ઇસ્લામ : વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પયગંબરો, રસૂલો, નબીઓ, અવતારો તથા દૂતોને પૃથ્વી ઉપરની દરેક માનવ-વસાહતમાં મોકલ્યા હતા. આ દૂતો સૃષ્ટિના સર્જક અને પાલનહાર એવા એક ઈશ્વરનો, તેના સર્વ ગુણો તથા શક્તિનો પરિચય કરાવતા હતા. આ દૂતો માનવીને સમજાવીને અને જરૂરત પડે તો ડરાવીને પણ ઈશ્વર તથા સત્કાર્યો તરફ આકર્ષતા હતા. ઇસ્લામી પરંપરા મુજબ વિશ્વભરમાં આવા સવા લાખ જેટલા પયગંબરો થઈ ગયા. પ્રાચીન કાળમાં ઇબ્રાહીમ (અબ્રહામ), મૂસા (મૉસિસ) તથા ઈસા (ઈસુ ખિસ્ત) જેવા પયગંબરો થયા. ઈસુના સમયથી આશરે પાંચસો વર્ષ પછી પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) થયા અને જેવી રીતે અગાઉના પયગંબરોમાંથી મૂસાને તોરાહ નામનો ઈશ્વરપ્રેરિત ધર્મગ્રંથ અને ઈસાને ઇન્જિલ (બાઇબલ) પ્રાપ્ત થયું હતું તેવી જ રીતે પયગંબર મુહમ્મદ(સ. અ. વ.)ને કુરાન નામનો પવિત્ર ધર્મગ્રંથ પ્રાપ્ત થયો. ઇસ્લામની ધાર્મિક તથા વૈચારિક માન્યતાઓ અને સિદ્ધાંતોના બે સ્રોત છે : (1) પવિત્ર કુરાન અને (2) હદીસ એટલે પયગંબર સાહેબનાં સુવચનો. કુરાન અને હદીસ અનુસાર ઇસ્લામનો આધાર પાંચ મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે : (1) ઈમાન, (2) નમાજ, (3) રોજા, (4) જકાત, (5) હજ. આમાંથી પ્રથમ ઈમાનનો સંબંધ શ્રદ્ધા સાથે અને બાકીના ચારનો સંબંધ કર્મ સાથે રહેલો છે. ઇસ્લામની મૂળભૂત માન્યતા એ છે કે સમગ્ર સૃષ્ટિનો સર્જક તથા પાલનહાર એક માત્ર ઈશ્વર (અલ્લાહ) છે અને પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) અલ્લાહના આખરી રસૂલ છે. આ માન્યતા અથવા શ્રદ્ધાને ઈમાન કહેવામાં આવે છે. ઈમાનનું એક સૂત્ર આપવામાં આવ્યું છે, જે મૂળ અરબી ભાષામાં આ પ્રમાણે છે : લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ-ઉર-રસૂલુલ્લાહ. [અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી અને મુહમ્મદ (સ. અ. વ.) અલ્લાહના રસૂલ છે.] આ ટૂંકા સૂત્રનો એવો ભાવાર્થ કરવામાં આવ્યો છે કે આ સૃષ્ટિની દરેક વસ્તુ કોઈ પણ કાર્ય કરવા પોતાની રીતે અસમર્થ છે અને ઈશ્વર દરેક કાર્ય કરવા સમર્થ છે માટે માત્ર ઈશ્વરની જ ભક્તિ કરવી જોઈએ અને મુહમ્મદ (સ. અ. વ.) ઈશ્વરના દૂત છે માટે માત્ર તેમનું જ અનુકરણ કરવું જોઈએ.

જે કોઈ માણસ ઈમાનના આ સૂત્રમાં શ્રદ્ધા રાખે તે મુસ્લિમ (ઇસ્લામનો સ્વીકાર કરનાર) અથવા મુમિન (ઈમાનવાળો) કહેવાય. તે માટે (1) દિવસમાં પાંચ વખત નમાજ પઢવી, (2) રમજાન માસના રોજા (અપવાસ) રાખવા, (3) પોતાની વાર્ષિક આવક-બચતમાંથી જકાત આપવી (દાન આપવું) અને (4) સંપત્તિશાળીએ જીવનમાં એક વખત હજ-યાત્રા કરવી એ ફરજિયાત છે. મુસલમાનો માટે પવિત્ર કુરાનના આદેશો અને પયગંબરસાહેબનાં સુવચનોને અનુલક્ષીને જે સર્વાંગી કાયદો ઘડવામાં આવ્યો છે તેને શરિયત કહેવામાં આવે છે. શરિયતના નિયમો બે પ્રકારના છે :

(1) ઈશ્વરી આજ્ઞાઓ;

(2) પયગંબરસાહેબની રીતરસમો (સુન્નતો).

શરિયતમાં બતાવેલી ઈશ્વરી આજ્ઞાઓનું પાલન કરવાનું દરેક મુસલમાન માટે ફરજિયાત હોય છે; દા.ત., નમાજ, રોજા, હજ, જકાત, વારસાની વહેંચણી, માબાપ સાથે સારો વ્યવહાર, વચન-પાલન, સાચું બોલવું, નજરો નીચી રાખવી અને દારૂ, જુગાર, વ્યભિચાર, વ્યાજની આપલેથી બચવું ફરજિયાત છે. શરિયત-કાયદા મુજબ જે કામો કરી શકાય તે હલાલ (permissible) અને જે કામો ન કરી શકાય તે હરામ (unpermissible) કહેવાય છે. શરિયતના બીજા પ્રકારના નિયમોમાં પયગંબરસાહેબની રીત-રસમો(સુન્નતો)નો સમાવેશ થાય છે. આ નિયમો ફરજિયાત નથી; છતાં પયગંબરસાહેબનું અનુકરણ કરવું એવી ઈશ્વરી આજ્ઞા હોઈ, તેમનું અનુસરણ અનિવાર્ય ગણાય છે. આમાં નિકાહ (લગ્ન કરવું), સ્વચ્છતા રાખવી, શરીર ઢાંકવું, પુરુષોએ રેશમી વસ્ત્રો અને સોનાના દાગીના પહેરવા નહિ, શિક્ષણ પ્રાપ્ત કરવું, દીકરીઓનો યોગ્ય ઉછેર કરવો, વિધવા સ્ત્રીઓને પરણાવવી; નાતજાત અને ધર્મના ભેદભાવ વગર ગરીબોને દયા-દાન કરવું; જે તે રાજ્યની આજ્ઞાઓ, શરિયત-કાયદાની વિરુદ્ધ ના હોય તો તેમનું પાલન કરવું, બેસીને ખાવું પીવું તથા હાજતે જવું, પુરુષોએ દાઢી રાખવી અને સ્ત્રી-પુરુષ બંનેએ માથું ઢાંકવું, પર સ્ત્રી-પુરુષે એકાંતમાં મળવું નહિ વગેરે. કુરાનની આજ્ઞાઓ તથા પયગંબરસાહેબની સુન્નતોનો રોજિંદા જીવનમાં અમલ કરવા માટે ધર્મશાસ્ત્ર(Jurisprudauce)ની રચના થઈ હતી. તેને અરબી ભાષામાં ફિકહ કહેવાય છે. પયગંબરસાહેબના અવસાનનાં થોડાં વર્ષો પછી રાજકીય કારણોસર મુસલમાનોમાં બે ભાગ પડી ગયા હતા : એક વર્ગ રૂઢિવાદીઓનો હતો તે સુન્ની-પંથ કહેવાય છે. બીજા વર્ગમાં, પયગંબરસાહેબના ચોથા ખલીફા (અનુગામી) હજરત અલી(રદિ.)ના ટેકેદારો હતા. તે શિયા-પંથી કહેવાયા. આ બંને – સુન્ની તથા શિયા પંથ – ઇસ્લામના પાંચ મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારે છે; પરંતુ કેટલાક પેટા-કાયદાઓ બાબતમાં તે બંને એકબીજાથી જુદા પડે છે.

સુન્નીઓના વર્ગમાં ચાર મહત્વના પેટા વિભાગો અસ્તિત્વ ધરાવે છે. આ પેટા-વિભાગોના સ્થાપકો(ઇમામો)ના નામ ઉપરથી તે ઓળખાય છે. ઇમામ અબૂ હનીફા(અ. 767)ના અનુયાયીઓ હનફી; ઇમામ શાફઈ(અ. )ના અનુયાયીઓ શાફઈ; ઇમામ એહમદ બિન હંબલ(અ. 855)ના અનુયાયીઓ હંબલી; અને ઇમામ મલિક બિન અનસ(અ. 795)ના અનુયાયીઓ મલિકી કહેવાય છે. સુન્નીઓમાં ઉપર્યુક્ત ચારેય ઈમામોને નહિ અનુસરનાર એહલે-હદીસ અથવા ગેરમુકલ્લિદ કહેવાય છે. શિયા-પંથમાં પેટા-વિભાગો ઘણા છે. મહત્વના બે વિભાગો : ઇસ્માઇલી અને ઇશ્ના અશરી કહેવાય છે. ઇસ્લામનો ઉદભવ અરબસ્તાનમાં સાતમા સૈકામાં થયો હતો, પરંતુ તેનો ફેલાવો વિશ્વના દરેક ખંડમાં થયો છે. તેના સ્થાપક અરબ હતા, પરંતુ તેનો સ્વીકાર જગતની બધી પ્રજાઓએ કર્યો છે. આનું કારણ ઇસ્લામે દાખવેલું સમાજ-નવરચનાનું ભગીરથ કામ છે. ઈ. સ. 610માં પયગંબર મુહમ્મદે (સ. અ. વ.) એક ધાર્મિક ક્રાંતિ અને તેની સાથે સામાજિક પરિવર્તનનું નેતૃત્વ લીધું હતું. સાથે સાથે તેમણે મુસલમાનોને ઇસ્લામનો વાણી તથા વર્તન દ્વારા પ્રચાર (તબલીઘ) કરવાની જવાબદારી પણ આપી હતી. ઇસ્લામે સમાજ-નવરચનાનું કાર્ય તબક્કાવાર હાથ ધર્યું હતું.

સૌથી પહેલાં સામાજિક સમાનતાની ભાવના જન્માવી. ઇસ્લામે બતાવ્યું કે બધા મનુષ્યો આદમની ઓલાદ છે અને આદમ માટીના બનેલા હતા. અલ્લાહની નજરમાં એ જ શ્રેષ્ઠ છે, જે સદાચારી છે. આનાથી રંગ, જાતિ, પ્રદેશ, સંપત્તિ, કુટુંબ ઉપર આધારિત ઊંચનીચના ભેદભાવ દૂર થયા. ઇસ્લામે ધર્મમાંથી ધર્મગુરુનું મહત્વ ઘટાડ્યું અને ધાર્મિક પુનરુત્થાનનાં દ્વાર બધાં માટે ખોલી દીધાં. ઇસ્લામે ગુલામી-પ્રથાનાં દૂષણો દૂર કર્યાં. તેમને સમાન અધિકારો આપ્યા. ઇસ્લામે સ્ત્રી-પુરુષને સમાનતા બક્ષી. ઇસ્લામે વારસાની મિલકતમાં સ્ત્રીનો હક નક્કી કરીને, સ્ત્રીની પોતાની મિલકત કે પોતાની કમાણી ઉપરનો અબાધિત અધિકાર ઘોષિત કરીને, તેને આર્થિક સ્વાતંત્ર્ય આપ્યું. લગ્ન માટે પુરુષની જેમ સ્ત્રીની મરજી-ઇચ્છા જાણવાનું ફરજિયાત બનાવ્યું. ઇસ્લામ અગાઉ પુરુષો માટે પત્નીઓની સંખ્યાની કોઈ મર્યાદા ન હતી. ઇસ્લામે કાયદા દ્વારા એકીસાથે ચાર પત્નીઓ રાખી શકાય એવી મર્યાદા મૂકી. પ્રાચીન તથા મધ્યયુગના સમાજમાં પણ લગ્ન બાબતમાં સ્વચ્છંદતા તથા નિર્લજ્જતાની હદ સુધીની સ્વતંત્રતા અસ્તિત્વ ધરાવતી હતી. ઇસ્લામે કોની વચ્ચે લગ્ન ન થઈ શકે એ નક્કી કર્યું અને બીજી તરફ અન્ય કોઈ પણ મુસ્લિમ સાથે લગ્ન કરવાની છૂટ આપીને લગ્ન સરળ કરી નાંખ્યું. પુખ્ત વયે પહોંચ્યા પછી લગ્ન અને વિધવા તથા ત્યક્તાના પુનર્લગ્ન માટે પ્રોત્સાહન આપ્યું. લગ્ન તથા પુનર્લગ્નની જેમ છૂટાછેડાના કાયદાઓને વ્યવહારુ બનાવ્યા હતા. અકારણ અને આવેશમાં અપાતા છૂટાછેડા અટકાવવા માટે તલ્લાક આપવાની સમયબદ્ધ પદ્ધતિ નક્કી કરી. પુરુષની જેમ સ્ત્રીને પણ પતિથી અલગ થવાની રીત નક્કી કરી. વ્યભિચાર તથા બળાત્કાર વિરુદ્ધ સખ્ત કાયદા બનાવ્યા. સ્ત્રીઓ માટે પડદા-પ્રથા દાખલ કરવા છતાં જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં અટકાવી નહિ. ઇસ્લામે ખેતી અને વેપાર અંગેના પણ કાયદાઓ સૂચવ્યા. વ્યાજ ઉપર આધારિત નાણાકીય વ્યવહારને અટકાવીને ગરીબોને શોષણમાંથી મુક્ત કર્યા. આમ ઇસ્લામે કૌટુંબિક તથા સામૂહિક જીવનનાં સર્વ પાસાંઓને આવરી લેતા કાયદાઓ ઘડીને માનવસમાજની નવરચનાનું મહત્વનું કાર્ય પાર પાડ્યું.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી