ઇબ્રાહીમ બિન અદ્હમ (જીવનકાળ : 767-815 લગભગ) : એક અફઘાન સંત. તે અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંત શાહી ખાનદાનમાં જન્મ્યા હોવાનું કહેવાય છે. તેઓ અત્યંત વૈભવશાળી રાજકુંવર હતા. એક દિવસે તે શિકાર કરવા ગયા ત્યારે તેમને એક ગેબી અવાજ સંભળાયો, ‘જાગ્રત થા, ઊઠ, શું તને આવી રમતો માટે પેદા કર્યો છે ?’ આની તેમના ઉપર જબ્બર અસર થઈ. રાજમહેલ છોડી, દુનિયાનો ત્યાગ કરી તે ઈશ્વરની પ્રાર્થનામાં પરોવાઈ ગયા. અંગ્રેજ કવિ લી હંટે ‘અબૂ બિન ઍડહમ’ શીર્ષક હેઠળ તેમના વિશે એક કાવ્ય પણ રચ્યું છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી