ઇબ્ન તુલુનની મસ્જિદ, કૅરો (876-879) : ઇબ્ન તુલુનના ફુસ્તાનની ઉત્તરે અલ્-કતાઈમાં આવેલી જુમા મસ્જિદ. ઇબ્ન તુલુને લશ્કરી તાલીમ ઇરાકમાં મેળવેલી. તેથી સમારાની મસ્જિદની અસર તેના સ્થાપત્યમાં દેખાય છે. ઈંટેરી બાંધકામવાળી આ મસ્જિદમાં મુખ્યત્વે વિશાળ કમાનો છે. તેના દ્વારા તેના વચલા ભાગો પટાંગણમાં ખૂલે છે. ત્રણ બાજુએ પરસાળ છે. સમારાની મસ્જિદની જેમ કમાનોની રચના થાંભલાઓ દ્વારા કરાયેલી. તે શૈલી પછીથી બીજે પણ પ્રચલિત થઈ હતી; પરંતુ ઇજિપ્તમાં તેનો વ્યાપ બહોળો નહોતો, કારણ કે ત્યાં પ્રાચીન શૈલીમાં સ્તંભો રચાતા હતા. આ મસ્જિદનો મિનારો ઇજિપ્તમાં અદ્વિતીય હતો; પરંતુ તે પણ ઇરાકી શૈલીનો હતો. ચૌદમી સદીમાં તેનું સમારકામ થયેલું. આ મસ્જિદમાં સાગોળનું અત્યંત સુંદર લીંપણ (stucco work) તથા કાષ્ઠકારીગરી છે. એમાં મહદ્અંશે ઇરાકી કારીગરોની કારીગરી છે.

રવીન્દ્ર  વસાવડા