ઇરેન્થિમમ: વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક શોભન-પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ક્ષુપ જાતિઓની બનેલી છે અને એશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે.

તેનાં આકર્ષક પર્ણો અને પુષ્પોને કારણે ભારતીય ઉદ્યાનોમાં તેને ઉગાડવામાં આવે છે. તે આછા છાંયડાવાળી જગાઓએ થાય છે અને ચોમાસા દરમિયાન તેનું કટકારોપણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરવામાં આવે છે. E. roseum R. Br. Syn. Daedalacanthus roseus T. Anders. (હિં. ગુલશામ; મ. દસમૂલી; તા. નીલમૂલી.) એક ક્ષુપ જાતિ છે. તે લગભગ 1.9 મી. ઊંચી હોય છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ અને લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. તેનો પુષ્પવિન્યાસ ભૂરાં કે ગુલાબી પુષ્પો ધરાવતા શૂકી(spike)-સ્વરૂપે જોવા મળે છે. પુષ્પો સુવાસિત હોય છે. તે દખ્ખણના દ્વીપકલ્પના પશ્ચિમી અને દક્ષિણી ભાગોમાં થાય છે. વનસ્પતિનાં ત્રાકાકાર સાકંદ મૂળ બાફીને દૂધ સાથે લેવામાં આવે તો શ્વેતપ્રદર(leucorrhoea)માં સારાં પરિણામો આપે છે. તેનાં મૂળ ગાભણી (pregnant) ગાય-ભેંસમાં ગર્ભની વૃદ્ધિને ઉત્તેજે છે.

શોભન-જાતિઓનાં પર્ણો આછાં લીલાં કે લાલ, વચમાં સફેદ ટપકાં કે ધાબાંવાળાં, ક્વચિત્ ઘાટા લીલા રંગનાં કે કથ્થાઈ હોય છે. કેટલાક માળીઓ તેનો કોઢિયા એટલે કે રંગહીન જાત તરીકે નિર્દેશ કરે છે. પુષ્પો સફેદ, ગુલાબી કે ભૂરાશ પડતાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધી આવે છે. સફેદ દલપુંજ લાલ કે ભૂરા રંગનાં ટપકાંથી સુંદર લાગે છે. પુંકેસરો કુલ ચાર – બે ફળાઉ અને બે વંધ્ય હોય છે. ફળ પ્રાવર પ્રકારનું હોય છે અને ચાર બીજ ધરાવે છે.

તેની વિવિધ વિકસાવેલી જાતિઓમાં E. laxiflorum (પોચિયું), E. bicolor (દ્વિરંગી), E. albomarginatum (કોઢિયું) અને E. tricolor(ત્રિરંગી)નો સમાવેશ થાય છે. વળી ગુજરાતમાં વડોદરામાં E. nervosum R. Br.; અને ઉનાઈ તથા દ્વારકા-ઓખામાં E. purpurascens Nees. થાય છે.

મ. ઝ. શાહ