ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ)

January, 2004

ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ) : તાણ્ડ્ય બ્રાહ્મણ અને ષડ્વિંશ બ્રાહ્મણ એ બે મોટાં બ્રાહ્મણો સિવાયનાં તંડિશાખાનાં નાનાં નાનાં બ્રાહ્મણો. આર્ષેય, દેવતાધ્યાય, સામવિધાન અને મંત્રબ્રાહ્મણ અથવા ઉપનિષદ બ્રાહ્મણ વગેરે એક મોટા બ્રાહ્મણના ભાગો હશે એમ વિદ્વાનોની ધારણા છે. આ નાનાં બ્રાહ્મણો, ઋષિ, મંત્ર, દેવતા, વિનિયોગ આદિની અનુક્રમણીઓના સ્વરૂપનાં છે. તેથી તેમના વિષય-વૈશિષ્ટ્યને કારણે અન્ય વેદોની અનુક્રમણીઓની જેમ સ્વતંત્ર ગ્રંથ રૂપે કાલાન્તરે જુદાં પડ્યાં હશે. શ્રી સત્યવ્રત સામશ્રમીની ધારણા પ્રમાણે પચીસ પ્રપાઠક કે અધ્યાયોનું પંચવિંશ બ્રાહ્મણ, પાંચ પ્રપાઠકોનું ષડ્વિંશ બ્રાહ્મણ, બે પ્રપાઠકોનું મંત્રબ્રાહ્મણ અને આઠ પ્રપાઠકોનું છાંદોગ્ય ઉપનિષદ મળી ચાળીસ પ્રપાઠકો કે અધ્યાયોનું એક બૃહત્ તાંડ્ય કે છાન્દોગ્ય બ્રાહ્મણ હતું.

છાન્દોગ્ય બ્રાહ્મણના મંત્રબ્રાહ્મણ અને ઉપનિષદ બ્રાહ્મણ એવા યથાર્થ નામવાળા બે ભાગ છે. આ બ્રાહ્મણના કુલ દસ પ્રપાઠકોમાંથી પહેલા બે પ્રપાઠક મંત્રબ્રાહ્મણ કે છાન્દોગ્ય બ્રાહ્મણ કહેવાય છે અને પછીના આઠ પ્રપાઠક તાણ્ડ્યરહસ્ય બ્રાહ્મણ કે છાન્દોગ્ય ઉપનિષદ કહેવાય છે. જેમ શતપથ બ્રાહ્મણનું એક અંગ બૃહદારણ્યક ઉપનિષદ છે અને તલવકાર બ્રાહ્મણનું એક અંગ તલવકાર કે કેન ઉપનિષદ છે તેમ છાન્દોગ્ય બ્રાહ્મણનો એક ભાગ છાન્દોગ્ય ઉપનિષદ છે. સમગ્ર ગ્રંથનું નામ છાન્દોગ્ય બ્રાહ્મણ હોવાના ઉલ્લેખો છે.

મંત્રબ્રાહ્મણના બે પ્રપાઠકો પ્રત્યેક આઠ આઠ ખંડના છે. પ્રથમ ખંડમાં વિવાહ, ગર્ભાધાન, સીમંતોન્નયન, ચૌલ, ઉપનયન, સમાવર્તન આદિ સંસ્કારોમાં પ્રયોજાતા મંત્રોનો સંગ્રહ છે. ગોધનની અભિવૃદ્ધિ માટેના મંત્રો પણ છે. બીજા પ્રપાઠકમાં ભૂતબલિ, આગ્રહાયણીકર્મ, પિતૃપિંડદાન, દેવતાબલિ, હોમ, દર્શપૂર્ણમાસ ઇષ્ટિ, સૂર્યોપસ્થાન, નવગૃહપ્રવેશ, સ્વસ્ત્યયન અને દેવોની કૃપા પ્રાર્થવાના મંત્રો છે. પ્રથમ પ્રપાઠકમાં ગૃહ્યસંસ્કારોમાં પ્રયુક્ત મંત્રો છે અને દ્વિતીય પ્રપાઠકમાં ગૃહસ્થ કર્મના મંત્રો છે. સામવેદનાં ખાદિર અને ગોભિલ ગૃહ્યસૂત્રોમાં વિવિધ ગૃહ્યસંસ્કારો અને કર્મોમાં આ બધા મંત્રોનો ઉલ્લેખ છે. આ મંત્રોમાંના કેટલાક અન્ય વેદોના મંત્રો પણ છે.

મંત્રબ્રાહ્મણ પછીનું તાણ્ડ્યરહસ્ય બ્રાહ્મણ એ જ છાન્દોગ્ય ઉપનિષદ છે. અતિપ્રાચીન દસ કે અગિયાર ઉપનિષદોમાં તે એક મહત્વનું ઉપનિષદ છે. ભાષાશૈલી અને તત્વચર્ચાની ર્દષ્ટિએ પણ તે વિશિષ્ટ છે.

આમ છાન્દોગ્ય બ્રાહ્મણ અને છાન્દોગ્ય ઉપનિષદ મળી મંત્રબ્રાહ્મણ અથવા ઉપનિષદ્ બ્રાહ્મણ કહેવાય છે.

નટવરલાલ યાજ્ઞિક