આર્મેનિયન ભાષા

January, 2002

આર્મેનિયન ભાષા : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળના એક પેટાકુળ થ્રાકો-ફીજિયન જૂથની ભાષા. પ્રાચીન કાળમાં આંતોલિયામાં આ ભાષાનું પૂર્વરૂપ અસ્તિત્વ ધરાવતું હતું. એમ પણ કહી શકાય કે ફીજિયન ભાષામાંથી જ સીધી આર્મેનિયન ઊતરી આવી છે. જૂની આર્મેનિયન ભાષા જૂની ઈરાની અને જૂની સંસ્કૃત ભાષાને ખૂબ મળતી આવે છે. ચાર લાખ કરતાં વધુ ભાષકો આજે આ ભાષા બોલે છે. આમાંથી બે લાખ આર્મેનિયામાં રહે છે. આ ભાષકોની બીજી કેટલીક વસ્તી મધ્યપૂર્વના દેશોમાં છે. કેટલાક અમેરિકામાં પણ વસે છે. આ પીઢ, સમૃદ્ધ અને માતબર ભાષા છે. પાંચમી સદી સુધીમાં એનું લખાયેલું સાહિત્ય મળતું નથી, છતાં એ ઘણા પુરાણા સમયથી બોલાતી ભાષા છે. પાંચમી સદીમાં સેંટ મેસ્ત્રોપે ગ્રીક અને ઈરાનિયન વર્ણોને આધાર તરીકે રાખીને આ ભાષા લખવા માટેની છત્રીસ વર્ણોની વર્ણમાલા તૈયાર કરી હતી, જેમાં પાછળથી બે વર્ણો ઉમેરાયા છે. ૧૯મી સદી સુધી આ ભાષામાં મોટે ભાગે સાહિત્ય જ લખાતું, પણ તે પછી તેનો બોલચાલમાં પણ ઉપયોગ થવા લાગ્યો. ચોથી સદીમાં બાઇબલનો પ્રથમ આર્મેનિયન ભાષામાં અનુવાદ થયો ત્યારથી તેની સમૃદ્ધ સાહિત્યપરંપરા ઉપલબ્ધ છે. આ ભાષામાં સંજ્ઞાને છ વિભક્તિઓ લાગે છે અને ક્રિયાપદમાં નવ કાળ મળે છે. જે તેનો મૂળ સંસ્કૃતભાષા સાથેનો સંબંધ દર્શાવે છે. અત્યારે આ ભાષામાં લિંગવ્યવસ્થા જોવા મળતી નથી. એકંદરે એની વ્યાકરણવ્યવસ્થા સરળ છે અને શબ્દભંડોળમાં ઈરાનિયન, ગ્રીક, ફ્રેન્ચ અને તુર્કી ભાષાના અસંખ્ય શબ્દો સમાવિષ્ટ થયેલા છે.

યોગેન્દ્ર વ્યાસ