આલસાસ-લૉરેઇનની સમસ્યા

January, 2002

આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ 1635ની સંધિ દ્વારા આલસાસનો કબજો ફ્રાન્સને મળ્યો. સપ્તવાર્ષિક વિગ્રહને અંતે ફ્રાન્સના તાબામાં આલસાસ-લૉરેઇન અને રુસ્સિલોન આવ્યાં. 1871 અને 1945ના ગાળામાં ફ્રાન્સ અને જર્મની વચ્ચે આલસાસ લૉરેઇન મેળવવા માટે સંઘર્ષ થયો હતો. કારણ કે 1870-71 ના ફ્રાન્સ-જર્મની વચ્ચેના વિગ્રહમાં ફ્રાન્સની હાર થવાથી આ પ્રદેશ જર્મન સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યો હતો. 1871-1914 સુધીના ગાળામાં આ પ્રદેશ ગુમાવવાને કારણે ફ્રાંસમાં જર્મનીવિરોધી લાગણી ઉગ્ર બની હતી. આલસાસ-લૉરેઇનમાં જર્મન રાજ્યઅમલ અપ્રિય બન્યો હતો અને જે રહેવાસીઓ પોતાને ફ્રેન્ચ તરીકે ગણતા હતા તેમણે સ્થળાંતર કર્યું હતું. 1902 સુધી આ પ્રદેશમાં અસરકારક સ્વશાસન સ્થપાયું નહોતું. 1911 માં બંધારણ મળવાથી જર્મનીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો હતો અને થોડી પ્રગતિ સધાઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919 માં ફ્રાન્સને આલસાસ-લૉરેઇનનો પ્રદેશ પરત કરવામાં આવ્યો. 1920 માં તેમાં એક પ્રબળ ‘હોમરૂલ’ ચળવળ ચાલી હતી, જેમાં ફ્રેન્ચ રિપબ્લિકમાં રહીને નાગરિકો સ્વાયત્તતાની માગણી કરતા હતા; પણ આ ચળવળ નિષ્ફળ ગઈ. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ ફરી આ પ્રદેશ મેળવ્યો. પરંતુ 1945 માં ફરી તે ફ્રાન્સને પાછો મળ્યો.

યતીન્દ્ર  દીક્ષિત