ઈસવી સન : ઈસવી સન હાલ દુનિયાના લગભગ બધા જ દેશોમાં અત્યંત પ્રચલિત છે. એનો આરંભ રોમ શહેરની સ્થાપનાના 754મા વર્ષની 1લી જાન્યુઆરીથી થયેલો મનાય છે. ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષ સાથે આ સંવતને સાંકળવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ એ સમયે રોમની સ્થાપનાના 753મા વર્ષની 25મી ડિસેમ્બરે થયેલો એમ માનવામાં આવતું. અધિક સંશોધનના પરિણામે એમનો જન્મ ઈ. પૂ. 8 અને 4ની વચ્ચે, જ્યારે કેટલાક વિદ્વાનોના મતે ઈ. પૂ. 4ની 5મી એપ્રિલ ને શુક્રવારે થયેલો એમ પ્રતિપાદિત થયું છે.

આ સંવતના પ્રવર્તક ઇટાલીના ડાયોનિસિયસ ઍક્સીગુઅસ્ નામના વિદ્વાન પાદરી (આ. ઈ. સ. 496-540) હતા. એમણે ઈ. સ. 525માં પોપ સેન્ટ જૉન પહેલાની વિનંતીથી ઈ.સ. 28થી શરૂ થતા ઍલેક્ઝાન્ડ્રિયન સંવતમાં સુધારો કરી ઈસુ ખ્રિસ્તના જન્મથી ગણના કરી ઈસવી સનનો આરંભ કર્યો.

ઈસવી સનમાં ઇતિહાસ અને કાલગણનાનું સંકલન હોવાથી એ અત્યંત પ્રચલિત બન્યો. ઇંગ્લૅન્ડમાં 8મી સદીથી; ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં 8મી-9મી સદીથી તેમજ ઈ. સ. 1000થી યુરોપના બધા ખ્રિસ્તી દેશોમાં પ્રચલિત થયો. સ્પેનના ઘણાખરા ભાગોમાં ઈ. સ.ની 14મી સદીથી અને ગ્રીસમાં 15મી સદી પછી આ સંવત પ્રયોજાવા લાગ્યો.

પ્રારંભમાં રોમન લોકોનું વર્ષ 304 દિવસોનું હતું, જેમાં માર્ચથી ડિસેમ્બર સુધીના 10 મહિના હતા. જુલાઈ માસનું નામ કિંક્ટિલિસ અને ઑગસ્ટનું નામ સેકસ્ટાઇલિસ હતું. નુમા પાપિલિયસ (ઈ. પૂ. 715-672) રાજાએ વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી અને અંતમાં ફેબ્રુઆરી માસ ઉમેરી 12 ચાંદ્ર માસ(355 દિવસ)નું વર્ષ બનાવ્યું. ઈ. પૂ. 452થી ચાંદ્ર વર્ષને બદલે સૌર વર્ષ ગણવામાં આવ્યું, જેના દિવસ 355 હતા; પરંતુ દર બીજા વર્ષે ક્રમશ: 22 અને 23 દિવસ વધારવામાં આવતા જેનાથી 4 વર્ષના કુલ 1,465 દિવસ અને 1 વર્ષના 366 દિવસ થતા. એમનું આ વર્ષ વાસ્તવિક સૌર વર્ષ કરતાં 1 દિવસ વધારે મોટું હતું. આ વર્ષગણનાથી 26 વર્ષમાં લગભગ 26 દિવસનું અંતર પડી ગયું. પરિણામે એમને ગ્રીકોના વર્ષમાનનું અનુકરણ કરવું પડ્યું, જેમાં સમયે સમયે અધિક માસ ગણવો પડતો હતો. એનાથી પણ અંતર વધતું ગયું અને જુલિયસ સીઝરના સમયમાં એ અંતર 90 દિવસનું થઈ ગયું. જુલિયસ સીઝરે ઈ. પૂ. 46મા વર્ષને 455 દિવસનું વર્ષ માની એ અંતર દૂર કર્યું. જુલિયસે કિંક્ટિલિસ માસનું નામ પોતાના નામ પરથી ‘જુલાઈ’ રાખ્યું. આ સુધારો ‘જુલિયન સુધારા’ તરીકે ઓળખાય છે. એણે અધિક માસ દૂર કરી 365 દિવસનું વર્ષ નિયત કર્યું, અને જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિના 31-31 દિવસના, ફેબ્રુઆરી 29 દિવસનો અને એપ્રિલ, જૂન, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર મહિના 30-30 દિવસના ગણ્યા. દર ચોથા વર્ષે ફેબ્રુઆરી માસ 30 દિવસનો ગણ્યો. જુલિયસ સીઝર પછી ઑગસ્ટસે સેક્સ્ટાઇલિસ માસનું નામ પોતાના નામ પરથી ‘ઑગસ્ટ’ રાખ્યું અને એના 31 દિવસ ગણ્યા. ફેબ્રુઆરી 28 દિવસનો, સપ્ટેમ્બર, નવેમ્બર 30-30 દિવસના અને ડિસેમ્બર 31 દિવસનો બનાવ્યો. આ પરિવર્તન અનુસાર આજે પણ ઈસવી સનના મહિનાના દિવસોની સંખ્યા ગણાય છે.

જુલિયસ સીઝરે સ્થિર કરેલું 365 દિવસનું સૌર વર્ષ વાસ્તવિક સૌર વર્ષ કરતાં 11 મિનિટ અને 14 સેકન્ડ મોટું હતું. આથી લગભગ 128 વર્ષમાં 1 દિવસનું અંતર પડવા લાગ્યું. આ અંતર વધતાં વધતાં ઈ. સ. 325માં મેષનો સૂર્ય જે જુલિયસ સીઝરના સમયમાં 25મી માર્ચે હતો તે ઈ. સ. 1582માં 11મી માર્ચે થયો. પોપ ગ્રેગરી(13મા)એ સૂર્યની ગતિમાં એટલું બધું અંતર પડેલું જોઈ ઈ. સ. 1582ની 22મી ફેબ્રુઆરીના દિવસે ફરમાન કર્યું કે ઈ. સ. 1582ના વર્ષના ઑક્ટોબર માસની 4થી તારીખ પછીનો દિવસ 15મી ઑક્ટોબરનો ગણવો. આ ફેરફારથી લૌકિક સૌર વર્ષ અને વાસ્તવિક સૌર વર્ષ સરખું થયું. વળી આ અનુસાર 400 વર્ષમાં 3 દિવસનું અંતર પડતું હોવાનું જણાતાં એને દૂર કરવા માટે પૂરી શતાબ્દીઓનાં વર્ષો(1600, 1700 વગેરે)માં જે અંકને 400 વડે ભાગતાં શેષ ન વધે તે વર્ષોમાં ફેબ્રુઆરી માસના 29 દિવસ ગણવાની વ્યવસ્થા કરવામાં આવી. આ સુધારાને ‘ગ્રેગરિયન સુધારો’ કહે છે. પોપ ગ્રેગરીની આજ્ઞા અનુસાર ઇટાલી, સ્પેન, પૉર્ટુગલ જેવા રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયી દેશોએ એ સુધારો માન્ય રાખ્યો. પ્રૉટેસ્ટંટ સંપ્રદાયના અનુયાયી દેશોએ થોડા વિરોધ બાદ આ સુધારો માન્ય રાખ્યો. જર્મનીમાં ઈ. સ. 1699ના અંતમાં 10 દિવસ છોડી ઈ. સ. 1700ના આરંભથી આ સુધારાનો અમલ થયો. ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1752માં આ સુધારાનો પ્રચાર થયો; પરંતુ એ સમય સુધીમાં 1 દિવસનું અંતર પાછું પડી જતાં એ વર્ષની તા. 2જી સપ્ટેમ્બર પછીની તા. 3જીને 14મી સપ્ટેમ્બર ગણવામાં આવી.

ઈ. સ.નો પ્રારંભ તા. 1લી જાન્યુઆરીથી માનવામાં આવે છે; પરંતુ એના પ્રવર્તક ડાયોનિસિયસના સમયમાં એનો પ્રારંભ તા. 25 માર્ચથી ગણાતો અને ઈ. સ.ની 16મી સદીના અંત સુધી યુરોપના મોટા ભાગના દેશોમાં આ પ્રમાણે એનો આરંભ 25 માર્ચથી ગણાતો. ફ્રાન્સમાં ઈ. સ. 1663થી ઈસવી સનના વર્ષનો આરંભ 1લી જાન્યુઆરીથી ગણાવા લાગ્યો. ઇંગ્લૅન્ડમાં ઈ.સ.ની 7મી સદીથી એનો આરંભ નાતાલના દિવસ(25 ડિસેમ્બર)થી ગણાવા લાગ્યો. 12મી સદીથી ત્યાં વર્ષનો આરંભ 25મી માર્ચથી ગણાવા લાગ્યો અને ઈ.સ. 1752થી પોપ ગ્રેગરીના સુધારેલા પંચાંગનું અનુસરણ કરી ઈ.સ.ના વર્ષનો આરંભ સામાન્ય વ્યવહારમાં 1લી જાન્યુઆરીથી ગણાવા લાગ્યો.

ઈસવી સનનું વર્ષ 365 દિવસનું (પ્લુત વર્ષમાં 366) સૌર વર્ષ છે. એના જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર એ સાત માસ 31 દિવસના; એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર 30 દિવસના અને ફેબ્રુઆરી માસ સામાન્ય રીતે 28 દિવસનો હોય છે. આ રીતે કુલ 365 દિવસનું વર્ષ થાય છે. પરંતુ સૌર વર્ષ લગભગ 365 દિવસનું હોઈ દર ચાર વર્ષે ફેબ્રુઆરી માસમાં 29મો દિવસ ઉમેરવામાં આવે છે. આ વર્ષને પ્લુત વર્ષ (leap year) કહે છે. જે વર્ષની સંખ્યાને ચારથી ભાગતાં શેષ ન વધે તે વર્ષને પ્લુત વર્ષ ગણવામાં આવે છે. ઈસવી સનના વર્ષની તારીખ મધ્ય રાત્રિ(રાત્રિના 12 વાગ્યા પછી)થી મધ્ય રાત્રિ સુધીની ગણાય છે. આ સંવતનાં વર્ષ સૌર હોઈ એમાં ઋતુકાલ બરાબર જળવાય છે, પરંતુ એના મહિનાઓનો આરંભ-અંત કૃત્રિમ હોઈ એમાં સૂર્યની સંક્રાન્તિનો કે ચંદ્રની કલાની વધઘટનો ખ્યાલ આવતો નથી.

યુરોપિયનોના ભારતમાંના વસવાટ તથા શાસન દ્વારા આ સંવત ધીમે ધીમે ભારતમાં પ્રચલિત થયો. ઈ. સ. 1818થી શરૂ થતા બ્રિટિશ શાસન દરમિયાન એ ગુજરાતમાં પણ પ્રચલિત થયો. દેશની આઝાદી પછી પણ ઈસવી સન ખૂબ રૂઢ થયો હોવાથી અને એના આંતરરાષ્ટ્રીય પ્રસારને લીધે, વ્યવહારમાં ઈસવી સનનો ઉપયોગ ઘણો વ્યાપક બન્યો છે. આથી ભારતીય ઇતિહાસમાં પણ બનાવનાં વર્ષો પ્રાય: ઈસવી સનમાં આપવામાં આવે છે.

ભારતી શેલત