ઈસાકી, લિયો (જ. 12 માર્ચ 1925, ઓસાકા, જાપાન) : સુપ્રસિદ્ધ ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રી (solid state physicist) અને નોબેલ પારિતોષિક વિજેતા. મૂળ નામ ઈસાકી રેયોના. ટોકિયો યુનિવર્સિટીના સ્નાતક (1947) અને પીએચ.ડી. (1959) થયા પછી તરત જ કોબેકોગ્યો કંપનીમાં જોડાયા. ત્યારબાદ 1956માં સોની (Sony) કૉર્પોરેશનના મુખ્ય ભૌતિકશાસ્ત્રી; જ્યાં યંત્રશાસ્ત્રના ક્ષેત્રે અને વિશેષત: ટનલિંગ(tunneling)ની ઘટના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચિરપ્રતિષ્ઠિત યંત્રશાસ્ત્ર (classical mechanics) અનુસાર ઇલેક્ટ્રૉનનો કણ, અંતરાયો(barriers)માંથી પસાર થઈ શકતો નથી. પરંતુ તે જ ઇલેક્ટ્રૉનનો દ્રવ્યકણ, તેના તરંગ જેવા ગુણધર્મને કારણે ટનલિંગની પ્રક્રિયામાં અંતરાયો માટે ભેદ્ય બને છે. ઘન અવસ્થા અર્ધવાહકો(solid state semi-conductors)માં અશુદ્ધિઓ ઉમેરીને તેમનાં લક્ષણો બદલવાની રીત તેમણે શોધી. આ કાર્ય દરમિયાન તેમણે જે ડબલ ડાયોડની શોધ કરી તે ઈસાકી ડાયોડ કે ટનલ ડાયોડ તરીકે ઓળખાય છે. 1960માં વધુ સંશોધન માટે, તેમને યુનાઇટેડ સ્ટેટ્સની આઈ.બી.એમ. ફેલોશિપ એનાયત થઈ અને યૉર્કટાઉનમાં આવેલી આઈ.બી.એમ.ની પ્રયોગશાળામાં જોડાયા. અમેરિકાના વસવાટ દરમિયાન તેમણે જાપાનીઝ નાગરિકત્વ ચાલુ રાખ્યું. અર્ધવાહકોમાં ક્વૉન્ટમ ઘટના(QSE)નું તેમણે 1970માં નિદર્શન કર્યું. આ ઘટના નૅનો (અતિસૂક્ષ્મ) ટેકનૉલોજીના ક્ષેત્રે સીમાચિહ્નરૂપ છે. 1973માં તેમણે આઈવર ગિયાવર અને બ્રિયાન જોસેફસન નામના વિજ્ઞાનીઓ સાથે સંયુક્ત રીતે, નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ