ઈજાઓ અને દાહ

વાગવાથી અથવા અન્ય ભૌતિક કે રાસાયણિક પરિબળના સંપર્કમાં આવવાથી પેશીને થતી હાનિને ઈજા કહે છે અને અતિશય ગરમી કે આગથી પેશીને થતી હાનિને દાહ (દાઝવું) કહે છે. હૃદયવાહિનીના રોગો, કૅન્સર તથા ચેપજન્ય રોગોની માફક ઈજાઓ અને દાહ (દાઝવું) પીડાકારી અને ક્વચિત્ મૃત્યુ નિપજાવનારાં છે. તેમને કારણે વ્યક્તિ ટૂંકા કે લાંબા ગાળા માટે પ્રવૃત્તિવંચિત બની જાય છે. તેથી ઘણું આર્થિક નુકસાન પણ થાય છે. કાયમી અપંગતા (disability) ઉત્પન્ન થાય તો તે પણ સામાજિક, વ્યક્તિગત, આર્થિક તથા માનસિક સમસ્યાઓ ઊભી કરે છે.

ઈજાનાં કારણો : ઈજા થવાનું કારણ ભૌતિક અથવા રાસાયણિક હોઈ શકે છે. વાહનો, યંત્રો, હથિયારો અને સાધનો દ્વારા રસ્તા પર, ઔદ્યોગિક સ્થળે, ધંધાના સ્થળે, ઘરમાં કે અન્યત્ર વિવિધ પ્રકારની ઈજાઓ થાય છે. પ્રાણી તથા જંતુના કરડવાથી પણ ઈજા થાય.

ઈજા આકસ્મિક અથવા ઇરાદાપૂર્વક થયેલી હોઈ શકે. ઇરાદાપૂર્વક થયેલી ઈજા આત્મહત્યા અથવા અન્યની હત્યાના પ્રયત્નનું પરિણામ હોઈ શકે.

ઈજાના પ્રકારો : ઈજાઓ ભૌતિક બળજન્ય (mechanical), રાસાયણિક, વિદ્યુતજન્ય કે ઉષ્માજન્ય દાહના સ્વરૂપની હોય છે. તેને પરિણામે મૃદુપેશી અથવા/અને હાડકાંને નુકસાન થાય છે. (હાડકાં તથા તેમના સાંધાની ઈજાઓ વિશે ‘અસ્થિ અને કંકાલતંત્ર’, ‘અસ્થિવિચલન’ ‘અસ્થિભંગ’ વગેરે અસ્થિને લગતાં અધિકરણોમાં નિરૂપણ છે.) મૃદુપેશીની ઈજાઓથી ઉત્પન્ન થતા ઘાવ(wounds)ના વિવિધ પ્રકારો છે. ચામડી નીચે લોહી જામે તેને ચકામું (contusion) કહે છે. તેવી જ રીતે ઉઝરડા (abrasions), શરીરમાં સોંસરા અંદર ઊતરતા – અંત:પ્રવેશી (penetrating) ઘાવ, પેશીને કાપતા અંતશ્ચેદી (incised) ઘાવ, ચકામાં અને ચીરાવાળા ઘાવ (contused lacerated wounds, CLW), ચેપ લાગેલા અને પેશીને ઘણું નુકસાન કર્યું હોય તેવા ચકામાં-ચીરાવાળા ઘાવ, અડધો ઊખડી ગયેલો પેશીનો પટ્ટો (avulsed flap), પેશી-ઉન્મૂલન (avulsion), દાહ (burns) વગેરે વિવિધ પ્રકારના ઘાવ હોય છે.

શારીરિક પ્રતિભાવ : ઈજાના પ્રમાણમાં ઈજાની સામે સુરક્ષા માટે શારીરિક પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. આવો પ્રતિભાવ મુખ્યત્વે અંત:સ્રાવી ગ્રંથિતંત્ર, ચયાપચય, પાણી-ક્ષાર-ઍસિડ-આલ્કલી-સંતુલન તથા વિવિધ અવયવોને અસર કરે છે. દુખાવો, લોહી વહી જવું તથા શરીરમાં પાણી ઘટી જવું – એ ત્રણ મુખ્ય ઉત્તેજનાઓ (stimuli) આ પ્રકારના પ્રતિભાવને સર્જે છે. ઈજાથી થતું પેશીને નુકસાન, ચેપ, લાગણીઓને લાગતી ઠેસ, વાતાવરણમાંની ગરમી, તાવ, આઘાત (shock), હરફર ન થઈ શકે તેવી સ્થિતિ, સ્થગિતતા (immobilization), લોહીમાં ઘટેલું ગ્લુકોઝનું પ્રમાણ તથા ઔષધો શારીરિક પ્રતિભાવને અસર કરે છે. વળી ઉપરાઉપરી થતી બીજી ઈજાઓ કે શસ્ત્રક્રિયા પણ શારીરિક પ્રતિભાવને અસર કરે છે. શારીરિક પ્રતિભાવ મુખ્યત્વે ચેતાતંત્ર (nervous system) અને અંત:સ્રાવી ગ્રંથિ (endocrine system) દ્વારા ઉદભવે છે. શારીરિક પ્રતિભાવમાં ભાગ લેતા મહત્વના અંત:સ્રાવો છે – (1) અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકનો અંત:સ્રાવ (adrenocorticosterone), (2) રેનિન, (3) આલ્ડોસ્ટિરોન, (4) અધિવૃક્કગ્રંથિના મધ્યકના અંત:સ્રાવો (adrenalin and nor-adrenalin), (5) અલ્પમૂત્રક અંત:સ્રાવ (ADH), (6) વૃદ્ધિકારક અંત:સ્રાવ, (7) ગ્લુકેગોન, (8) ઇન્સ્યુલિન તથા (9) પુટિકા ઉત્તેજક અંત:સ્રાવ (FSH) અને પીતપિંડકારી અંત:સ્રાવ (LH) જેવા લિંગસંબંધી અંત:સ્રાવો. જીવનજોખમી ત્રસ્તતા(stress)ને પહોંચી વળવા અધિવૃક્કગ્રંથિના બાહ્યકનો અંત:સ્રાવ ઘણો મહત્વનો છે. તેનો પ્રતિભાવ અધશ્ચેતક (hypo thalamus), પીયૂષિકા (pituitary) ગ્રંથિ અથવા અધિવૃક્કગ્રંથિના રોગ કે ઈજા-સમયે ઓછો હોય છે. ભારે જોખમી ઈજા અને અતિશય રુધિરસ્રાવ (haemorrhage) વખતે આ અંત:સ્રાવ જીવનરક્ષક તરીકે કાર્ય કરે છે. શરીરના લોહીનું દબાણ અને પાણીનું પ્રમાણ જાળવવા રેનિન, આલ્ડોસ્ટિરોન, અલ્પમૂત્રકસ્રાવ, એડ્રિનાલિન તથા નૉર એડ્રિનાલિન પણ ઉપયોગી છે. વૃદ્ધિકારક અંત:સ્રાવ તથા અતિગ્લુકોઝકારી અંત:સ્રાવ(glucagon)ના ઉત્પન્ન થવાથી તથા ઇન્સ્યુલિનનો સ્રાવ ઘટાડવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાના પ્રતિભાવ રૂપે પ્રવર્તે છે. લિંગલક્ષી અંત:સ્રાવોના નિગ્રહણ(inhibition)થી ઘણી વખતે ઋતુસ્રાવચક્રમાં અનિયમિતતા ઉત્પન્ન થાય છે.

ઈજાઓને કારણે ઘણા ચયાપચયી ફેરફારો થાય છે. ઈજા-સમયે ગ્લુકોઝનો વપરાશ વધે છે. તેથી તેનું લોહીમાં પ્રમાણ અંત:સ્રાવી પ્રતિભાવને કારણે વધતું હોવા છતાં અંતે તે ઓછું થાય છે. મૃત્યુકારક ઈજાઓ વખતે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અતિશય ઘટી જાય છે. શારીરિક પ્રતિભાવ રૂપે અંત:સ્રાવોની મદદથી તથા ચરબી અને પ્રોટીનમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન કરી લોહીમાંના ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં આવે છે. ગ્લાયકોજન ઉપરાંત સંગૃહીત ચરબી પણ ઈજા સમયે શક્તિ-ઉપાર્જનનો મહત્વનો સ્રોત છે. દાહ તથા ઈજાના મોટા ઘાવમાં પેશીના નુકસાનથી તથા પ્રવાહીના અધિસ્રાવ(exudation)થી પ્રોટીનનો વ્યય થાય છે. શક્તિ મેળવવા માટે પ્રોટીનનો ઉપયોગ સૌથી છેલ્લે કરવામાં આવે છે. પ્રોટીનના આ પ્રકારના અપચય-(catabolizm)ની સાથે સાથે કેટલાંક વિશિષ્ટ પ્રકારનાં પ્રોટીનનું ઉત્પાદન વધે પણ છે; દા. ત., આલ્બુમિન, ફાઇબ્રિનોજન અને હેપ્ટોગ્લોબિન.

આ ઉપરાંત, પાણી, ધાતુ-ક્ષારનાં આયનો (electrolytes) તથા ઍસિડ-બેઝનાં સંતુલન જાળવવા માટે ઈજા સામેનો શારીરિક પ્રતિભાવ ઉપયોગી છે. ક્યારેક લાંબા ગાળાની તીવ્ર ઈજાઓ તથા ભૂખમરો કે મહત્વના અવયવોના રોગોને કારણે શારીરિક પ્રતિભાવ અસરગ્રસ્ત બને છે. જલસંગ્રહ કરવા માટે અલ્પમૂત્રક અંત:સ્રાવ પેશાબનું પ્રમાણ ઘટાડે છે. પેશાબનું પ્રમાણ વધુ પડતું ઘટે તો ક્યારેક મૂત્રપિંડમાં મૂત્રકનલિકાનો ઉગ્ર કોષનાશ (acute tubular necrosis) તથા જલવિષાક્તતા (water intoxication) થાય છે. કોષો તૂટવાથી લોહીમાં પોટૅશિયમ આયનોનું પ્રમાણ વધે છે. સોડિયમ આયનનો ઉત્સર્ગ (excretion) ઘટે છે. સોડિયમ આયનોનો આવો સંગ્રહ અતિપોટૅશિયમરુધિરતાવાળી અમ્લતા- (hyperpotassaemic acidosis)થી મૃત્યુ નીપજતું અટકાવવા ઉપયોગી છે. ચયાપચયી વિકારોને કારણે આલ્કલિતા વિકાર (alkalosis) જોવા મળે છે. જોકે મૂત્રપિંડ, ફેફસાં કે રુધિરાભિસરણના કાર્યમાં ઘણો વિક્ષેપ થયો હોય તો અમ્લતા (acidosis) થાય છે. અમ્લ-આલ્કલીના અસંતુલનને કારણે પેશીઓમાં મળતો ઑક્સિજનનો પુરવઠો અપૂરતો રહે છે.

અંત:સ્રાવો, ચયાપચય, જલ, ક્ષાર-આયનો તથા અમ્લ-આલ્કલીના સંતુલનના વિકારો ઉપરાંત વિવિધ અવયવી તંત્રોમાં પણ વિકારો અને પ્રતિભાવો ઉત્પન્ન થાય છે. ઈજા પછી તુરત પ્રતિરક્ષા(immunity)-તંત્રના લસિકાકોષોમાં ઘટાડો થાય છે. સમય જતાં જોકે પ્રતિરક્ષાતંત્ર ફરીથી કાર્યરત બને છે. ઈજાને કારણે ક્યારેક હૃદય, રુધિરાભિસરણતંત્ર, ફેફસાં, યકૃત, પાચનતંત્ર, મૂત્રપિંડ વગેરે અવયવી તંત્રોના કાર્યમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે. તીવ્ર ઈજાગ્રસ્ત દર્દીઓમાં વિવિધ અવયવોની કાર્યશીલતા જાળવી રાખવી જરૂરી બને છે.

શારીરિક પ્રતિભાવનો હેતુ : મગજ અને હૃદય જેવા અગત્યના અવયવોને પોષક દ્રવ્યો અને પ્રાણવાયુ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી શારીરિક પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે રુધિરાભિસરણ સંતુલિત અને સમધાત બને છે. જીવનને જોખમી ચયાપચયી વિકારોની અસરને નિયંત્રિત કરાય છે. આમ, શારીરિક પ્રતિભાવ દ્વારા પાણી અને ક્ષારોનું પ્રમાણ, લોહીનું દબાણ તથા ગ્લુકોઝ અને અન્ય રસાયણોનાં ઉત્પાદન, વિતરણ અને ઉપયોગ પર્યાપ્ત રૂપે કરાય છે. ઉપર જણાવેલ શારીરિક પ્રતિભાવ અપૂરતો નીવડે અથવા નિષ્ફળ જાય ત્યારે અને ત્યાં સારવાર દ્વારા તે જ હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરાય છે. આમ ઈજાઓની સારવારમાં સ્થાનિક ઉપચાર ઉપરાંત સમગ્ર શરીરની ક્રિયાઓને જાળવી રાખવા પર ભાર મુકાય છે. વસ્તુત: સ્થાનિક ઉપચારનું સ્થાન ક્યારેક ગૌણ પણ બની જાય છે.

સ્થાનિક પ્રતિભાવ (રૂઝ આવવી) : ઈજાજન્ય ઘાવમાં રૂઝ આવવી એ સ્થાનિક પ્રતિભાવ ગણી શકાય. રુઝાવાની પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારની છે – પ્રાથમિક અને સંકુલ. જ્યારે ઘાવથી છૂટા પડેલા ચામડી અને પેશીના છેડા એકબીજાની નજીક હોય ત્યારે પ્રાથમિક રૂઝ આવે છે. જ્યારે ઘાવ ખુલ્લો હોય ત્યારે તેમાં સંકુલ રૂઝ આવે છે. રૂઝપેશી(scar tissue)નું મુખ્ય બળ તંતુપેશી (fibrous tissue) દ્વારા મળે છે. ઘાવનું આવરણ અધિચ્છદ (epithelium) પેશીસ્તર કરે છે. આ ક્રિયાને અધિચ્છદન (epithelization) કહે છે. પેશીના નાશથી બનેલા ખુલ્લા ઘાવની રૂઝમાં ઉપર જણાવેલ બંને પ્રક્રિયાઓ ઉપરાંત પેશીસંકોચનની ક્રિયા પણ થાય છે, જેથી પેશીના બે છૂટા પડેલા ભાગો નજીક આવી શકે. રુઝાવાની વિવિધ ક્રિયાઓ એકસામટી બનતી હોય છે. રૂઝપેશી કોલેજન તંતુઓની બનેલી છે. સ્થાનિક જરૂરિયાત પ્રમાણે તેમની ગોઠવણીમાં થોડોઘણો ફેરફાર થાય છે.

રૂઝની પ્રક્રિયા : ઈજાને કારણે સૌપ્રથમ ઘાવમાંથી લોહી વહે છે અને તે જામી જાય છે. લોહીનો આ ગઠ્ઠો (clott) સુકાય છે, સંકોચાય છે અને એક પોપડી (scab) જેવો બની જાય છે. તે ઘાવને મર્યાદિત રક્ષણ આપે છે. ઘાવ પડ્યા પછી તુરત જ શોથ(inflammation)ની પ્રક્રિયા શરૂ થાય છે. શોથજન્ય અધિસ્રાવ(inflammatory exudate)નું પ્રવાહી ઘાવને ભરી દે છે. અધિસ્રાવમાં લોહીના શ્વેતકોષો, રક્તકોષો, ફાઇબ્રિન અને લોહીનાં પ્રોટીનો હોય છે. તે મૃત અને ઈજાગ્રસ્ત કોષોનો કચરો (debris) દૂર કરે છે. વળી તે જીવાણુનાશક પણ છે. શોથની પ્રક્રિયા રુઝાવાની ક્રિયા માટે જરૂરી છે. ઘાવમાં ચેપ, બાહ્ય પદાર્થ અથવા મૃતપેશી હોય તો શોથની પ્રક્રિયા સતત અને તીવ્ર સ્વરૂપે માલૂમ પડે છે. આવો શોથ ક્યારેક રુઝાવાની ક્રિયામાં અવરોધ ઊભો કરે છે.

ઘાવના 12થી 24 કલાકોમાં કપાયેલા છેડા પરની બહિસ્ત્વચાના કોષોની સમવિભાજન(mitosis)થી સંખ્યાવૃદ્ધિ થવા માંડે છે. પ્રાથમિક રૂઝના કિસ્સામાં અધિચ્છદ સ્તરના કોષો ફાઇબ્રિનના રેસા પર સરીને ઘાવનું આવરણ બનાવે છે. આ ક્રિયા ઘણી ઝડપથી થાય છે અને થોડાક કલાકોમાં પૂરી થાય છે. સંકુલ પ્રકારની રૂઝની પ્રક્રિયામાં અધિચ્છદ સ્તરના કોષો પહેલાં ખૂબ ઝડપથી સંખ્યાવૃદ્ધિ પામે છે, પરંતુ થોડા સમયમાં આ ઝડપ ઘટી જાય છે. ઘાવમાં તંતુબીજકોષો (fibroblasts) વિકસે છે. તેમના મૂળ કોષોનું સ્થાન નિશ્ચિત રૂપે જાણી શકાયું નથી. તેઓ ફાઇબ્રિનના તંતુઓના રચેલા જાળા ઉપર કોલેજન તંતુઓ બનાવે છે. તંતુરચનાની સાથે જ તૂટેલી કેશવાહિનીઓ અને લઘુશિરાઓ પણ વિકાસ પામે છે અને તે ઘાવની અંદર પ્રસરે છે. તંતુઓ અને નવસર્જિત લોહીની લઘુવાહિનીઓ દાણાદાર પેશી (granulation tissue) બનાવે છે. દાણાદાર પેશી ઘાવને ભરી દે છે. પહોળો ઘાવ 4 કે 5 દિવસમાં સંકોચાવા માંડે છે. ઘાવ-સંકોચનની પ્રક્રિયા અને સ્થાન અંગે વિવિધ મંતવ્યો છે. આ પ્રક્રિયામાં સ્નાયુતંતુબીજકોષો મહત્વનું કાર્ય કરે છે. આવું ઘાવનું સંકોચન આસપાસની ચામડીની ઢીલાશ ઉપર આધારિત છે. ઘાવ-સંકોચનને કારણે નાની રૂઝપેશી શક્ય બને છે. લગભગ સાતમા દિવસથી કોલેજન તંતુઓ દાણાદાર પેશીનું સ્થાન લેવા માંડે છે. શરૂઆતમાં આ કોલેજન તંતુઓ ગમે તે રીતે ગોઠવાયેલા હોય છે. લગભગ 3થી 7 દિવસ(સરેરાશ 5 દિવસ)માં ઘાવની રૂઝપેશીની તણાવસહ્યતા (tensile strength) એટલી હોય છે કે જો પહોળા ઘાવના છેડા ભેગા કરવા તાણ (tension) વગરના ટાંકા લેવાયા હોય તો તેમને તોડી નાખી શકાય છે. કોલેજન તંતુનું પ્રમાણ વધતું જતું હોવાથી લગભગ 17 દિવસ સુધી રૂઝપેશીની તણાવસહ્યતા વધતી રહે છે. જોકે કોલેજન તંતુની પુનર્રચના(remodelling)ને કારણે બેતાલીસમા દિવસથી 2 વર્ષ સુધી રૂઝપેશીની તણાવસહ્યતા વધતી રહે છે.

વિશિષ્ટ પેશીઓમાં રૂઝ : કોઈ એક ઘાવમાંની બધા જ પ્રકારની પેશીઓમાં એકસાથે દાણાદાર પેશી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વિવિધ પ્રકારની ઈજાગ્રસ્ત પેશીને અનુરૂપ રૂઝપેશી છૂટી પડતી જાય છે : (1) હાડકાં : હાડકાંની ઈજાઓમાં બે અઠવાડિયાં પછી અંતશ્ચદ(endothelium)ના કોષો, પરિ-અસ્થિના કોષો તથા અંત:-અસ્થિકલા(endosteum)ના કોષો અસ્થિભંગની જગ્યામાં સંધાનપેશી રચવામાં મદદરૂપ થાય છે. ત્રીજા અઠવાડિયામાં કૅલ્શિયમનું સ્થાપન થાય છે અને કેલસ (callus) બને છે. તેમાં ધીમે ધીમે સામાન્ય હાડકાની હાવરસિયન તંત્રની નલિકાઓ વિકસે છે. અસ્થિનું મૂળ બાહ્યક (cortex) લય પામે છે અને ત્યાં નવું હાડકું બને છે. સમય જતાં અસ્થિમજ્જાની ગુહા તથા સમગ્ર હાડકાંના આકારની પુનર્રચના થાય છે. (2) અસ્થિબંધ(ligaments)માંની રૂઝપેશીના કોલેજન તંતુઓ ધીમે ધીમે મૂળ તંતુઓની માફક ગોઠવાય છે. (3) સ્નાયુબંધ(tendon)માં પણ ત્રીજા અઠવાડિયાથી કોલેજન-તંતુઓ તેની લંબાઈને સમાંતર ગોઠવાય છે. સ્નાયુબંધની આસપાસની પેશીમાંની રૂઝપેશી જો યોગ્ય રીતે ન બને તો સ્નાયુના કાર્યમાં વિકાર ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે સ્નાયુબંધની આસપાસની રૂઝપેશી 8 અઠવાડિયાંમાં ઢીલી બની સ્નાયુનાં કાર્ય કરવામાં સરળતા ઊભી કરે છે. સ્નાયુબંધમાંના બધા જ કોલેજન-તંતુઓને સામાન્ય સ્વરૂપે ગોઠવાતાં 6થી 9 મહિના લાગે છે. (4) ચેતાતંતુઓમાં ઘાવ અને રૂઝની પ્રક્રિયાઓ વિશિષ્ટ સ્વરૂપે થાય છે. ઈજા પછી સૌપ્રથમ ચેતાકોષનું કદ વધે છે. ચયાપચયી ફેરફારો દ્વારા તેમાં ઉત્પન્ન થયેલા પ્રોટીનના અણુઓ ચેતાતંતુઓના ઈજાગ્રસ્ત ભાગમાં પહોંચી તેમના પુનર્જનન(regeneration)માં ઉપયોગી બને છે. બીજી ઈજા થાય તો તે સમયે કોષોનો પ્રતિભાવ પહેલી ઈજા કરતાં ઓછો હોય છે. ઈજાગ્રસ્ત ચેતાના દૂરના છેડામાં વૉલેરિયન અપક્ષય (Wallerian degeneration) થાય છે. અક્ષતંતુ (axon) તથા તેની આસપાસના મજ્જાદ્રવ્ય(myelin)નું કોષો દ્વારા ભક્ષણ કરાય છે. ઈજાગ્રસ્ત ચેતાના ચેતાકોષ તરફના તંતુમાં પણ મર્યાદિત પ્રમાણમાં અપક્ષય જોવા મળે છે. લગભગ 4થી 20 દિવસમાં અક્ષતંતુનું પુનર્જનન શરૂ થાય છે. પુનર્જનનનો દર 1-3 મિમી./દિવસ જેટલો હોય છે. ઘાવના જોડાણમાં ચેતાનું પુનર્જનન ધીમે ધીમે થાય છે અને તે 3થી 50 દિવસ જેટલો સમય લે છે. ઘાવની રૂઝ અને રૂઝપેશીના પ્રમાણ અનુસાર ચેતાના પુનર્જનનનો દર નિશ્ચિત થાય છે. ઘણી વખત પુનર્જનન પામતા અક્ષતંતુઓ ખોટા માર્ગે વિકસે છે; તેથી ક્યારેક સંવેદનાચેતા અને ચાલકચેતામાં અક્ષતંતુઓ બદલાઈ પણ જઈ શકે. ઘાવની રૂઝપેશીની બીજી બાજુ અક્ષતંતુનું પુનર્જનન 1-3 મિમી./દિવસના દરે જ ચાલુ રહે છે. દર્દીની ઉંમર, ઈજાનો પ્રકાર અને તીવ્રતા, ઈજાનું સ્થાન, ચેતાનો પ્રકાર, સારવારનો પ્રકાર વગેરે બાબતો રૂઝ પછીની ચેતાઓની કાર્યશીલતા પર અસર કરે છે.

રૂઝમાં અવરોધ : કેટલાક સ્થાનિક અને કેટલાક શારીરિક ઘટકો રૂઝની પ્રક્રિયાને અસર કરે છે. અપપોષણ, વિટામિન ‘સી’ની ઊણપ, કૅન્સર, મૂત્રપિંડની નિષ્ફળતા, કમળો, કૅન્સર-વિરોધી ઔષધો, સ્ટિરૉઇડ ઔષધો, મધુપ્રમેહ તથા વ્યાપક ચેપ રૂઝ આવવામાં અવરોધ કરે છે. ઈજાગ્રસ્ત ભાગમાંનું રુધિરાભિસરણ, ઈજાનો પ્રકાર, પેશીમાંનો તણાવ, લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, haematoma), ચેપ, ઘાવ સાંધવા લેવાયેલા ટાંકાનો પ્રકાર અને સાંધવામાં રહી ગયેલી ક્ષતિ વગેરે સ્થાનિક કારણો પણ રૂઝની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે.

રૂઝપેશીનું તૂટી પડવું, પેશીનું ખેંચાઈ જવું (contracture), રૂઝ ન આવવાથી લાંબા વખત સુધી ચાંદું રહેવું, તેનું કૅન્સરમાં પરિણમવું, દાણાદાર પેશી કે રૂઝપેશીની અતિશયતા, રૂઝપેશી દ્વારા પોલા અવયવો(દા. ત., આંતરડું, મૂત્રનળી)માં અવરોધ પેદા થવો, રૂઝપેશીને લીધે દેખાવમાં વિકૃતિ આવવી, ઈજા પામેલ અવયવની ઘટતી જતી કાર્યશીલતા, ઉગ્ર ચેપ લાગવો વગેરે જુદા જુદા પ્રકારના અવરોધો ગણાવી શકાય.

પ્રારંભિક સંભાળ : સમગ્ર સારવારનો હેતુ દર્દીને શક્ય હોય એટલી ઓછી ક્ષતિ કે અપંગતા દેખાય અને તે કાર્યશીલ બને તે રીતે તૈયાર કરવાનો હોય છે. ઘાવની સ્થાનિક સારવારનું મહત્વ ક્યારેક ગૌણ પણ થઈ જાય છે. ભારે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર આપતી વખતે સૌપ્રથમ તેના જીવનને ટકાવવાના ઉપાયો કરવામાં આવે છે. દર્દીનું જીવન ટકાવવા માટે તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રાખવો, આઘાતની સારવાર કરવી કે તે થતો અટકાવવો તથા છાતી અને પેટમાંના મહત્વના અવયવોની ઈજા શોધી કાઢી તેની સારવાર કરવી વગેરેને અગ્રતા આપવામાં આવે છે. રુધિરસ્રાવ, અન્ય સ્રાવો, નાશ પામેલી પેશીનો કચરો, બાહ્ય પદાર્થો અથવા બાહ્ય દબાણને કારણે શ્વસનમાર્ગમાં અવરોધ ઊભો થાય છે તે અવરોધ દૂર કરવા યોગ્ય દેહસ્થિતિ, શ્વાસનળીમાં રબરની નળી અથવા શ્વાસનળી છિદ્રણની જરૂર પડે છે. લોહી વહેવું, દુખાવો થવો તથા ભય ઊપજવો – એ ત્રણેય આઘાત સર્જે છે. સ્થાનિક દાબ, દાબપટ્ટો (tourniquet), ઘાવથી છૂટી પડેલી પેશીઓને એકબીજીની નજીક લાવવા લેવાતા ટાંકા, ઘાવની પાટાપિંડી વગેરે ઘાવમાંથી થતા લોહીના સ્રાવને અટકાવે છે. નસ દ્વારા જરૂરી પ્રવાહી અને લોહી ચઢાવી શકાય છે. આ ક્રિયાઓ આઘાત અટકાવવા તેમજ તેની સારવાર માટે ઉપયોગી છે. છાતીમાં ફેફસાંની બહાર હવા ભરાઈ જવી (વાતવક્ષ, pneumothorax), પેટમાં સખત દુખાવો થવો તથા અન્ય ચિહનો છાતી કે પેટના અવયવોને થયેલી ઈજાનાં નિદર્શક છે. દુખાવો તથા આસપાસની પેશીઓ અને અવયવોને વધુ ઈજા ન પહોંચે તે માટે દરેક પ્રકારના તૂટેલા હાડકાને સ્થિર કરવામાં આવે છે. તે જ સમયે ખુલ્લા ઘાવની તત્કાળ ઉપયોગી ટૂંકા ગાળાની પાટાપિંડી કરવામાં આવે છે.

નિદાન : પ્રારંભિક સારવાર આપ્યા પછી, ઈજાથી થયેલા નુકસાન અને શરીર પર પડેલી તેની અસરનો ક્યાસ કઢાય છે. નાડી, લોહીનું દબાણ, શ્વસનદર, દરેક નાનામાં નાના ઘાવ, અવયવોને થયેલું નુકસાન, હાથપગના સાંધા અને હલનચલન વગેરે તપાસવામાં આવે છે. દર્દીને અગાઉ કોઈ રોગો હતા કે કેમ તથા તે કોઈ દવાઓ નિયમિતપણે લેતો હતો કે કેમ તે પણ જાણી લેવાય છે. અવયવી તંત્રોને તપાસવા માટે જરૂરી લોહીની તપાસ અને ઍક્સ-રે કઢાવવામાં આવે છે.

શસ્ત્રક્રિયાપૂર્વની સારવાર : શસ્ત્રક્રિયા માટેની પૂર્વસારવાર રૂપે આઘાત, પાણી તથા ક્ષારોનું અસંતુલન, મધુપ્રમેહ વગેરેમાંથી જે કાંઈ હોય તેના પર કાબૂ મેળવાય છે. ધનુર્વા ન થાય તે માટેની વિષાભ રસી (tetanus toxoid) અપાય છે. પ્રાણીના કરડવાથી થયેલી ઈજા હોય તો હડકવા-વિરોધી રસી પણ આપવી પડે છે. ઘાવને તુરત બંધ કરી શકાય તેમ છે કે તેને ચેપના જોખમમાંથી બહાર કાઢીને સાંધી શકાય તેમ છે તે નક્કી કરવામાં આવે છે, વળી આ સમયે ટાંકા લેવાથી કે પેશીનિરોપ (tissue graft) કરીને ઘાવની જગ્યા પૂરી શકાશે કે કેમ તે પણ નિશ્ચિત કરાય છે. મોટાભાગના યુદ્ધ-જખમ સિવાયના ઘાવમાં લગભગ 24 કલાકમાં શરૂઆતની સ્થાનિક સારવાર પછી ટાંકા લઈ શકાય છે.

આવી સ્થિતિને ‘પ્રાથમિક સંધાન’ (primary sutures) કહે છે. ચેપની સારવાર કર્યા પછી થોડા કે વધુ દિવસો પછી ટાંકા લઈ શકાય તો તેને ‘દ્વૈતીયિક (secondary) સંધાન’ કહે છે. વિવિધ પ્રકારના ઘાવની સ્થાનિક સારવારના સિદ્ધાંતો સંક્ષેપમાં નીચે મુજબ છે :

(1) ચકામું (contusion) : લોહી જામી જાય એ રીતે બુઠ્ઠા હથિયારથી થયેલી ઈજાથી ચકામું પડે છે. તેને કારણે સોજો આવે છે અને ત્યાં લોહી જામવાથી (રુધિરગુલ્મ) થાય છે. સામાન્ય રીતે તે કોઈ પણ સારવાર વગર થોડા સમયમાં શોષાઈ જાય છે. ક્યારેક રુધિર ગુલ્મ આસપાસ દબાણ કરતું હોય તો તેને ચામડી કાપીને શોષી લેવું પડે છે. આસપાસની પેશી, અવયવ કે હાડકામાં ઈજા ફેલાઈ હોય તે અંગે તપાસ કરવામાં આવે છે. ક્યારેક તેમાં ચેપ ઉદભવે છે.

(2) ઉઝરડા (abrasions) : ઘસારાથી થતી ઈજા ચામડી પર ઉઝરડા પાડે છે. ઘર્ષણ સમયની ગરમી ઊંડે સુધી ઈજા પહોંચાડે છે. ઘાવને યોગ્ય જંતુનાશક પ્રવાહીથી શુદ્ધ કરી તેમાંના ઝીણા રજકણોને દૂર કરવામાં આવે છે. ઊંડે ઊતરી ગયેલા બાહ્ય પદાર્થને દૂર કરવામાં આવે છે. ચોંટી ન જાય તેવા અને પ્રવાહી શોષી લે તેવા પદાર્થ વડે પાટાપિંડી કરાય છે.

(3) અંત:પ્રવેશી (penetrating) ઘાવ : આ પ્રકારની ઈજાઓમાં અંદરના અવયવોને સામાન્યત: નુકસાન થયું હોય છે. તેમાં બંદૂકની ગોળી જેવા બાહ્ય પદાર્થો પણ હોઈ શકે. પેટમાંના અંદરના અવયવો અને હાથપગની મહત્વની નસો અને ચેતાઓને નુકસાન થયું છે કે નહિ તે જાણવા તથા તેની સારવાર કરવા શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

(4) અંતશ્ચછેદી (incised) ઘાવ : ચપ્પુ અથવા કાચ જેવા તીક્ષ્ણ ધારવાળા પદાર્થોથી થતી ઈજામાં ઘાવની આસપાસની પેશીને ઘણું જ ઓછું નુકસાન થાય છે. શસ્ત્રક્રિયા વખતની ઈજા પણ આ પ્રકારની જ છે. ઘાવને શુદ્ધ કરી અંદરનાં ચેતા, નસો તથા સ્નાયુઓને સ્તર પ્રમાણે સાંધી ટાંકા લેવામાં આવે છે.

(5) ચકામાંચીરાવાળા ઘાવ (CLW) : ઔદ્યોગિક તથા વાહન-વ્યવહારના અકસ્માતની ઈજામાં થતા ઘાવની કિનારીઓ વાંકીચૂકી હોય છે. તેમાં સામાન્યત: જીવાણુઓનો ચેપ લાગેલો હોય છે. ઘાવને ધ્યાનપૂર્વક સાફ કરી મૃતપેશીને દૂર કરી નસો તથા ચેતા જેવાં અંદરનાં ઉપાંગોને જોડીને એક પછી એક સ્તરને સાંધવામાં આવે છે.

(6) ઘણી મૃતપેશીવાળા અને ચેપગ્રસ્ત ચકામાંચીરાવાળા ઘાવ : ઈજાથી પેશીને થયેલા નુકસાનનું પ્રમાણ ઘણું હોવાથી તથા પેશીનો સોજો હોવાથી મૃત અને જીવંત પેશીને અલગ પાડવી અઘરી પડે છે. શક્ય હોય તેટલી બધી જ મૃતપેશીઓને તથા બાહ્ય પદાર્થોને દૂર કરવામાં આવે છે. સ્નાયુબંધ અને ચેતાઓને સાંધવામાં આવતાં નથી. હાડકામાંનો ચેપ દૂર કરવામાં આવે છે, પરંતુ તેમનું સામાન્યત: અંત:સ્થગિતીકરણ (internal fixation) કરવામાં આવતું નથી, મહત્વની નસોને સાંધવામાં આવે છે. તૂટેલા હાડકાને સ્થગિત કરવા બહારથી પ્લાસ્ટરપટ્ટાનો ઉપયોગ કરાય છે. લગભગ 4થી 7 દિવસે જો ઘાવમાં તંદુરસ્ત દાણાદાર પેશી હોય તો ટાંકા લઈ ઘાવની કિનારોને સાંધવામાં આવે છે. ક્યારેક ત્વચાનિરોપ(grafting)ની જરૂર પડે છે. ચેતા અને સ્નાયુબંધને 4-6 અઠવાડિયે સાંધવામાં આવે છે.

(7) અર્ધઉન્મૂલિત પેશીપટ્ટો (avulsed flap) : આ પ્રકારની ઈજામાં ચીરો પેશીની નીચેથી પસાર થાય છે, જેથી પેશીનો એક પટ્ટો નીચલી પેશીથી અડધો ઊખડી જાય છે. તેનાથી ઘણો ખરાબ દેખાવ ઉત્પન્ન થાય છે. ઘાવને સંપૂર્ણપણે શુદ્ધ કરી નાના પેશીપટ્ટાને કાપીને દૂર કરી શકાય છે. જો પેશીપટ્ટો મોટો હોય તો તેની કિનારીઓને કાપીને સરખી કરાય છે. નીચલાં ઉપાંગોની જરૂરી સારવાર કરી કાપેલી કિનારીઓને સાંધવામાં આવે છે. પેશીપટ્ટો જીવંત રહેશે કે કેમ એવી આશંકા હોય તો ઘાવને ખુલ્લો રાખવામાં આવે છે.

(8) ઉન્મૂલન (avulsion) : પેશીનો કોઈ ભાગ કપાઈ કે ચિરાઈને પૂરેપૂરો ઊખડી જાય ત્યારે ઉન્મૂલન ઘાવ બને છે. જો તે ચેપરહિત હોય તો બિનજરૂરી મૃતપેશી દૂર કરીને ત્વચાનિરોપ કરવામાં આવે છે. સખત ચગદાયેલી (crushed) અને ચેપગ્રસ્ત પેશીને દૂર કરી આસપાસની પેશીના સ્તરો અને ચામડીને સ્તર પ્રમાણે ટાંકા લઈ સાંધવામાં આવે છે. ક્યારેક ત્વચાનિરોપ, સ્થાનિક પેશીપટ્ટો (tissue flap), સ્નાયુપટ્ટો અથવા દૂરનો પેશીપટ્ટો વાપરીને પણ ઘાવને ઢાંકવામાં આવે છે. પેશીપટ્ટો ખુલ્લા થઈ ગયેલા અવયવ કે હાડકાં, ચેતા, સાંધા કે સ્નાયુબંધ જેવાં મહત્વનાં ઉપાંગોને ઢાંકવામાં ઉપયોગી છે. તેના વડે દેખાવ સુધારી શકાય છે તથા અંગ અને ઉપાંગનું કાર્ય પણ જાળવી શકાય છે.

મૃતપેશી ઉચ્છેદન (debridement) : તે બે પ્રકારનાં છે : (1) જલગતિજન્ય (hydrodynamic) અને (2) યાંત્રિક (mechanical). બંને પ્રકારો વપરાશમાં છે. જલદ પ્રતિનિરોધક ચેપ (strong antiseptic) ઔષધોનો ઉપયોગ કરી ઘાવની કિનારીને સાફ કરવામાં આવે છે. ઘાવને સેલાઇન અને મંદ ડિટર્જન્ટ વડે સાફ કરાય છે. બાહ્ય પદાર્થો અને મૃતપેશીને કાપીને દૂર કરવામાં આવે છે. વાંકીચૂકી અને ચિરાયેલી કિનારીઓને કાપી કાઢવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ઘણો સમય લેતી હોવા છતાં ચીવટપૂર્વક કરેલી આ પ્રક્રિયા જલદી રૂઝ લાવવામાં ઘણી ઉપયોગી છે.

માથાની ઈજા : ખોપરીમાં અસ્થિભંગ થયો હોય કે નહિ પણ ખોપરીની અંદરના અવયવોને ઈજા પહોંચી શકે છે. મગજને અસર કરતી આ ઈજાઓથી મગજ પર મસ્તિષ્કક્ષોભ (concussion), ચકામાં (contusions) કે ચીરા (lacerations) થાય અથવા ર્દઢ તાનિકાની બહાર કે નીચે તેમજ મગજની અંદર લોહી વહીને જામી જવાથી મગજ ઉપર દબાણ કરતો રુધિરગુલ્મ (haematoma) થાય. આવી ઈજાઓથી સભાન અવસ્થામાં વિક્ષેપ પડે, નાક કે કાનમાંથી લોહી અથવા મસ્તિષ્ક-મેરુરજ્જુ તરલ (CSF) વહે, ખોપરીનાં હાડકાં તૂટે, ખેંચ આવે, ચેતાતંત્રના કાર્યમાં વિક્ષેપ થવાથી અંગ-ઉપાંગનો લકવો થાય, ખોપરીની અંદર દબાણ વધતાં શિરદર્દ અને ઊલટીઓ થાય તથા કીકીના માપમાં પણ ક્યારેક વધઘટ થાય છે. ક્યારેક ટૂંકા સમય માટે સભાનતા પાછી આવે અને ફરીથી પાછો દર્દી બેભાન થાય તેવું પણ બને. સામાન્યત: આરંભમાં મગજને ઈજા થતી હોય છે. સમય જતાં ખોપરીમાં લોહી વહે અને ખોપરીની અંદરનું દબાણ વધે તો તેના વિકારો પણ ઉત્પન્ન થાય છે. ખોપરીમાં દબાણ વધતાં મોટું મગજ અથવા લંબમજ્જા (medulla oblongata) નીચેની તરફ કાણામાં ઊતરી જાય છે. આ અતિગંભીર સ્થિતિ ગણાય. સારવાર રૂપે દર્દીની હાલતનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે. તેનાં નાડી, લોહીનું દબાણ, શ્વસનદર, શરીરનું તાપમાન, કીકીનું માપ તથા તેની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (reflexes) વગેરે સતત નોંધવામાં આવે છે; ચેતાતંત્રની વખતોવખત તપાસ કરવામાં આવે છે, ખોપરીનાં ઍક્સ-રે અને સી.ટી. સ્કૅન કરવામાં આવે છે, જરૂર પડ્યે ધમની-ચિત્રણ (arteriography) કરાય છે. ચેપ તથા મગજ પરનું દબાણ વધતું અટકાવવા ઍન્ટિબાયૉટિક ઔષધો અને સ્ટિરૉઇડ ઔષધો પણ અપાય છે. મગજ પર વધતું જતું દબાણ દૂર કરવા શસ્ત્રક્રિયા પણ કરાય છે. શસ્ત્રક્રિયા દ્વારા મુખ્યત્વે કર્પરી-છિદ્રણ (craniotomy) કરાય છે, અસ્થિભંગથી અસર પામેલો હાડકાનો ટુકડો યથાસ્થાને ગોઠવાય છે તથા લોહીના જામેલા ગઠ્ઠાને શોષી લેવાય છે. ઈજા પછી લાંબા સમયની અપંગતા, ખેંચ(આંચકી)નો રોગ તથા મૃત્યુનો ભય રહે છે. ખેંચની તકલીફ ઊભી થાય તો આંચકીરોધી ઔષધો અપાય છે. (જુઓ ‘અપસ્માર અને આંચકી’.)

ચહેરાની ઈજાઓ : હાડકાના ઊપસેલા ભાગ પર જો ચકામું, સોજો અથવા ઉઝરડા હોય તો હાડકાને ઈજા થઈ હોય તેવી શક્યતા રહે છે. આંખની આસપાસનાં હાડકાંની ઈજામાં આંખની નેત્રકલા-(conjunctiva)ની નીચે લોહી જામી જાય છે. ક્યારેક નાક અને મોંમાંથી લોહી નીકળે છે. જડબાના અસ્થિભંગને કારણે મોઢું બંધ કરતાં કે ઉઘાડતાં તકલીફ પડે છે તથા બંધ મોંમાં ઉપર-નીચેના દાંત બરાબર બંધબેસતા આવતા નથી. આંખના ડોળાની આસપાસના હાડકાની ઈજાને કારણે ઘણી વખત આંખ ત્રાંસી થઈ જાય છે કે બેવડું દેખાય એમ બને છે. સ્થાનિક સ્પર્શવેદના (tenderness) અને તરતનું થયેલું બેડોળપણું ક્યારેક અસ્થિભંગ સૂચવે છે. થોડા સમય પછી ચહેરા પર ઘણો સોજો આવી જાય છે. ક્યારેક સાથે સાથે ખોપરીનાં હાડકાંને કે ખોપરીની અંદરનાં ઉપાંગોને ઈજા થઈ હોય. સૌથી મહત્વની નિદાનલક્ષી તપાસ ઍક્સરે છે. સારવાર અર્થે સૌપ્રથમ શ્વસનમાર્ગને ખુલ્લો રાખવાની ક્રિયાઓ કરવી પડે છે અને લોહી વહી જવાથી થતા આઘાતને રોકવાનાં પગલાં લેવાં પડે છે. પછી અનુકૂળતા થતાં તૂટેલું હાડકું યથાસ્થાને બેસાડાય છે.

છાતીની ઈજા : છાતીની ઈજાને કારણે ક્યારેક અંદર હવા ભરાય છે, વાતવક્ષ (pneumothorax) થાય છે. ક્યારેક છાતીનો કોઈ ભાગ શ્વસન સમયે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ક્યારેક પરિફેફસી(pleura)ના પોલાણમાં લોહી ભરાય છે તો ક્યારેક શ્વાસનળી, અન્નનળી, મહત્વની નસો કે હૃદયને ઈજા પહોંચે છે. ક્યારેક પરિહૃદ્-કલા(pericardium)ના પોલાણમાં લોહી ભરાય છે અને તે હૃદયના કાર્યમાં વિક્ષેપ કરે છે. યોગ્ય નિદાનલક્ષી તપાસ સારવાર માટે તે ઉપયોગી છે. શ્વાસ લેવા-મૂકવામાં મુશ્કેલી થવી, ગળફામાં લોહી પડવું, શરીર ભૂરું પડવું, છાતીની ચામડી નીચે અને મધ્યવક્ષ(mediastinum)માં હવા ભરાઈ જવી, પાંસળીઓ તૂટી જવી, હૃદયના કાર્યમાં વિક્ષેપ થવાથી નાડી અને લોહીના દબાણમાં વિકાર સર્જાવો, આઘાત લાગવો, છાતીમાં સખત દુખાવો થવો વગેરે ચિહનો-લક્ષણો નિદાનમાં મદદરૂપ છે. છાતીનું ઍક્સ-રે ઉપર જણાવેલ તકલીફો સમજવા માટે ઉપયોગી નીવડે છે. જરૂર પડ્યે હૃદ્-વીજાલેખ (ECG) લેવો પડે છે તથા પરિફેફસી કે પરિહૃદ્-કલાના પોલાણમાંથી સોય વડે હવા કે લોહી શોષી લેવાય છે. શ્વસનમાર્ગને ખુલ્લો રાખવા માટે પ્રયત્નો કરાય છે. શ્વાસનળી, અન્નનળી કે મહત્વની નસોને ઈજા થઈ હોય તો શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. પાંસળીના પાંજરાને ઈજા થઈ હોય તો તેને સાધનો વડે સ્થિર કરી દર્દીને સમયાંતરિત વિધાયક દબાણવાળી શ્વસનક્રિયા (intermittent positive pressure respiration) કરાવાય છે.

પેટની ઈજા : પેટ વીંધીને અંદર થયેલી (અંત:પ્રવેશી) ઈજા કરતાં બુઠ્ઠા સાધનથી થયેલી ઈજા વધુ જોખમી અને નિદાનની ર્દષ્ટિએ વધુ મુશ્કેલ હોય છે. ઘણી વખત બરોળ, યકૃત, મૂત્રપિંડ તથા આંતરડાને ઈજા થાય છે. ક્યારેક અન્ય અવયવો અને નસો પણ ઈજાગ્રસ્ત બને છે. ધ્યાનપૂર્વકની પૂછપરછ અને તપાસ નિદાન માટે ઉપયોગી છે. પેટમાં પીડા, ખભા, છાતી, પીઠ કે શુક્રપિંડ સુધી વિસ્તરતી બીજાં અંગોની આનુષંગિક પીડા (referred pain), પેટ ફૂલી જવું, ઊલટી થવી, ઊલટીમાં લોહી પડવું, પેશાબ અટકવો, લોહીનું દબાણ ઘટવું, સ્પર્શવેદના અને સ્નાયુની અક્કડતા (rigidity), આંતરડાની લહરગતિ અટકવી (peristalsis) વગેરે ચિહનો અને લક્ષણો પેટની અંદરના અવયવોને થયેલી ઈજા દર્શાવે છે. ક્યારેક આવાં ચિહનો કલાકો સુધી દેખાતાં પણ નથી. ઍક્સ-રે અને જરૂર પડ્યે ઉદરચ્છેદન(laprotomy)ની શસ્ત્રક્રિયા નિદાન માટે જરૂરી બને છે. લોહીના શ્વેતકોષોનો વધારો, હીમોગ્લોબિનમાં ઘટાડો, લોહીમાં એમાયલેઝના પ્રમાણમાં વધારો, પેશાબમાં લોહી જવું, નાકજઠરી નળી દ્વારા જઠરમાંથી લોહી શોષાવું વગેરે ઈજાગ્રસ્ત અવયવને શોધી કાઢવામાં ઉપયોગી છે. ઍક્સ-રે અસ્થિભંગ અને આંતરડાના કાર્યમાંનો અવરોધ દર્શાવી શકે છે. પરિતનગુહામાંનું લોહી શોષી લેવાથી પણ નિદાન માટે ઉપયોગી માહિતી મળે છે. ક્યારેક સી.ટી. સ્કૅન, ધમનીચિત્રણ તથા અલ્ટ્રાસોનૉગ્રાફીની તપાસો પણ ઉપયોગી માહિતી આપે છે. દર્દી બહારથી સાજો લાગે તેવા શંકાસ્પદ સ્થિર સ્થિતિવાળાને ક્યારેક દાક્તર ધ્યાનપૂર્વક નિરીક્ષણ હેઠળ રાખે છે. આઘાત થતો રોકવા માટે અને તેની સારવાર માટે નસ વાટે જરૂરી પ્રવાહી અને લોહી અપાય છે. વિશાળ કાર્યક્ષેત્રવાળાં ઍન્ટિબાયૉટિક ઔષધો પણ અપાય છે. જરૂર પડ્યે શસ્ત્રક્રિયા દ્વારા દરેક અવયવને તપાસી, ટાંકા લઈને કે મૃતપેશીને દૂર કરીને ઈજાગ્રસ્ત અવયવની સારવાર અપાય છે.

દાહ : દાહને કારણે પેશીનો કોષનાશ (necrosis) થાય છે અને તે ઓગળીને ગઠ્ઠારૂપ (coagulated) બની જાય છે. જ્વાળા કે ગરમ વસ્તુ જેવી ‘સુક્કી’ ગરમી; ગરમ પ્રવાહી કે વરાળ જેવી ‘ભીની’ ગરમી; વીજળી, રસાયણો, ઘર્ષણ, વિકિરણ (radiation) કે સૂર્યનાં કિરણો દાહજનક હોય છે. અન્ય ઈજાઓની માફક દાઝવા-દઝાડવાની ક્રિયા આકસ્મિક અથવા ઇરાદાપૂર્વકની હોઈ શકે.

દાહના પ્રમાણનું નિર્ધારણ ; દર્દીના સમગ્ર શરીરનું તથા દાઝવાથી લાગેલા ઘાવનું નિરીક્ષણ અને તેના વિસ્તારનું નિર્ધારણ કરવું જરૂરી છે. દર્દીની સભાન-અવસ્થા, તેની બેચેની (restlessness), નાડીના ધબકારા, શ્વસનદર, લોહીનું દબાણ, ઉપલા શ્વસનમાર્ગને ધુમાડાથી થયેલી ઈજા, ચામડીનો રંગ, ઊબકા, દાઝવા સાથે થયેલી અન્ય ઈજાઓ – આ સર્વે બાબતોની નોંધ લેવામાં આવે છે.

સમગ્ર શરીરની તપાસની જેમ દાઝેલા ભાગનું નિરીક્ષણ કરવું પડે છે. દાહના ઊંડાણને માપી દાહની ત્રણ કક્ષાઓ નક્કી કરવામાં આવે છે. (આકૃતિ 1)

આકૃતિ 1 : દાહના ઊંડાણ પ્રમાણે તેનું વર્ગીકરણ

પ્રથમ કક્ષાના દાહમાં ફક્ત ચામડીનું ઉપલું પડ (અધિત્વચા, epidermis) અસરગ્રસ્ત બને છે. જ્યારે આળી ચામડી (dermis) અસરગ્રસ્ત થઈ હોય તો તે દાહની ત્રીજી કક્ષા ગણાય છે. અધિત્વચા ઉપરાંત ત્વચાનો અમુક ભાગ દાહની અસર પામ્યો હોય તો તેને દાહની બીજી કક્ષા કહેવાય છે. ચામડીની નીચેની પેશીનું દહન થાય ત્યારે તેને ક્યારેક ચોથી કક્ષાનો દાહ કહે છે. ક્યારેક આવા પ્રકારનું નિદાન મુશ્કેલ પણ બને છે : (જુઓ  સારણી 1.)

સારણી 1 : દાહની કક્ષાઓ

કક્ષા પ્રથમ બીજી ત્રીજી
1. રંગ અને
દેખાવ
ગુલાબી અથવા લાલ ગુલાબી, લાલ અથવા સફેદ. સફેદ, છીંકણી અથવા બળેલી ગઠ્ઠારૂપ થયેલી નસો.
2. ફોલ્લા ન હોય. ફોલ્લા થાય, ફૂટેલા ફોલ્લામાંથી પ્રવાહી ઝમે. ન હોય.
3. ટાંકણી ભોંકા-વાની સંવેદના હોય. શરૂમાં હોય, પેશીનો સોજો આવે તો ન હોય. ન હોય, પરંતુ દબાણની
સંવેદના હોય.
4. ઘાવનું સ્થાન ચામડીના સ્તરે ચામડીથી ઉપર
ઊપસેલું.
ઘણી વખત ચામડીથી નીચે ઊતરી ગયેલું.
5. કારણ તેજસ્વી સૂર્ય-પ્રકાશ અથવા અતિશય ગરમી. અગ્નિની જ્વાળા કે ગરમ પાણીનો ટૂંકા સમયનો લપકારો, કપડાં બળ્યાં ન હોય. અગ્નિની જ્વાળાની અંદર પહેરેલાં કપડાં બળ્યાં હોય, ગરમ પાણીમાં ઝબોળાયાં હોય.

આકૃતિ 2 : શરીરના જુદા જુદા ભાગની ચામડીનું ક્ષેત્રફળ દર્શાવતી આકૃતિ. આંકડા કુલ ક્ષેત્રફળના ટકા (%) દર્શાવે છે

સારણી 2 : દાહવિસ્તારની ગણતરી માટે9નો નિયમ

શરીરનો ભાગ સપાટીનો વિસ્તાર
ગળું તથા માથું 9 %
એક હાથ 9 %
એક પગ 18 %
છાતી અને પેટ 18 %
પીઠ અને કમર 18 %
ગુદા અને મૂત્રમાર્ગ આસપાસની જગ્યા 1 %

સ્પર્શથી થતો દાહ વસ્તુ કેટલી ગરમ છે અને સ્પર્શનો સમય કેટલો છે તેના પર આધાર રાખે છે. વિદ્યુતજન્ય અને રાસાયણિક દાહમાં દાહની કક્ષા હંમેશાં દાહથી થયેલા નુકસાનની દ્યોતક હોતી નથી. દાહની કક્ષા ઉપરાંત દાહ કેટલો વ્યાપક છે અને તેનાથી ચામડીની કેટલા ટકા સપાટી અસરગ્રસ્ત થઈ છે તે પણ નોંધવું જોઈએ. ચામડીનો કેટલો ભાગ અસરગ્રસ્ત થયો છે તે પ્રથમ ‘9’ના નિયમને આધારે જાણી શકાય છે. (સારણી 2) ત્યારબાદ વ્યવસ્થિત ગણતરી કરી દાહનો વિસ્તાર નક્કી કરાય છે. જોકે બાળકો માટે આ નિયમમાં થોડા ફેરફારો કરવા જરૂરી બને છે.

સામાન્ય રતાશ તથા ફોલ્લા (blisters) ઉપરછલ્લા દાહનાં સૂચક છે. ચામડીના ઉપલા પડને નુકસાન થાય ત્યારે તેની નીચેની ગુલાબી અને જીવંત ચામડી દેખાય છે. આળી ચામડી બળી ગઈ હોય ત્યારે નીચેની ગંઠાઈ ગયેલી ગાઢી છીંકણી રંગની, ચામડા જેવી, નસો તથા પેશી જોવા મળે છે. ઉપરછલ્લા દાહમાં શોથની પ્રક્રિયા જોવા મળે છે, જ્યારે ઊંડા દાહમાં ચામડીના સ્તરથી નીચે ઊતરેલી ગંઠાયેલી, સંકોચાયેલી, બળેલી પેશી જોવા મળે છે. આસપાસની સામાન્ય ચામડીમાં શોથજન્ય સોજો થવાથી તે ભાગ ઊપસી આવે છે. પીડાની સંવેદના ઝીલતા ચેતાના પાદાંતો (foot ends of nerves) ચામડીમાં હોય છે. ચામડીના તમામ સ્તરને બાળી નાખતા દાહમાં ચેતાના આ છેડાઓ પણ બળી જાય છે તેથી ત્રીજી કક્ષાના દાહમાં ટાંકણી મારવાથી થતી પીડાની સંવેદના અનુભવાતી નથી; જોકે આ તપાસ માટે દર્દીનું સહાયક વલણ જરૂરી છે. સોજો આવે પછી બીજી કક્ષાના દાહમાં પણ ટાંકણી મારવાથી પીડા થતી નથી. આલ્બ્યુમિન સાથે જોડાયેલા કેટલાક અભિવર્ણકો (dyes) (દા. ત., ડાઇસલ્ફાઇન બ્લ્યુ અને કીટોનફાસ્ટ ગ્રીન)નાં ઇન્જેક્શન દ્વારા બળેલા ભાગમાં જીવંત પેશી કઈ અને કેટલી છે તે જાણી શકાય છે. તેવી રીતે અધોરક્ત ઉષ્ણતાલેખન (infra-red  thermography) પણ ક્યારેક ઉપયોગી થાય છે. સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આ તપાસણી ઉપયોગમાં આવતી નથી.

પ્રથમોપચાર : વ્યક્તિને સૌપ્રથમ આગના સ્થળેથી દૂર લઈ જવાય છે. આગમાં લપેટાયેલ વ્યક્તિએ જમીન પર આળોટવું જોઈએ, જેથી આગ બુઝાઈ જાય. પ્રથમોપચાર રૂપે દાહ પર તરત ઠંડું પાણી રેડવું જરૂરી ગણાય છે. તેમ કરવાથી ગરમીથી થતું પેશીનું નુકસાન ઘટે છે. દુખાવાના શમન માટે પીડાનાશક અને ઘેનપ્રેરક (sedatives) ઔષધો અપાય છે. દાઝ્યાના ઘાવ પર રંગીન તથા પાણીમાં અદ્રાવ્ય મલમ લગાવવાનો તથા દાઝ્યાના ઘણા મોટા ઘાવને સાફ કરવાનો પ્રયત્ન ન થાય તે હિતાવહ છે. ધુમાડાને કારણે ગૂંગળામણ થાય તો દર્દીને તે સ્થળથી દૂર લઈ જઈને કૃત્રિમ શ્વસન અપાય છે. રસાયણોથી દઝાયેલી જગ્યાને પુષ્કળ પ્રમાણમાં પાણી રેડીને સાફ કરાય છે. વિદ્યુતદાહવાળી વ્યક્તિને સૌપ્રથમ વીજળીના તારથી દૂર કરવી જોઈએ. દાહના દર્દીને ધનુર્વાની વિષાભ રસી (tetanus toxoid) તથા ઍન્ટિબાયૉટિક દવાઓ અપાય છે.

હૉસ્પિટલમાં સારવાર : જરૂર પડ્યે દર્દીને હૉસ્પિટલમાં ખસેડાય છે. ઘરમાં વ્યવસ્થા ન હોય, કાયદાકીય કારણો હોય, પુખ્ત વયના દર્દીના શરીરની 15 % સપાટી તથા બાળકની 10 % સપાટી દાહથી અસરગ્રસ્ત હોય, 2 %થી વધુ સપાટીમાં ઊંડા દાહ હોય; મોં, માથા, હાથ, ગુદા અને મૂત્રમાર્ગની વચ્ચેની જગ્યા તથા શ્વસનમાર્ગનો દાહ થયો હોય તથા વિદ્યુતજન્ય, રાસાયણિક કે ઘર્ષણજન્ય દાહ થયો હોય તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરાય છે. વિદ્યુત, રસાયણો અને ઘર્ષણથી થતો દાહ બહારથી દેખાય તે કરતાં ઘણા વધુ પ્રમાણમાં અંદરની પેશીને નુકસાન કરે છે. વળી દર્દી આઘાતની સ્થિતિમાં આવી જાય કે તેવી શક્યતા ઊભી થાય ત્યારે નસ વાટે જરૂરિયાત મુજબ પ્રવાહી આપવાનું શરૂ કરીને તેવા દર્દીને પણ હૉસ્પિટલમાં ખસેડાય છે.

હૉસ્પિટલના બહારના દર્દીઓના વિભાગ(OPD)માં બધા દર્દીઓના પ્રથમ કક્ષાના દાહની, 15 %થી ઓછા દાહવિસ્તારવાળા પુખ્ત વયના દર્દીના અને 10 %થી ઓછા દાહવિસ્તારવાળાં બાળકોના દ્વિતીય કક્ષાના દાહની અને 2 %થી ઓછા દાહવિસ્તારવાળા ત્રીજી કક્ષાના દાહની સારવાર કરાય છે. તેમાં પ્રથમોપચારમાં દર્શાવેલ ક્રિયાઓ અને ઔષધોનો ઉપયોગ થાય છે. સાવચેતીપૂર્વક ઘાવને સાફ કરી ઍન્ટિબાયૉટિકને મલમ લગાવી, ચોંટી ન જાય તેવા પાટાથી ઘાવને ઢાંકવામાં આવે છે. દર્દીએ દાઝેલા અંગને કેમ રાખવું અને તેનું કેવું હલનચલન કરવું તે સમજાવાય છે. પાછળથી યોગ્ય સમયે ત્રીજી કક્ષાના દાહના ઘાવ પર શરીરના અન્ય ભાગની ચામડી લઈને તેનો નિરોપ કરવામાં આવે છે. હૉસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે આવશ્યક છે. કોષ્ટક (formula) પ્રમાણે પ્રવાહીની જરૂરિયાત ગણી જરૂરી પ્રવાહી નસ વાટે ચઢાવાય છે. પાર્કલૅન્ડનું કોષ્ટક તે માટે પ્રચલિત છે. પાર્કલૅન્ડના કોષ્ટક પ્રમાણે દર્દીની પ્રવાહીની 24 કલાકની જરૂરિયાત (મિલી.) ગણી કાઢવા તેના વજન(કિગ્રા.)ને દાહવિસ્તારના ટકા વડે તથા 4 વડે ગુણવામાં આવે છે. અર્ધા ભાગનું પ્રવાહી પ્રથમ 8 કલાકમાં જ આપી દેવાય છે, જ્યારે બાકીનું પ્રવાહી બાકીના 16 કલાકમાં ચઢાવાય છે. જોકે વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે આમાં ફેરફાર કરાય છે. બીજા દિવસથી કલિલ (colloids) પદાર્થોવાળા પ્રવાહી તથા લોહી/પ્લાઝ્મા પણ અપાય છે. પેશાબમાર્ગમાં નળી મૂકી દિવસ દરમિયાન બનતા પેશાબનું પ્રમાણ ગણી કઢાય છે. પ્રથમ બે દિવસોમાં પેશાબનું પ્રમાણ દર કલાકે જાણવામાં આવે છે. તેવી જ રીતે ખોરાક પૂરો પાડવા જરૂર પડ્યે નાક-જઠરી નળી નાખીને શરૂઆતમાં તેના વડે જઠરનું પ્રવાહી ખેંચી કઢાય છે તથા પાછળથી તેના દ્વારા ખોરાક આપી શકાય છે. લોહીની તપાસ દ્વારા ચેપ અને ચયાપચયી વિકારોની સ્થિતિ જાણવામાં આવે છે. પીડાનાશકો, ઘેનપ્રેરકો તથા ઍન્ટિબાયૉટિક ઔષધો અપાય છે. પોષણ માટે વધુ કૅલરીવાળો, વધુ પ્રોટીનવાળો તથા પૂરતા ધાતુક્ષારો અને વિટામિનવાળો આહાર અપાય છે. દાહનો ઘાવ સામાન્યત: ચેપ વગરનો હોય છે. તેને ચેપરહિત રાખવા સ્થાનિક સારવાર અપાય છે. જુદી જુદી વ્યક્તિઓમાં અને જુદી જુદી જગ્યાના દાહની સારવારમાં થોડોઘણો ફેરફાર રહે છે. જરૂર પડ્યે દર્દીને ઘેનમાં રાખી ક્લોરહેક્ઝિડિન, સલાઇન કે ચેપરહિત પ્રવાહીથી ઘાવ સાફ કરવામાં આવે છે. ફોલ્લા ફોડીને ચેપનાશક પાઉડર, મલમ કે પ્રવાહી લગાવવામાં આવે છે. ત્યારબાદ ઘાવને ખુલ્લો રાખવામાં આવે છે અથવા ચોંટી ન જાય તેવા વૅસેલાઇન ગૉઝ મૂકી પાટાથી ઢાંકી દેવામાં આવે છે. પાટો 3થી 4 દિવસે બદલવામાં આવે છે. પાટાપિંડી વખતે ચેપ ન લાગી જાય તે ખાસ જોવામાં આવે છે. અડધી ઊંડાઈમાં દાહના ઘા 10થી 25 દિવસમાં રુઝાય છે. રુઝાવાની ક્રિયાને ઝડપી કરવાનાં કોઈ પદ્ધતિ કે ઔષધ શોધાયાં નથી. ચેપ રુઝાવાની ક્રિયાને અવરોધે છે. ઉપલા પડના દાહમાં મૃતપેશી પોપડી(slough)ના રૂપે છૂટી પડે છે. દાહના ઊંડા ઘાવમાં યુસોલ (Eusol) કે સલાઇન વડે મૃતપેશીની પોપડી છૂટી પાડવા પ્રયત્ન કરાય છે. મૃતપેશીની પોપડીને કાપીને નીચેની દાણાદાર પેશી પર જો વિસ્તાર મોટો હોય તો ચામડીનો નિરોપ કરવામાં આવે છે. જો ઘાવમાં ચેપ હોય તો ત્યાંના જીવાણુઓનું વર્ધન કરી ઍન્ટિબાયૉટિક ઔષધોની તેમના પરની અસરકારકતા ચકાસવામાં આવે છે.

ત્વચાનિરોપ : નિરોપણ માટે ‘સ્પ્લિટ થિકનેસ’ (ઊભા કાપા મૂકેલો) નિરોપ વપરાય છે. ઊભા કાપા મૂકવાથી નિરોપ વધુ મોટા ઘાવ પર બિછાવી શકાય છે. નિરોપ માટેની ચામડી સામાન્યત: દર્દીના શરીર પરથી મેળવાય છે. નાના ઘા માટે કાણા પાડેલો નિરોપ ઉપયોગી રહે છે. નિરોપ ક્યારેક અન્ય વ્યક્તિના શરીર પરથી મેળવાય છે. ક્યારેક પ્રાણી(દા. ત., ડુક્કર)ની ચામડીનો ઉપયોગ પણ ટૂંકા ગાળા માટે કરાય છે. દર્દીની ચામડી કે તેના જોડિયા ભાઈ/બહેનોની ચામડીના નિરોપને દર્દીનું શરીર સહેલાઈથી સ્વીકારે છે. આવી જ રીતે ક્યારેક ઓરનું પાતળું પડ (placental membrane), તે ઉપરાંત બટાકાની છાલ, કૃત્રિમ પડદો કે દર્દીની ચામડીના અધિચ્છદ પડને સંવર્ધિત (cultured) કરીને કેટલાંક કેન્દ્રોમાં વાપરવામાં આવે છે. ત્વચાનિરોપનાં પરિણામો વિશે દર્દીને સામાન્ય રીતે પહેલેથી જણાવવું પડે છે. સારવાર પછી ક્યારેક વિવિધ પ્રકારની તકલીફો ઊભી થાય છે.

સારવાર પછી થતી તકલીફો : દાહના પ્રકાર, દર્દીની ઉંમર, દાહનો વિસ્તાર, દાહથી થયેલા પેશીના નુકસાનની ઊંડાઈ, દાહનું સ્થાન, અન્ય ઈજાઓ અને રોગો સારવારની સફળતા પર અસર કરે છે. 30 ટકા દાહવિસ્તારવાળા દર્દીઓમાં તથા 50 વર્ષથી નીચેની ઉંમરના દર્દીઓમાં મૃત્યુદર ઓછો હોય છે. દર્દીની ઉંમર કે દાહવિસ્તાર વધુ હોય તો મૃત્યુદર વધે છે; જેમ કે, 20 વર્ષની ઉંમરના 30 % દાહવિસ્તારવાળા દર્દીઓમાં મૃત્યુદર 13 % જેટલો માલૂમ પડ્યો છે. તે વધીને 90 વર્ષની ઉંમરે 97 % જેટલો થઈ જાય છે. માંદગી કે મૃત્યુ નિપજાવતી મુખ્ય તકલીફોમાં પાણી અને ક્ષારના પ્રમાણના સંતુલનનો અભાવ, ચયાપચયી વિકારો, આઘાત, પાંડુતા, મૂત્રપિંડની નિષ્ફળતા, વિવિધ અવયવોની કાર્યનિષ્ફળતા, દાહથી થતો ફેફસાંનો વિકાર, વિવિધ પ્રકારના ચેપ, જઠરનું એકદમ પહોળું થઈ જવું, હાડકાં અને સાંધાના વિકારો, શય્યાવ્રણ (decubitus ulcer), વ્રણચિહન(scar)થી થતી કદરૂપતા તથા વિષજન્ય તીવ્ર મનોવિકાર (psychosis) વગેરેનો સમાવેશ થાય છે. રૂઝપેશીથી સર્જાતી કદરૂપતા વત્તેઓછે અંશે દરેક દાહના દર્દીમાં જોવા મળે છે. ચામડીના તમામ સ્તર પૂરેપૂરા નાશ પામ્યા હોય તેવા દાહમાં નિરોપની આસપાસ રૂઝપેશી બને છે. રૂઝપેશી હંમેશાં સંકોચાય છે. રૂઝપેશી શરૂઆતમાં સ્પષ્ટપણે જુદી તરી આવતી નથી, પરંતુ તે સમય જતાં લાલ અને કઠણ બને છે અને છેવટે લગભગ 2 વર્ષમાં સફેદ, સપાટ અને મૃદુ બની જાય છે. રૂઝપેશીની અતિવૃદ્ધિ ક્યારેક ઘટે છે અને ક્યારેક ઘટતી નથી. શરૂઆતના સમયમાં ખૂજલી થાય છે. તેને મસાજ અને શામક મલમથી કાબૂમાં લઈ શકાય છે. આ સમયે કોઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તે પછી બનતી રૂઝપેશીની હંમેશાં અતિવૃદ્ધિ (hypertrophy) થાય છે. રૂઝપેશી સ્થિર થાય ત્યારપછી પુનર્રચનાની શસ્ત્રક્રિયા કરી શકાય છે.

પુનર્વાસ : સક્રિય કસરત, સંકોચન ઘટાડવા માટે સ્થગિતીકરણ (splinting), રૂઝપેશીની સારવાર, પુનર્રચનાની શસ્ત્રક્રિયા, વ્યવસાયલક્ષી તાલીમ, માનસિક ટેકો વગેરે વિવિધ પ્રક્રિયાઓ દર્દીના પુનર્વાસ માટે ઉપયોગી છે. રૂઝપેશીની અતિવૃદ્ધિ અટકાવવા ઇલાસ્ટિક કપડાં વડે ઘાવના સ્થાને દબાણ વધારવામાં આવે છે. ભય, ખિન્નતા તથા તીવ્ર મનોવિકારની સ્થિતિ માટે વિશિષ્ટ સારવારની જરૂર પડે છે.

દાહ અટકાવવાના ઉપાયો : રસોડાની યોગ્ય રચના, રસોડામાં કાર્ય કરવાની સાચી પદ્ધતિ, કપડાંની યોગ્ય પસંદગી અને તે પહેરવાની યોગ્ય પદ્ધતિ, ફટાકડા અને વીજળીનાં સાધનો વાપરવામાં ચીવટ, જલદી સળગે નહિ તેવાં કપડાંનો ઉપયોગ, જુદાં જુદાં રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ વગેરે દાઝવાના ભયને ઘટાડવામાં મદદરૂપ થાય છે. માનવનિર્મિત (synthetic) તંતુઓમાંથી બનેલાં કપડાં મોટે ભાગે જલદીથી સળગે છે અને શરીરને ચોંટી જઈ પેશીને ઘણું નુકસાન પહોંચાડે છે. તેમને સ્થાને કુદરતી રેસાવાળાં કપડાંનો ઉપયોગ વધારી શકાય. દહેજને કારણે દાઝવા-બાળવાના ઘણા બનાવો બને છે. સામાજિક સંરક્ષણ અને સુધારા તથા કડક કાયદાકીય જોગવાઈઓ આવા કિસ્સાઓને અટકાવી શકે.

રાસાયણિક દાહ : પ્રયોગશાળાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓમાં સામાન્ય રીતે રાસાયણિક દાહ થાય છે. તેમાં ચામડીને થતી ઈજા સખત ગરમીથી થતી ઈજા જેટલી જ હોય છે; પરંતુ દાહના કેન્દ્રમાં તેનું ઊંડાણ વધુ હોય છે. રસાયણો કોષમાંનું પાણી ખેંચી કાઢે છે અથવા તેમાંનાં પ્રોટીન સાથે સંયોજાય છે. આમ કોષ મરી જાય છે. પુષ્કળ પાણીથી ઘાવને ધોવો એ પ્રથમોપચાર છે. અન્ય રસાયણ દ્વારા દાહકારી રસાયણની અસર મટાડવી (તટસ્થીકરણ કરવું) સામાન્ય રીતે હિતાવહ ગણાતું નથી; કેમ કે, તેવી રાસાયણિક પ્રક્રિયામાં પણ ગરમી ઉત્પન્ન થઈ શકે છે.

વિદ્યુતજન્ય દાહ : તેનાથી થતા ઘાવ ભલે ઉપરછલ્લા હોય, તેમ છતાં અંદરનાં અંગ-ઉપાંગમાં સખત ઈજા પહોંચાડે છે. તેને લીધે ઘણું નુકસાન થવાનો સંભવ છે. વિદ્યુતજન્ય દાહમાં વિદ્યુતપ્રવાહના દેહમાંના પ્રવેશસ્થાને તથા શરીરમાંથી જે સ્થળેથી નીકળીને તે જમીનમાં પ્રવેશે તે નિર્ગમસ્થાને દાહજન્ય ઘાવ જોવા મળે છે. વળી વિદ્યુત-પ્રવાહ જે પેશી, ઉપાંગો કે અવયવોમાં થઈને પસાર થયો હોય તે સર્વેને પણ ઈજા થાય છે, તેથી ઈજા અને પેશીના નુકસાનની તીવ્રતા વિદ્યુતપ્રવાહના વોલ્ટેજ, ઍમ્પિયર અને પ્રકાર પર આધારિત છે. ઑલ્ટરનેટ પ્રવાહ (એ.સી.) વધુ નુકસાનકારક હોય છે. સ્પર્શસ્થાનનો વિસ્તાર અને વિદ્યુત્-અવરોધ, જમીનમાં પ્રવાહ પ્રવેશે તે જગ્યાનો અવરોધ તથા શરીરમાંનો માર્ગ અને વ્યક્તિગત વિશિષ્ટતા પર પણ નુકસાનનું પ્રમાણ અવલંબે છે. આમ, વિદ્યુતપ્રવાહથી સીધેસીધું પેશીને નુકસાન થાય તે ઉપરાંત તેના દ્વારા જો કપડાં કે અન્ય વસ્તુ સળગી ઊઠે તો તે દાઝવાની ક્રિયાથી પણ પેશીને નુકસાન પહોંચે છે. વિદ્યુતપ્રવાહથી થતી ઈજાના વિસ્તારનો કેન્દ્રીય ભાગ બળી ગયેલી પેશીનો હોય છે. તેના મધ્યભાગમાં કોષનાશ (necrosis) થયેલો હોય છે, જ્યારે કિનારીના ભાગમાં અર્ધકોષનાશને લીધે રતાશ ઉત્પન્ન થાય છે. આ સમગ્ર વિસ્તારમાં ચામડીનો પૂરેપૂરો નાશ થયો હોય છે. કેન્દ્રીય ભાગમાં ઊંધા શંકુ આકારે અંદરની પેશીનો નાશ જોવા મળે છે. વિદ્યુતદાહના દર્દીનું પરીક્ષણ અન્ય પ્રકારના દાહના દર્દી જેવું જ થાય છે. આવા દર્દીમાં તરત કે પાછળથી થતો મોતિયો તથા મૂત્રપિંડની નિષ્ફળતા પણ ઘણી વખત જોવા મળે છે. પ્રયોગશાળાની તપાસ માટે હૃદ્-વીજાલેખ (electro cardiogram, ECG), ઍક્સ-રે, લોહીના કોષોનું ગણન, પેશાબમાં માયોગ્લોબિન અને હીમોગ્લોબિનનું પ્રમાણ, ક્ષાર-આયનોનું પ્રમાણ, ઇત્યાદિ ચકાસણીઓ જરૂરી હોય છે. વિદ્યુતદાહની સારવાર અન્ય પ્રકારના દાહની સારવારના સિદ્ધાંતોને આધારે થાય છે.

ઈજાઓ અને દાહનાં તબીબીકાયદાકીય પાસાં : ઈજાગ્રસ્ત વ્યક્તિની તપાસ કરતી વખતે કાયદાકીય જરૂરિયાત પ્રમાણે તબીબે, જો કાયદાકીય અધિકારી દ્વારા પૂછવામાં આવે તો ઈજાનો પ્રકાર, ઘાવનાં માપ, શરીરનો ઈજાગ્રસ્ત ભાગ, ઈજા સાદી છે કે ગંભીર છે તે, કયા સાધનથી થઈ છે તે વગેરે માહિતી આપવી જરૂરી બને છે.  સરળતાથી મટતી, બિનજોખમી અને કાયમી અપંગતા જેનાથી ન થઈ હોય એવી ઈજાને સાદી ઈજા ગણવામાં આવે છે. ઇન્ડિયન પીનલ કોડની 320મી કલમ અનુસાર એક આંખ, એક કાન કે એક અંગ કે સાંધો કાયમી ધોરણે ગુમાવવાં પડે – તે કાયમી ધોરણે કાર્યશીલ ન રહી શકે, મોં કે માથા પર કાયમી કુરૂપતા થાય, દાંત કે હાડકું તૂટે કે તેના સ્થાનેથી ખસી જાય, વ્યક્તિ મરણોન્મુખ થાય, તે સતત દુખાવા સાથે કે તે વિના 20 દિવસ સુધી તેનાં રોજિંદાં કાર્યો ન કરી શકે અથવા તેના શુક્રપિંડ કાપી કાઢ્યા હોય અથવા તેને મહાવ્યથા થઈ હોય તો તેને ગંભીર ઈજા કહે છે. આ સર્વ પ્રકારની સ્થિતિઓને કાયદાકીય રીતે જુદા જુદા સમયે મૂલવવામાં આવેલી છે. ઈજાથી થયેલા ઘાવ ઉપરથી વપરાયેલા હથિયાર અંગે ધારણા કરી શકાય છે; જેમ કે, ધારદાર હથિયાર ચામડી અને પેશીમાં સીધા કાપા મૂકે છે, જ્યારે બુઠ્ઠું હથિયાર ચકામાં-ચીરાવાળા ઘાવ સર્જે છે. હથિયાર એક બાજુ ધારદાર છે કે બંને બાજુ તે પણ જાણી શકાય છે. બંદૂકની ગોળીના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થાને જુદા જુદા પ્રકારના ઘાવ થાય છે. વળી તે ગોળી કેટલે અંતરેથી છૂટી છે અને કઈ અથવા કેવી બંદૂકમાંથી છૂટી છે તે વિશે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ઘાવની સ્થિતિ તથા તેમાં આવતી રૂઝની સ્થિતિ તેમજ અસ્થિભંગ થયો હોય તો તેના રુઝાવાની સ્થિતિ પરથી ઘાવ કેટલા સમય પહેલાં પડ્યો હશે તે વિશે અંદાજ કાઢવામાં આવે છે. ઈજા થયા પછી ટૂંક સમયમાં મૃત્યુ થયું હોય તો તે સામાન્ય રીતે લોહી વહેવાથી, અગત્યના અવયવને ઈજા થવાથી કે આઘાતને કારણે થાય છે. ઈજા બાદ થતી તકલીફોને કારણે સંભવતું મૃત્યુ ઈજા પછી કેટલાક સમયે થાય છે. ઈજા પછી થતા મૃત્યુ અંગે કોઈ સમયગાળો ઇન્ડિયન પીનલ કોડમાં નિશ્ચિત કરાયો નથી. આવું મૃત્યુ, મહત્વના અવયવનો ચેપ, વ્યાપક ફેલાયેલો ચેપ, કોષનાશ, પેશીનાશ (gangrene), ધનુર્વા અથવા અન્ય સ્થળનો મેદ ફેફસાંની નસમાં જામવાથી (મેદ-સ્થાનાંતરતા, fat-embolism) થાય છે. ક્યારેક ઈજાગ્રસ્ત વ્યક્તિની સંભાળમાં બેદરકારી દાખવવામાં આવે તોપણ મૃત્યુ થાય છે. જ્યારે મૃત વ્યક્તિને એકથી વધુ ઈજા થઈ હોય તો કઈ ઈજાને કારણે મૃત્યુ થયું હોઈ શકે તે જાણવું જરૂરી બને છે. મૃત શરીર પરનો ઘાવ તે વ્યક્તિ જીવતી હતી ત્યારે લાગ્યો હતો કે તેના મૃત્યુ પછી, તેને અંગે પણ અંદાજો બાંધી શકાય છે. ઘાવમાંથી લોહી વહીને ગંઠાયું હોય, ઘાવની કિનારીઓ ખેંચાઈને એકબીજીથી દૂર ખસેલી હોય અથવા શોથ અને રૂઝની ક્રિયા શરૂ થયેલી હોય તો તેવો ઘાવ મૃત્યુ પહેલાં થયો હોય એવું તારણ કરાય છે. આવી જ રીતે ઈજાનાં પ્રકાર, સ્થાન, સંખ્યા, દિશા, લંબાઈ-પહોળાઈ-ઊંડાઈ તથા ઈજા જે સ્થળે થઈ હોય ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરવાથી તે ઈજા આકસ્મિક છે કે ઇરાદાપૂર્વકની તે પણ જાણી શકાય છે. આવા પરીક્ષણથી આવી ઈજા પાછળ આત્મહત્યાનો હેતુ હતો કે હત્યાનો તે વિશે પણ ધારણા કરી શકાય છે. દાહથી થતા ઘાવના નિરીક્ષણથી દાહજન્ય ઈજા મૃત્યુ પહેલાં કે મૃત્યુ પછી થઈ છે તે અંગે ધારણા કરી શકાય છે. દાહજન્ય ઘાવના નિરીક્ષણથી દાઝવાનો સમય તથા દાઝવા કે દઝાડવાની ક્રિયા આકસ્મિક હતી કે ઇરાદાપૂર્વકની તે પણ શોધી કાઢી શકાય છે. આમ ઈજા અને દાહજન્ય ઘાવને આધારે તબીબી વિદ્યા કાયદાકીય ક્ષેત્રે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડી શકે છે.

જે. આર. જાજુ

રાજેશ કે. પડીઆ

શિલીન નં. શુક્લ

હરિત દેરાસરી