ પરિવર્તન લાવે છે, જેનો સૉલિડ સ્ટેટ ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં સારો એવો ઉપયોગ થાય છે.

પ્રવીણસાગર સત્યપંથી