આર્મેનિયા : સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર થયેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ આશરે 390 ઉ. અ.થી 410 ઉ. અ. અને 420 પૂ. રે.થી 470 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. પતંગ-આકારે આવેલા આ દેશની વાયવ્યથી અગ્નિ દિશાની લંબાઈ આશરે 300 કિમી., જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશાની પહોળાઈ આશરે 200 કિમી. જેટલી છે. તેનો કુલ વિસ્તાર 29,800 ચોકિમી. છે.

આ દેશની ઉત્તર સીમાએ જ્યૉર્જિયા, પૂર્વે આઝરબૈજાન, દક્ષિણે ઈરાન અને પશ્ચિમે તુર્કી આવેલાં છે.

પ્રાકૃતિક માહિતી : આર્મેનિયાના ઉચ્ચપ્રદેશમાં આવેલા આ દેશની  નૈર્ઋત્યે કૉકેસસ પર્વતીય હારમાળા આવેલી છે, જે મોટે ભાગે તુર્કીમાં ફેલાયેલી છે. સમગ્ર દેશ પર્વતો અને ઊંડાં કોતરોથી છવાયેલો છે. પશ્ચિમે વહેતી અરાસ (Aras) નદી તુર્કી સાથે કુદરતી સીમા રચે છે.

આ દેશનો મોટા ભાગનો વિસ્તાર સમુદ્રસપાટીથી 1,500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. અહીં આવેલાં અનેક શિખરોમાંથી સૌથી ઊંચું શિખર અરાગાત્સ (Aragats) (4,090 મીટર) છે. પૂર્વે આઝરબૈજાનની સીમાએ સેવાન સરોવર આવેલું છે. આ સરોવર આર્મેનિયાના કુલ વિસ્તારના 5 % જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. આ દેશનું સ્થાન ખંડીય હોવાથી આબોહવા સૂકી છે, પરિણામે શિયાળો લાંબો અને ઉનાળો ટૂંકો અનુભવાય છે.

અર્થતંત્ર : આ દેશ પર્વતીય હારમાળાથી છવાયેલો હોવા છતાં અહીંની જમીન પ્રમાણમાં ફળદ્રૂપ છે. અહીં ઉત્પન્ન કરાતા ખેતીના પાકોમાં ઘઉં, જવ ને મકાઈ તથા કપાસ મુખ્ય છે. જ્યારે સૂકાં ફળોમાં જરદાલુ, પીચ, બદામ, અખરોટ અને અંજીરનો સમાવેશ થાય છે. બટાટા અને લીલી દ્રાક્ષની ખેતી અરાસ નદીની ખીણમાં થતી જોવા મળે છે. અહીં ઑલિવનાં વૃક્ષો વધુ આવેલાં છે. પર્વતીય ઢોળાવો પર ચરાણવિસ્તાર આવેલા હોવાથી ત્યાં પશુ-પાલનની પ્રવૃત્તિ વિકસી છે. પરિણામે દૂધમાંથી આડ-પેદાશો મેળવાય છે.

અહીં તાંબું, જસત, બૉકસાઇટ, સીસું, સોનું અને મોલીબ્ડિનમ જેવાં ખનિજો પ્રાપ્ત થાય છે. તેથી અહીં આ ખનિજો ઉપર આધારિત ઉદ્યોગો પણ વિકસ્યા છે. આ દેશમાં રસાયણ, વીજાણુસામગ્રી (ઇલેક્ટ્રૉનિક્સ), યંત્રો, કૃત્રિમ રબર અને ખાદ્યપદાર્થોને લગતા ઉદ્યોગો કાર્યરત છે. આરસપહાણ અને ગ્રૅનાઇટને પૉલિશ કરવાના તેમજ ગાલીચા બનાવવાના વ્યવસાયો ગૃહઉદ્યોગ તરીકે ખીલ્યા છે.

વસ્તી અને વસાહત : અહીં વસવાટ કરતી 90 ટકા વસ્તી આર્મેનિયન લોકોની છે. અલ્પ પ્રમાણમાં આઝરબૈજાની, કુર્દુસ અને રશિયન લોકો વસે છે. અહીંની મુખ્ય ભાષા આર્મેનિયન છે. 99 ટકા લોકો શિક્ષિત છે. મોટે ભાગે તેઓ ખ્રિસ્તીધર્મીઓ છે. આ દેશનું પાટનગર યેરેવાન (Yerevan) છે. કુલ વસ્તી 29 લાખ જેટલી છે (2020).

ઇતિહાસ : ઈ. પૂ.ની સાતમી સદીના અંતમાં પ્રાચીન ઉરર્તુ (Urartu) રાજ્યના પતન પછી આર્મેનિયાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઈ. પૂ. 714માં અસિરિયાના સાગૉર્ન બીજાએ તેના પર આક્રમણ કરેલું. પર્શિયાના સાયરસે તેને જીતી લઈ એકીમેનિયન સામ્રાજ્યનો ભાગ બનાવ્યું (આશરે ઈ. પૂ. 550). દરાયસ પહેલાના સામ્રાજ્યની તે 13મી સત્રપી (પ્રાંત) હતું. તે પછી મૅસિડોનિયન સામ્રાજ્યનો તે ભાગ બન્યું (ઈ. પૂ. 331). તે પછી સેલ્યુસીડ સામ્રાજ્યનો તે ભાગ બન્યું (ઈ. પૂ. 301). ઈ. પૂ. 190-189માં બળવો કરી તે સ્વતંત્ર બન્યું અને ઐતિહાસિક આર્મેનિયાનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેની રાજધાની અર્તકસટ (Artaxata) અરકસીસ નદીને કિનારે બાંધવામાં આવી. તેના રાજા મહાન તિગ્રનીસ (તિગ્રન) બીજા(આશરે ઈ. પૂ. 94થી 56)ના સમયમાં નવી રાજધાની તિગ્રનોસેર્ત (કદાચ સિલ્વન) સ્થપાઈ. ઈ. સ. 63માં તેનો રાજા અર્સકિંડ રોમન સામ્રાજ્યનો ખંડિયો હતો. ઈસુખ્રિસ્તના પૂર્વજો આર્મેનિયન જ્યુ હતા. ઈ. સ. 217માં વગર્ષકનો પુત્ર તિરિદતીસ બીજો આર્મેનિયાનો રાજા બન્યો. રોમનોના રક્ષણ નીચે તિરિદતીસ બીજાના પુત્ર તિરિદતીસ ત્રીજાને ગાદી મળી (આ. ઈ. સ. 287). તેણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને તેને રાજ્યધર્મ તરીકે સ્થાપ્યો (ઈ. સ. 301). ખ્રિસ્તી ધર્મનો રાજ્યધર્મ તરીકે અંગીકાર કરનાર એ પહેલો દેશ હતો. નખરર્ક અને અર્સકેસ(અર્શક)ના સમયમાં આર્મેનિયા બાયઝેન્ટાઇન આર્મેનિયા અને પેર્સમેનિયામાં વિભક્ત થયું (આશરે ઈ. સ. 390). પર્શિયનોએ બાયઝેન્ટાઇન આર્મેનિયા જીતી લીધું (ઈ. સ. 612). ઈ. સ. 653માં અરબોએ તે જીત્યું. ઈ. સ. 885માં અષોત પહેલો આર્મેનિયાનો રાજા બન્યો. અષોત ત્રીજા(ઈ.સ. 952-977)એ પોતાની રાજધાની અનિ(આધુનિક અનિપેમ્ઝ)ને બનાવી. અનિના બગ્રતિદોએ શહનશાહનું બિરુદ ધારણ કર્યું. 908માં વસ્પુરકનનું અર્તશ્રુનિનું રાજ્ય, 961માં અષોત ત્રીજાના ભાઈ મુષેધનું, કર્સનું અને 970માં એક રાજકુમારનું પૂર્વ સિઉનિકનું રાજ્ય-એમ ત્રણ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. 1236 અને 1242 વચ્ચે સમગ્ર આર્મેનિયા અને જયાર્જિયા મોન્ગોલોના હાથમાં પડ્યાં. 1514-16માં પર્શિયા પાસેથી ઑટોમન તુર્કોએ આર્મેનિયા જીતી લીધું.

19મી સદીમાં રશિયાની કૉકેસસ પરની ચડાઈથી આર્મેનિયાની સંસ્કૃતિના પુનરુત્થાન માટેની પ્રેરણા જાગી. 1877-78માં રશિયા અને તુર્કો વચ્ચેના યુદ્ધે તથા સાન સ્ટેફાનોની સંધિએ આર્મેનિયાના અલગ અસ્તિત્વનો પ્રશ્ન ઊભો કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઑટોમન તુર્કોએ લાખો આર્મેનિયન લોકોની હકાલપટ્ટી કરી, જેમાંના મોટા ભાગના લોકો માર્યા ગયા હતા.

1916માં રશિયનોએ ટર્કિશ આર્મેનિયા તાબે કર્યું. 20મી સપ્ટેમ્બર, 1917ના રોજ જ્યૉર્જિયનો, આર્મેનિયનો અને આઝરબૈજાનિયનોએ ટ્રાન્સકૉકેશિયન ફેડરલ રિપબ્લિકની સ્થાપના કરી. 26મી મે 1918ના રોજ તેમાંથી ત્રણ સ્વતંત્ર પ્રજાસત્તાકો અસ્તિત્વમાં આવ્યાં. 3જી ડિસેમ્બર 1920ના રોજ આર્મેનિયાએ પોતાને સોવિયેત રિપબ્લિક તરીકે જાહેર કર્યું અને ડિસેમ્બર 1936માં સોવિયેત રશિયાના બંધારણમાં તેને સ્થાન આપવામાં આવ્યું. આથી હવે તેને ‘ધી આર્મેનિયન સોવિયેત સોશ્યાલિસ્ટ રિપબ્લિક’ નામથી ઓળખવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધની આર્મેનિયા પર કોઈ સીધી અસર થઈ ન હતી, પરંતુ 7 ડિસેમ્બર, 1988ના રોજ થયેલ ધરતીકંપમાં સ્પિટાક નામનું તેનું શહેર ધરાશાયી થયું હતું તથા લેનિનાકન નામના બીજા એક શહેરમાં મોટા પાયા પર તારાજી થઈ હતી. આ ધરતીકંપમાં મૃતકોની સંખ્યા 70,000 કરતાં પણ વધુ અંદાજવામાં આવી છે. તેની અસર 50 કિમી.ના વિસ્તાર પર થઈ છે. સપ્ટેમ્બર 1991માં આર્મેનિયાના લોકોએ સોવિયેત સંઘથી અલગ થવાની તરફેણમાં મત આપ્યો; પરિણામે આર્મેનિયાનું સ્વતંત્ર રાજ્ય ડિસેમ્બર 1991માં અસ્તિત્વમાં આવ્યું. 5 જુલાઈ, 1995માં રાષ્ટ્રવ્યાપી રેફરન્ડમથી દેશે નવું બંધારણ સ્વીકાર્યું. રાજ્યનો વડો પ્રમુખ છે જે પાંચ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. આ પ્રમુખ સરકારની નિમણૂક કરે છે. તેની સંસદ (આઝગાચીન ઝહોગોવ) 131 સભ્યોથી રચાય છે. તેમાં 75 પ્રતિનિધિઓ પક્ષની યાદી મુજબ ચૂંટાય છે અને 56 પ્રતિનિધિઓ પ્રજા દ્વારા સીધી ચૂંટણીથી ચૂંટાય છે.

તેના પડોશી દેશ તુર્કસ્તાન સાથેના સંબંધો તનાવભર્યા રહ્યા કરે છે.

Mount Ararat and the Yerevan skyline

આર્મેનિયાનું પાટનગર યેરેવાન

સૌ. "Mount Ararat and the Yerevan skyline" | CC BY-SA 3.0

આર્મેનિયનોની વસ્તી ધરાવતા નાર્ગોનો-કરાબક્ષ પ્રદેશ માટે આર્મેનિયાએ મે 1992માં આઝરબૈજાન પર હુમલો કર્યો અને ત્યાંનો 20 ટકા પ્રદેશ જીતી લેવાથી મે 1994માં બંને દેશો વચ્ચે યુદ્ધબંધીના કરાર કરવામાં આવ્યા. આર્મેનિયાનો પ્રમુખ લેવન ટર પેટ્રોસિયન હતો. સપ્ટેમ્બર 1996માં તે બીજી વાર પ્રમુખ બન્યો. તેણે પ્રમુખપદેથી રાજીનામું આપવાથી, તે સમયનો વડાપ્રધાન રોબર્ટ કોચારિયન 30 માર્ચ, 1998ના રોજ પ્રમુખપદે ચૂંટાયો. તેની સમગ્ર ભૂમિ એક મોટો ઉચ્ચપ્રદેશ છે, જેની સરેરાશ ઊંચાઈ 1,770 મીટર છે.

ખેતી આર્મેનિયાનો મુખ્ય વ્યવસાય છે, પરંતુ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ વધી રહ્યાં છે. શિક્ષણ ફરજિયાત છે અને 7થી 17 વર્ષની વયનાંઓ માટે મફત છે. તમામ પ્રકારની આરોગ્યસવલતો તમામ નાગરિકો માટે મફત ઉપલબ્ધ છે. આર્મેનિયાનું લિખિત સાહિત્ય પાંચમી સદીમાં આરંભાયું હતું. સયાત-નોવા(મૃત્યુ : 1795)નાં પ્રેમગીતો હજુયે લોકપ્રિય છે. ત્યાંનો આધુનિક સંગીતકાર અરામ ખાચાતુરિન સંગીતજગતમાં પ્રખ્યાત છે.

ઈ. સ. 1999માં એક બંદૂકધારીએ પાર્લમેન્ટ પર હુમલો કરી વડાપ્રધાનની હત્યા કરી. એપ્રિલ 2001માં આઝરબૈજાનનો પ્રમુખ હિદર એલિયેવ આર્મેનિયાના પ્રમુખ કોચારિયનને શાંતિવાર્તા માટે મળ્યો. માર્ચ 2003માં રોબર્ટ કોચારિયન આર્મેનિયાના પ્રમુખ તરીકે પુન: ચૂંટાયો. 19 ફેબ્રુઆરી, 2008ના રોજ યોજાયેલ પ્રમુખપદની ચૂંટણીમાં વડાપ્રધાન સર્ઝ સર્ગસ્યાન જીત્યા. તેની સામે બીજો ક્રમ મેળવનાર ટેકેદારોએ પાટનગર યેરિવાનમાં દેખાવો કર્યા. વિરોધ વધવાથી અને હિંસા થવાથી સરકારે રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવી પડી. 9 એપ્રિલ, 2008ના રોજ નવા પ્રમુખ સર્ગસ્યાનના સોગંદવિધિ થયા. 2018ની ચૂંટણીમાં આર્મેન વાર્દાની સર્ગાસ્થાન પ્રમુખપદે ચૂંટાયા હતા.

યતીન્દ્ર દીક્ષિત

હેમન્તકુમાર શાહ