ઇઝરાયલ

આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13 % મુસ્લિમ, 2.25 % ખ્રિસ્તી અને થોડા ડ્રુઝ વગેરેનો સમાવેશ થાય છે. આ રીતે ઇઝરાયલ ધર્મ અને જીવનરીતિનું વૈવિધ્ય ધરાવે છે. પાટનગર જેરૂસલેમ ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમોનું યાત્રાધામ છે. યહૂદીઓના પ્રાચીન દેવળની ‘રુદનની દીવાલ’ (The Wailing Wall) તરીકે જાણીતી ખંડિત દીવાલ જેરૂસલેમમાં છે. તેનાં દર્શને દુનિયાના જુદા જુદા ભાગોમાંથી યહૂદીઓ આવે છે અને ભૂતકાળ યાદ કરીને રડે છે. જે ઇઝરાયલનું સૌથી મોટું શહેર છે.બૃહદ શહેરની વસ્તી 9,45,095 જ્યારે શહેરની વસ્તી 8,01,000 (2020) છે.

ઈસુ ખ્રિસ્તને જેરૂસલેમમાં રોમન સૂબાની આજ્ઞાથી વધસ્થંભે જડવામાં આવ્યા હતા. જેરૂસલેમની અલ્અક્સા મસ્જિદ ઇસ્લામી આલમમાં મક્કા અને મદીના પછી ત્રીજા ક્રમે આવે છે. હજરત મહંમદ પેગંબરે તેમના જીવનની અંતિમ નમાજ અહીં પઢી હતી. ઇઝરાયલના હૈફાનગરમાં બહાઈ સંપ્રદાયનું મોટું દેવળ છે. વિશ્વભરના બહાઈઓ અહીં યાત્રાએ આવે છે. આમ ઇઝરાયલ જુદા જુદા ધર્મો અને ભૂખંડોની મિલનભૂમિ છે.

ઇઝરાયલ ઉત્તરે લૅબેનોન અને સીરિયા, પૂર્વમાં સીરિયા, અમાન અને જૉર્ડન તેમજ નૈર્ઋત્યે ઇજિપ્ત સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. તેની આંતરરાષ્ટ્રીય સીમા લૅબેનોન સાથે 79 કિમી., જૉર્ડન સાથે 531 કિમી., સીરિયા સાથે 76 કિમી., ઇજિપ્ત સાથે 206 કિમી. છે; તો ગાઝા પટ્ટી સાથે 59 કિમી.ની છે. ભૂમધ્ય સમુદ્રનાં જળ તેની 78 કિમી. લાંબી ભૂસીમાને પખાળે છે. ઇઝરાયલના 60 ટકા ભૂમિવિસ્તારમાં રણ છે, જ્યાં સરેરાશ વાર્ષિક 25 મિમી. જેટલો વરસાદ થાય છે. ઇઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલ નેગેવનું રણ તેમાં આવેલા મૃત સરોવર નામે ખારા પાણીના સરોવર માટે જાણીતું છે. આ સરોવર વિશ્વમાં સૌથી વધુ ક્ષારતા ધરાવે છે. આ મૃત સરોવર સાગરસપાટીથી આશરે 500 મીટર નીચે છે. પૃથ્વીની ભૂમિસપાટી પરનો સૌથી વધારે ઊંડાઈ ધરાવનારો ભાગ આ છે. જૉર્ડન નદી આ સરોવરને મળે છે. સખત ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને ક્ષાર એકઠો થતો રહે છે. વર્ષોથી ચાલતી આ પ્રક્રિયાને લીધે આ પાણીમાં ખારાશનો અતિરેક થવાથી તેમાં જીવસૃષ્ટિ જીવી શકતી નથી. આથી તે ‘મૃત સરોવર’ નામ પામ્યું છે. પાણીની ઘનતાને લીધે તેમાં ડૂબી શકાતું નથી. પાણીમાં રહેલા ક્ષારો ચામડીના રોગો દૂર કરવામાં ઉપયોગી છે. મૃત સરોવરના તટે સંખ્યાબંધ આરોગ્યધામો છે. સૂર્યનાં કિરણોથી આંખોને નુકસાન ન થાય તે રીતે હૅટ પહેરીને ચામડીનાં દર્દો મટાડવા સંખ્યાબંધ લોકો મૃત સરોવરના પાણી પર સૂઈ રહે છે. ઇઝરાયલ મૃત સરોવરના પાણીમાં રહેલા ક્ષારો અને ખનિજો શોષાવાથી પ્રાપ્ત થયેલ બ્રોમાઇડ, મૅગ્નેશિયમ અને પોટાશની નિકાસ કરે છે.

ભૂમધ્ય સાગરતટ પરના પ્રદેશમાં વાર્ષિક 625 મિમી.થી 875 મિમી. વરસાદ થાય છે. આ પ્રદેશમાં શિયાળામાં વરસાદ પડે છે. ઉનાળો સૂકો અને ગરમ છે. 27 કિમી. સુધી ઇઝરાયલની ધરતી પરથી વહેતી દેશની એકમાત્ર નદી જૉર્ડનના પાણીનો ઉપયોગ સિંચાઈમાં થાય છે. ઉત્તરે આવેલું ગેલીલીનું મીઠા પાણીનું સરોવર દેશનો એકમાત્ર મીઠા પાણીનો સ્રોત છે. તેના પાણીને દક્ષિણના જલતરસ્યા, સૂકા પ્રદેશ સુધી પહોંચાડવા માટે ઇઝરાયલે નહેરો બાંધી છે. ગરમ પ્રદેશમાં નહેરોનું પાણી વરાળમાં પલટાઈને ઘટી ના જાય માટે નહેરોને ઉપરથી બંધ રાખવામાં આવી છે.

વરસાદની સતત ખેંચ અને પાણીની સતત અછતને લીધે ઇઝરાયલે તેની ધરતી પરના પાણીના ટીપેટીપાનો કરકસર અને આયોજનપૂર્વક ઉપયોગ કર્યો છે. યુનેસ્કોના આંકડા મુજબ પોતાની જળશક્તિનો 94 ટકા જેટલો મહત્તમ ઉપયોગ કરનાર એકમાત્ર દેશ ઇઝરાયલ છે. ઇઝરાયલમાં પાણીનો ક્યાંય બગાડ થતો નથી. દૈનિક ક્રિયાઓમાં વાપરેલું પાણી શુદ્ધ કરીને એનો પણ ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે.

The Old City of Jerusalem 1

ઇઝરાયલનું પાટનગર જેરૂસલેમ

સૌ. "The Old City of Jerusalem 1" | CC BY 2.0

ઇઝરાયલ ખાડાટેકરા એમના એમ રાખીને ફુવારાથી જલછંટકાવ કરીને સિંચાઈ કરે છે. આથી જમીનનું ક્ષેત્રફળ ઘટતું નથી. ઇઝરાયલે સિંચાઈની એક નવી પદ્ધતિ વિકસાવી છે. તે છે ઝમણ-પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્લાસ્ટિકની પાઇપોમાં નિયત અંતરે અત્યંત સૂક્ષ્મ છિદ્રો હોય છે. છોડની હરોળમાં આ પાઇપને લંબાવવામાં આવે છે. છિદ્રોવાળો ભાગ છોડના થડ કે મૂળ આગળ આવે તેવી ગોઠવણ હોય છે. પાઇપમાં ચોક્કસ દબાણથી પાણી છોડવામાં આવે છે. આ પાણી છિદ્રો મારફતે છોડના મૂળ આગળ ઝમે. આમાં સમગ્ર જમીન ભીની થતી નથી, પાણીનો બચાવ થાય છે. છોડના થડ આગળ જ ભીનાશ હોય છે અને બાકીનો ભાગ કોરો હોય છે તેથી ફૂલ, ફળ કે શાકભાજી વીણવાનું ચાલુ રાખી શકાય. જમીન સૂકી થાય ત્યાં સુધી નવરા બેસી રહેવું પડતું નથી. આ રીતે સમય અને પાણી બંનેનો બચાવ થાય. પચીસત્રીસ ટકા પાણી ઓછું વપરાય અને સવાયાથી દોઢું ઉત્પાદન થાય એ આ પદ્ધતિની ખાસિયત છે.

ખેતીની બધી જમીન સરકાર કે રાષ્ટ્રીય નિધિની માલિકીની છે. સહકારી મંડળીઓને 49 વર્ષના ભાડાપટ્ટે તે આપવામાં આવે છે. મુદત પૂરી થતાં આપોઆપ જ તે ભાડાપટ્ટો ફરીથી નવીકરણ પામે છે. ખાનગી માલિકીની જમીન ન હોવાથી સહકારી ખેતી વિકસી છે.

PikiWiki Israel 19700 Agriculture in Israel

ઇઝરાયલની વિકસિત અને સમૃદ્ધ કૃષિ

સૌ. "PikiWiki Israel 19700 Agriculture in Israel" | CC BY 2.5

ઇઝરાયલમાં 267 જેટલાં કિબુત્ઝ નામે ઓળખાતાં સહકારી કૃષિગામો છે. તેમાં વ્યક્તિને અઢાર વર્ષની વયે સ્વૈચ્છિક સભ્યપદ પ્રાપ્ત થાય છે. સભ્ય બનવા માટે કોઈ શુલ્ક નથી. 40થી 100 કુટુંબની વસતિ ધરાવતાં આ ગામોમાં બધા સાથે મળીને આવડત, ગજા અને રુચિ પ્રમાણે કામ કરે છે. બધાં એક જ રસોડે જમે છે. ખાનગી મિલકત કે બૅન્કમાં અંગત ખાતાં નથી. સૌને એમની જરૂરિયાતો ગામની આર્થિક સ્થિતિ અને સવલતો મુજબ પૂરી પાડવામાં આવે છે. સૌ ભાઈચારાથી રહે છે. ગામમાં પૂરી લોકશાહી વ્યવસ્થા છે. દર શુક્રવારે ગામની સામાન્ય સભા મળે અને તે નિર્ણય કરે તે મુજબ કારોબારી તેનો અમલ કરે છે. સભ્ય તરીકે ન રહેવા ઇચ્છતી વ્યક્તિને એ જેટલો સમય ગામમાં રહી હોય અને તે સમયગાળામાં ગામની સમૃદ્ધિ વધી હોય તેના પ્રમાણમાં માથાદીઠ આવતો હિસ્સો આપવામાં આવે છે. આ ગામોમાં કોઈ પગારદાર કર્મચારી હોતા નથી. સૌને શરીરશ્રમ કરવો જ પડે. ગામ પોતાની સ્થિતિ મુજબ સભ્યોને અને તેના આશ્રિતોને માસિક ખિસ્સા ખર્ચની રોકડ આપે છે. સંખ્યાબંધ વ્યક્તિઓ તેમને મળતી રકમ પૂરી ન વપરાતાં જતી કરે છે.

આરંભમાં તો કિબુત્ઝ ખેતી પર નિર્ભર ગામ હતાં. તે વખતે ખેતી માટેની જમીન હતી તે જ રહી, પણ વસતિ વધતાં માથાદીઠ જમીનનું પ્રમાણ ઘટ્યું. વધારાની વસતિને પોષવા દરેક કિબુત્ઝમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા.

મોશાવ નામનાં 377 જેટલાં સહકારી કૃષિગામો છે. આમાં એક રસોડે જમવાનું હોતું નથી, પણ દરેક કુટુંબ પોતાનું સ્વતંત્ર રસોડું ધરાવે છે. આ ગામોમાં ઉત્પાદનનાં સાધનો સહિયારાં છે. વેચાણ સહકારી ધોરણે થાય છે, પણ દરેક કુટુંબ જે ઉત્પાદન કરે તેની માલિકી અને તેના વેચાણની આવક એ ઉત્પાદક કુટુંબની છે.

ઇઝરાયલનું અર્થતંત્ર પશ્ચિમી રાષ્ટ્રો જેવું આર્થિક માળખું અને વિકાસધોરણ ધરાવે છે. ખોરાક-પ્રક્રિયા, રંગ અને રસાયણ, વિદ્યુત અને વીજાણુ-સરંજામ તથા ધાતુ-ઉદ્યોગના ક્ષેત્રે ઇઝરાયલ મોખરે છે. ફૅશનેબલ તૈયાર વસ્ત્રોની એ મોટી નિકાસ કરે છે. સંરક્ષણ-સરંજામ અને શસ્ત્રો વેચીને એ મોટું હૂંડિયામણ કમાય છે. વિશ્વમાં સૌથી વધુ સૂર્યશક્તિનો ઉપયોગ કરનાર રાષ્ટ્ર ઇઝરાયલ છે. વધારે કમાણી તે જ્ઞાનવિજ્ઞાનના વિનિમયથી કરે છે. તેના નિષ્ણાતો રણની ખેતી, જળ-સંશોધન, રણમાં સંરક્ષણ-વ્યવસ્થા અને શસ્ત્ર-ઉત્પાદનમાં ત્રીજા વિશ્વના દેશોને માર્ગદર્શન આપવામાં મોખરે છે.

ઇઝરાયલમાં 95 ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. શિક્ષણના બધા તબક્કે અહીં હિબ્રૂ ભાષાનું માધ્યમ છે. અંગ્રેજી અને ફ્રેંચ બીજી ભાષા તરીકે શીખવાય છે. આરબ વિસ્તારોમાં અરબી ભાષા ચાલે છે. 93 લાખની વસતિ ધરાવતા રાષ્ટ્રમાં 21 લાખ વ્યક્તિઓ જાહેર ગ્રંથાલયોનું સભ્યપદ ધરાવે છે.

ઇઝરાયલ સંસદીય સ્વરૂપની લોકશાહી ધરાવે છે. 18 વર્ષની પુખ્તવયનાં સાર્વત્રિક મતદારોથી ચૂંટાયેલી 120 સભ્યોની આ એકગૃહી સંસદ(નેસેટ)ની અવધિ ચાર વર્ષની હોય છે અને વર્ષમાં તેની બે બેઠક થાય છે. ગુપ્ત મતદાનથી થતી ચૂંટણીઓમાં એક ટકાથી ઓછા મત ન મેળવ્યા હોય તેવા પક્ષને, મેળવેલા મતની ટકાવારી મુજબ બેઠકો ફાળવાય છે. આ પદ્ધતિમાં અપક્ષ ઉમેદવાર ચૂંટણીમાં ન ઊભો રહી શકે. ચૂંટણીની પદ્ધતિને પરિણામે દેશમાં નાના નાના પક્ષો ઊભા થતાં આઝાદી પછી ક્યારેય ઇઝરાયલમાં કોઈ એક જ પક્ષની સરકાર અસ્તિત્વમાં આવી નથી. ઇઝરાયલની ચૂંટણીપદ્ધતિને લીધે અહીં પક્ષપલટાનો અને પેટાચૂંટણીઓનો અભાવ છે. ચૂંટણીમાં મત વ્યક્તિને નહિ પણ પક્ષને જ મળે છે તેથી સભ્યના મરણથી, રાજીનામાથી કે ગેરલાયકાતથી ઊભી થતી ખાલી જગાએ એ જ પક્ષનો એના પછીના ક્રમનો ઉમેદવાર સભ્યપદ પામે છે. ચૂંટણીપંચ સમક્ષ ચૂંટણી પહેલાં જ દરેક પક્ષે પોતાના સભ્યોનો અગ્રતાક્રમ રજૂ કરેલો હોય છે.

નેસેટ ખાનગી મતદાન દ્વારા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે. 35 વર્ષનો કોઈ પણ નાગરિક રાષ્ટ્રપ્રમુખ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં નેસેટના અધ્યક્ષ તેમનું સ્થાન લે છે.

રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની તેમજ એલચીઓ અને લશ્કરી વડાની નિમણૂક કરે છે. નેસેટની વરણીસમિતિની સલાહથી તે ન્યાયાધીશો અને કન્ટ્રોલરની તથા સરકારની સલાહથી ઇઝરાયલની બૅન્કના પ્રમુખની નિમણૂક કરે છે.

નેસેટે પસાર કરેલા ખરડા તેમની સહીથી કાયદા બને છે. નેસેટની સલાહથી તે અન્ય દેશો સાથે કરાર કરી શકે છે અને વિદેશથી આવતા એલચીઓનું સ્વાગત કરે છે. રાષ્ટ્રપતિ બે વાર સત્તા ગ્રહણ કરી શકે છે.

પ્રધાનમંડળના નેસેટના સભ્યો તેમજ બિનસભ્યોને નિયુક્ત કરી શકાય છે. પ્રધાનમંડળ નેસેટને જવાબદાર છે અને વડાપ્રધાન રાજીનામું આપે તો સમગ્ર પ્રધાનમંડળ પણ રાજીનામું આપે છે. કાનૂન બનાવવાની કારવાઈ પ્રધાનમંડળથી શરૂ થાય છે. જોકે નેસેટના સભ્યો તેમાં પહેલ કરી શકે છે. રાજ્યનો કન્ટ્રોલર રાજ્યની નાણાકીય વ્યવસ્થા તપાસે છે. તે નેસેટને જવાબદાર રહે છે.

ઇઝરાયલની સ્થાપના પછી પહેલા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડૉ. વાઇઝમૅન અને વડાપ્રધાન તરીકે ડૅવિડ બેન ગુરિયન હતા. 1952માં વાઇઝમૅનના અવસાન બાદ ઇઝાક બેન્ઝવીને ચૂંટી કાઢવામાં આવ્યા. તેઓ 1962 સુધી આ સ્થાન ઉપર રહ્યા. 1963માં રાષ્ટ્રપ્રમુખ તરીકે ઝાલમાન શઝાર, 1973માં ચોથા રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ કાત્ઝીર અને 1978માં પાંચમા રાષ્ટ્રપ્રમુખ તરીકે યાત્ઝેક નવોન સત્તા ઉપર આવ્યા. 1963માં બેન ગુરિયન નિવૃત્ત થતાં તેમની જગ્યાએ લેવી એશ્કોલ અને ત્યારબાદ 1969માં ગોલ્ડા મેર વડાપ્રધાનપદે આવ્યા.

ઇઝરાયલની મોટા ભાગની સરકારો મિશ્ર પ્રધાનમંડળની રહેવા પામી છે. તેમ છતાં ઇઝરાયલની આસપાસની બિનસલામત અને પ્રવાહી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે દેશની ઐક્યની સ્થિતિ ટકી રહેવા પામી છે. ડિસેમ્બર, 1973ની ચૂંટણીમાં મજૂરપક્ષ તથા મવાળ તત્વોના બનેલા નવા લિકુડ પક્ષે અનુક્રમે 51 અને 39 બેઠકો મેળવી. થોડો સમય સત્તા ઉપર રહી ગોલ્ડા મેરે 1974માં રાજીનામું આપતાં યાત્ઝેક રબિન વડાપ્રધાનપદે આવ્યા. 1977માં તેમણે પણ રાજીનામું આપ્યું અને લિકુડ પક્ષના વડા મેનેચેન બેગિન વડાપ્રધાન થયા. 1983માં બેગિન નિવૃત્ત થતાં યાત્ઝેક શમીરે તેમનું સ્થાન લીધું. ત્યારપછી 1984માં રાષ્ટ્રીય એકતા સરકાર સત્તા ઉપર આવી, જેમાં મજૂરપક્ષ અને લિકુડનું મિશ્ર પ્રધાનમંડળ રચાયું. શીમોન પેરેઝ વડાપ્રધાન બન્યા અને શમીર વિદેશપ્રધાન થયા.

1992માં યિત્ઝાક રેબીનની મજૂર સરકાર ચૂંટાઈ આવી. ’93માં ઇઝરાયલ સરકારના પ્રતિનિધિઓ અને પૅલેસ્ટાઇન મુક્તિ મોરચા (PLO) વચ્ચે વૉશિંગ્ટન ખાતે એક કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા, જે અનુસાર ગાઝાપટ્ટી અને જેરીકોમાં પૅલેસ્ટાઇનને મર્યાદિત સ્વશાસન સ્થાપવા દેવા અંગે જોગવાઈ કરવામાં આવેલી. તેના અનુસંધાનમાં 1994માં શીમોન પેરેઝ અને યાસર અરાફત વચ્ચે વધુ એક કરાર થયો, જેમાં ગાઝાપટ્ટીમાં વસવાટ કરતા યહૂદીઓની સલામતી વ્યવસ્થા ચોક્કસ બનાવવામાં આવી તથા ગાઝાપટ્ટીને ત્રણ વિભાગ(ઝોન)માં વહેંચવામાં આવશે એમ નક્કી થયું. ગાઝાપટ્ટી અને જેરીકોમાં પૅલેસ્ટાઇન સ્વશાસન સ્થાપે તેના પ્રથમ તબક્કા બાબતે ઇઝરાયેલ પૅલેસ્ટાઇન વચ્ચે કૅરો ખાતે 1994માં કરાર થયા. 1995માં ફરીને વૉશિંગ્ટન ખાતે બંને દેશો વચ્ચે કરાર થયા. આ બંને દેશો વચ્ચેની શાંતિમંત્રણાઓ સામે વિરોધ વ્યક્ત કરવા યહૂદી આતંકવાદીના હાથે, 1995ના નવેમ્બરમાં ઇઝરાયલી વડાપ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા થઈ. પેરેઝ વડાપ્રધાન બન્યા. 1996માં બેન્જામિન નેતાન્યાહુના નેતૃત્વ હેઠળ ‘લિકુડ’ (Likud) નામથી ઓળખાતી કૉન્સોલિડેશન પાર્ટીએ બહુમતી મેળવી. આ પક્ષ કંઈક અંશે શાંતિમંત્રણાઓનો વિરોધી હતો. આથી નેતાન્યાહુ અને યાસર અરાફત વચ્ચે મંત્રણાઓ આરંભાઈ હોવા છતાં શાંતિની પ્રક્રિયા જોખમાશે એવો ડર હતો. 1991-2001 ઈહૂદ બરાક વડાપ્રધાન રહ્યા. 2001-2006 એરિયલ શેરોન વડાપ્રધાન રહ્યા. તેમના પર હૃદયરોગનો ભારે હુમલો થતાં ઈહુદ ઓલમર્ટ વડાપ્રધાન બન્યા. માર્ચ, 2006ની ચૂંટણીઓમાં તેમના પક્ષ કાદિમાને સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મળતાં તેઓ વડાપ્રધાન તરીકે ચાલુ રહ્યા. ફેબ્રુઆરી 2009માં બેન્જામિન નેતાન્યાહુ વડાપ્રધાન બનતાં 1996ની સ્થિતિનું પુનરાવર્તન થયું. 1 એપ્રિલ, 2009થી તેમણે રચેલી સરકાર કામ કરી રહી છે. 2012માં નેતાન્યાહુ હોદ્દા પર છે.

ઇઝરાયલના ભારત સાથેના રાજકીય સંબંધોમાં 1991થી પરિવર્તન આવવાનો પ્રારંભ થયો અને 2000ના વર્ષ સુધીમાં આ સંબંધો વધુ મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યા બન્યા છે. ઇઝરાયલ આતંકવાદ વિરુદ્ધનો અભેદ્ય દુર્ગ ગણાય છે, જેનો યશ તેની ‘મોસાદ’ સંસ્થાને ફાળે જાય છે. આ ‘મોસાદ’ની સહાય દ્વારા આતંકવાદ વિરુદ્ધની ભારતની લડાઈમાં ઇઝરાયલનો સહકાર મેળવવા ભારત સરકારે પ્રયાસો આરંભ્યા છે, જે સંદર્ભમાં 2000ના જૂનમાં ભારતના ગૃહમંત્રીએ ઇઝરાયલની મુલાકાત લઈ આ દિશામાં સક્રિય બનવાનું વલણ વ્યક્ત કર્યું છે.

ઇતિહાસ : આશરે ઈ. પૂ. 2000 વર્ષ પર યુફ્રેટિસ-તટે આવેલા ઊર નગરમાંથી અબ્રાહમ નામના નેતાની આગેવાની નીચે કેટલાક લોકો આજના કનાન પ્રદેશમાં આવીને વસ્યા. અબ્રાહમને બાર દીકરા હતા. તેમાંથી બાર ટોળીઓ થઈ. સૌથી મોટા દીકરાનું નામ જેકબ ઉર્ફે ઇઝરાયલ હતું. કાળાંતરે ઇઝરાયલ સમગ્ર રાષ્ટ્રનું નામ બન્યું.

ઈ. સ. પૂ. 1700માં કનાનમાં દુકાળ પડતાં અબ્રાહમના આ વંશજો ઇજિપ્તમાં ગયા. ઇજિપ્તમાં એમને ગુલામ બનાવાયા. એમની પાસે ભારે શ્રમ કરાવાયો. પિરામિડોના બાંધકામમાં પરાણે જોતરવામાં આવ્યા. મોસેસ નામનો આગેવાન તેમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવીને ઈ. સ. પૂ. 1300માં આજના ઇઝરાયલની ધરતી પર લઈ આવ્યો. મોસેસ મારફતે આ પ્રજાને તેમના ધર્મની દસ મૂળભૂત આજ્ઞાઓ તેમના એકમાત્ર દેવ યહોવાહે આપી. આમાં મૂર્તિપૂજાનો નિષેધ અને એક જ ઈશ્વરમાં શ્રદ્ધા મુખ્ય છે.

ઇઝરાયલનું મહાનગર તેલ અવિવ

ઇઝરાયલનું મહાનગર તેલ અવિવ

છેક પ્રાચીન સમયથી અહીંની પ્રજાને વિવિધ આક્રમણકારોનો ભોગ બનીને યાતનાઓમાંથી પસાર થવું પડ્યું છે. ઇજિપ્તમાંથી પાછા આવીને આ પ્રજા કબીલાઓના વડાના શાસનમાં જીવતી હતી. કબીલાઓમાં પરસ્પર સંઘર્ષો થતા અને અસલામતી રહેતી. બીજી ટોળીઓના આક્રમણ વખતે એક જ વ્યક્તિની નેતાગીરી જિતાડી શકે એમ માનીને લોકોએ ઈ. સ. પૂ. 1050માં સાઉલ નામના ખેડૂતને રાજા બનાવ્યો. સાઉલના પુત્ર ડૅવિડે ઈ. સ. પૂ. 1000માં જેરૂસલેમમાં રાજધાની સ્થાપી. એનો અનુગામી સોલોમન મહાન વિજેતા અને સમ્રાટ હતો. તેણે જેરૂસલેમમાં સૌપ્રથમ ભવ્ય મંદિર બંધાવ્યું. તેના સમયમાં સામ્રાજ્ય, સમૃદ્ધિ અને વિદેશ-વેપાર વધ્યાં. ભારતમાં તેણે વેપાર માટે નૌકાકાફલો મોકલ્યાનો ઉલ્લેખ છે.

સોલોમનના પુત્રની અણઆવડતથી સામ્રાજ્યની એકતા ખંડિત થઈ. જ્યૂડિયા અને ઇઝરાયલ એવાં બે રાજ્ય થયાં. જ્યૂડિયાના વતની જ્યૂ એટલે કે યહૂદી કહેવાયા. પછીથી આ નામ સમગ્ર જાતિને લાગુ પડ્યું. ઈ. સ. પૂ. 722માં એસીરિયનોએ ઇઝરાયલ જીત્યું. મોટા ભાગના પુરુષોને ગુલામ બનાવ્યા કે દેશનિકાલ કર્યા. ઈ. પૂ. 587માં ખાલ્ડિયનોએ જેરૂસલેમના પવિત્ર મંદિરનો નાશ કર્યો. આગેવાન યહૂદી કુટુંબોને બૅબિલોનમાં વસવાની ફરજ પડી. દેશનિકાલ પામેલા યહૂદીઓ પરસ્પર લગ્નસંબંધો અને ધર્મગુરુઓના નેતૃત્વ હેઠળ તેમની સંસ્કૃતિ જાળવી શક્યા અને જેરૂસલેમ પાછા ફરવાનો દિવસ ઝંખતા રહ્યા.

ઈરાની સમ્રાટ સાયરસે બૅબિલોન જીત્યા પછી. ઈ. સ. પૂ. 538માં, યહૂદીઓની નાનકડી સંખ્યા સામ્રાજ્યને ભયરૂપ ન લાગતાં, તેમને જેરૂસલેમ પાછા જવાની છૂટ આપી. આ પછી જેરૂસલેમ અને તેની આસપાસના વિસ્તારમાં યહૂદીઓ વધતા ગયા. ઈ. સ. પૂ.ના પાંચમા સૈકામાં તેમણે બીજી વાર પવિત્ર મંદિર બાંધ્યું. ઈ. સ. પૂ. 323માં સિકંદરે આ પ્રદેશ કબજે કરતાં અહીં ગ્રીક હકૂમત સ્થપાઈ. ગ્રીકોએ જેરૂસલેમના પવિત્ર મંદિરને ગ્રીક દેવતા જ્યુપિટરના મંદિરમાં ફેરવી નાખ્યું. ગ્રીકોના શાસન અને શોષણથી ત્રાસેલા યહૂદીઓએ ઈ. સ. પૂ. 167માં જ્યૂડા મકાબી નામના એક ધર્મગુરુપુત્રની નેતાગીરી હેઠળ બગાવત કરી અને આઝાદી મેળવી. આ દિવસને યહૂદીઓ હનુકાના નામે ઓળખે છે. જ્યૂડા મકાબીએ જેરૂસલેમમાં ફરીથી મૂળ સ્થાને પવિત્ર મંદિર બાંધ્યું. આઝાદીના આ સમયગાળામાં યહૂદીઓની સમૃદ્ધિ અને સીમા વિસ્તર્યાં.

ઈ. સ. પૂ. 63માં રોમનોએ જેરૂસલેમ જીતીને હેરોદને રાજા બનાવ્યો. હેરોદ અને તેના અનુગામીઓના વખતમાં પ્રજા પર કરવેરાનો બોજ વધ્યો. જુલમ અને શોષણ વધતાં પ્રજાએ ઈ. સ. 66માં બંડ કર્યું. રોમનોની મોટી અને શસ્ત્રસજ્જ સેના સામે યહૂદીઓ પરાજિત થયા. ઈ. સ. 70માં રોમનોએ જેરૂસલેમ કબજે કરીને પવિત્ર મંદિરનો નાશ કર્યો. રોમનોએ એટલી મોટી સંખ્યામાં યહૂદીઓને ગુલામ બનાવ્યા કે ઘોડા અને ગુલામ બંને એક જ કિંમતે વેચાતા.

આ પછી યહૂદીઓ જીવતા રહેવા માટે રોટલો અને ઓટલો મળ્યો ત્યાં પહોંચી ગયા. કેટલાક જળોની જેમ જેરૂસલેમને વળગી રહ્યા. દુનિયાભરમાં વિવિધ સ્થળે વસતા યહૂદીઓ જેરૂસલેમની યાદને હૈયામાં ભરીને જીવતા રહ્યા.

ઈ. સ. 313માં રોમન સામ્રાજ્યના ભાગલા પડતાં આ ભૂમિ પૂર્વીય રોમન સામ્રાજ્યનો ભાગ બની. ઈ. સ. 636થી ઈ. સ. 1099 સુધી અહીં આરબ અમલ રહ્યો. આ કાળે આ પ્રદેશ પૅલેસ્ટાઇન તરીકે વધુ જાણીતો થયો. આ પછી લગભગ બસો વર્ષ પૅલેસ્ટાઇન પર ખ્રિસ્તી ક્રુસેડરોએ શાસન કર્યું. ઈ. સ. 1291થી 1516 સુધી મામલુક તુર્કોએ અહીં કબજો જમાવ્યો, તો ઈ. સ. 1517થી ઈ. સ. 1917 સુધી ઑટોમન તુર્કોના સામ્રાજ્યમાં પૅલેસ્ટાઇન સમાઈ ગયું.

દુનિયાભરમાં વેરવિખેર યહૂદીઓ લઘુમતીમાં હતા. ખ્રિસ્તીઓ અને મુસલમાનોની વસતિ વચ્ચે તેમને અપમાનિત દશામાં યાતનાઓ અને પજવણીઓ વચ્ચે જીવવું પડતું. કેટલાક દેશોમાં યહૂદીઓને જમીન ખરીદવાની મનાઈ હતી. કેટલેક સ્થળે તેમને નિયત વિસ્તારમાં જ રહેવું પડતું. કેટલાક દેશોમાં યહૂદીના મરણ પછી તેની મિલકત રાજ્યની માલિકીની બની જાય તેવા કાયદા હતા. આવી દશામાંથી ઊગરવા માટે અલગ યહૂદી રાજ્ય હોય તો જ શાંતિ, સલામતી અને સ્વમાનભેર જીવી શકાય તેવી લાગણી જન્મી. 1897માં સ્વિટ્ઝર્લૅન્ડના બેઝલ નગરમાં પ્રથમ વિશ્વ યહૂદી સંમેલન ભરાયું. તેમાં અલગ યહૂદી રાષ્ટ્ર સ્થાપવા નિર્ણય લેવાયો.

ધાર્મિક ખેંચાણથી તેમજ પૂર્વજોની ભૂમિ પ્રત્યેના પ્રેમથી દોરાઈને યુરોપમાંથી યહૂદીઓ કાયમી વસવાટના નિર્ણય સાથે ઈ. સ. 1880 પછીથી પૅલેસ્ટાઇનની ભૂમિ તરફ આવતા થયા હતા. આમાંના કેટલાક યહૂદીઓએ ઈ. સ. 1909માં દગાનિયા નામે સામૂહિક ખેતીનું ગામ કિબુત્ઝ વસાવ્યું. આવાં કિબુત્ઝો પછી વધતાં ગયાં. દશેક વર્ષ પછી સહકારી ધોરણે ઉત્પાદન અને વેચાણને વરેલું મોશાવ ગામ સ્થપાયું. આ પછી મોશાવ પણ વધતાં ગયાં.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ તુર્કો પાસેથી પૅલેસ્ટાઇન જીતી લીધું. યુદ્ધમાં અંગ્રેજોની જીતમાં યહૂદીઓની ભારે મદદ કારણભૂત હતી. પરિણામે યહૂદીઓ માટે પૅલેસ્ટાઇનની ભૂમિ પર અલગ રાષ્ટ્રની સ્થાપના અંગે અંગ્રેજોએ ‘બાલ્ફર ડેક્લેરેશન’ બહાર પાડ્યું. લીગ ઑવ્ નૅશન્સે બાલ્ફર ડેક્લેરેશન સ્વીકારીને પૅલેસ્ટાઇનને બ્રિટિશ મૅન્ડેટ હેઠળ મૂક્યું. આ પછી યહૂદીઓના વસતિવધારાથી આરબોને પોતાનાં હિતો પર પ્રહાર થતો દેખાયો. તેમણે યહૂદીઓ પર હુમલા કર્યા. અવારનવાર કોમી તોફાનો થયાં તો યહૂદીઓએ પોતાનાં હિતોની રક્ષા કરવા તાલીમબદ્ધ, આધુનિક શસ્ત્રોથી સજ્જ એવી હગનાહ નામની ભૂગર્ભસેના સ્થાપી. હગનાહની છત્રછાયા હેઠળ ઉદ્યોગો અને ખેતી ફૂલતાંફાલતાં ગયાં અને વધારે ને વધારે યહૂદીઓ આવતા ગયા. બ્રિટિશ શાસને યહૂદીઓના નવા પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો.

બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓએ યુરોપમાંના પોતાના કબજા હેઠળના પ્રદેશોમાં યહૂદીઓનું નિકંદન કાઢવા લીધેલાં પગલાંથી બચીને કેટલાક યહૂદીઓ છૂપી રીતે પૅલેસ્ટાઇન પહોંચી ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓને નાઝી ત્રાસવાદ, આરબ ત્રાસવાદ અને બ્રિટિશરોની નીતિ સામે ઝૂઝીને યહૂદી રાષ્ટ્ર સ્થાપવાનું હતું.

નાઝીઓના હાથે 60 લાખ યહૂદીઓના નિકંદન પછી યુદ્ધાન્તે અઢી લાખ યહૂદીઓ નાઝી યાતના-શિબિરોમાં બચ્યા હતા. તેમનો ધંધો-રોજગાર અને માલમિલકત નાશ પામ્યાં હતાં. આરબોની નાખુશીને કારણે આ યહૂદીઓની પૅલેસ્ટાઇનમાં આવીને વસવાની ઝંખના પૂરી કરવાની છૂટ આપવા બ્રિટિશરો તૈયાર ન હતા. અમેરિકા અને ઇંગ્લૅન્ડના ધનિક યહૂદીઓના દબાણથી તે દેશોએ સમસ્યા ઉકેલવા સંયુક્ત રાષ્ટ્રસંઘ પર દબાણ કર્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘે સમસ્યાનો અભ્યાસ કરીને ઉકેલ માટે રસ્તો શોધવા સમિતિ નીમી. સમિતિએ આરબ બહુમતીવાળું રાજ્ય અને યહૂદી બહુમતીવાળું રાજ્ય એમ બે અલગ રાજ્યો સ્થાપવાની તથા જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય અંકુશ હેઠળ રાખવાની ભલામણ કરી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં પૅલેસ્ટાઇનના વિભાજનનો ઠરાવ પસાર થયો. આ ઠરાવ મુજબ 14મી મે 1948ના રોજ બ્રિટને પૅલેસ્ટાઇન પરથી પોતાના શાસનનો અંત આણ્યો. આમ થતાં ઇઝરાયલનું અલગ રાષ્ટ્ર સ્થપાયું. તેનો આરંભથી જ નાશ કરવા સાઉદી અરબસ્તાન, ઇજિપ્ત, સીરિયા, જૉર્ડન, ઇરાક વગેરે આરબ રાજ્યોએ નવજાત ઇઝરાયલ પર હુમલો કર્યો; પરંતુ આરબો ઇઝરાયલનો નાશ ન કરી શક્યા. જૉર્ડને જેરૂસલેમ નગરનો પૂર્વભાગ અને પૅલેસ્ટાઇનનો જૉર્ડન નદીના પશ્ચિમતટનો પ્રદેશ કબજે કર્યો તો ઇઝરાયલે પશ્ચિમ જેરૂસલેમ અને યુનોએ ભલામણ કરેલ પોતાને મળવાપાત્ર પ્રદેશ કબજે કર્યો. આરબપ્રદેશ જૉર્ડને કબજે લેતાં અલગ આરબરાજ્ય ન સ્થપાયું. ઇઝરાયલ અને તેની સીમા પરનાં આરબ રાજ્યો વચ્ચે યુદ્ધવિરામ થયો. યુદ્ધવિરામ સીમા ઇઝરાયલની રાજકીય સીમા બની. આરબ-રાજ્યોએ ઇઝરાયલને માન્યતા ન આપી.

નાછૂટકે યુદ્ધવિરામ સ્વીકારનાર આરબરાજ્યો અવારનવાર ઇઝરાયલની સીમાઓનો ભંગ કરતાં. આમાંથી સરહદી અથડામણો થતી. 1956માં ઇજિપ્ત દ્વારા સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ થતાં બ્રિટન અને ફ્રાન્સની સાથે ઇઝરાયલે ઇજિપ્ત ઉપર હુમલો કર્યો, જેને પરિણામે ઇઝરાયલે સિનાઇનું રણ અને ગાઝાપટ્ટીનો પ્રદેશ જીતી લીધાં. વિશ્વમતના દબાણથી તથા મહાસત્તાઓએ તેને સલામતીની ખાતરી આપતાં ઇઝરાયલે આક્રમણના લાભો જતા કર્યા, છતાં બંને વચ્ચે કડવાશ રહી.

ઇઝરાયલને પૅલેસ્ટાઇનમાં પલટી નાખીને યહૂદીઓને આરબ બહુમતી હેઠળ રાખવા માગતાં આરબરાજ્યો ઇઝરાયલના અસ્તિત્વને જ સ્વીકારવા માગતાં ન હતાં. પશ્ચિમના દેશો – ખાસ કરીને અમેરિકા – ઇઝરાયલને ટેકો આપતા હતા. રશિયાએ આરબોનો પક્ષ લીધો. 1964માં કૅરોમાં આરબરાજ્યોની શિખર પરિષદે પૅલેસ્ટાઇનની મુક્તિ માટે પૅલેસ્ટીની મુક્તિમોરચો (Palestine Liberation Organization-PLO) રચ્યો. ઇજિપ્તે આમાં મહત્વનો ભાગ ભજવ્યો. રશિયન સહાયથી સજ્જ ઇજિપ્તના પ્રમુખ નાસરે ઇઝરાયલના નાશ માટે એક પછી એક પગલાં ભરતાં, ઇઝરાયલે યુદ્ધની રાહ જોવાને બદલે 1967માં યુદ્ધની પહેલ કરી. છ દિવસના યુદ્ધમાં સીરિયા, જૉર્ડન, ઇજિપ્ત વગેરેનો ભારે પરાજય થયો. ઇઝરાયલે ઇજિપ્ત પાસેથી ગાઝાપટ્ટી અને સુએઝ નહેર સુધીનો સિનાઈ પ્રદેશ જીતી લીધો. જૉર્ડન પાસેથી જૉર્ડન નદીના પશ્ચિમતટનો પ્રદેશ છીનવી લીધો. સીરિયા પાસેથી ગોલન પહાડીઓનો વિસ્તાર કબજે કરીને ઉત્તર સરહદે ઇઝરાયલે વ્યૂહાત્મક સલામતી મેળવી. સંયુક્ત રાષ્ટ્રસંઘની દરમિયાનગીરીથી બંને પક્ષે યુદ્ધવિરામ થયો. ઇઝરાયલે જીતેલા પ્રદેશનો કબજો જાળવી રાખીને ત્યાં વહીવટી તંત્ર ગોઠવ્યું.

ઇઝરાયલ પાસેથી પોતાનો પ્રદેશ પાછો મેળવવા ઇજિપ્ત અને સીરિયાએ ત્રાસવાદી પ્રવૃત્તિઓને પીઠબળ આપ્યું. ગુપ્ત તૈયારીઓ આદરી અને 1973માં યહૂદીઓના યોમકિપુર નામના તહેવારને દિવસે અચાનક ઇઝરાયલ પર ઇજિપ્ત અને સીરિયાએ ભારે આક્રમણ કર્યું. આ તહેવારના દિવસે યહૂદીઓ ઉપવાસ રાખે અને કોઈ બીજી પ્રવૃત્તિ ન કરે. અચાનક આક્રમણ વખતે ઇઝરાયલ તૈયાર ન હતું. પહેલનો લાભ આરબોને મળ્યો અને ઇઝરાયલ પાસેથી તેમણે કેટલોક વિસ્તાર પાછો જીતી લીધો, પણ ઇઝરાયલે ખૂબ જ ઝડપથી સજ્જતા મેળવી લીધી. ઇઝરાયલે સીરિયાના મોરચે આગળ વધીને છેક દમાસ્કસ સુધી પહોંચવાનો ધોરી માર્ગ કબજે કર્યો. ઇજિપ્તના મોરચે ઍલેકઝાન્ડ્રિયાની આસપાસનો વિસ્તાર કબજે કર્યો. કૅરો તરફ કૂચ આદરી અને ઇજિપ્તની તળભૂમિનો મોટો વિસ્તાર કબજે કર્યો. સામે પક્ષે ઇજિપ્તે સિનાઈ રણમાં સુએઝ નહેરની ધારે કેટલોક વિસ્તાર કબજે કર્યો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રયત્નો અને અમેરિકી વિદેશમંત્રી હેન્રી કિસિંજરની રાજકીય કુનેહને પ્રતાપે ઇઝરાયલે ઇજિપ્ત અને સીરિયા સાથે યુદ્ધવિરામ સ્વીકાર્યો.

ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે આ પછી સમાધાન થયું. બંનેએ પરસ્પર રાજકીય સંબંધો સ્થાપિત કર્યા. ઇઝરાયલે તબક્કાવાર સિનાઈના પ્રદેશનો કબજો ઇજિપ્તને આપવાનું સ્વીકાર્યું. તે રીતે છેક 1982માં ઇઝરાયલે પૂરેપૂરું સિનાઈ ઇજિપ્તને આપી દીધું. સીરિયા અક્કડ રહ્યું. સીરિયા સાથે કોઈ સમાધાન ન થયું. ઇજિપ્ત સાથેના ઇઝરાયલી સમાધાને ઇઝરાયલને સલામત બનાવ્યું અને આરબ-એકતા ખંડિત થઈ.

પૅલેસ્ટીની ગેરીલાઓ લૅબેનોનને મુખ્ય મથક બનાવીને ઇઝરાયલી સરહદોમાં ત્રાસવાદી કૃત્યો કરતા હતા. વારંવાર ઇઝરાયલનો સીમાભંગ થતો અને ઇઝરાયલ પૅલેસ્ટીની ત્રાસવાદીઓ પર વળતો પ્રહાર કરવા લૅબેનોનની સીમાઓનો ભંગ કરતું. લૅબેનોનમાં પૅલેસ્ટીની ગેરીલાઓએ એવી ધાક જમાવી હતી કે લૅબેનિઝ સરકાર લાચાર બનીને આ વેઠી લેતી. આમ લૅબેનોનમાં સરકારની અંદર સરકાર જેવી સ્થિતિ હતી.

ઇઝરાયલે લૅબેનોનમાંથી ઇઝરાયલ પર વારંવાર પ્રહાર કરતા પૅલેસ્ટીની ગેરીલાઓને તેમ કરતાં અટકાવવા 1982માં ‘પીસ ગેલીલી’ નામનું આક્રમણ કર્યું. ઇઝરાયલના ગેલીલી પ્રદેશને શાંતિ આપવા માટેનું આ પગલું હતું. ઇઝરાયલના આ સુઆયોજિત પગલાને તેની શિસ્તબદ્ધ, આધુનિક શસ્ત્રોવાળી સેનાને લીધે સફળતા સાંપડી. ઇઝરાયલે દક્ષિણ લૅબેનોન કબજે કર્યું. બૈરુતને ઘેરો ઘાલ્યો. લૅબેનોન છોડી દેવાની શરતે પૅલેસ્ટીનીઓને જીવતા જવા દીધા. પૅલેસ્ટીની ગેરીલાઓની તાકાત તૂટી. દક્ષિણ લૅબેનોનમાં પૅલેસ્ટીની ગેરીલાઓના વિરોધમાં નવી સ્થાનિક સેના ઊભી કરી. તે સેનાને દક્ષિણ લૅબેનોનનો કબજો સોંપીને ઇઝરાયલે પોતાની સેના પાછી ખેંચી.

જન્મ પછીના ચાર દશકા ઇઝરાયલે પોતાના અસ્તિત્વ માટેના સતત જંગમાં જ વિતાવ્યા. એક હાથમાં હળનો દાંડો અને બીજા હાથે ભાલો રાખીને ખેતી કરતા પ્રાચીન યહૂદીઓના ઇતિહાસનું નૂતન ઇઝરાયલમાં પુનરાવર્તન થયું છે. ખભે રાઇફલ રાખીને ખેતી કરતા અને યુદ્ધતોપોની ગર્જના વચ્ચે ઉદ્યોગોનો ચરખો ચાલુ રાખતા યહૂદીઓએ વામન ઇઝરાયલને સમૃદ્ધિ અને સ્વતંત્રતા બક્ષ્યાં છે, પણ ઇઝરાયલને હજી શાંતિ લાધી નથી.

એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જન્મ લેતાં જ ઇઝરાયલે બિનસલામતી અનુભવી છે. પરિણામે લશ્કરી અને યુદ્ધકીય તૈયારીમાં તે મોટો ખર્ચ કરતું રહ્યું છે. 1979 અને 1986ના સમયગાળામાં રાષ્ટ્રીય આવકના 22 % જેટલી રકમ તે લશ્કરો પાછળ ખર્ચે છે. દેશના શ્રમિકોમાંથી 23 % લશ્કરમાં કામ કરે છે અને તેના ઔદ્યોગિક ઉત્પાદનમાં 30 %થી 40 % લશ્કરી ઉત્પાદન રહ્યું છે. સંરક્ષણ પાછળ આટલો ગંજાવર ખર્ચ થતો હોવાને કારણે ઇઝરાયલની આર્થિક સ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે. ફુગાવાનો ઊંચો દર, દેવું, વ્યાપારી ખાધ અને નિકાસમાં ઘટાડો તેનાં ચિહનો છે. ઇઝરાયલના કુલ દેવાના 40 % (1984) દેવું માત્ર લશ્કરી ખર્ચને કારણે જ થવા પામ્યું હતું. તે સાથે શસ્ત્રોના ઉત્પાદનમાં તેમજ તેના બજારમાં ઇઝરાયલનું સ્થાન ઊંચું રહ્યું છે. ઇઝરાયલ અણુશસ્ત્રો ધરાવે છે એમ પણ કહેવાય છે.

ઇઝરાયલ સામેની સ્વતંત્ર આરબ-રાજ્ય માટેની લડતને (ઇન્તિફાદા) 1988માં યાસેર અરાફતે પૅલેસ્ટાઇન રાજ્યની ઘોષણા કરીને નવો વળાંક આપ્યો; તે સાથે તેમણે ઇઝરાયલને માન્યતા આપવાનું પણ સ્વીકાર્યું. અરાફતના સમાધાનકારી વલણની વ્યાપક અસર થઈ અને આ અંગે આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવવાની અને પૅલેસ્ટાઇન રાજ્ય તથા ઇઝરાયલ વચ્ચે કાયમી શાન્તિનું વાતાવરણ ઊભું કરવાની માગણીને વેગ મળ્યો.

આરબો(P.L.O.)ની સાથે મંત્રણાઓ કરવાના અમેરિકાના દબાણને અવગણીને ઇઝરાયલના વડાપ્રધાન યાત્ઝેક શમીરે આ પ્રકારની વાટાઘાટોના હિમાયતી નાણાપ્રધાન શિમોન પેરિઝને દૂર કરતાં મજૂર પક્ષના અન્ય મંત્રીઓએ પણ રાજીનામાં આપ્યાં. મજૂર પક્ષનો ટેકો ગુમાવતાં સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ તથા લિકુડ અને મજૂરપક્ષની બનેલી મિશ્ર સરકારને રાજીનામું આપવાની ફરજ પડી.

દરમિયાન રશિયામાંથી મોટા પ્રમાણમાં યહૂદીઓનું સ્થળાંતર કરીને તેમને પૅલેસ્ટાઇનના ઇઝરાયલે કબજે કરેલા આરબપ્રદેશોમાં વસાવવાના પ્રયાસો ઇઝરાયલ કરી રહ્યું છે. વસતિનો વધારો થતાં ઇઝરાયલને તેનો વિસ્તાર વધારવો પડે એવી નીતિ સરકાર અપનાવી રહી છે, જેની સામે આરબો વિરોધ નોંધાવી રહ્યા છે. ભારત સરકારે પણ આ નીતિનો વિરોધ કર્યો છે.

 1991માં થયેલ ‘ગલ્ફ વૉર’-ખાડીના યુદ્ધ દરમિયાન ઇરાકી સ્કડ મિસાઇલ્સનું ઇઝરાયલ મુખ્ય નિશાન બન્યું હતું. ઈ. સ. 1992માં રબિન ફરી વાર વડોપ્રધાન ચૂંટાયો અને તેણે પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશન સાથે શાંતિ માટે મંત્રણા શરૂ કરી. 1993માં રબિન અને યાસિર અરાફતે ઇઝરાયલી-પેલેસ્ટીનિયન કરાર કર્યા. 4 નવેમ્બર, 1995ના દિવસે એક યહૂદી ઉગ્રવાદીએ રબિનની હત્યા કરી. રબિનના ઉત્તરાધિકારી શિમોન પેરિઝે શાંતિની મંત્રણા ચાલુ રાખી. 1997માં ઇઝરાયલી લશ્કર હિબ્રોનથી પાછું ફર્યું. મે, 1999માં નવી ચૂંટણી યોજવામાં આવી. તેમાં એહુદ બરાકના નેતૃત્વ હેઠળ ‘લેબર કોએલિશન’ની જીત થઈ. ઈ. સ. 2000માં એહુદ બરાકે ઇઝરાયલી લશ્કર લૅબેનોનથી પાછું ખેંચી લીધું. માર્ચ 2002માં ઇઝરાયલે વેસ્ટ બૅન્ક પુન: કબજે કર્યું. ઑક્ટોબર, 2004માં ગાઝામાંથી બધા 8,000 ઇઝરાયલી વસાહતીઓને દૂર કરીને સંપૂર્ણ અંકુશ પૅલેસ્ટાઇનને સોંપવાની વડાપ્રધાન શેરોનની યોજના ત્યાંની સંસદે (knesset) સ્વીકારી. માર્ચ 2006માં સંસદની ચૂંટણીઓ થઈ અને ઓલ્મર્ટ વડાપ્રધાન બન્યા. જાન્યુઆરી, 2008માં અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશે પ્રથમ વાર ઇઝરાયલની મુલાકાત લીધી. વડાપ્રધાન ઓલ્મર્ટે રાજીનામું આપ્યું. તેની સામે લાંચની તપાસ કરવાની હતી.

7મી ઑક્ટોબર 2023ના રોજ પેલેસ્ટાઇનના આતંકવાદી ‘હમાસ’ સંગઠન દ્વારા ઇઝરાયલ ઉપર હુમલો કરાયો હતો. જેને પરિણામે 700 જેટલા ઇઝરાયલના નાગરિકો મૃત્યુ પામ્યા હતાં. ત્યારહાદ ઇઝરાયલ વળતો જવાબ આપતા ઇઝરાયલે ગાઝાપટ્ટી ઉપર પુન: પ્રભુત્વ સ્થાપ્યું.

ચન્દ્રકાન્ત પટેલ

દેવવ્રત પાઠક

રક્ષા મ. વ્યાસ

જયકુમાર ર. શુક્લ