ઇસ્માઇલી સંપ્રદાય

January, 2002

ઇસ્માઇલી સંપ્રદાય : ઇસ્લામ ધર્મનો શિયાપંથી સંપ્રદાય. ઇસ્લામ ધર્મના બે વિભાગો સુન્ની અને શિયા. ઇસ્માઇલી સંપ્રદાયની ઉત્પત્તિ 1400 વર્ષ પૂર્વે હિજરી સન 11(ઈ. સ. 632)માં હજરતઅલી(અલયહીસલામ)ની ઇમામ તરીકે તખ્તનશીનીથી થઈ. તેનો કાળક્રમે વિકાસ ચાર વિભાગોમાં થયો : (1) અરબસ્તાન અને ઇમામત. ઇસ્માઇલી કોમના પહેલા ઇમામ હ.અલી(અ.)થી 10મા ઇમામ હ. રઝી અબ્દુલ્લાહ (અ.) : ઈ. સ. 840થી ઈ. સ. 881–82. (2) ફાતિમી ખિલાફત યુગ : 11મા ઇમામ હ. મહેંદી (અ.) (ઈ. સ. 881–82)થી 19મા હ. ઇમામ નિઝાર (અ.) (ઈ. સ. 1097). (3) આલમુત અને ઈરાન યુગ : 20મા ઇમામ હ. ઇમામ હાદી(ઈ. સ. 1097)થી 45મા હ. ઇમામ ખલીલુલ્લાહ ઈ. સ. 1817 સુધી. (4) આગાખાન યુગ : 46મા ઇમામ શાહ હસનઅલી આગાખાન પહેલા(ઈ. સ. 1817)થી શાહ કરીમ અલ હુસૈની મૌલાના હાઝર ઇમામ આગાખાન ચોથા(ઈ. સ. 1957)થી ચાલુ.

શિયા અડીદા મુજબ હયાત ઇમામ પોતાની હયાતી દરમિયાન નસ્સ કરી પોતાના ઇમામતના વારસદારની નિમણૂક ફરમાવે છે; જે મુજબ ઇમામની વફાત (મૃત્યુ) બાદ ઇમામતની ધુરા નસ્સ કરેલ વારસદાર ઇમામના હોદ્દા ઉપર બિરાજી સંભાળે છે. નસ્સ એ ધાર્મિક વિધિ મુજબની ઇમામતના વારસદારની અગાઉથી પસંદગી કરવાની પ્રક્રિયા છે . આ ‘નસ્સ’ વખતે ઇમામના અંગત કુટુંબીજન સિવાય કોઈ હાજર રહી શકતું નથી.

ઇસ્માઇલી સંપ્રદાયના છઠ્ઠા ઇમામ હજરત ઇમામ ઇસ્માઇલ(અ.)ના ઇમામતકાળ ઈ. સ. 765થી 775 દરમિયાન તેમનો નિવાસ સલમિયામાં હતો. આ સમયે મદીનામાં તેમની ગેરહાજરી હતી તે સમયે પાંચમા ઇમામ જાફરસાદિક(અ.)ની વફાત ઈ. સ. 765 સમયે શિયાઓના એક જૂથે હ. ઇ. ઇસ્માઇલ(અ.)ના નાના અને સાવકા ભાઈ હ. મુસા કાઝિમની ઇમામતને સ્વીકારી, જેથી આ સમૂહ પાછળથી પોતાના બાર ઇમામોની સંખ્યાની રૂએ ઈશ્ના-અસરી (બાર ઇમામને માનનારા) તરીકે ઓળખાયા. જ્યારે શિયાઓના બાકીના જૂથે હ. ઇ. ઇસ્માઇલ(અ.)ની ઇમામત સ્વીકારી હોવાથી તે ‘ઇસ્માઇલી’ તરીકે ઓળખાય છે.

ઇસ્માઇલી સંપ્રદાયના 19મા ઇમામ હજરત નિઝાર(અ.)ના ઇમામતકાળ ઈ. સ. 1095થી 1097 દરમિયાન એક અન્ય જૂથ અસ્તિત્વમાં આવ્યું. 18મા ઇમામ હ. ઇમામ મુસ્તનસિરબિલ્લાહે (અ.) પોતાની હયાતીમાં જ ઈ. સ. 1087માં નસ્સ કરી પોતાની વસિયતની જાહેરાત કરી હ. ઇ. નિઝારને વારસદાર નીમ્યા હતા. ઈ. સ. 1095માં તેમના વફાત (મૃત્યુ) સમયે વજીર અલ-અફઝલને શાહજાદા નિઝાર તરફથી ભય જણાતાં વિના વિલંબે હ. ઇ. નિઝાર(અ.)ના નાના ભાઈ એહમદ મુસ્તેઅલીને ઇમામત-ખિલાફતના સત્તાસ્થાને બેસાડી જાહેરાત કરી, જે જૂથ મુસ્તેઅલવી ઇસ્માઇલી તરીકે જાહેર થયું; જ્યારે બાકીના સમૂહે હ. ઇ. નિઝાર (અ.)ની ઇમામત સ્વીકારી હોવાથી તે નિઝારી-ઇસ્માઇલી તરીકે ઓળખાય છે. મુસ્તેઅલી બાદ મિસરમાં અબ્દુલ મજીદ હાફિજે ઇમામતનો દાવો કર્યો. યમનવાસીઓ મુસ્તેઅલીની દાવતના હિમાયતી હોવાથી તેમણે તે દાવો માન્ય ન રાખી મિસર સાથેના સંબંધો તોડી નાખ્યા. યમનમાં મલિકા હુર્રાની આગેવાની હેઠળ તૈયબી દાવતની શરૂઆત થઈ. હિ. સં. 532માં 22મી શાબાનના દિને તેમનું અવસાન થતાં ઝોએબ બિન મુસા ઉત્તરાધિકારી થયા, જેમને પહેલા દાઈ (પીર) એ મુત્લક ગણવામાં આવે છે અને ત્યારથી અત્યાર સુધી આવા દાઈઓનો સિલસિલો ચાલુ છે. (ભારતમાં–ગુજરાતમાં મુસ્તેલવી ઇસ્માઇલી જૂથ ‘દાઊદી વહોરા’ તરીકે ખ્યાત છે.)

ઇસ્માઇલી સંપ્રદાયમાં આવા વિભાજન છતાં પણ ઇમામતની રસીને 1400 વર્ષથી વળગી રહેનાર ઇસ્માઇલી કોમ વિશ્વમાં અલગ અલગ દેશોમાં સ્થાનિક, રાજકીય વિષમ પરિસ્થિતિ વચ્ચે પ્રગતિ સાધતી રહી. સને 1258માં આલમૂત કિલ્લામાં ઇસ્માઇલીઓની તાતાર્રી બાદશાહ હુલાકુખાનના લશ્કરે સામૂહિક કત્લેઆમ કર્યા બાદ પણ વર્ષો સુધી દૌરેસત્ર (ગુપ્ત) રીતે ઇમામતના દામનને પકડી રાખી ઇસ્માઇલી કોમે આજે નામદાર આગાખાનની ઇમામત હેઠળ જે આગવી ઓળખ ઊભી કરી છે તે અદ્વિતીય છે.

ઇસ્માઇલી સંપ્રદાયમાં ધર્મપ્રચાર (દાવત) દાઈઓ, વકીલો, પીરો દ્વારા થતો હતો; આજે એ પ્રચાર અલ્-વાએઝો દ્વારા ઇસ્માઇલી કોમમાં શિયા ઇમામી ઇસ્માઇલી તરીકા ઍન્ડ રિલિજિયસ ઍજ્યુકેશન બોર્ડ નામની ઇમામતની સંસ્થા હેઠળ કરવામાં આવે છે.

ભારતમાં ઇસ્માઇલી જૂથ ‘ખોજા’ના નામથી ઓળખાય છે. તેના ઉત્પત્તિના ઇતિહાસમાં સૂફી ઓલિયાઓ અને ઇસ્માઇલી દાઈની મહત્વની ભૂમિકા હતી. ઇસ્માઇલી કોમના 29મા ઇમામ હ. કાસિમશાહ(અ.)(ઈ. સ. 1310થી 1370)ની ઇમામત દરમિયાન (પીર) શમ્સ સબ્જાવારીને ‘પીર’નો દરજ્જો આપી ઈરાનની બહાર ઇસ્માઇલી દાવત માટે મોકલ્યા. તેમણે હિંદમાં કાશ્મીર ખાતે ચક અને ચંગડ નામની સૂર્યપૂજક હિન્દુ કોમને ઇસ્માઇલી મજહબનો બોધ આપ્યો. નવરાત્રિના તહેવારોમાં પીરે કેટલીય ગરબીઓ ગાઈ-ગવડાવી લોકોને સતપંથના માર્ગે વાળ્યા. પંજાબ, ગુજરાતમાં પણ આ સમય દરમિયાન ઇસ્માઇલી ધર્મનો વ્યાપ જોવા મળ્યો. પીર શમ્સની ઈ. સ. 1356માં વફાત થઈ ત્યારે તેમના સૌથી મોટા પુત્ર પીર સદરુદ્દીન દ્વારા ઇસ્માઇલી મજહબનું પ્રચારકાર્ય આગળ વધ્યું. ઇસ્માઇલી કોમના 30મા ઇમામ હ. ઇસ્લામશાહ(અ.) ઈ. સ. 1370થી 1423 દરમિયાન પીર સદરુદ્દીન ગુજરાતમાં લોહાણા-ભાટિયા કોમને ધર્માંતર કરાવી ઇસ્માઇલી મજહબ અંગીકાર કરાવી ‘ખોજા’નો લકબ (ખિતાબ) આપ્યો. ગુજરાતમાં સૌપ્રથમ વાર ધાર્મિક ક્રિયાઓ માટે ‘જમાતખાના’ની સ્થાપના સાથે તેના વહીવટદારોની મુખીની નિમણૂકની પ્રથા અમલી બનાવી. એ સિવાય 18મા ઇમામ હ. મુસ્તનર્સિરબિલ્લાહ(ઈ. સ. 1036થી 1095)ની ઇમામત દરમિયાન દાઈ તરીકે (પીર) સતગુરુ નૂરને હિન્દુસ્તાન મોકલ્યા. તેમણે સખત મહેનત કરી ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-અમલ દરમિયાન વેદ, ઉપનિષદ, પુરાણો આદિ ગ્રંથોનો અભ્યાસ કરી આત્મિક શક્તિના બળે ગુજરાતની સામાન્ય પ્રજાની સાથે પૂજારી, મહંતો, સત્તાધીશોને પણ ઇસ્માઇલી મજહબમાં દાખલ કર્યા. તેમની વફાત ઈ. સ. 1095માં નવસારી મુકામે થઈ. મહેસાણાપાટણ જિલ્લામાં વસતી ઇસ્માઇલી મોમિન (મોમના–મુમના) કોમ તથા જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના ચિત્રાવડ ગીર-વિસ્તારની ઇસ્માઇલી મોમિન પ્રજા આ મજહબમાં આવી. એ સિવાય ગુપ્તી નામની એક જમાત પણ ઇસ્માઇલી બની. આમ મુમના, ગુપ્તી, ખોજા, ઇમામશાહી જેવાં વૈવિધ્યસભર નામો ધરાવતી ઇસ્માઇલી જાતિઓએ એક જ ઇમામની ઇમામત હેઠળ મજહબમાં દાખલ થઈ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું; જે આજ પર્યંત ચાલુ રહેવા પામ્યું છે.

ઇસ્માઇલી મજહબના 1400 વર્ષના કાળમાં હજરત ઇમામ અલી(અ.)થી લઈ આજે 49મા હાજર ઇમામ શાહ કરીમ અલહુસૈની આગાખાન ચોથાના ઇમામતકાળ દરમિયાન ઇસ્માઇલી કોમમાં આવેલા અનેક ચઢાવ-ઉતાર, વિભાજન જેવાં પરિબળોમાં પણ મજહબમાં ટકી રહેવાની નિષ્ઠા ખરેખર બેનમૂન છે.

ઇસ્માઇલી કોમ પોતાના ઇમામમાં ‘નૂર’ને જુએ છે, જેથી ઇમામ પાસેથી સતત એકધારી હિદાયત (માર્ગદર્શન) મળતી રહે.

પારસી પ્રજાની અગિયારીમાં જેમ બિનપારસીને પ્રવેશની મનાઈ છે તેમ ઇસ્માઇલી પ્રજાના જમાતખાના(મસ્જિદ)માં બિનઇસ્માઇલીને પ્રવેશની મનાઈ ફરમાવાઈ છે. તેનું મૂળ કારણ દુઆ-બંદગી જેવી ધાર્મિક ફરજો એ બાતુની (આંતરિક) બાબત હોઈ ઇમામની બૈયત કરેલ (ઇમામથી દીક્ષિત) હોય તે વ્યક્તિ જ તેની અધિકારી મનાય છે તે છે. ઇસ્માઇલી ફિરકામાં એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે એક ઇમામના વફાતની સાથે જ ‘નૂર’ નસ્સ કરેલ ઇમામમાં જલ્વાગાર થાય છે. ટૂંકમાં, એક જ સમયે ખુશી અને શોકની આ પળમાં ઇમામનું મૃત્યુ અને નવા ઇમામની તખ્તનશીની આજે 1400 વર્ષથી સતત ચાલુ રહેવા પામી છે. ઇસ્માઇલી કોમમાં આવી પળ ચૌદસો વર્ષમાં 48 વખત આવી છે.

ઇસ્માઇલી કોમની સંસ્થાઓમાં પણ વિવિધતા રહેલી છે. સૌથી ટોચે જમાનાના ઇમામની લીડર્સ ઇન્ટરનેશનલ ફોરમ–લંડનની સંસ્થા છે. ત્યાર બાદ દરેક દેશમાં રાષ્ટ્રીય કાઉન્સિલ તેના હેઠળ પ્રાદેશિક અને તેના હેઠળ સ્થાનિક કાઉન્સિલ કક્ષાનું વહીવટી તંત્ર હોય છે, જેનો પાયાનો એકમ જમાત (ખાતું) હોય છે. આ પ્રમાણે શિક્ષણ, આરોગ્ય, સમાજકલ્યાણ, ધાર્મિક બાબતોનાં પણ સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધીનાં બોર્ડ હોય છે. તેના વહીવટદારોની સીધી નિમણૂક ઇમામ દર ત્રણ વર્ષ માટે કરે છે. સ્વૈચ્છિક બિનવેતની આ વહીવટદારો પોતાની ફરજ દરમિયાન ઇસ્માઇલી કોમની શ્રેષ્ઠ સેવા અને કોમને આગળ વધારવા પોતાનો ભગીરથ પ્રયાસ કરે છે. ભારતભરમાં અંદાજિત 1 લાખથી થોડા વધુ ઇસ્માઇલીઓ વસે છે. તેમાંના અડધા ઉપરના ગુજરાતમાં વસવાટ કરે છે. હાલ ઇસ્માઇલી કોમે પોતાના હાજર ઇમામ શાહ કરીમ અલહુસૈની આગાખાન 4થાના ઇમામતકાળ(સને 1957–2007)ના સુવર્ણ-જયંતી વર્ષની હર્ષભેર ઉજવણી કરી છે. ભારતમાં અને ભારત બહાર વસવાટ કરતી આ કોમની માતૃભાષા ગુજરાતી જ રહી છે તથા કોમ માટે બહાર પડતું સાહિત્ય પણ અનુવાદ દ્વારા કે અન્યથા ગુજરાતી ભાષામાં જ છપાય છે.

ઇસ્માઇલી ઇમામોનો ઇતિહાસ જોતાં જણાશે કે ક્યારેય ઇમામ તરીકે સ્ત્રીની નિમણૂક થઈ હોવાના બનાવ નોંધાયા નથી. ઇમામ બાદ તેના વારસ તરીકે પોતાના પુત્રની જ નસ્સ થતી હોવાનો ઇતિહાસ સાક્ષી છે. ફક્ત 11–7–1957ના દિને આગાખાન ત્રીજા સર સુલતાન મહંમદશાહ જ્યારે 48મા ઇમામપદેથી વફાત પામ્યા ત્યારે પોતાના અનુગામી તરીકે પોતાના પુત્રને બદલે પૌત્રની નસ્સ કર્યાનું, 49મા ઇમામ તરીકે શાહ કરીમ અલહુસૈની આગાખાન ચોથાની નિમણૂક ફરમાવ્યાનું ઉદાહરણ છે. હાલ આગાખાન ચોથા ફ્રાન્સ દેશ ખાતે વસવાટ કરે છે; જ્યાં અગ્લેમાટ ખાતેના પોતાના સચિવાલયથી દુનિયાભરમાં ફેલાયેલા પોતાના મુરીદોની દેખભાળ કરે છે અને હિદાયત આપે છે.

અકબર ખોજા