ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા

January, 2002

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા (જ. 1849; અ. 1926) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ગાયનકલા- મર્મજ્ઞ. પિતા રામચંદ્ર બુવા ગાયક હતા, તેથી બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે અભિરુચિ થયેલી. માતાના મૃત્યુ બાદ સંગીતની જિજ્ઞાસા પૂરી કરવા માટે તેઓ ઘર છોડી મ્હૈસાલ ગયા. ત્યાં વિષ્ણુ બુવા ભોગલેકર પાસે બે વર્ષ સુધી સંગીતનું શિક્ષણ મેળવ્યું. તે વખતે તેમની ઉંમર દસ વર્ષની હતી. ત્યારબાદ સંસ્થાનમાં અલીદત્તખાં પાસે સંગીતશિક્ષણ લીધું. ત્યાંથી કોલ્હાપુર અને પછી ધાર પહોંચ્યા, જ્યાં દેવજી બુવા પાસે સંગીત-શિક્ષણનો આરંભ કર્યો. ત્યાં પણ સ્થિર થઈ શક્યા નહિ. અંતે કાશીમાં જોશી બુવા પાસે સ્થાયી થઈ ત્યાં સંગીતની સઘન તાલીમ લીધી. આમ સુદીર્ઘ પરિશ્રમ પછી તેઓ ગાયનાચાર્ય બન્યા.

મુંબઈમાં તેમણે ‘ગાયન સમાજ’ની સ્થાપના કરી. ‘સંગીત-દર્પણ’ નામનું એક માસિક પણ તેમણે ચલાવ્યું હતું. પરંતુ દમના વ્યાધિને લીધે મુંબઈ છોડવું પડ્યું. પછી ઔંધ રાજ્યના વ્યવસાયી ગવૈયા બન્યા. અહીં તેમને અનેક શિષ્ય મળ્યા, જેમાં પં. વિષ્ણુ દિગંબર પળુસ્કર, પ્રો. અનંત મનોહર જોશી, નીલકંઠ બુવા જંગમ, વામનરાવ ચાફેકર, ભાટેબુવા વગેરે કલાકારો ઉલ્લેખનીય છે.

થોડા સમય પછી તેમણે ઇચલકરંજી રજવાડામાં રાજગાયકની પદવીનો સ્વીકાર કર્યો અને ત્યાં સ્થાયી થયા ત્યારથી તેઓ ‘ઇચલકરંજીકર’ના નામથી પ્રસિદ્ધ થયા.

ગીતા મહેતા