ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા)

January, 2002

ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા) : ભારતમાં સૌથી જૂનું રમતનું મેદાન (1864) અને દેશનું સૌથી વધુ બેઠકોવાળું (અધિકૃત, 90,000) સ્ટેડિયમ. તે બે માળવાળું છે. 1950માં સ્ટેડિયમનો પાયો નંખાયો હતો. 1951માં યંત્રથી ચાલતું સ્કોરબોર્ડ, હવે વીજળીથી ચલાવાય છે. દોઢ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ તેની પાછળ થયેલું. મોટા સ્ટૅન્ડને ‘રણજી સ્ટૅન્ડ’ નામ આપ્યું છે. તાલીમ માટે અંદર સગવડ કરવામાં આવી છે. 30 લાખના ખર્ચે ક્લબ હાઉસ બંધાયેલું છે. તેમાં બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનની ઑફિસ છે. ઑકલૅન્ડની બહેનોને હસ્તક જગ્યા હતી એટલે ઈડન ગાર્ડન નામ અપાયું. બાદ આ જગ્યા ક્રિકેટ માટે, કૉલકાતા ક્રિકેટ ક્લબ(1792)ને હસ્તક આવી. તેણે 1871માં પરદેશી સાગનું પૅવિલિયન બાંધ્યું. સ્વતંત્રતા પછી આ જગ્યા નૅશનલ સ્પૉર્ટ્સને સોંપાઈ. હાલ તે પશ્ચિમ બંગાળ સરકાર હસ્તક છે. ઈડન ગાર્ડનના મેદાન પર 1934ની પાંચમી જાન્યુઆરીએ ભારત ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટ મૅચ રમ્યું અને આ મેદાન પર રમાયેલી છેલ્લી ટેસ્ટ મૅચ તે 14મી નવેમ્બર, 2011-એ શરૂ થયેલી ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચ છે. જ્યારે પ્રથમ એક દિવસીય મૅચ 1887ની 18મી ફેબ્રુઆરીએ રમાઈ અને છેલ્લી એક દિવસીય મૅચ 3 જાન્યુઆરી, 2013ના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાઈ. ટેસ્ટ અને એક દિવસીય મૅચો ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની કૉલકાતા નાઇટ રાઇડર્સ અને બંગાળની ક્રિકેટ ટીમનું આ મેદાન છે. અહીં 20-20 આંતરરાષ્ટ્રીય મૅચો પણ ખેલાય છે. વિશ્વનું આ સહુથી વિશાળ સ્ટેડિયમ એની આશરે નેવું હજાર પ્રેક્ષકોની સમાવવાની ક્ષમતાને કારણે મેલબૉર્ન સ્ટેડિયમ પછી બીજા સ્થાને આવે છે.

આણંદજી ડોસા