ઈસરદાસ (ઈ. 16મી સદી પૂર્વાર્ધ; અ. ઈ. 1566/સં. 1622, ચૈત્ર સુદ 9) : ચારણી કવિ. રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે ભાદ્રેસ/ભાદ્રેજ/ભાદ્રેચીમાં. તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે; પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી જણાતી નથી. એક પરંપરા એમનો જન્મ ઈ. 1459 (સં. 1515, શ્રાવણ સુદ 2, શુક્રવાર)માં થયો હોવાનું જણાવે છે; પરંતુ એમના સૌથી નાના પુત્ર ગોપાળદાસનું ભૂચર મોરીના યુદ્ધ(ઈ. 1581)માં મૃત્યુ તથા જામનગર(સ્થાપના ઈ. 1540)ના જામ રાવળની રાજસભા સાથેનો એમનો સંબંધ  એ જોતાં જન્મસમય ઈ. 16મી સદી પૂર્વાર્ધમાં કદાચ લઈ જવો પડે. કવિના પિતા સુરાજી અને માતા અમરબા હતાં. પ્રથમ પત્ની દેવલબાઈ. બીજાં પત્ની રાજબાઈ તે દેવલબાઈનો જ અવતાર હતાં એમ કહેવાય છે. કવિ પોતાના ગુરુ તરીકે પીતાંબર ભટ્ટને નિર્દેશે છે તે જામ રાવળના દરબારમાં પંડિત હતા અને કવિને એમણે રાજભક્તિ તરફથી પ્રભુભક્તિ તરફ વાળેલા એવી કથા છે. આ પ્રસંગ જામનગરમાં બન્યો હોવાની વાત વધારે પ્રચલિત છે, પરંતુ કવિનો જન્મ ઈ. 1459માં માનતી ચારણી પરંપરા આ પ્રસંગ જામ રાવળ કેરાકોટ(કચ્છ)માં હતા ત્યારે બન્યો છે એમ નોંધે છે. ઈસરદાસના ઈશ્વરનિષ્ઠ જીવન અને ચમત્કારોની ઘણી વાતો મળે છે. સંચાણા ગામે તેમણે દરિયામાં સમાધિ લીધેલી એમ કહેવાય છે.

ચારણી ભાષાસાહિત્યમાં અનેરું સ્થાન ભોગવતી, ભક્તિબોધક ને તત્વજ્ઞાનાત્મક, 360 કડીની ‘હરિરસ’ (મુ.) ને બીજી 40 ઉપરાંત કૃતિઓના કર્તા તરીકે જાણીતા આ ભક્તકવિના શામળાને સંબોધીને રચાયેલા અને એક વખત તેમને આશ્રય આપનાર મુસ્લિમ દાદુની પ્રશસ્તિ કરતા સોરઠા કે દુહા ગુજરાતી ભાષામાં ઘણા જાણીતા છે. તે ઉપરાંત કવિના કોઈક ગીતમાં ગુજરાતી ભાષાનું તત્વ નોંધપાત્ર પ્રમાણમાં દેખાય છે ને રામદેવપીરના નિજિયાપંથનો પ્રભાવ વ્યક્ત કરતાં પાંચેક ભજનો વિશેષત: ગુજરાતી ભાષામાં મળે છે. ઈસરદાસે આ કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી હશે કે કાળક્રમે ભાષા પરિવર્તન પામી હશે તે કહેવું મુશ્કેલ છે.

કીર્તિદા શાહ