ઇટાલી

દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો છે, જ્યારે દક્ષિણ ભાગ સાંકડો છે. તેની પશ્ચિમે લિગ્યુરિયન સમુદ્ર, ટાયર્હેનિયન સમુદ્ર અને ફ્રાન્સ, પૂર્વે એડ્રિયાટિક સમુદ્ર અને યુગોસ્લાવિયા; ઉત્તરે સ્વિટ્ઝર્લૅન્ડ, ઉત્તર-પૂર્વ તરફ ઑસ્ટ્રિયા અને દક્ષિણે આયોનિયન સમુદ્ર છે. ઇટાલી તેના ભૌગોલિક મધ્યસ્થ સ્થાનને કારણે પૂર્વ-પશ્ચિમના દરિયાઈ માર્ગો ઉપર પ્રભુત્વ ધરાવે છે. રોમન સામ્રાજ્યના સમયથી પ્રચલિત આ દેશનું નામ ‘ઇટાલી’ રહ્યું છે, તે લૅટિન ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ ‘વાછરડું’ થાય છે, જે દેશના પ્રતીક રૂપે વપરાય છે.

આધુનિક ઇટાલીનો જન્મ વિક્ટર ઇમેન્યુઅલ બીજાના શાસન દરમિયાન 1861માં થયો હતો. તેના વીસ વહીવટી વિભાગો છે. ભૌગોલિક સ્થાનની ર્દષ્ટિએ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને ટાપુઓ એવા ભાગ છે. સમધાત આબોહવા તથા પ્રાચીન સંસ્કૃતિધામોને કારણે દર વરસે લાખો પર્યટકો ઇટાલીની મુલાકાત લે છે. તે દુનિયાના દસ આગળ પડતા ઔદ્યોગિક દેશો પૈકી એક છે. નાટોના લશ્કરી સંગઠન તથા યુરોપિયન કૉમ્યુનિટી(ઈ. સી.)નો તે સભ્ય-દેશ છે.

ભૂરચના : આલ્પ્સ પર્વતનો ભૂમિભાગ ટર્શિયરી યુગમાં એટલે લગભગ 6 કરોડ વર્ષ પૂર્વે આલ્પાઇન ઉત્થાનના પરિણામે ઊંચકાઈ આવ્યો હતો. આલ્પાઇન હારમાળાની ઉત્પત્તિ ટેથિયન થાળાંની જમાવટને કારણે થયેલી મનાય છે. પૃથ્વીના પોપડાના અસ્થિર અને નબળા પટ્ટામાં આ વિસ્તાર આવેલો હતો. આલ્પ્સ ગિરિમાળામાંથી વહેતી નદીઓના કાંપથી ત્રિકોણાકાર પ્રદેશ (delta) બન્યો છે. તેમાં પો નદીનું મેદાન મુખ્ય છે. આલ્પ્સની દક્ષિણે એપીનાઇન ગિરિમાળા છે. તેનાં દક્ષિણ તરફનાં શિખરો 4,000 મી. ઊંચાં છે. ઉત્તરની ગિરિમાળાની ઊંચાઈ જ્વાળામુખી અને ધરતીકંપના ઉત્પાતોને કારણે વધતી રહી છે. સિસિલી જવાળામુખીના વિસ્તારમાં રાજુલાઈ 2021ના રોજ એટના ન્સક્રિય જવાળામુખી પ્રસ્ફૂટન પામ્યો હતો.

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ઇટાલીના મુખ્યત્વે ત્રણ કુદરતી વિભાગો છે : (1) ખંડીય, (2) દ્વીપકલ્પ અને ટાપુઓ, ખંડસ્થ વિભાગ, (3) ઉત્તર ઇટાલીનો ત્રિકોણાકાર મેદાની વિસ્તાર. તેની ઉત્તરે 1,300 કિમી. લાંબી અને 150થી 250 કિમી. પહોળી આલ્પ્સની ગિરિમાળા છે. (તેનું સૌથી ઊંચું શિખર મૉં બ્લૉં (4,807 મી.) છે. જે ફ્રાંસ અને ઇટાલીની સરહદે આવેલું છે. જ્યારે ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદે માઉન્ટ રોસા (4634 મી.) શિખર આવેલું છે. મધ્ય આલ્પ્સમાં સિમ્પલોન અને રેસિયા ઘાટો આવેલા છે. લેપોન્ટાઇન અને બેરોનીના આલ્પ્સ અનુક્રમે 3,300 મી. અને 4,049 મી. ઊંચા છે. આ હારમાળા પૈકી ઓપ્ઝટન અને ગ્રેનીક આલ્પ્સ ઑસ્ટ્રિયાની સરહદે આવેલ છે. જુલિયન આલ્પ્સ યુગોસ્લાવિયાની સરહદે આવેલ છે.

દ્વીપકલ્પી ઇટાલીમાં ઉત્તરના મેદાની વિસ્તાર અને લિગુરિન આલ્પ્સનો સમાવેશ થાય છે. આ પ્રદેશનો વધારે ઊંચાઈ ધરાવતો પર્વતીય વિસ્તાર એડ્રિયાટિકના કિનારે છે. દક્ષિણે આવેલી પર્વતીય હારમાળા ટાયર્હેનિયન કિનારે પૂર્ણ થાય છે.

ઇટાલીના દ્વીપસમૂહમાં સાર્ડિનિયા, સિસિલી અને સમુદ્રકિનારા નજીકના નાના ટાપુઓ છે. સાર્ડિનિયાનું ક્ષેત્રફળ 23,812 ચોકિમી. છે. તેનું બીજું નામ ગેનારગેન્ટુ છે. અહીં ગ્રૅનાઇટના અગ્નિકૃત ખડકો જોવા મળે છે. સિસિલીનું ક્ષેત્રફળ 28,812 ચોકિમી. છે. સૌથી ઊંચો પર્વત 3,262 મી. છે. તે એપીનાઇન ગિરિમાળાનો ભાગ છે અને સમુદ્રમાં થઈને આફ્રિકાના ઉત્તર કિનારે એટલાસ ગિરિમાળા સાથે મળે છે. નેપલ્સ પાસે વિસુવિયસનો તથા સ્ટ્રોમ્બોલી અને વુલકાના સક્રિય જ્વાળામુખીઓ સિસિલીના ઉત્તર ભાગમાં છે. સમગ્ર ઇટાલીમાં વારંવાર ધરતીકંપનો અનુભવ થાય છે, પણ પ્રાચીન ખડકોના ભૂપૃષ્ઠવાળો સાર્ડિનિયા તેમાંથી મુક્ત છે.

જમીન : ખેતી માટે સૌથી વધુ ફળદ્રૂપ ગણાતી કાંપની જમીન ઇટાલીના ઉત્તર ભાગમાં આવેલી પો નદીની ખીણની તેમજ દ્વીપકલ્પની અન્ય નદીઓની ખીણોની છે.

નેપલ્સ અને સિસિલીમાં જ્વાળામુખીના લાવારસથી બનેલી કાળી જમીન ઘણી ફળદ્રૂપ છે. દક્ષિણ ઇટાલીમાં ચૂનાના ખડકોને કારણે જમીનમાં ચૂનાનું તત્વ વધુ જોવા મળે છે. ભૂમધ્ય પ્રદેશોમાં શિયાળામાં થતા ભારે વરસાદને લીધે આ જમીનોમાં કોતરો રચાયાં છે અને ધોવાણ (gully erosion) થાય છે. આ ધોવાણ અટકાવવા ત્યાં સીડીદાર ખેતી (terrace farming) કરવામાં આવે છે.

આબોહવા : પહાડી પ્રદેશમાં મોટે ભાગે પર્વતીય પ્રકારની આબોહવા છે. ખંડીય પ્રકારની આબોહવા ઉત્તર ઇટાલીમાં અને ભૂમધ્ય પ્રકારની આબોહવા દક્ષિણ ઇટાલીમાં છે. ખંડીય પ્રદેશોમાં શિયાળા કરતાં ઉનાળામાં વરસાદ વધુ પડે છે, જ્યારે ભૂમધ્ય પ્રકારની આબોહવાના પ્રદેશોમાં વંટોળિયાવાળો શિયાળાનો વરસાદ હોય છે. એમ બે ઋતુઓમાં વરસાદ આવે છે. આ પ્રદેશનો સરેરાશ વરસાદ 889 મિમી. છે; પરંતુ પાલેર્મોના વિસ્તારમાં આવેલ ટ્રીઍસ્ટ ખાતે 610 મિમી. વરસાદ થાય છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 24o સે. અનુભવાય છે. જુલાઈ માસમાં સમગ્ર દેશમાં તાપમાન ઊંચું હોય છે. શિયાળામાં તાપમાન 1o સે. રહે છે. જેટ સ્ટ્રીમ જેવા ઝડપી પવનપ્રવાહોની અસર ત્યાંના હવામાન ઉપર પણ થાય છે. ઔદ્યોગિક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ રચાતાં હવાઈ વાહનવ્યવહાર મુશ્કેલીમાં મુકાય છે.

આબોહવાની ર્દષ્ટિએ ઇટાલીને મુખ્યત્વે છ વિભાગમાં વહેંચવામાં આવે છે. આલ્પાઇન વિસ્તારમાં શિયાળો પ્રમાણમાં સખત હોય છે. હિમવર્ષા અને વરસાદ ત્યાં વારંવાર થાય છે. ઉનાળો પ્રમાણમાં ઠંડો હોય છે અને હૂંફાળો હોય છે. ઉત્તર ઇટાલીના નીચા મેદાની વિસ્તારમાં વાતાવરણ ઠંડું અને ધુમ્મસવાળું હોય છે. ટાયર્હેનિયનના કિનારે શિયાળો સમધાત હોય છે. ઉનાળો સૂકો હોય છે. એડ્રિયાટિકના કિનારે આ જ પ્રકારનું વાતાવરણ અનુભવાય છે. એપીનાઇનની આબોહવા ઉત્તરના મેદાની વિસ્તાર જેવી જ હોય છે. ટાપુના પ્રદેશોની આબોહવા પ્રમાણમાં સૂકી અને ગરમ હોય છે.

સિંચાઈ : ઇટાલીની સૌથી લાંબી મહત્વની અને ઉપયોગી 652 કિમી. લાંબી પો નદી મુખ્યત્વે ઉત્તરના મેદાની વિસ્તારમાંથી વહીને એડ્રિયાટિક સમુદ્રને વેનિસની દક્ષિણે લગભગ 56 કિમી.ના અંતરે મળે છે. ઇટાલીની 410 કિમી. લાંબી બીજી મુખ્ય નદી એડીજ, એડ્રિયાટિક સમુદ્રને મળે છે. ટાઇબર નદી મહત્વની નદી ગણાય છે. તેનો પ્રવાહ 405 કિમી. લાંબો છે. ટસકાત એપીલિયન એપીનાઇનમાંથી વહીને ઑસ્ટ્રિયા-રોમ થઈને ટાયર્હેનિયન સમુદ્રને મળે છે. 241 કિમી. લાંબી આર્નો નદી ટસ્કની પ્રદેશમાંથી વહીને ફ્લૉરેન્સ અને પિસા શહેરોમાં થઈને લિગુરિયન સમુદ્રને મળે છે.

ઇટાલીમાં મોટાં સરોવરો આલ્પ્સની ગિરિમાળાના વિસ્તારમાં આવેલાં છે. તેનો મુખ્ય સ્રોત હિમનદી છે. સૌથી મોટા ગારડા સરોવરનું ક્ષેત્રફળ 370 ચોકિમી. છે.

વનસ્પતિ અને પ્રાણીજીવન : આ દેશના 1/5 ભાગમાં જંગલો આવેલાં છે. ઉત્તર ઇટાલીના મેદાની વિસ્તારમાં પર્ણપાતી પ્રકારનાં જંગલો છે. ઊંચા અક્ષાંશીય વિસ્તારમાં શંકુદ્રુમ પ્રકારનાં જંગલો છે. ભૂમધ્ય સમુદ્રના કિનારે નીચાણવાળા પ્રદેશોમાં ઊંડાં મૂળવાળાં અને જાડાં પાનવાળાં વૃક્ષો જોવા મળે છે. તેમાં હોલ્મઓક, કૉર્ક, પાઇન, સાઇપ્રસ, જંગલી ઑલિવ, કેરોબ્સ મુખ્ય છે. ઠંડા પ્રદેશોમાં ચેસ્ટનટ તથા ઓકનાં વૃક્ષો મુખ્ય છે.

આલ્પ્સના પ્રદેશોમાં લાર્ચ, સ્પ્રૂ અને પાઇનનાં વૃક્ષો લગભગ 1,000 મીટરથી 2,000 મીટર ઊંચાઈએ આવેલા પર્વતીય ઢોળાવો ઉપર જોવા મળે છે. ઇટાલીનાં જંગલોમાં મુખ્યત્વે કથ્થાઈ રંગનાં વરુ અને એપીનાઇનના પર્વતીય વિસ્તારમાં રીંછ તેમજ લાલ હરણ જોવા મળે છે. ગ્રાન પારાડીસો અને સીરકો ઉદ્યાન અભયારણ્ય તરીકે પ્રખ્યાત છે.

ખનિજસંપત્તિ : ઉદ્યોગો માટે પારો 45 %, ગંધક 14 % અને ગ્રૅફાઇટ 8 % જેટલો મેળવાય છે. સાર્ડિનિયા વિસ્તારમાં થોડો કોલસો અને લિગ્નાઇટ મળે છે. ટસ્કની, ઉમ્બિયા અને બાસીલીકાટામાંથી લિગ્નાઇટ કોલસો પ્રાપ્ત થાય છે. સિસિલીના રેગુસા અને ગેલા વિસ્તારમાંથી ખનિજતેલનું દર વર્ષે થોડું ઉત્પાદન થાય છે. ઇટાલીમાં પો નદીના મેદાની વિસ્તારમાંથી તથા સિસિલીનાં ક્ષેત્રોમાંથી કુદરતી વાયુનું ઉત્પાદન થાય છે. લોખંડ, સીસું, જસતનાં ખનિજો વિપુલ પ્રમાણમાં અને સોનાનાં ખનિજો અલ્પ પ્રમાણમાં મળે છે. પોટાશનું પણ ઉત્પાદન થાય છે.

યુરોપમાં જળવિદ્યુતના ઉત્પાદનમાં ઇટાલી પ્રથમ નંબરે આવે છે. આલ્પ્સમાંથી નીકળતી નદીઓ દ્વારા જળવિદ્યુતનું ઉત્પાદન વધારી ઇટાલી કોલસાની આયાત ઘટાડી રહ્યું છે. કુલ વીજળીના ઉત્પાદનના 83 % જેટલી વીજળી જળવિદ્યુતનાં કેન્દ્રો દ્વારા મેળવાય છે. આલ્પ્સની હારમાળામાં આવેલા કુદરતી ધોધ માટે પહાડી ભૂપૃષ્ઠ અને બારે માસ મળતો પાણીનો વિપુલ પુરવઠો કારણરૂપ છે. ઇટાલીમાં જળવિદ્યુતનો વધુ વિકાસ ઉત્તરના મેદાની વિસ્તાર, વાયવ્ય વિભાગ અને આલ્પ્સના પર્વતીય વિસ્તારમાં થયો છે. ઇટાલીમાં દર વર્ષે 45,787 મિલિયન કિલોવૉટ કરતાં વધુ જળવિદ્યુતનું ઉત્પાદન થાય છે.

લોકો : મોટા ભાગના લોકો મૂળ ઇટાલીના છે. તેઓ ઇટાલિયન ભાષા અથવા પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરે છે. ઇટાલીની મૂળ વતની ન હોય તેવી જર્મન-ઇટાલિયન પ્રજા પણ વસે છે. તે ઑસ્ટ્રિયાની દક્ષિણે વસે છે. તેમની ભાષામાં જર્મન ઉચ્ચાર ધ્યાન ખેંચે છે.

યુરોપમાં સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા દેશોમાં ઇટાલીનું સ્થાન પાંચમું છે. ઉત્તર ઇટાલીના મેદાની વિસ્તારમાં લિગુરિયન કિનારે, આર્નો નદીના ખીણવિસ્તાર ઉત્તર ટસ્કની, એડ્રિયાટિકનો ડુંગરાળ વિસ્તાર, અબ્રુઝી ઉમ્બ્રિયા, કેલબ્રિયા અને સિસિલીના દરિયાકિનારે વસ્તીની ગીચતા સરેરાશ દર ચોકિમી.દીઠ 100 કરતાં પણ વધુ છે. છૂટીછવાઈ વસ્તી મોટે ભાગે એપીનાઇનના ઉચ્ચ પ્રદેશો અને એપીનાઇનના લિગુરિયન અને ટસ્કનીના કાંપવાળા પ્રદેશોમાં જોવા મળે છે.

કુલ વસ્તીના આશરે 33 % લોકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. 67 % કરતાં વધુ લોકો 47 શહેરોમાં વસે છે. રોમ, મિલાન, નેપલ્સ, જિનોઆ, પાલેર્મો, બોલોના, ફ્લોરેન્સ, કેન્ટાનિયા અને વેનિસ જેવાં મોટાં શહેરોમાં એક એક લાખની વસ્તી જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના અન્ય દેશોમાં હંગામી ધોરણે લોકોએ સ્થળાંતર કર્યું હતું, જેમાં સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મની મુખ્ય છે. 25 % લોકોએ જ વિદેશોમાં વસવાટ કરવાનું પસંદ કરેલું છે.

ધર્મ : મોટા ભાગના ઇટાલિયનોએ રોમન કૅથલિક ધર્મ સ્વીકાર્યો છે. તેમના વિશિષ્ટ અધિકારો 1976માં સમાપ્ત કરવામાં આવ્યા છે. પ્રૉટેસ્ટંટોનું પ્રમાણ ખૂબ ઓછું છે. પોપ રોમન કૅથલિક પંથના ધર્મગુરુ છે અને તે રોમના વૅટિકન શહેરમાં રહે છે. આ દેશમાં 83.3% ખ્રિસ્તી, 3.7% મુસ્લિમ, બૌદ્ધ, હિન્દુ અને અન્યનું પ્રમાણ 1.1 કરતા ઓછું છે. જ્યારે 12.4% લોકો કોઈ ધર્મમાં માનતા નથી.

શિક્ષણ અને આરોગ્ય : 6થી 14 વર્ષનાં બાળકો માટે શિક્ષણ તદ્દન મફત છે. 11થી 14 વર્ષનાં બાળકો માધ્યમિક શિક્ષણ મેળવે છે. સ્નાતક વિદ્યાર્થીઓ વિનયન અને વિજ્ઞાનની સંસ્થાઓમાં, અધ્યાપનમંદિરમાં અથવા કોઈ તકનીકી શાળામાં જોડાઈને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ તકનીકી શાળા કરતાં ઓછું છે. મુખ્ય યુનિવર્સિટીઓ રોમ, નેપલ્સ, મિલાન, બોલોના, ટ્યુરિન અને પાલેર્મોમાં આવેલી છે. ઇટાલીમાં સાક્ષરતાનું પ્રમાણ પુરુષોનું 98 % અને સ્ત્રીઓનું 96 % જેટલું છે.

સાંસ્કૃતિક સંસ્થાઓ : સૌપ્રથમ પુસ્તકાલય 1747માં ફ્લૉરેન્સ શહેરમાં ઊભું કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયમાં 4 લાખ કરતાં પણ વધુ પુસ્તકો છે. બીજું મહત્વનું પુસ્તકાલય વિક્ટર ઇમેન્યુએલ રોમમાં આવેલું છે. આ પુસ્તકાલય 1857માં ઊભું કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમ અને આર્ટ ગૅલરી મોટે ભાગે બધાં જ મોટાં શહેરોમાં સ્થપાયેલાં છે. તેમાં સૌથી વધુ પ્રખ્યાત પીટીપેલેસ, યુફીઝી અને નૅશનલ મ્યુઝિયમ ફ્લૉરેન્સમાં જોવા મળે છે. રોમમાં બર્જેસ ગૅલરી, વિલા મ્યુલિયા કેપીટોલાઇન મ્યુઝિયમ અને નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટ જોવા મળે છે.

આર્થિક પ્રવૃત્તિ : 20મી સદીની શરૂઆતમાં ઉદ્યોગોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું. 1975માં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 40 % કરતાં વધુ આવક ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થઈ હતી. કુલ વસ્તીના 43 % લોકોનો ફાળો તેમાં હતો. લોમ્બાર્ડીમાં લગભગ 30 % કરતાં વધુ વસ્તી ઔદ્યોગિક કામદારોની હતી. ઇટાલીના મુખ્ય ઉદ્યોગમાં લોખંડ-પોલાદ, ઑટોમોબાઇલ અને એન્જિનિયરિંગ, રસાયણ અને કાપડ ઉદ્યોગ ગણાય છે. 1975માં લગભગ 22 મિલિયન મેટ્રિક ટન લોખંડ નિકાસ કર્યું હતું. સ્ટીલના ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો ટારાન્ટો, જિનોઆ, નેપલ્સ, બગનોઈ, પીઓમ્બીનો છે. ઑટોમોબાઇલ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો બ્રેસકિયા, મોડેના, મિલાન અને ટુરીન છે. ઇટાલી મુખ્યત્વે સીવવાના સંચા, ટાઇપરાઇટર, સ્કૂટર (વેસ્પા અને લેમ્બ્રેટા), સાઇકલ, મૉપેડ, કૅલ્ક્યુલેટર, રેફ્રિજરેટર, રેડિયો અને ટેલિવિઝનની નિકાસ કરે છે. ટુરીનમાં હવાઈ જહાજ બનાવવાનું કેન્દ્ર છે. સમુદ્ર-જહાજ બનાવવાનાં મુખ્ય કેન્દ્રો એનકોના-લા-સ્પેઝિયા, જિનોઆ, નેપલ્સ, ટ્રીએસ્ટા અને વેનિસ છે. પેટ્રોકેમિકલ્સ-આધારિત ઉદ્યોગોમાં પ્લાસ્ટિક, ખાતર અને કૃત્રિમ રબર મુખ્ય છે.

મધ્ય યુગના સમય પહેલાં પણ અહીંનું ગરમ કાપડ અને સુતરાઉ કાપડ પ્રખ્યાત હતું. કુદરતી વાયુ અને ખનિજતેલની શોધને કારણે આ કાપડ-ઉદ્યોગની માગ ઘટી ગઈ. કૃત્રિમ કાપડનાં મુખ્ય કેન્દ્રો ફ્લૉરેન્સ અને મિલાન ગણાય છે. ઇટાલીના અર્થતંત્રમાં કલાનો ફાળો મુખ્ય રહ્યો છે. સરકાર તેને વધુ પ્રોત્સાહન આપે છે. કાચ, પૉટરી, પટ્ટા, આરસપહાણનાં કોતરણીવાળાં શિલ્પ, સોના-ચાંદીની વિવિધ ઘાટવાળી વસ્તુઓ અને હસ્તકલા-કારીગરીની વસ્તુઓ વધુ પ્રખ્યાત છે.

આશરે 12 % લોકો ખેતમજૂરો તરીકે કાર્ય કરે છે. 1976માં રાષ્ટ્રીય આવકમાં તેમનો ફાળો લગભગ 7 % હતો. કુલ જમીનવિસ્તારના 1/2 ભાગની જમીનમાં ખેતપ્રવૃત્તિ થાય છે, પરંતુ ઉત્પાદન ઓછું છે. ઉત્તરના મેદાનની ફક્ત 29 % જમીન ફળદ્રૂપ છે, બાકીની જમીન ખડકાળ છે. અહીં ખેતીમાં બગીચાપદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં ફળફળાદિ થાય છે. મેદાનના કેટલાક પ્રદેશોમાં મલેરિયાવાળી આબોહવા છે. કેટલાક પ્રદેશોમાં શિયાળામાં ઠંડા પવનો વાય છે અને ઉનાળો સૂકો હોય છે. ઇટાલીના મોટા ભાગના મેદાનપ્રદેશમાં નાનાં નાનાં ખેતરોમાં ઘનિષ્ઠ ખેતી થાય છે. આજે વિશાળ ખેતરોને નાનાં નાનાં ખેતરોમાં વહેંચી ખેડૂતોને જમીન આપીને સહકારી ધોરણે તેઓ યાંત્રિકીકરણ અપનાવે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે.

મુખ્ય પાક ઘઉંની ખેતી મોટેભાગે સમગ્ર દેશમાં થાય છે. મકાઈ અને ચોખાનું વાવેતર ઉત્તર ઇટાલીના મેદાની વિસ્તારમાં જોવા મળે છે. ઉપરાંત સુગરબીટ, ફ્લૅક્સ, હેમ્પ, એમજ, ઑલિવ, દ્રાક્ષ, અંજીર, પીચ, ખાટાં ફળો વગેરે ઇટાલીની ખેતીમાં વધુ મહત્વ ધરાવે છે. વસંત ઋતુમાં ફળો અને શાકભાજીની ખેતી નેપલ્સના વિસ્તારોમાં થાય છે. લિગુરિયનના કિનારે વિવિધ પ્રકારનાં ફૂલોની ખેતી કરવામાં આવે છે. પશુપાલનનો વ્યવસાય ગૌણ છે. કુલ ઉત્પાદન પૈકી ખેતીની આવક 40 % છે. ઇટાલી માંસની આયાત ફ્રાંસ અને જર્મનીમાંથી કરે છે. દુધાળાં ઢોર લોમ્બાર્ડી અને આલ્પ્સના ઢોળાવો ઉપર, તો ઘેટાં-બકરાં ઊંચા પર્વતીય અને સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. ચોખાનું ઉત્પાદન માગ કરતાં વધુ હોવાથી પડોશી દેશોમાં નિકાસ થાય છે. દ્રાક્ષનું વાવેતર દક્ષિણ ઇટાલી, નદીની ખીણ અને એપીનાઇનના ઢોળાવો ઉપર વધુ થાય છે. ઇટાલીમાં દારૂનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.

ઇટાલીના સમુદ્રકિનારે અનેક નાનાં મત્સ્યબંદરો આવેલાં છે. જંગલનું પ્રમાણ વધુ ન હોવાથી જરૂરિયાત પ્રમાણે લાકડું આયાત કરવામાં આવે છે.

ઇટાલીનો મોટો ભાગ પહાડી છે. પોની ખીણ અને કિનારાનાં મેદાનો સપાટ છે. ઇટાલીમાં વાહનવ્યવહારનાં સાધનો પૈકી રસ્તાઓનું પ્રમાણ વધુ છે. દેશના ધોરીમાર્ગો એકંદરે 4,79,688 કિમી. લંબાઈ ધરાવે છે. સૌથી મહત્વનો ધોરી માર્ગ 1,250 કિમી. લાંબો છે, જે મિલાન, રોમ, નેપલ્સ અને રોગીઓ-ડી-કાલાબ્રિયાને સાંકળે છે. 1965માં મૉં બ્લૉંના પર્વતીય વિસ્તારમાં 12.5 કિમી. લાંબો રસ્તો બનાવવામાં આવ્યો છે, જે ઇટાલી અને ફ્રાંસને સાંકળે છે. ઇટાલીમાં રેલમાર્ગની શરૂઆત ઈ. સ. 1839માં થઈ હતી. રેલમાર્ગોની લંબાઈ 14,595 કિમી. છે અને અડધા ભાગના રેલમાર્ગોનું વીજળીકરણ થયેલું છે. ઇટાલીને ફ્રાંસ સાથે રેલમાર્ગે જોડવા આલ્પ્સમાં બોગદાં ખોદીને રેલના પાટા નાખવામાં આવ્યા છે. ઇટાલીમાં જળમાર્ગોનો વિકાસ પણ વધુ થયો છે. પો નદી જળમાર્ગ તરીકે વધુ ઉપયોગી છે. આંતરિક જળમાર્ગો 21 હજાર કિમી. લંબાઈના છે; જેમાંથી 1,000 કિમી. નહેરોના જળમાર્ગો છે. વેનિસ અને ઉત્તર ઇટાલીનાં મેદાનોમાં નહેરોનો ઉપયોગ આંતરિક જળમાર્ગ તરીકે થાય છે. જિનોઆ, નેપલ્સ, સેવોના, વેનિસ અને લેગહૉર્ન મુખ્ય બંદરો છે. ઇટાલીમાં હવાઈ માર્ગોનો પણ વિકાસ થયો છે. અહીં બે વિમાની કંપની છે : લાઇન એરી ઇટાલિયાના અને ઍલિટાલિયા. ઍલિટાલિયા આંતરરાષ્ટ્રીય વિમાની કંપની છે. અનેક વિદેશી હવાઈ મથકો સાથે તે સંબંધો ધરાવે છે. પાંચ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, જેમાં રોમ સૌથી મહત્વનું છે.

સંદેશાવ્યવહાર સંપૂર્ણત: સરકાર-હસ્તક છે. દરરોજ 70 કરતાં વધુ વર્તમાનપત્રો પ્રગટ થાય છે.

ઇટાલી ખનિજતેલ, માંસ અને કઠોળ, કોલસો, કપાસ, ઊન, ઘઉં, ખાંડ, ચા અને કૉફીની આયાત કરે છે. નિકાસવ્યાપારમાં હસ્તકલાની વસ્તુઓ, ફળો, શાકભાજી, સુતરાઉ અને રેશમી કાપડ મુખ્ય છે. દારૂના ઉત્પાદનમાં ઇટાલી બીજો ક્રમ દાખવે છે. ઇટાલીમાં નિકાસ કરતાં આયાત ઓછી છે; પરંતુ પ્રવાસનઉદ્યોગ વધુ નફાકારક છે. ઑગસ્ટ બંદરે ગૅસ અને ખનિજતેલ આયાત કરવા અલ્જિરિયાથી સિસિલી સુધીની પાઇપલાઇન નાખવામાં આવી છે. ઇટાલીનો મુખ્ય વ્યાપાર પશ્ર્ચિમ જર્મની, ફ્રાંસ, નેધરલૅન્ડ્ઝ, અમેરિકા, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને ઇંગ્લૅન્ડ સાથે થાય છે. ખનિજતેલની આયાત સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાકમાંથી થાય છે. આ દેશનું પાટનગર રોમ છે. તેની વસ્તી 43,33,274 (2020) છે. જ્યારે દેશની વસ્તી 6,04,61828 (2020) છે. વસ્તીગીચતા આશરે 206 છે.

પ્રાચીન નગરો

પૉમ્પી : ઇટાલીમાં વિસુવિયસ પર્વતની તળેટીમાં આશરે ત્રણ કિલોમીટરની અનિયમિત ગોળાકાર ભૂમિ પર સારનુસ નદીને કાંઠે વસેલું પ્રાચીન નગર. ગ્રીક પરંપરા તેને હરક્યુલિસે વસાવેલું ગણે છે, પરંતુ તે ગ્રીક સંસ્થાન ન હતું. સ્ટ્રેબો તેને મૂળ ઑસ્કન લોકોએ વસાવેલું અને એટ્રુસ્કનોએ વિકસાવેલું માને છે. એટ્રુસ્કનોએ એ નગરની લંબચોરસ રચના કરી હોવાનું મનાય છે. ત્યાં એટ્રુસ્કનો પછી પેલસ્ગિયન અને સામનીતો રહેતા હતા. ત્યારબાદ રોમનોએ ઈ. સ. પૂ. 309માં તેના પર કબજો જમાવ્યો. ઈ. સ. પૂ. પ્રથમ સદીમાં રોમ સામેના યુદ્ધમાં સલ્લા સામે ટક્કર લીધી હતી. રોમન રાજ્યે ઈ. સ. પૂ. 80માં ત્યાં લશ્કરી છાવણી ઊભી કરી હતી. પૉમ્પી કિલ્લેબંદ નગર હતું. પરંતુ સમુદ્ર તરફની તેની ભીંત તોડી નાખવામાં આવી હતી. નગરના મુખ્ય માર્ગો મોટેભાગે સીધા, આશરે 10 મીટર પહોળા હતા. અહીં પ્રેક્ષાગૃહો, સ્નાનાગારો આદિ જાહેર ઉપયોગનાં મકાનો હતાં. આ જાહેર મકાનો નગરના મુખ્ય ચોકની આજુબાજુ બાંધવામાં આવ્યાં હતાં. ઉપરાંત ગ્રીક અને રોમન મંદિરો પણ નગરમાં હતાં.

પૉમ્પીને ઈ. સ. 63માં ધરતીકંપનો આંચકો લાગી નુકસાન થયું હતું; પરંતુ ઈ. સ. 79માં વિસુવિયસ ફાટ્યો ત્યારે તેની રાખ, નાના પથ્થરો આદિથી આ નગરનો નાશ થયો. એ નગર વિશેની પુરાતત્વની શોધખોળ 1748થી ચાલુ છે.

એરેઝો : લૅટિન ભાષામાં એરેટિયમ નામે જાણીતું ટસ્કની પ્રાન્તનું મુખ્ય મથક. મધ્ય ઇટાલીના ઉત્તર ભાગમાં ચીઆના અને આર્નો નદીના સંગમ પર આવેલું આ મહત્વનું મથક એટ્રુસ્કનોએ વસાવેલું હતું. રોમનોના જમાનામાં ઈ. સ. પૂ. પ્રથમ સદીથી આશરે ઈ. સ.ની ત્રીજી સદી સુધી અહીંનાં લાલ માટીનાં વાસણો ખૂબ જાણીતાં હતાં. આ વાસણો પર સુરાહીના જેવી છાપ પાડવામાં આવતી. તે છાપ વિનાનાં પણ મળતાં. ભારતમાં રોમથી આ પ્રકારનાં વાસણો આયાત થતાં.

1384માં તેના પર ફ્લૉરેન્સે કબજો જમાવ્યો, ત્યારબાદ તે ટસ્કનીનો ભાગ બન્યું. તે નેપોલિયનના વિગ્રહો વખતે ફ્રાન્સને કબજે ગયું; પરંતુ ત્યારબાદ હૅબ્સબર્ગના ડ્યૂકને સોંપી દેવામાં આવ્યું. 1861 પછી તે ઇટાલીનો ભાગ બન્યું. વિશ્વયુદ્ધમાં તેને ઘણું નુકસાન થયું હતું.

આ નગરમાં ઈ. સ. 1275 અને 1286માં બંધાવાં શરૂ થયેલાં દેવળો છે, અને ત્યારબાદ અહીં ઘણાં દેવળો બંધાયાં છે. ચૌદમી સદીમાં બંધાયેલા મહેલો પણ અહીં અસ્તિત્વ ધરાવે છે. આ નગરનો જૂનો ભાગ આશરે 300 મીટર ઊંચા ટેકરા પર છે.

પ્રાચીન રોમન પ્રેક્ષાગાર તથા એટ્રુસ્કના સંગ્રહાલયમાં અહીંના માટીકામના નમૂના સુરક્ષિત છે. પૅટ્રાર્ક (1304-74), પીએટ્રો તથા આરેટીનો જેવા લેખકો, સ્પીનેલો આરેટીનો જેવા કલાકારો અને ગાઇડો દ એરેઝો જેવા સંગીતના સ્વરાંકનપદ્ધતિના સર્જક તથા ગીઓ-ગ્રીઓ વસારી (1511-74) જેવા ચિત્રકાર, સ્થપતિ અને લેખકની એ જન્મભૂમિ છે.

ઇતિહાસ

ઇટાલી પશ્ચિમની સંસ્કૃતિનું પારણું છે. તેની સંસ્કૃતિ પાષાણ અને કાંસ્ય યુગ જેટલી પ્રાચીન છે. ઈ. સ. પૂ. 800 આસપાસ ગ્રીસમાંથી સ્થળાંતર કરી દક્ષિણ ઇટાલીના પૂર્વકિનારે તથા સિસિલીમાં ગ્રીકો વસ્યા અને તેમાંથી ગ્રીક-રોમન સંસ્કૃતિનો જન્મ થયો. તેમના અવશેષો મધ્ય ઇટાલી અને સિસિલીમાંથી મળે છે. રોમની સ્થાપના ઈ. સ. પૂ. 753માં થઈ હતી. ઈ. સ. પૂ. 600 વર્ષ એટ્રુસ્કના રાજાઓનું અહીં શાસન હતું. ઈ. સ. પૂ. 509માં રોમની સ્વતંત્ર સત્તાઓનો ઉદય થયો અને ટાઇબરને કાંઠે આવેલું રોમ વેપારી કેન્દ્ર બન્યું. તેની વસ્તી લૅટિન ભાષા બોલતી હતી. તેમનું રાજ્ય આર્નો નદીથી નેપલ્સ સુધી હતું. ગૉલ લોકોના હુમલા સામે રોમનોએ સરહદ ઉપર કિલ્લા બાંધ્યા હતા. ઈ. સ. પૂ. 264માં રોમ અને કાર્થેજ વચ્ચે યુદ્ધ થયું. હેનિબાલની ઇટાલી ઉપરની ચઢાઈ નિષ્ફળ ગઈ અને તેની હાર થતાં કાર્થેજની સત્તાનો અંત આવ્યો. ઉત્તર આફ્રિકાના કાર્થેજના સંસ્થાન ઉપરાંત ગ્રીસ, એશિયા માઇનોર અને ઇજિપ્તનાં ઘણાં રાજ્યો રોમે જીતી લીધાં અને ઈ. સ. પૂ. બીજી અને પહેલી સદી દરમિયાન રોમન સામ્રાજ્યનો વિસ્તાર મોરોક્કો, સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, બ્રિટન, હંગેરી વગેરે દેશો સુધી પહોંચ્યો. ઉપરાંત સુંદર રસ્તા તેમજ કાયદો અને વ્યવસ્થા એ રોમન પ્રજાનું પ્રદાન છે. પૉમ્પી, જુલિયસ સીઝર, માર્ક ઍન્ટની વગેરે સેનાપતિઓ પ્રાદેશિક વિસ્તરણ માટે કારણભૂત હતા. જુલિયસ સીઝરના બ્રુટસ દ્વારા ખૂન થયા બાદ તેનો ભત્રીજો ઑગસ્ટસ સીઝર પાદશાહ થયો. ત્રીજા અને પાંચમા સૈકા દરમિયાન રોમને ગૉલ, ગૉથ, વાન્ડાલ અને હૂણોનાં આક્રમણનો સામનો કરવો પડ્યો. ઍટીલાસે ઈ. સ. 450-453 દરમિયાન રોમની સત્તાને મરણતોલ ફટકો માર્યો.

રોમન સામ્રાજ્ય અને તેના પ્રાન્તો, ઈ. સ. પૂ. 264-180

રોમન સામ્રાજ્ય અને તેના પ્રાન્તો, ઈ. સ. પૂ. 264180

ઈ. સ. 493માં ગૉથ લોકોનો હુમલો થયો. તેમને હરાવીને શહેનશાહ જસ્ટિનિયને (527-565) રોમ જીતી લીધું. તેના મૃત્યુ બાદ લૉમ્બાર્ડોએ ઈ. સ. 568માં ઇટાલી ઉપર આક્રમણ કરી રોમ નેપલ્સ, રેવન્ના અને દક્ષિણ ઇટાલી સિવાયનો પ્રદેશ જીતી લીધો. રોમન શહેનશાહની સત્તા ક્ષીણ થતાં પોપની સત્તા અને પ્રતિષ્ઠા વધ્યાં. ગ્રેગરી ધ ગ્રેટના (590-604) સમયમાં કૅથલિક ચર્ચ ખૂબ પ્રબળ બન્યું હતું અને સમગ્ર યુરોપ ઉપર તેની સત્તા ફેલાઈ હતી. ઈ. સ. 725માં ચર્ચ અને રાજ્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની શરૂઆત થઈ. પોપ હેડ્રિયન અને ચાર્લ્સ ધ ગ્રેટ – શાર્લમૅને લૉમ્બાર્ડોને હરાવ્યા. શાર્લમૅન ઈ. સ. 768માં ગાદીએ બેઠો અને ઉત્તર ઇટાલી સહિત યુરોપનો ઘણો ભાગ તેણે કબજે કર્યો હતો. ઈ. સ. 800માં રોમમાં સેન્ટ પીટરના દેવળમાં પોપે તેનો રાજ્યાભિષેક કર્યો હતો. ત્યારબાદ શહેનશાહ અને પોપનું સંયુક્ત શાસન શરૂ થયું. પોપ સમગ્ર યુરોપના આધ્યાત્મિક રાજવી હોવાનો દાવો કરતા હતા અને રોમ સહિત મધ્ય ઇટાલી તેમના શાસન તળે હતું. દુન્યવી માણસોની જેમ તેઓ વૈભવશાળી જીવન જીવતા હતા અને રાજ્યોની ખટપટમાં ભાગ લેતા હતા. આથી પોપ અને જર્મન પવિત્ર સામ્રાજ્ય વચ્ચે યુરોપના અન્ય દેશો ઉપર વર્ચસ્ જમાવવાની હરીફાઈને કારણે ઇટાલી તેમની વચ્ચેના વિગ્રહોનું ભોગ બન્યું. લગભગ બસો વર્ષ દરમિયાન નૉર્મન અમીરોની ચઢાઈ તથા પરસ્પર લડાઈને લીધે ઇટાલી ખેદાનમેદાન થઈ ગયું હતું. અમીરો દેશના ટુકડા ઉપર સત્તા જમાવી બેઠા હતા. આ યુગ સામંતશાહી(feudalism)નો હતો. પણ મિલાન, ફ્લૉરેન્સ, નેપલ્સ, વેનિસ વગેરે ઉત્તરનાં નગરોની સમૃદ્ધિ અગિયારમી સદીથી વધવા લાગી અને તેરમીથી પંદરમી સદી દરમિયાન ઇટાલીમાં પુનરુત્થાન(renaissance)નો યુગ શરૂ થયો. પૅટ્રાર્ક, બોકેસિયો અને ડૅન્ટિ જેવા સાહિત્યસ્વામીઓ તથા લિયૉનાર્દો દ વિન્સી, રાફેલ અને માઇકલૅન્જેલો જેવા ચિત્રકારો અને શિલ્પીઓએ તેમની અમર કૃતિઓથી ઇટાલીને જગવિખ્યાત બનાવ્યું. ઑપેરાનું પણ આ ગાળામાં પ્રથમ વાર સર્જન થયું. રોમ, પેડુઆ અને બોલોગ્નાની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો તથા નામી સાહિત્યકારો અને કલાકારોને કારણે ઇટાલીએ સમગ્ર યુરોપના અગ્રિમ સંસ્કૃતિકેન્દ્ર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. 330માં કૉન્સ્ટેન્ટાઇને રોમથી અલગ થઈ પૂર્વ રોમન સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તેની રાજધાની કૉન્સ્ટેન્ટિનોપલ હતી. ઑટોમન તુર્ક સામ્રાજ્યનો ઉદય થયો અને તેમણે 1543માં કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આ યુદ્ધો સો વરસ સુધી ચાલ્યાં હતાં. ઇટાલીનાં પાંચ નગરરાજ્યો વચ્ચે આંતરકલહ હતો. તેનો અંત કોસિમો દ મેદિચિની મધ્યસ્થીને કારણે આવતાં ઇટાલીમાં શાંતિ ફેલાઈ. 1530 પછી ઇટાલીની અવગતિ થઈ અને સોળમી સદીમાં સ્પેનની સત્તાનો ઉદય થતાં તે તેના વર્ચસ્ નીચે આવ્યું. આખો દેશ નાની ઠકરાતો અને નાનાં રાજ્યોમાં વિભક્ત થઈ ગયો હતો. સ્પૅનિશ વારસાવિગ્રહ(1702-1713)માં ફ્રાંસની હાર થતાં ઇટાલી ઉપર ઑસ્ટ્રિયાનું આધિપત્ય થયું, જે નેપોલિયનના ઉદય સુધી ટક્યું હતું. ઈ. સ. 1796માં નેપોલિયને સાર્ડિનિયા જીતી લીધું અને ઑસ્ટ્રિયાને હાર આપી તેમજ મિલાન અને જિનોઆ તેની સત્તા નીચે આવ્યાં. ફેબ્રુઆરી, 1798માં પોપની સત્તા નીચેના પ્રદેશે પ્રજાસત્તાક શાસનની સ્થાપના કરી. 1799માં સિસિલીના બે ભાગ એકત્ર થયા. ઑસ્ટ્રિયન અને રશિયન લશ્કરે સુવોરૉવના સેનાપતિપદ નીચે ફ્રેન્ચોને હાર આપી, પણ નેપોલિયને ફરી પ્રબળ આક્રમણ કરી મૅરેંગોના યુદ્ધમાં ઑસ્ટ્રિયાને હાર આપી અને સ્પેન કબજે કર્યું તેમજ શહેનશાહ તરીકે મિલાનમાં 1804માં તેણે તેની તાજપોશી કરી. આમ ઇટાલી ફ્રાંસનું ખંડિયું રાજ્ય બન્યું. નેપલ્સમાં નેપોલિયનનો ભાઈ જૉસેફ રાજા થયો. ઉત્તરની વેનિસ-મિલાનની ઠકરાત ઑસ્ટ્રિયાએ કબજે કરી હતી. ફ્રાન્સે નેપલ્સના રાજ્ય ઉપરથી તેનો હક ઉઠાવી લીધો, પણ ઑસ્ટ્રિયા અને પોપના કબજામાં ઇટાલીનો ઘણો પ્રદેશ હતો. આ પ્રદેશની મુક્તિ માટે 1811 પછી આન્દોલનો શરૂ થયાં.

મધ્યકાલીન નગરરાજ્યો

અગિયારમીથી પંદરમી સદી દરમિયાન પૂર્વ સાથેના વેપારને પ્રતાપે સમૃદ્ધ થયેલાં નગરરાજ્યો :

મિલાન : મધ્ય યુગમાં મિલાન અને લૉમ્બાર્ડીનાં સમૃદ્ધ મેદાનોમાંનાં અસંખ્ય નગરો પૈકી સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય. તે આલ્પાઇન ઘાટોથી માંડીને ઉત્તર યુરોપ સુધીના સમગ્ર વિસ્તારનું આગળ પડતું રાજ્ય હતું. 12મી સદીમાં સામ્રાજ્યવાદી પકડમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના લૉમ્બાર્ડ લીગના સંઘર્ષમાં તેણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો. પોતાનાં પડોશી રાજ્યોની માફક જોકે મિલાને પણ નવજાગૃતિના ઉષ:કાળમાં પોતાની સ્વતંત્રતા આપખુદ રાજ્યકર્તાના હાથે ગુમાવી હતી. ઈ. સ. 1311માં શક્તિશાળી ઘિબેલ્લાઇન કુટુંબના વડા મેટ્ટીઓ વિસ્કોન્ટીએ સમ્રાટ હેન્રી સાતમાની સંમતિથી આપખુદશાહી સ્થાપી હતી. તેણે નગરરાજ્યનો વિસ્તાર વધારીને પડોશનાં અનેક નાનાં રાજ્યો જીતી લીધાં. ગિઆનગલેઝઝો વિસ્કોન્તી(1378-1402)ના સમય સુધી મિલાનનો વિસ્તાર વધ્યો નહોતો, પણ આ લુચ્ચા અને નિર્દય આપખુદ શાસકે લગભગ સમગ્ર લૉમ્બાર્ડી જીતી લીધું તેમજ ટસ્કનીને તથા ચર્ચનાં રાજ્યોને તે ધ્રુજાવવા લાગ્યો હતો. સમ્રાટ વેન્સેસ્લાસ પાસેથી તેણે પોતાના કુટુંબ માટે ડ્યૂક ઑવ્ મિલાન(1395)નું આંતરરાષ્ટ્રીય બિરુદ ખરીદ્યું અને પોતાની પુત્રી વાલ્મતિનાનું ઓર્લિયન્સના લૂઈ સાથે લગ્ન કર્યું. લૂઈ ફ્રાન્સના રાજા ચાર્લ્સ પાંચમાનો પુત્ર હતો. ગિઆનગલેઝઝોના મૃત્યુ પછી તેણે જીતેલા મોટાભાગના પ્રદેશો તેના રાજ્યે ગુમાવ્યા અને પછીની અડધી સદીમાં તેના પુત્રો ગિઆવાન્ની મારિઆ (1402-’12) અને ફિલિપ્પો મારિઆ(1412-’47)એ પોતાના બાકી રહેલા રાજ્યના રક્ષણ માટે વેનિસ અને તેનાં મિત્રરાજ્યો સાથે યુદ્ધો કરવાં પડ્યાં. ફિલિપ્પો મારિઆનું મૃત્યુ થયું ત્યારે તેની જાગીરમાં ફક્ત લૉમ્બાર્ડીનો પશ્ચિમી અર્ધભાગ જ બાકી રહ્યો હતો. તેને કોઈ વારસ રહ્યો નહોતો. ફક્ત એક અનૌરસ પુત્રી હતી, જેનું લગ્ન એક સામાન્ય કોન્દોત્તીએર ફ્રાન્સેસ્કો સ્ફોર્ઝા સાથે થયું હતું. મિલાનના નાગરિકોએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પ્રજાસત્તાક તંત્રની સ્થાપના કરી, પરંતુ રાજ્ય કરવામાં તેઓ નિષ્ફળ ગયા અને ફક્ત ત્રણ જ વર્ષમાં સ્ફોર્ઝાએ પોતાને ડ્યૂક ઑવ્ મિલાન (1450-’66) તરીકે જાહેર કર્યો. ચાર વર્ષ બાદ તેણે વેનિસ સાથે સંધિ કરી અને તે સમયથી એ સદીના અંત સુધી સ્ફોર્ઝાના કુટુંબે મિલાન ઉપર શાંતિથી રાજ્ય કરી તેને ઇટાલીનું સૌથી સમૃદ્ધ રાજ્ય બનાવ્યું તેમજ મિલાન કળા અને કેળવણીનું ધામ અને વિદ્વાનોનું આશ્રયસ્થાન બન્યું.

વેનિસ : લૉમ્બાર્ડીની પૂર્વમાં આવેલી મહાન વેપારી નગરી. તે (સામુદ્રિક સરોવરો – lagoons) ઉપર આવેલી છે અને એડ્રિયાટિક સમુદ્ર ઉપર પ્રભુત્વ ધરાવે છે. મધ્યકાલીન વાણિજ્યનું પ્રથમ પુનર્જીવન થયું ત્યારથી વેનિસ યુરોપની સૌથી સમૃદ્ધ નગરી હતી. તેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર અને પશ્ચિમ યુરોપના દેશો સાથેના વેપારનું તે કુદરતી માધ્યમ બન્યું હતું. સામુદ્રિક સરોવરોને કારણે તળભૂમિથી તે જુદું પડવાથી તેની સલામતી વધી હતી અને ઇટાલીના રાજકારણના કાવાદાવાથી તે અલિપ્ત રહી શક્યું હતું. આ ઉપરાંત, ઇટાલીનાં બીજાં પ્રજાસત્તાકોથી જુદું પડીને વેનિસે સ્થિર સરકારની પદ્ધતિનું સર્જન કર્યું હતું, જેથી તે ક્રાંતિઓ અને પક્ષીય રાજકારણથી દૂર રહી શક્યું હતું. 13મી સદીથી સરકાર પ્રજાથી વિમુખ બની હતી અને રાજતંત્ર ઉપર સમૃદ્ધ કુટુંબોની વ્યક્તિઓનો કાબૂ રહ્યો હતો. તેમનામાંથી દોગે (Doge) એટલે આજીવન પ્રમુખને અને ભવ્ય કાઉન્સિલ, સૅનેટ અને દસ શક્તિશાળી સભ્યોની કાઉન્સિલને તેઓ ચૂંટતા. ઈ. સ. 1310 પછી આ દસ સભ્યોની કાઉન્સિલ દોગે અને સૅનેટ ઉપર કાબૂ ધરાવતી હતી. આ રાજકીય સ્થિરતાને કારણે 14મી સદીના તેના પ્રતિસ્પર્ધી જિનોઆની સાથેના ભયંકર સંઘર્ષના સામનામાંથી તે બચી શક્યું. જ્યારે જિનોઆની પરિસ્થિતિ એટલી બધી બગડી કે પ્રથમ તે ફ્રાન્સ અને પછી મિલાનના આધિપત્ય નીચે આવી ગયું. 15મી સદીની શરૂઆતમાં આ પ્રજાસત્તાકના ઇતિહાસમાં ચોક્કસ પરિવર્તન આવ્યું. લૉમ્બાર્ડી ઉપર વિસ્કોન્તીની જીતથી ચોંકી ઊઠેલા વેનિશિયનોએ સામુદ્રિક સરોવરો વડે અલાયદા રહેવાની પદ્ધતિ ત્યજી દીધી અને તળભૂમિ ઉપર પ્રદેશ મેળવવા અને એ રીતે પોતાના શક્તિશાળી પડોશીથી નગરનું રક્ષણ કરવા તેમજ વેનિસના વાણિજ્ય માટે જરૂરી આલ્પાઇન ઘાટોના માર્ગો ખુલ્લા રાખવાનું નક્કી કર્યું. ઈ. સ. 1405માં પ્રાચીન યુનિવર્સિટી માટે પ્રખ્યાત એવા પાડુઆ ઉપર વિજય મેળવ્યા પછી પ્રજાસત્તાકનાં લશ્કરો વિસ્કોન્તીના પ્રદેશો તરફ કૂચ કરી ગયાં, ભાડૂતી લશ્કરો દ્વારા લાંબો સમય યુદ્ધ ચાલ્યું; પરંતુ આ વાણિજ્યનગરીની સમૃદ્ધિ એ તેનું નિર્ણાયક બળ બની રહી. ઈ. સ. 1454માં લોદી મુકામે નવા સ્ફોર્ઝા ડ્યૂક ઑવ્ મિલાન સાથે છેવટની સંધિ કરવામાં આવી ત્યારે વેનિસ પૂર્વીય લૉમ્બાર્ડીની તળભૂમિના રાજ્ય ઉપર શાસન કરતું હતું અને પ્રતિસ્પર્ધી મિલાન કરતાં એડ્રિયાટિક સમુદ્રના મુખભાગની આસપાસ તેનું વિશાળ રાજ્ય હતું.

ફ્લૉરેન્સ : ઇટાલીના પશ્ચિમ સમુદ્રકિનારે, લૉમ્બાર્ડીની દક્ષિણે ટસ્કનીનો જિલ્લો આવેલો હતો, જેની પૂર્વ અને પશ્ચિમ સરહદે ચર્ચનાં રાજ્યો આવેલાં હતાં. સિએન સિવાયનો આ બધો પ્રદેશ ક્રમશ: વિસ્તરતાં ફ્લૉરેન્સના પ્રજાસત્તાકના તાબા નીચે તે આવતો ગયો હતો અને 1406માં મહાન વાણિજ્યકેન્દ્ર પિસાને પણ જીતી લેવામાં આવ્યું. ઊન અને બીજા ઉદ્યોગો દ્વારા ફ્લૉરેન્સ ખૂબ સમૃદ્ધ બન્યું હતું. યુરોપનું સૌથી મોટું બૅન્ક-કેન્દ્ર બનવા ઉપરાંત ઇટાલીની સંસ્કૃતિની બધી જ શાખાઓમાં તેણે સ્વીકૃત નેતૃત્વ પ્રાપ્ત કર્યું હતું. અસામાન્ય બૌદ્ધિક પ્રગતિ કરનાર સંખ્યાબંધ વિદ્વાનો તેમાં રહેતા હતા. છતાં ફલૉરેન્સના લોકો શક્તિશાળી પ્રજાસત્તાક બંધારણ વિકસાવી શક્યા નહોતા. 14મી અને 15મી સદીના પ્રથમ ભાગમાં આ નગર વારંવાર ક્રાંતિઓ કે પક્ષીય કાવાદાવાનું ભોગ બન્યું. મહદ્અંશે નાનાં સમૃદ્ધ કુટુંબોનું એક જૂથ તેના ઉપર આધિપત્ય ચલાવતું હતું. આ પદ્ધતિએ એટલી બધી મુશ્કેલી સર્જી કે ઈ. સ. 1434માં મોટાભાગના ફ્લૉરેન્ટાઇન લોકોએ કોસિમો દ મેદિચિનો સરકાર ઉપરનો કાબૂ વગર વિરોધે સ્વીકાર્યો હતો. કોસિમો દ મેદિચિ બૅન્ક-વ્યવહાર કરનારા મહાન કુટુંબનો વડો હતો. તેણે નગર ઉપર 60 વર્ષ સુધી રાજ્ય કર્યું. ફ્લૉરેન્સ રાજકીય સ્વરૂપમાં પ્રજાસત્તાક હોવા છતાં કોસિમો અને તેના વારસો હકીકતમાં આપખુદ શાસનકર્તાઓ હતા. જોકે તેઓ કોઈ અધિકૃત બિરુદ ધરાવતા નહોતા અને પ્રજાસત્તાક તંત્ર ઉપર ફક્ત પડદા પાછળ રહીને કાબૂ ધરાવતા હતા. કોસિમોના મૃત્યુ-સમયે તેની સરકારના સુશાસનનાં 30 વર્ષ પૂરાં થયાં હતાં. તેથી તેણે ‘દેશપિતા’(પૅટર પેટ્રી)નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેના પછી તેનો પુત્ર પિએરો(1464-’69) સત્તા ઉપર આવ્યો. પિએરોના અચોક્કસ માર્ગદર્શન નીચે મેદિચિની સત્તા ચાલી જવા લાગી; પરંતુ તેના શક્તિશાળી પુત્ર લૉરેન્ઝો ધ મૅગ્નિફિસેન્ટ(1469-’92)ના સમયમાં તે ફરી સ્થપાઈ. લૉરેન્ઝોની સાથે મેદિચિના નામની ખ્યાતિ તેના સર્વોચ્ચ શિખરે પહોંચી. તે જટિલ ચારિત્ર્યવાળો અને સર્વતોમુખી પ્રતિભાવાળો વિદ્વાન હતો. મેદિચિ કવિ, કળા અને કેળવણીનો આશ્રયદાતા, વિચક્ષણ પુરુષ અને મુત્સદ્દી હતો. તેના જીવનકાળ દરમિયાન તેની સમર્થ મુત્સદ્દીગીરીને કારણે ઇટાલીમાં એકંદરે શાંતિ જળવાઈ રહી હતી. તેનો પુત્ર પિએરો કુટુંબની પરંપરા સાચવવામાં નિષ્ફળ નીવડ્યો. તેની નબળાઈને કારણે ઈ. સ. 1494માં ફ્રેન્ચોએ ચડાઈ કરી અને ફ્લૉરેન્ટાઇન લોકોએ મેદિચિ કુટુંબને રાજ્યમાંથી હાંકી કાઢ્યું. જોકે પાછળથી તેને ફરી વસવા દેવામાં આવ્યું હતું.

ચર્ચનાં રાજ્યો : ચર્ચનાં રાજ્યો મધ્ય ઇટાલીમાં પથરાયેલાં હતાં અને તેમાં રોમેગ્નાનો વિસ્તાર રવેન્નાથી દૂર પૂર્વ સમુદ્રકિનારા સુધી વિસ્તરેલો હતો. આ વિશાળ રાજ્ય ઉપર સૈદ્ધાન્તિક રીતે પોપનું રાજ્ય ચાલતું હતું. પરંતુ બૅબિલોનિયાના હાથમાં તે કેદી અવસ્થામાં આવી પડ્યું અને ખ્રિસ્તીમંડળમાં પડેલી ફાટફૂટને કારણે નાના આપખુદ શાસકોએ રોમ સિવાય લગભગ દરેક નગરમાં સ્વતંત્ર સરકારોની સ્થાપના કરી હતી. જોકે રોમમાં પણ પોપનું સ્થાન બહુ સલામત નહોતું. કાઉન્સિલ ઑવ્ કૉન્સ્ટન્સ (1417) દ્વારા ખ્રિસ્તીમંડળની ફાટફૂટ દૂર થયા પછી 15મી સદીના તમામ પોપને માટે આ સ્વતંત્ર આપખુદ શાસકોને પોતાના કાબૂ નીચે લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો; પરંતુ આ કંઈ એટલું બધું સરળ કાર્ય નહોતું, કારણ કે તેમાંના મોટાભાગના ભાડૂતી સૈનિકો હતા. જો પોપની સંસ્થાએ આ આપખુદ શાસકોને સ્થાને પોતાના કુટુંબના સભ્યોને મૂકવાનો પ્રયત્ન ન કર્યો હોત તો વધારે પ્રગતિ સાધી શકાઈ હોત. કૌટુંબિક અને રાજકીય હિતોમાં રચ્યાપચ્યા રહેલા નવજાગૃતિ સમયના પોપ સંસાર-વ્યવહારમાં વધારે ને વધારે ડૂબતા ગયા. પરિણામે ઇટાલીના બીજા રાજવીઓ અને તેમની વચ્ચે કોઈ ભેદ ન રહ્યો. તેઓ રાજ્યો સાથે મૈત્રીકરારો કરતા, સંધિઓ કરતા અને તોડતા તેમજ વિજય મેળવવા કે રક્ષણ કરવા તેઓ પણ ખાનગી વ્યવસ્થાપકો (condottiere) પાસેથી ભાડૂતી સૈનિકો મેળવતા. બીજા રાજવીઓની માફક વૈભવી રાજદરબાર નભાવતા અને ભવ્ય ઇમારતોના બાંધકામ માટે અને કળાકારો અને વિદ્વાનોને આશ્રય આપવા માટે લખલૂટ ખર્ચ કરતા. નિકોલસ પાંચમા(1447-’55)એ વૅટિકન પુસ્તકાલયની સ્થાપના કરી હતી અને પાયસ બીજા(1458-’64)એ શિષ્ટ સાહિત્યનો પુનરુદ્ધાર કરવા તરફ ધ્યાન આપ્યું હતું. પાયસ બીજો પોપ બન્યો તે પહેલાં તેણે શિષ્ટ સાહિત્યના વિદ્વાન તરીકે પોતાના મૂળ નામે એટલે કે ઇનીસ સિલ્વિઅસ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. જોકે પાછળથી બિનખ્રિસ્તી (Pagan) પત્રો પ્રત્યે તેણે બતાવેલા ભાવ બદલ તેને પસ્તાવો થયો હતો. તેના ઉત્તરાધિકારી પોલ બીજા(1464-’71)માં સારા આદર્શો હોવા છતાં તે તેને અમલમાં મૂકી શક્યો નહોતો. તેના પછી આવનારા ત્રણ પોપમાં ધર્મગુરુ તરીકેના ચારિત્ર્યનું પતન થયેલું જોવા મળે છે. સિક્સ્ટસ ચોથા (1471-’84) અને ઇનોસન્ટ આઠમા(1484-’92)ને પોતાના અસંખ્ય ભત્રીજાઓ અને બાળકોનો ઉત્કર્ષ કરવા સિવાય કશામાં રસ નહોતો. સદીના અંતમાં કુખ્યાત બોર્ગિઆ પોપ, ઍલેક્ઝાંડર છઠ્ઠા(1492-1503)એ પોપના હોદ્દાની પૂરેપૂરી અવનતિ કરી. આમ છતાં બોર્ગિઆના અમલ દરમિયાન રાજકીય ર્દષ્ટિએ ચર્ચનાં રાજ્યો મજબૂત બન્યાં. ઍલેક્ઝાંડરના જુસ્સાવાળા પુત્ર સીઝર બોર્ગિઆએ છેવટે મોટાભાગનાં રાજ્યોને પોતાને તાબે કર્યાં. આમ યુદ્ધખોર જુલિયસ બીજા(1503-’13)ને માટે શક્તિશાળી બિનસાંપ્રદાયિક રાજ્ય સ્થાપવાનો માર્ગ મોકળો કરી આપ્યો. પોપ જુલિયસ બીજા અને તેના ઉત્તરાધિકારી મેડિસિયન લીઓ દસમા(1513-’21)નો સમય એ કાળની નવજાગૃતિના સુવર્ણકાળના અસ્તનો સમય હતો.

નેપલ્સ : ચર્ચનાં રાજ્યોની દક્ષિણે આવેલા ઇટાલીમાં નેપલ્સના રાજ્યનો સમાવેશ થતો હતો, જેમાં સિસિલીનું રાજ્ય કેટલીક વાર જોડાયેલું રહેતું હતું. નવજાગૃતિના યુગમાં ફ્રેન્ચ આન્જૌના કુટુંબની વિવિધ શાખાઓ અને આન્જૌના ચાર્લ્સ વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરતો. 1266માં છેલ્લા હોહેન્સ્ટોફેનો પાસેથી તેમજ આરેગોનના શાહી કુટુંબ પાસેથી તેમણે રાજ્ય જીતી લીધું, તેમજ ઈ. સ. 1285માં સિસિલી મેળવ્યું અને છેલ્લે ઈ. સ. 1435માં નેપલ્સનું રાજ્ય પણ તેમણે મેળવ્યું. તુર્કીએ મધ્યપૂર્વના દેશો ઉપર કબજો જમાવ્યો હોવાથી તેમજ વાસ્કો ડી ગામા દ્વારા ભારતનો માર્ગ શોધાતાં વેપારમાં મંદી આવવાથી આ નગરરાજ્યોની સમૃદ્ધિમાં ઓટ આવી હતી.

ઇટાલીનું એકીકરણ

ઇટાલીનું એકીકરણ એ 19મી સદીમાં યુરોપમાં રાષ્ટ્રવાદનો પ્રથમ વિજય ગણાય છે. ફ્રાન્સની ક્રાંતિ (ઈ. સ. 1789) સમયે ઇટાલી માત્ર ‘ભૌગોલિક અભિવ્યક્તિ’ જ હતું અર્થાત્, તેને નકશામાં સ્થાન હતું, પરંતુ વાસ્તવમાં તે નાનાં-મોટાં રાજ્યોમાં વિભક્ત હતું. ફ્રાન્સની ક્રાંતિ પછી નેપોલિયન બોનાપાર્ટે ઇટાલીનાં રાજ્યોને બે જ મોટાં રાજ્યોમાં એકત્રિત કર્યાં, પરંતુ નેપોલિયનના પતન પછી ઑસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં 1815માં મળેલા યુરોપના મુત્સદ્દીઓએ ફરી વખત ઇટાલીને નાનાં-મોટાં રાજ્યોમાં વિભક્ત કર્યું; એટલું જ નહીં, પરંતુ ઇટાલીના લૉમ્બાર્ડી તથા વેનિશિયાના પ્રદેશો ઑસ્ટ્રિયાને આપીને ઇટાલીમાં ઑસ્ટ્રિયાનાં હિતો દાખલ કર્યાં.

વિયેના પરિષદની આવી પ્રત્યાઘાતી વ્યવસ્થાથી ઇટાલીની જનતામાં રોષ ફેલાયો; કેટલાક ઉત્સાહી લોકોએ સશસ્ત્ર ક્રાંતિ માટે ‘કાર્બોનારી’ નામની સંસ્થા સ્થાપી, જેણે ઇટાલીમાં જુદી જુદી જગ્યાએ વિપ્લવ કર્યા; પરંતુ દરેક વખતે ઑસ્ટ્રિયાના ટેકાથી સ્થાનિક રાજ્યોએ તે દબાવી દીધા.

આવે સમયે ઇટાલીની જનતાને એક મહાન નેતા મળ્યો  જૉસેફ મેઝિની. મેઝિનીએ ‘કાર્બોનારી’ની સામે ‘તરુણ ઇટાલી’ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થા ઇટાલીના યુવાનોમાં ઘણી લોકપ્રિય બની રહી. આ સંસ્થાનું સૂત્ર હતું : ‘ઈશ્વર, જનતા અને ઇટાલી.’ તેનો મુદ્રાલેખ હતો : ‘હમણાં અને હમેશાં.’ આ સંસ્થા દ્વારા મેઝિનીએ ઇટાલીની જનતાને રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રનું ગૌરવ અને તે માટે હરકોઈ પ્રકારનાં ત્યાગ તથા બલિદાન માટેની તૈયારીની દીક્ષા આપી. તે સાચા અર્થમાં ‘ઇટાલીના રાષ્ટ્રવાદનો પયગંબર’ બની ગયો.

ઈ. સ. 1848માં મેઝિનીએ ક્રાંતિકારી ચળવળને ઉગ્ર બનાવી. તેણે પોપનાં રાજ્યો ઉપર આક્રમણ કરીને પોપના પાટનગર રોમનો કબજો લીધો, પરંતુ ઑસ્ટ્રિયા અને ફ્રાન્સે પોપની મદદે લશ્કરો મોકલ્યાં. તેથી મેઝિનીનો પરાજય થયો અને તેને ઇટાલી છોડીને નાસી જવું પડ્યું. ઇટાલીની જનતા ફરીથી હતાશ થઈ, પરંતુ આ વખતે તેને કાઉન્ટ કેમિલ્લો-ડી-કાવૂરના રૂપમાં બીજો રાષ્ટ્રભક્ત નેતા પ્રાપ્ત થયો. કાવૂર ઉત્તર ઇટાલીમાં સાર્ડિનિયા-પીડમોન્ટ નામના રાજ્યનો વડો પ્રધાન હતો. તે ઉદારમતવાદી અને પ્રથમ કક્ષાનો દેશભક્ત હતો. તેણે ઇટાલીની રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સાકાર કરવા માટે પહેલાં તો પોતાના સાર્ડિનિયા-પીડમોન્ટ રાજ્યને આર્થિક તથા લશ્કરી ર્દષ્ટિએ બળવાન બનાવ્યું. તે પછી તેણે ઈ. સ. 1854માં રશિયા-તુર્કી તથા ઇંગ્લૅન્ડ-ફ્રાન્સની વચ્ચે લડાયેલા ક્રીમિયન વિગ્રહમાં ઇંગ્લૅન્ડ-ફ્રાન્સના પક્ષે ઝુકાવ્યું અને તે બંને મહાસત્તાઓની સહાનુભૂતિ મેળવી.

એકીકૃત ઇટાલી

એકીકૃત ઇટાલી

વિગ્રહના અંત પછી પૅરિસમાં મળેલ શાંતિપરિષદમાં કાવૂરે ઇટાલીની રાષ્ટ્રીય મહેચ્છા તથા તેની આડે આવતા ઑસ્ટ્રિયા પ્રત્યે સૌનું ધ્યાન દોર્યું. ફ્રાન્સનો શહેનશાહ નેપોલિયન 3જો તેનાથી ઘણો પ્રભાવિત થયો. ઈ. સ. 1858માં તેણે કાવૂરની સાથે ગુપ્ત સંધિ કરી. જો ઑસ્ટ્રિયા સાર્ડિનિયા-પીડમોન્ટ ઉપર આક્રમણ કરે તો સાર્ડિનિયા-પીડમોન્ટને લશ્કરી મદદ આપવાનું વચન આપ્યું. આ પછી એક જ વર્ષમાં કાવૂરે ઑસ્ટ્રિયા સાથે ઝઘડાનું નિમિત્ત શોધી કાઢ્યું, જેને પરિણામે બંને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં સાર્ડિનિયા-પીડમોન્ટના રાજવી વિક્ટર ઇમેન્યુઅલ બીજાએ કાવૂરની સલાહથી લશ્કરની નેતાગીરી લીધી. યુદ્ધનો હેતુ ઑસ્ટ્રિયાને ઇટાલીમાંથી હાંકી કાઢવાનો જાહેર કરવામાં આવ્યો; પરિણામે આ યુદ્ધ ‘ઇટાલીનું રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય યુદ્ધ’ બની ગયું. શહેનશાહ નેપોલિયને વચન પ્રમાણે ઇટાલીમાં લશ્કર ઉતાર્યું અને ઑસ્ટ્રિયાનો ઠેર ઠેર પરાજય થવા લાગ્યો.

પરંતુ તે પછી એકાએક નેપોલિયન યુદ્ધમાંથી ખસી ગયો; તેમ છતાં તેણે પક્ષકારો વચ્ચે સંધિ કરાવી, જે મુજબ સાર્ડિનિયા-પીડમોન્ટને ઑસ્ટ્રિયા પાસેથી ઉત્તર ઇટાલીનું લૉમ્બાર્ડી મળ્યું. મધ્ય ઇટાલીના જે રાજાઓ લોકવિપ્લવના ડરથી નાસી ગયેલા તેઓ આ સંધિની શરત મુજબ પાછા આવ્યા; પરંતુ હવે તેમની જનતાએ તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેને બદલે તેમણે સાર્ડિનિયા-પીડમોન્ટના પ્રગતિશીલ રાજ્યમાં ભળી જવાની માગણી કરી. કાવૂરને તેમની માગણી સ્વીકારવામાં સંધિના ભંગનો ડર લાગ્યો, પરંતુ તેણે મુત્સદ્દીગીરી વાપરીને શહેનશાહ નેપોલિયનને આ રાજ્યોમાં લોકમત લેવા સંમત કર્યો. બદલામાં તેણે નેપોલિયનને સાર્ડિનિયા-પીડમોન્ટના સેવોય તથા નીસ પરગણાંની લાલચ આપી. તે મુજબ બધી જગ્યાએ લોકમત લેવાયો, જેમાં મધ્ય ઇટાલીનાં રાજ્યોની જનતાએ સાર્ડિનિયા-પીડમોન્ટમાં તથા સેવોય-નીસની જનતાએ ફ્રાન્સમાં ભળી જવાનું પસંદ કર્યું. આમ ઉત્તર તથા મધ્ય ઇટાલીનું સાર્ડિનિયા-પીડમોન્ટમાં એકીકરણ થયું. ઑસ્ટ્રિયા ફ્રાન્સના ડરને કારણે આ બધું ચૂપચાપ જોઈ રહ્યું.

હવે ઇટાલીના એકીકરણમાં બાકી રહ્યાં પોપનાં રાજ્યો તથા દક્ષિણ ઇટાલીનું નેપલ્સ-સિસિલીનું મહારાજ્ય. આ કામ પૂરું કર્યું ત્રીજા દેશભક્તે. તેનું નામ ગેરીબાલ્ડી. તે સાર્ડિનિયા-પીડમોન્ટનો જ વતની હતો અને મેઝિનીનો ભક્ત હતો. તેણે 1848ની ક્રાંતિમાં મેઝિનીને મદદ કરવા માટે ‘લાલ ખમીસધારીઓ’નું એક સ્વયંસેવક દળ ઊભું કર્યું હતું. પરંતુ તે ક્રાંતિ નિષ્ફળ જતાં તે અમેરિકા ચાલ્યો ગયો હતો.

દરમિયાનમાં ઇટાલીમાં રાષ્ટ્રીય એકતાની પ્રક્રિયા સાકાર થઈ રહી હતી. તે જ અરસામાં ઇટાલીની દક્ષિણે સિસિલી ટાપુની જનતાએ પોતાના નેપલ્સના રાજવીની સામે ક્રાંતિ કરી. તેમને મદદ કરવા ગેરીબાલ્ડી પોતાના ‘લાલ ખમીસધારીઓ’ની સાથે સિસિલી પહોંચી ગયો. તેણે જોતજોતાંમાં લોકજુવાળની મદદથી માત્ર સિસિલી જ નહિ, પરંતુ નેપલ્સનું મહારાજ્ય પણ કબજે કરી લીધું. તેની મહેચ્છા તો મધ્ય ઇટાલીમાં આગળ વધીને પોપનાં રાજ્યો પણ કબજે કરવાની હતી, પરંતુ કાવૂરે તેને રોક્યો. તેને બદલે નેપલ્સ-સિસિલીનું રાજ્ય પોતાના રાજવી વિક્ટર ઇમેન્યુઅલ બીજાને સોંપી દેવા તેને સમજાવ્યો. ગેરીબાલ્ડીએ રાજીખુશીથી બધાંનો ત્યાગ કરી, ઇતિહાસમાં નિ:સ્વાર્થ દેશભક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું.

આ પછી નેપલ્સ-સિસિલીમાં તથા પોપનાં રાજ્યોમાં પણ લોકમત લેવામાં આવ્યો તથા તેમને પણ સાર્ડિનિયા-પીડમોન્ટમાં ભેળવી દેવાયાં. થોડાં વર્ષો પછી રાજા વિક્ટર ઇમેન્યુઅલે ઑસ્ટ્રિયા પાસેથી વેનિશિયા અને પોપ પાસેથી રોમ પણ મેળવ્યું. આમ મેઝિનીની દેશભક્તિ, કાવૂરની મુત્સદ્દીગીરી, ગેરીબાલ્ડીની વીરતા, રાજા વિક્ટર ઇમેન્યુઅલ બીજાનું ડહાપણ તથા ઇટાલીની જનતાનાં રાષ્ટ્રપ્રેમ અને પચાસ પચાસ વર્ષોની યાતના તથા બલિદાનોને પરિણામે ઈ. સ. 1871માં ઇટાલીનો એક રાષ્ટ્ર તરીકે જન્મ થયો.

સ્વાધીન ઇટાલી : સદીઓથી વિભક્ત ઇટાલીનું 1871માં એકીકરણ થયું. છતાં તે ભૂતપૂર્વ શાસકો ફ્રાન્સ, પોપ અને ઑસ્ટ્રિયાના ભયથી મુક્ત થયું ન હતું. તેની આંતરિક સ્થિતિ ઘણી ખરાબ હતી. લોકો નિરક્ષર અને ગરીબ હતા. વસ્તી-વિસ્ફોટને કારણે અમેરિકા તથા દક્ષિણ અમેરિકામાં સ્થળાંતર કરનારની સંખ્યા મોટી હતી. થોડાઘણા ઉદ્યોગો પણ મજૂરવર્ગની અશાંતિને કારણે ખરાબ સ્થિતિમાં હતા. પો નદીની ખીણ સિવાય અન્યત્ર જમીન નબળી હોવાથી ખેતી પણ નફાકારક ન હતી. જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. આ સંજોગોમાં જમણેરી મૂડીવાદીઓને બદલે લોકતંત્રવાદી ડાબેરીઓનું સેનેટમાં વર્ચસ્ વધ્યું હતું અને તેઓ 1878માં મોટી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રભુત્વ 1914 સુધી ટક્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. રોટીનો ભાવ ઘટાડ્યો હતો. મતાધિકાર વધારે લોકોને આપ્યો હતો. તેની સંખ્યા છ લાખથી વધીને વીસ લાખ થઈ હતી. મજૂરો અને ખેડૂતોની સ્થિતિ સુધારવા કેટલાક કલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ પર લીધા હતા. ફ્રાન્સના દુશ્મન પ્રશિયા અને ઑસ્ટ્રિયા સાથે પરસ્પર સહાયનો ત્રિપક્ષી કરાર કરીને દેશને ભયમુક્ત કર્યો હતો.

ઔદ્યોગિક ક્રાંતિને કારણે જથ્થાબંધ માલના બજાર માટે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને પ્રશિયાએ વિસ્તારવાદી આક્રમક નીતિ અપનાવી. આફ્રિકાના અવિકસિત દેશોમાં પગપેસારો કરી સત્તા હસ્તગત કરી. ઇટાલીએ પણ તેનાથી મુક્ત ન રહેતાં 1881માં ઇરિટ્રિયા અને 1889માં સોમાલીલૅન્ડનો અમુક પ્રદેશ હસ્તગત કર્યો. 1890માં ઇથિયોપિયા ઉપર નિષ્ફળ ચડાઈ પણ કરી. 1911માં તુર્કસ્તાન પાસેથી લિબિયાનો પ્રદેશ પણ પડાવી લીધો હતો. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને સોળેક માસ તટસ્થ રહ્યા પછી ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના પક્ષે ઇટાલી યુદ્ધમાં જોડાયું. જર્મની અને ઑસ્ટ્રિયા વિરુદ્ધ 7-8-1916ના રોજ ઇટાલીએ યુદ્ધ જાહેર કર્યું. મિત્રરાજ્યો વિજયી થયાં. 1918માં યુદ્ધ બંધ પડ્યું. વર્સાઇલની સંધિથી બ્રૅનરઘાટ સુધીનો ટ્રેન્ટનો પ્રદેશ, વેનિસ અને ઇરિટ્રયન દ્વીપકલ્પ મળ્યાં. પણ મિત્રરાજ્યોએ ઇટાલીને છેહ દીધો એમ લાગતાં તેના મુખ્ય પ્રધાન ઑરલેન્ડોએ સભાત્યાગ કર્યો અને ધન અને માણસોની ખુવારીનો પૂરતો બદલો મળ્યો નથી એવું પ્રજાને લાગતાં તથા યુદ્ધ દરમિયાન અને ત્યારબાદ મોંઘવારી તથા બેકારી વધી જતાં મજૂરો, ખેડૂતો અને બુદ્ધિજીવીઓમાં ખૂબ અસંતોષ ફેલાયો. લશ્કરમાંથી છૂટા થયેલા સૈનિકો બેકાર બન્યા હતા. લૂંટફાટ અને અસલામતીનું પ્રમાણ વધી જતાં લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા હતા. 1917ની રશિયન ક્રાંતિને કારણે સામ્યવાદની અસર વધી હતી અને દેશ સામ્યવાદી બની જશે એવી દહેશત ઊભી થઈ હતી.

1919માં એક વખતના સમાજવાદી બેનીટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને ‘બ્લૅક શર્ટ’ સ્વયંસેવકોની સહાયથી 1922માં રોમ તરફ કૂચ કરી ધાકધમકી અને ખટપટથી સત્તા કબજે કરીને તે ઇટાલીનો વડો પ્રધાન બન્યો. તેણે પ્રજાને શિસ્તબદ્ધ કરી, શાંતિ સ્થાપી, કેટલાક આર્થિક સુધારા દાખલ કરી ઉદ્યોગીકરણને વેગ આપ્યો ને લોકચાહના મેળવી. આ ઉપરાંત નૌકાદળ અને લશ્કરી બળ વધારીને તેણે 1935-36માં ઇથિયોપિયા કબજે કર્યું અને ગ્રીસને ભારે દંડ કર્યો. 1936માં સ્પેનના આંતરવિગ્રહમાં જનરલ ફ્રાંકોને તેણે મદદ કરી અને જર્મનીના સરમુખત્યાર હિટલર સાથે હાથ મિલાવ્યા. 1939માં રોમ-બર્લિન ધરી અસ્તિત્વમાં આવી. આ ઉપરાંત આલ્બેનિયામાં પણ તેણે પગદંડો જમાવ્યો. આ બધાં પગલાંથી તેણે ઇટાલિયન પ્રજામાં આત્મગૌરવ જગાવ્યું.

જર્મનીએ 1939ના સપ્ટેમ્બરમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ કરતાં નવ માસ બાદ જૂન, 1940માં ઇટાલીએ ઇંગ્લૅન્ડ અને ફ્રાંસ સામે યુદ્ધ જાહેર કર્યું. તેમાં તેની હાર થતાં 1941 સુધીમાં ઉત્તર આફ્રિકાનો બધો પ્રદેશ જર્મન સહાય છતાં ગુમાવવો પડ્યો. ગ્રીસ અને યુગોસ્લાવિયામાં પણ તે નિષ્ફળ ગયું. અંતે 1943ના જુલાઈમાં ઇંગ્લૅન્ડ વગેરે મિત્રરાજ્યોએ ટાપુઓ અને દક્ષિણ ઇટાલી જીતી લેતાં ઇટાલીએ 1943ના જુલાઈમાં મિત્રરાજ્યોની શરણાગતિ સ્વીકારી. મુસોલિનીનું પતન થયું. તેને પદભ્રષ્ટ કરી કેદ કર્યો, પણ જર્મન હવાઈ દળે તેને છોડાવ્યો અને તેની પૂતળા સરકારે 1945 સુધી જર્મન લશ્કરની સહાયથી ઇટાલીની ભૂમિ ઉપર યુદ્ધ ચાલુ રાખ્યું. ઇટાલિયન ગેરીલાઓએ છાપો મારી તેને પકડી ફાંસીએ ચડાવ્યો. વિક્ટર ઇમેન્યુઅલ ત્રીજાને 1944માં ગાદીત્યાગ કરવા ફરજ પડી. 1946માં રાજાશાહી રદ કરી ઇટાલી પ્રજાસત્તાક રાજ્ય બન્યું. યુદ્ધમાં ઇટાલીએ ટ્રિએસ્ટ, ઇરિટ્રયા અને કેટલાક ટાપુઓ ગુમાવ્યા હતા.

1945માં તેલ અને ગૅસ મળી આવતાં ઉદ્યોગીકરણને વેગ મળ્યો. આયોજન દ્વારા વસ્તીનું દબાણ ઘટાડ્યું અને વધારાની જમીન મોટા ખેડૂતો પાસેથી લઈને જમીનવિહોણા લોકોને આપતાં ખેતીમાં સુધારો થયો. આ ગાળા દરમિયાન પરદેશોમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા ધીમી પડી. 1949માં ઇટાલી ‘નાટો’ લશ્કરી જૂથનું સભ્ય બન્યું અને 1957માં તે સહિયારા બજારમાં જોડાયું. તેથી તેની ઔદ્યોગિક અને ખેતીની પેદાશોને જકાત વિના મુક્ત બજાર મળ્યું. 1950 પછી મોટર, વહાણ, વિમાન, સુતરાઉ અને રેશમી કાપડ તથા ઇજનેરી અને રસાયણ-ઉદ્યોગોનો વિકાસ થયો અને તેની આબાદીમાં વધારો થયો. હવે દુનિયામાં સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ પામેલાં રાષ્ટ્રોમાં તેની ગણના થાય છે.

2 જૂન, 1946ના રોજ ચૂંટાયેલી ધારાસભા દ્વારા રાજાની સત્તા નાબૂદ કરવામાં આવી હતી. 22 ડિસેમ્બર, 1947ના રોજ મંજૂર કરાયેલ બંધારણનો 1 જાન્યુઆરી, 1948ના રોજ અમલ કરવામાં આવ્યો. અહીં ફાસી પક્ષની પુનર્રચના પર પ્રતિબંધ છે. રાજા વિક્ટર ઇમેન્યુઅલના સીધા પુરુષ વંશજને તમામ જાહેર હોદ્દાઓ પરથી બાકાત રાખવામાં આવે છે. તેમને મત આપવાનો કે ચૂંટાવાનો અધિકાર નથી. તેમની અસ્કામતો રાજ્યે જપ્ત કરી છે. 2001 સુધી દેશનિકાલ પામેલા રાજકુટુંબને 2002માં ઇટાલીમાં પ્રવેશ મળ્યો હતો. રાજાશાહીના ઇલકાબો અમાન્ય કરવામાં આવ્યા છે. 1922ના 28 ઑક્ટોબર પૂર્વેના ઇલકાબો માત્ર નામના ભાગ સ્વરૂપે જ સ્વીકાર્ય ગણવામાં આવ્યા છે. આ દેશ સો ટકા રોમન કૅથલિક ધર્મી વસ્તી ધરાવે છે. રાજ્યવહીવટ કૅબિનેટ-પદ્ધતિથી થાય છે. બંધારણીય સત્તા પાર્લમેન્ટની છે. ઇટાલીમાં સેનેટ અને ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ એવાં બે સમાન અગત્ય ધરાવતાં ગૃહો છે. સેનેટના સભ્યોની સંખ્યા 322 છે અને તે ચૂંટાયેલા હોય છે. ઉપરાંત પાંચ અગ્રગણ્ય શહેરીઓને આજીવન સભ્યપદ અપાય છે. માજી પ્રમુખો પણ તેના સભ્યો છે. ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝની સંખ્યા 630 છે અને તેઓ પણ ચૂંટાયેલા હોય છે. મોટાભાગના રાજકીય આગેવાનો ચેમ્બરના સભ્ય હોય છે. બંને ગૃહોની મુદત પાંચ વરસની હોય છે. સેનેટ અને ચેમ્બર માટે મતદાતાની વય અનુક્રમે 21 અને 18 વર્ષ છે. ઇટાલીમાં પ્રમુખ રાજ્યના વડા ગણાય છે. તે પ્રધાનમંડળની રચના માટે આમંત્રણ આપી શકે છે અને પ્રસંગ પડ્યે પ્રધાનમંડળને બરતરફ પણ કરી શકે છે. તેમના હોદ્દાની મુદત 7 વર્ષની હોય છે અને તે ફરીથી પણ ચૂંટાઈ શકે છે. કૅબિનેટના વડા કરતાં પ્રમુખનું મહત્વ વધારે હોય છે. મુખ્ય પાંચ પ્રાંતોને બંધારણ મારફતે વધુ સત્તા આપવામાં આવી છે.

1980માં ઇટાલીમાં 9 રાજકીય પક્ષો હતા. તે પૈકી રૂઢિચુસ્ત અને રોમન કૅથલિક ચર્ચના અનુયાયી ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષ અને સામ્યવાદી પક્ષ મહત્વના છે. 1945થી ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષ 38 %થી 33 % મત મેળવતો આવ્યો છે, જ્યારે સામ્યવાદી પક્ષ 33 %થી 30 % મત મેળવતો આવ્યો છે. ઇટાલીનો સામ્યવાદી પક્ષ યુરોપના સામ્યવાદી પક્ષો પૈકી સૌથી મોટો છે અને તેની નીતિ રશિયા કરતાં જુદી છે. તેણે બહુ પક્ષો તથા ખાનગી માલિકીના સિદ્ધાંતોને અમુક અંશે સ્વીકાર્યા હતા. 1977-78માં તેઓ ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પાર્ટી સાથે જોડાયા હતા. ઇટાલિયન સમાજવાદી પક્ષ મવાલ, મધ્યમમાર્ગી (moderate) અને અનેક તડોમાં વહેંચાયેલો છે. બીજા વિશ્વયુદ્ધ પછી તેની લોકપ્રિયતા અને અગત્ય ઘટ્યાં હતાં. 1979માં આ પક્ષનો વડો સંયુક્ત (coalition) સરકારનો વડો બન્યો હતો. બાકીના નાના પક્ષોને લગભગ 25 % મત 1983ની ચૂંટણીમાં મળ્યા હતા. ઇટાલિયન સોશિયલ મુવમેંટ પક્ષ ફાસિસ્ટ પક્ષના નવા અવતાર સમાન છે. રેડિકલ પક્ષ નાગરિક-હકો, સંતતિનિયમન અને પર્યાવરણનો હિમાયતી છે. રિપબ્લિકન પક્ષ મેઝિનીની વિચારસરણીને અનુસરે છે. 1945 પછી સૌપ્રથમ વાર આ પક્ષનો મુખ્ય પ્રધાન 1981માં થયો હતો. લિબરલ પક્ષ વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો છે. તે રૂઢિચુસ્ત છે અને મુક્ત વ્યાપારની નીતિમાં માને છે. ડેમૉક્રેટિક પક્ષ અંતિમવાદી ડાબેરીઓનો છે. સમાજવાદી અને સામ્યવાદી પક્ષમાંથી અલગ પડેલાઓનો આ પક્ષ છે. તેઓ ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષ સાથે સમાધાનમાં માને છે. 1970 પછી ત્રાસવાદનો ઉદય થયો. અંતિમ ડાબેરી રેડ બ્રિગ્રેડ પક્ષે આ નીતિ અપનાવી છે.

1946માં ઇટાલી પ્રજાસત્તાક રાજ્ય બન્યું ત્યારથી ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષનું વર્ચસ્ રહ્યું છે. સમાજવાદી પક્ષ સાથે સહકારથી તે રાજવહીવટ સંભાળી શક્યો હતો, આલસિડ દ ગાસ્પેરી આ પક્ષનો સર્વપ્રથમ વડો પ્રધાન હતો અને 1954માં તેના મૃત્યુ સુધી પક્ષમાં તેનું વર્ચસ્ સારું હતું. અત્યારસુધી આ પક્ષ બહુમતી ધરાવતો રહ્યો છે. 1958માં સીનોર નેનીના સમાજવાદી પક્ષનું મહત્વ વધ્યું હતું. 1977-78માં રેડ બ્રિગેડે ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષના આલ્ડો મોરોનું ખૂન કર્યું હતું. 1982માં ફુગાવો અને બેકારીના પ્રશ્ર્ને સોશિયલ ડેમૉક્રેટો સાથે ઉપાયોની ચર્ચા કર્યા બાદ ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પાર્ટી ઓછી બહુમતી સાથે ચૂંટાઈ હતી અને અમીન્ટોરે ફાનફાની વડાપ્રધાન થયા હતા. જૂન 1983ની ચૂંટણીમાં રિપબ્લિકન અને સોશિયાલિસ્ટ પક્ષો પોતપોતાનું સ્થાન ટકાવી રાખી શક્યા હતા. પછી સામ્યવાદી પક્ષની અસર ઓછી થઈ છે. પ્રધાનમંડળોના અવારનવાર ફેરફારો એ ઇટાલિયન રાજકારણની લાક્ષણિકતા રહી છે.

1983થી 87નાં વર્ષો દરમિયાન સંયુક્ત સરકાર રચાઈ જેમાં બેટીનો ક્રેકસી ઇટાલીના પહેલા સમાજવાદી વડાપ્રધાન બન્યા.

જૂન 1991માં પસંદગીપાત્ર મતદાન (preferential voting) પદ્ધતિ અંગે લોકપૃચ્છા (રેફરન્ડમ) હાથ ધરાઈ, જેમાં 62 % મતદાન થયું અને મતદાનકર્તામાંથી 96 % લોકોએ પરિવર્તન પસંદ કર્યું. પરિણામે 1993માં બંધારણીય સુધારા દ્વારા મતદાન-પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું. એપ્રિલ, 1993માં 8 સૂચિત બંધારણીય સુધારા અંગે લોકપૃચ્છા (રેફરન્ડમ) હાથ ધરવામાં આવી. તદ્દનુસાર થયેલા first-past-the-post single round vote સુધારા મુજબ સેનેટ માટે નવી ચૂંટણી-પદ્ધતિ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેને 75 ટકા લોકોએ સંમતિ આપી હતી.

ફેબ્રુઆરી, 1996માં પ્રમુખે પાર્લમેન્ટનું વિસર્જન જાહેર કર્યું અને નવી ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવાયો. આ ચૂંટણીમાં ઑલિવ ટ્રી એલાયન્સ (Olive Tree Alliance) પક્ષે બહુમતી હાંસલ કરી અને રોમાનો પ્રોડી (Romano Prodi) વડાપ્રધાન બન્યા. એપ્રિલ, 2000માં ગિયુલિઆનો અમાટો (Giuliano Amato) વડાપ્રધાન નિમાયા. 2001-2006 સુધી સિલ્વિયો બર્લુસ્કોની (Silvio Berlusconi) અને 2006માં રોમાનો પ્રોડી વડાપ્રધાન બન્યા.

2002ની ચૂંટણીમાં સિલ્વિઓ બર્લુસ્કોની ઇટાલીના પ્રીમિયર તરીકે વિજયી થયા અને તેમના ફોર્ઝા ઇટાલિયા પક્ષે નૅશનલ એલાયન્સ અને નૉર્ધર્ન લીગ સાથે મળીને જોડાણવાળી સરકારની રચના કરી. 2001માં બર્લુસ્કોનીએ 55 વર્ષમાં પ્રથમ જ વાર બંધારણીય સુધારા કર્યા. એપ્રિલ, 2005માં પ્રાંતીય ચૂંટણીઓમાં નબળા દેખાવને લીધે તેમની સરકાર લગભગ પડી ભાંગી હતી. એપ્રિલ, 2006ની સામાન્ય ચૂંટણીમાં પ્રોડીની જીત થઈ. બીજા મહિને જ્યૉર્જિઓ નેપોલિટનો પ્રમુખ તરીકે ચૂંટાયા. ફેબ્રુઆરી, 2007માં પ્રોડીએ રાજીનામું આપ્યું. 6 એપ્રિલ, 2009ના રોજ આબ્રુઝી પ્રાંતમાં ભયંકર ધરતીકંપ થયો. રોમથી 100 કિમી. દૂર આવેલ 13મી સદીના પ્રાચીન નગર લ’ અક્વિલાને ઘણું નુકસાન થયું. 294 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 60 હજાર ઘરવિહોણાં બન્યા. બર્લુસ્કોનીની સરકારે લોકોને થાળે પાડવા ઘણાં પગલાં લીધાં. નોએમી લેટેસિઆ નામની 18 વર્ષની મૉડલની સાથેના 82 વર્ષના બર્લુસ્કોનીનું નામ સેક્સ-કૌભાંડમાં આવ્યું. જો કે તેમણે 16 નવેમ્બર, 2012માં રાજીનામું આપ્યું. ઇટાલીના પ્રમુખ ગ્રીઓરગીઓ નેપાલીટાનો 15 મે, 2006થી હોદ્દા પર હતા. તેના વડાપ્રધાન મોન્ટી 16 નવેમ્બર, 2011માં હોદ્દા  આવ્યા હતા.

2015થી સર્જિયો માટરિલા પ્રમુખ છે. મારિઓ વડાપ્રધાન છે.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી

ર. ના. મહેતા

યતીન્દ્ર  દીક્ષિત

દેવેન્દ્ર ભટ્ટ

થૉમસ પરમાર