ઇબ્ન ખલ્દૂન (જ. 27 મે 1332, ટ્યૂનિસ; અ. 16 માર્ચ 1406, કેરો) : વિખ્યાત અરબી ઇતિહાસકાર. સ્પેનના આરબ કુટુંબના આ નબીરાનું મૂળ નામ અબ્દુર્રહમાન બિન મુહમ્મદ હતું. પ્રારંભમાં કુરાન કંઠસ્થ કરી લીધું અને તે પછી પિતા તેમજ ટ્યૂનિસના વિદ્વાનો પાસે વ્યાકરણ, ધર્મસ્મૃતિ, હદીસ, તર્ક, તત્વદર્શન, વિધાન, કોશકાર્ય વગેરેમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 21 વર્ષની વયે ટ્યૂનિસના સુલતાનના વજીર તરીકે તેમની નિમણૂક થઈ. ઉત્તર આફ્રિકાનાં વિવિધ રાજ્યોમાં પણ ઉચ્ચ સ્થાનોએ, નોકરી કરી. રાજકીય કારકિર્દીની સાથોસાથ ઇતિહાસનો અભ્યાસ ચાલુ રાખ્યો. જીવનના અનેક ઉતાર-ચઢાવ જોઈ છેવટે કિલ્લા ઇબ્ને સલામામાં એકાંતવાસ સ્વીકાર્યો અને 1375માં પોતાનો અજોડ ઇતિહાસગ્રંથ ‘તારીખ’ લખવાનો પ્રારંભ કર્યો. 1382માં હજ કરવા નીકળ્યા પણ અધવચ કૅરોમાં રોકાઈ ગયા. ત્યાં અલ્-અઝ્હર વિશ્વવિદ્યાલયમાં શિક્ષણકાર્ય કર્યું. 2 વર્ષ પછી કૅરોમાં માલિકી સંપ્રદાયના વડા કાજી તરીકે નિમણૂક થઈ. તત્કાલીન મમલૂક સુલતાન અન્નાસિરના તૈમૂર-વિરોધી અભિયાનમાં 1,400માં તેની સાથે દમાસ્કસ ગયા. તૈમૂર સાથેની મુલાકાત દરમિયાન તૈમૂરે તેમનું યોગ્ય સન્માન કર્યું હતું.

1375થી 1379 દરમિયાન તેમણે લખેલો મહાન ઇતિહાસગ્રંથ ‘કિતાબુલ ઈબર’ આરબ, ઈરાની અને બર્બર લોકોનો વ્યવસ્થિત ઇતિહાસ છે. ઇતિહાસવિદ તરીકેની તેમની ખ્યાતિ આ ગ્રંથના ત્રણ ખંડો પૈકી ‘મુકદ્દમા’ (અથવા પ્રસ્તાવના) નામના પ્રથમ ખંડ પર અવલંબે છે. એમાં તેમણે જણાવ્યું છે કે ઇતિહાસ એક શાસ્ત્ર છે અને કોઈ પણ પ્રદેશ કે જાતિનો ઇતિહાસ ભૌગોલિક, નૈતિક, આધ્યાત્મિક તેમજ પર્યાવરણની અસરોથી પ્રભાવિત થાય છે. આ વિધાન તેમણે પદ્ધતિસર અને સચોટ તર્ક તથા દલીલો સાથે રજૂ કર્યું. ઇબ્ન ખલ્દૂનના સમય સુધી વિશ્વના કોઈ પણ ઇતિહાસકારે ઇતિહાસની આવી વ્યાપક વ્યાખ્યા કે તેનાં આ વિશિષ્ટ લક્ષણોની વિગતે ચર્ચા કરી ન હતી.

ઇતિહાસકાર ઉપરાંત સમાજશાસ્ત્રી અને તત્વચિંતક તરીકે પણ તેમની નામના છે. ‘ઇહાતા’ જેવી તેમની કેટલીક કૃતિઓ અપ્રાપ્ય છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સૂફી મત પર રિસાલા ‘શિફાઉસ્-સાઈલ’ અને આત્મચરિત ‘તારીફ’ નામની કૃતિઓ રચી હતી.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ