ઇરેસમસ ડેસિડેરિયસ

January, 2002

ઇરેસમસ ડેસિડેરિયસ (જ. 26-27 ઑક્ટોબર 1466, રોટરડૅમ; અ. 12 જુલાઈ 1536, સ્વિટ્ઝર્લૅન્ડ) :  સાંસ્કૃતિક પુનરુત્થાનના ઉત્તરાર્ધ ગાળાના હોલૅન્ડના માનવતાવાદી વિદ્વાન અને પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસી અનુવાદક – સંપાદક. રોટરડૅમ ખાતે જન્મ્યા હોવાથી પોતાનું નામ ડેસિડેરિયસ ઇરેસમસ રોટેરોડૅમસ રાખ્યું. પિતાનું ગેરકાયદે સંતાન હોવાથી, કુટુંબથી વિમુખ રહેવાનું બન્યું. 1478થી 1484 દરમિયાન હોલૅન્ડના ડેવેન્ટર ખાતે પ્રારંભિક શિક્ષણ લીધું. એ દરમિયાન, જુદા જુદા પારંગત વિદ્વાનો પાસેથી પ્રશિષ્ટ સાહિત્યસમૃદ્ધિનો પરિચય થયો. વાલીના પ્રલોભનથી પ્રેરાઈને નાની ઉંમરે મઠમાં દાખલ થયા અને છ વર્ષ સુધી શિષ્ટ સાહિત્યનો સઘન અભ્યાસ કર્યો; પરંતુ મઠના સંકુચિત વાતાવરણમાં તેમનું મન ગોઠવાયું નહિ. 1493માં મઠનો ત્યાગ કરી ગ્રીક તથા લૅટિન સાહિત્યના અભ્યાસ માટે 1495માં પૅરિસ યુનિવર્સિટીમાં જોડાયા અને 1498માં સ્નાતકની પદવી મેળવી. 1499માં ઇંગ્લૅન્ડ ગયા અને શિષ્ટ વિચારસરણીના પુન: પ્રવર્તનમાં રસ ધરાવતા વિદ્વાનો સાથે વિચારવિનિમય કર્યો. વળી તેમણે ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ ખાતે પ્રવચનો આપ્યાં. 1500માં પૅરિસ પાછા ફરી પોતાનું પ્રથમ પુસ્તક ‘એડેગિયા’ (Adagia) પ્રગટ કર્યું. 1505માં ફરીથી ઇંગ્લૅન્ડનો પ્રવાસ. 1506માં ઇટાલી ગયા અને ત્યાંની ટુરિન યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. સાથોસાથ ‘પ્રેઇઝ ઑવ્ ફૉલી’ નામનો ગ્રંથ પ્રકટ કર્યો. આ ગ્રંથની ઘણી આવૃત્તિઓ થઈ છે અને યુરોપની મોટાભાગની ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. 1511થી 1514 દરમિયાન કૅમ્બ્રિજ ખાતે ગ્રીક ભાષાના પ્રોફેસર તરીકે તેમણે કામગીરી બજાવી હતી. ન્યૂ ટેસ્ટામેન્ટનું તેમણે ગ્રીક ભાષામાં તૈયાર કરેલું સંસ્કરણ 1516માં પ્રગટ થયું. 1516થી 1521 દરમિયાન બેલ્જિયમમાં, પછીનાં છ વર્ષ જર્મનીમાં અને જીવનનાં અંતિમ વર્ષો સ્વિટ્ઝર્લૅન્ડમાં – એમ તેમની વિદ્યાયાત્રા ચાલેલી.

લૅટિન ભાષા એકતા સિદ્ધ કરવા માટેનું પ્રબળ સાધન છે તેવી તેમની શ્રદ્ધા હતી; એથી પ્રેરાઈને જ તેમણે લૅટિન ભાષામાં સાહિત્યસર્જન કર્યું છે. પોતાના ભાવ અને વિચારો તેઓ સરળ અને સુંદર લૅટિનમાં સ્વાભાવિક રીતે વ્યક્ત કરી શકતા. ક્યારેક તેમની શૈલી કટાક્ષમય તથા રમૂજભરી બનવાથી તેમનાં લખાણો વિશેષ અસરકારક બનતાં. એ રીતે દેવળોની રૂઢિચુસ્તતાને પડકારવામાં ઇરેસમસનો વિશેષ પ્રભાવ રહ્યો. ધાર્મિક વિચારોની બાબતમાં તેમનો અભિગમ એવો હતો કે ઈસુ ખ્રિસ્તે તથા તેમના શિષ્યોએ જે સાદાઈ અને સરળતાથી ધર્મબોધનો પ્રસાર કર્યો તે જ વ્યવહારુ શૈલી અપનાવવી અને જડ મતાગ્રહનો ત્યાગ કરવો. ખ્રિસ્તી ધર્મમાં દાખલ થયેલાં ભ્રષ્ટાચાર તથા પંડિતાઈની અર્થહીનતાના તેઓ સખત વિરોધી હતા. તત્કાલીન સમાજમાં પ્રચલિત બદીઓ, લૌકિક અંધશ્રદ્ધા, અજ્ઞાન, વહેમ, યુદ્ધખોરી તથા હિંસા સામે તેમણે જેહાદ પોકારી. સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આમૂલ સુધારણા માટે તેમણે કેટલાંક નક્કર સૂચનો કર્યાં હતાં. તેમણે બુદ્ધિવાદ અને માનવતાવાદની જોશભેર હિમાયત કરી છે. શિક્ષણક્ષેત્રે પ્રશિષ્ટ કૃતિઓ તથા પરંપરાગત આદર્શો પર ભાર મૂકી ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન તથા નાગરિકશાસ્ત્રના શિક્ષણની હિમાયત કરી હતી. શિક્ષણ વિશેના તેમના પ્રબંધમાં મુખ્યત્વે વાલી અને શિક્ષકોની ફરજો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમની આ વિચારધારામાં તેમનું માનવતાવાદી વલણ મૂર્ત થાય છે.

પ્રશિષ્ટ સાહિત્યની તેમની કૃતિઓ ઉપરાંત તેમણે રચેલી કવિતા તથા પ્રાર્થનાઓ આજે પણ લોકજીભે રમે છે. પ્રશિષ્ટ સાહિત્યકારો તથા ધર્માચાર્યોની સાહિત્યકૃતિઓનાં તેમણે તૈયાર કરેલાં સંપાદનો તથા અનુવાદો પ્રમાણભૂત લેખાય છે.

દિગીશ મહેતા

યતીન્દ્ર દીક્ષિત

જ. જ. જોશી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે