ઇચિકાવા દાંજૂરો

January, 2002

ઇચિકાવા દાંજૂરો (1660-1946) : જાપાની-વ્યવસાય સાથે બાર પેઢીઓથી જોડાયેલા કાબુકિ રંગભૂમિના કલાકારો. દાંજૂરો નામથી ઓળખાતા આ કુટુંબના પેઢી-દર-પેઢીના વારસદારોને કાબુકિ રંગભૂમિના સમ્રાટ પણ કહેવાય છે. કુટુંબનો વડો દાંજૂરો કે સોક વંશની પરંપરા અનુસાર ‘આરાગોતો’ નટની શૈલીને જાળવે છે અને વારસામાં પછીની પેઢીને તે કળા શીખવે છે. બાળવયના નટને દાંજૂરો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાધિકારી તરીકે પુત્ર ન હોય તો કેટલાક દાંજૂરોને આ પ્રથા ચાલુ રાખવા દત્તક લેવામાં આવતા, જેમને દાંજૂરોના વારસદાર તરીકે ક્રમબદ્ધ પસંદ કરવામાં આવતા.

દાંજૂરો1 (જ. 1660; અ. 1704) : ગ્રામપ્રદેશના એક સમુરાઈના આ પુત્રે 13 વર્ષની વયે ‘ધ ફોર ગાર્ડિયન ગૉડ્ઝ’માં સકાટા કિન્ટોકી નામના કિશોર-નાયક(boy-hero)નું પાત્ર ટોકિયોના નકામુરા થિયેટરમાં આરાગોતો શૈલીમાં ભજવેલું. ‘મિમાસુયા હ્યોગો’ તખલ્લુસથી લખેલાં બારેક જેટલાં નાટકોમાં ‘વીર નાયક’ તરીકેનું પાત્ર તેણે ભજવેલું. ‘મેઘગર્જનાના દેવ’ સર્વશ્રેષ્ઠ ‘મહાવીર કામાકુરા ગોંગોરો’, સર્વરક્ષક દેવ ‘ફુડો’, સર્વશક્તિમાન પૂજારી ‘બેન્કી’ વગેરે પાત્રો તેણે ભજવેલાં. રંગમંચ ઉપર જ એક ઈર્ષાળુ નટે તેનું ખૂન કર્યું ત્યારે તેની વય 44 વર્ષની હતી.

દાંજૂરો2 (જ. 1688; અ. 1758) : તે 17 વર્ષની ઉંમરે દાંજૂરો થયો. તે દાંજૂરો પહેલાનો પુત્ર હતો. તેણે ‘ફ્લાવર ઑવ્ ઇડો’, ‘મેડિસિન સેલર’, ‘એરો મેકર’, ‘વ્હિસ્કર ટ્વિઝર્સ’ જેવાં નાટકો લખ્યાં. નટ તરીકે તેના અભિનયમાં નજાકત અને સુષમા હતાં. તેને પુત્ર ન હતો. પોતાના શિષ્યને તેણે પોતાનું નામ આપ્યું હતું.

દાંજૂરો3 (જ. 1721; અ. 1742) : છ વર્ષની ઉંમરે તે નટ બન્યો. 14મે વર્ષે તેને દાંજૂરોની પદપ્રાપ્તિ થઈ. તેનો અવાજ કર્ણમધુર હતો. તેનો અભિનય ભવ્ય હતો. 21મે વર્ષે તેનું ઓસાકામાં પોતાના પાલકપિતા સાથે નાટક ભજવતાં માંદા પડવાથી અવસાન થયું.

દાંજૂરો4 (જ. 1711; અ. 1778) : દાંજૂરો-3 પછી 12 વર્ષ સુધી કોઈ વારસદાર જાહેર થયો નહોતો. જોકે 43 વર્ષના ખલનાયક તરીકે મશહૂર માત્સુમોટો કોશિરો દાંજૂરો બન્યો. એક દુષ્ટ ખલનાયક કાજેકિયોનું પાત્ર પોતાના જીવનકાળ દરમિયાન તેણે 16 વખત કુશળતાથી ભજવ્યું હતું.

દાંજૂરો5 (જ. 1741; અ. 1807) : દાંજૂરો ચોથાનો પુત્ર. તેનું મૂળ નામ માત્સુમોટો કોશિરો ત્રીજો હતું. રાબેતા મુજબ દાંજૂરોનું નવું નામ ધારણ કરવા માટે ઔપચારિક વિધિ કરવામાં આવી હતી. દુનિયામાં તેનું નામ મશહૂર છે એવી ડંફાસ તે મારતો હતો (‘સુમી કારા સુમી મેઇડ’ – એટલે કે આખી દુનિયા પોતાને જાણે છે). પોતાની એક આંખથી બીજી આંખને જોવાની તેની યુક્તિ (નિરામી) પ્રત્યેક દાંજૂરોનો આગવો કસબ બની રહ્યો. કીર્તિના પરમ શિખરે હતો ત્યારે 49 વર્ષની વયે પોતાના પુત્રને દાંજૂરો બનાવી તે લેખનપ્રવૃત્તિ માટે નિવૃત્ત થયો.

દાંજૂરો6 (જ. 1778; અ. 1799) : શરાકુ-વુડબ્લૉકના કલાકારે તૈયાર કરેલાં તેનાં ઇન્દ્રિયગમ્ય કિશોરવયનાં ચાર ભવ્ય ચિત્રો મળી આવ્યાં છે, 13મે વર્ષે તે દાંજૂરો બન્યો. 20મે વર્ષે તેણે નાકામુરા રંગભૂમિના નટમંડળના વ્યવસ્થાપક તરીકે કામ શરૂ કર્યું. આ પદનો મોટો મહિમા હતો. કૌટુંબિક પરંપરાની નટશૈલીને તેણે નવો વળાંક આપ્યો. માત્ર 21મે વર્ષે રંગમંચ પર જ તેનું અવસાન થયું.

દાંજૂરો7 (જ. 1791; અ. 1859) : કદાચ દાંજૂરો પાંચમાની પુત્રી સુમી અને નટ મારૂયા શિચિબીનો તે પુત્ર હતો. કાબુકિ રંગભૂમિ માટે અભિનય કર્યો ત્યારે તેની વય માત્ર ત્રણ વર્ષની હતી. પાંચ વર્ષની ઉંમરે તે એબિઝો બન્યો. સાતની ઉંમરે કાવારાઝાકી રંગભૂમિના ‘વેઇટ અ મૉમેન્ટ’ નાટકમાં તેણે અભિનય કર્યો. નવમે વર્ષે તો તે દાંજૂરો બની ગયો. તે જમાનાના સૌથી મહાન નટ માત્સુમોટો કોશિરો પાંચમો અને અન્ય નટોએ તેનાં મુક્ત કંઠે વખાણ કરેલાં. તેની પોતાની આગવી શૈલી હતી. લૂંટારાના પાત્ર કિઝેવામોને ભજવવામાં તે પાવરધો હતો. જોતજોતાંમાં વેશપલટો કરી તે તરેહતરેહનાં પાત્ર ભજવતો હતો. ‘ધ સ્કાર્લેટ પ્રિન્સેસ ઑવ્ ઇડો’ (1817) નાટકમાં તેણે ચાર મુખ્ય ભૂમિકાઓમાં ભાગ લીધો હતો. તેની અભિમાની અને આડંબરી ભપકાભરી જીવનશૈલીને લીધે સરકારે તેને સાત વર્ષ માટે તડીપારની સજા ફટકારી હતી. જોકે પંદર વર્ષ સુધી તેણે જુદા જુદા પ્રાંતોમાં રંગમંચ પર અભિનય કર્યો હતો.

દાંજૂરો8 (જ. 1823; અ. 1854) : નવમે વર્ષે તે દાંજૂરો બન્યો; પરંતુ તેના પિતા દેશનિકાલની સજા ભોગવતા હતા. એટલે તે ઉદાસીન રહેતો હતો. 31મે વર્ષે તેણે આપઘાત કરેલો.

દાંજૂરો9 (જ. 1838; અ. 1903) : દાંજૂરો-7ના આ પાંચમા પુત્રને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે પોતે 36મે વર્ષે દાંજૂરો બનશે. કુટુંબના એ નબીરાએ સતત 30 વર્ષ સુધી અભિનય કર્યો હતો. 1885 પછી કાબુકિ રંગભૂમિને આધુનિકતાનો ઓપ આપવામાં તેણે પહેલ કરી. કાબુકિ રંગભૂમિના ઇતિહાસમાં સમ્રાટ મીજીની ઉપસ્થિતિમાં તેણે અભિનય દાખવ્યો હતો. કાબુકિ ઝા રંગભૂમિનો તેનો પ્રેક્ષકગણ છેલ્લામાં છેલ્લી ઢબનો વરણાગિયો હતો. સમાજમાં કાબુકિ રંગભૂમિને માનભર્યું સ્થાન અપાવવામાં તેનો મોટો ફાળો રહ્યો છે. તેનામાં શક્તિ, બહાદુરી અને કલાત્મક ર્દષ્ટિના ભરપૂર ગુણો હતા. આધુનિક સમયના તમામ દાંજૂરોમાં તે સૌથી મોટો અભિનયસમ્રાટ ગણાયો છે.

દાંજૂરો10 (જ. 1882; અ. 1956) : દાંજૂરો-9ને પુત્ર ન હતો અને તેણે કોઈને દત્તક પણ લીધો ન હતો. તેની સૌથી મોટી પુત્રી અભિનયકલામાં અદભુત હતી; પરંતુ કાબુકિ રંગભૂમિ પર સ્ત્રી અભિનય ન કરી શકે એટલે તેના પતિને આ કલા શીખવવી પડી. કાબુકિ રંગભૂમિના ઇતિહાસના આ કપરા કાળમાં તેણે અભિનયની કળા જાળવી રાખી. તેને મરણોત્તર દાંજૂરો-10 બનાવવામાં આવ્યો હતો.

દાંજૂરો11 (જ. 1909; અ. 1965) : દાંજૂરો-10 પછી 60 વર્ષ સુધી દાંજૂરોનું પદ ખાલી રહ્યું. તે માત્સુમોટો કોશિરો-7નો સૌથી મોટો પુત્ર હતો એટલે ઇચિકાવા કુટુંબે તેને દત્તક તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું હતું. તે મિતભાષી અને નમ્ર સ્વભાવવાળો હતો. જોકે રંગભૂમિ પર રોમૅન્ટિક પ્રકારના અભિનયમાં તે એક્કો હતો. ત્રણ વર્ષ સુધી દાંજૂરો રહ્યા પછી તેનું અવસાન થયેલું.

દાંજૂરો12 (જ. 1946) : દાંજૂરો-11નો પુત્ર ત્રણ મહિના સુધીના કર્મકાંડની વિધિ બાદ 1985માં દાંજૂરો બન્યો. તેણે કૉલેજ-કેળવણી લીધી છે. તેણે કાબુકિ અભિનેતા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. કિશોરવયથી જ તેના ચાહકો તેણે પ્રાપ્ત કર્યા છે. 23 વર્ષની વયે તે એબિઝો બન્યો હતો. તેણે અગત્યનાં 100 પાત્રોનો અભિનય દાખવ્યો છે. તે પ્રતિભાવાન નટ છે. તેના અભિનયમાં આત્મસંયમ દેખાય છે. આધુનિક અને શિષ્ટ એવા બંને પ્રકારનાં નાટકોમાં તે ઉત્તમ પ્રકારનો અભિનય દાખવે છે.

Danjuro Kabuki actor

દાંજૂરો-12, કાબુકી અભિનેતા

સૌ. "Danjuro Kabuki actor" | CC BY-SA 3.0

વિ. પ્ર. ત્રિવેદી