ઇબ્દન હૌકલ (જ. ઈ. સ.ની દસમી સદીનો પૂર્વાર્ધ, નસીબિન, મેસોપોટેમિયા; અ. 977) : પ્રસિદ્ધ અરબી ભૂગોળવેત્તા અને પ્રવાસી. પૂરું નામ અબુલ-કાસિમ મુહંમદ ઇબ્ન હૌકલ. પિતાનું નામ અલી. તેની પ્રખ્યાત ઐતિહાસિક કૃતિ ‘કિતાબુલ્-મઆરિફ’ છે. તેની ભૂગોળવિદ્યા પ્રવાસ અને નિરીક્ષણ પર આધારિત હોવાથી તે એક ઉત્તમ ભૂગોળવેત્તા અને મહાન પ્રવાસી તરીકે ખ્યાતિ પામ્યો.

943થી 973 દરમિયાન સ્પેનથી મધ્ય એશિયામાં માવરાઉન્નહર (Transosiana) સુધીનો લાંબો પ્રવાસ ખેડીને, મુખ્ય ભૂગોળકૃતિ ‘કિતાબ સૂરતુલ-અર્દ’માં તેણે ઇસ્લામી દેશોનું વર્ણન કર્યું છે. સમકાલીનોમાં એ એક જ એવો આરબ ભૂગોળવેત્તા હતો, જેણે તે સમયની ખેતીપેદાશ, આર્થિક મૂલ્યો અને ઊપજનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું હતું. તેની ભૂગોળકૃતિ સ્પેન અને સિસિલી દ્વારા યુરોપમાં પ્રવેશ પામી હતી.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ